વલસાડમાં જૈન મુનિ, સાધ્વીજીને અકસ્માતમાં સ્થળે જ અગ્નિદાહઃ

વલસાડ નજીક ગત સપ્તાહે વહેલી સવારે પારનેરા-અતુલ હાઇવે ઉપર વિહાર કરી રહેલા વલ્લભસૂરી સંપ્રદાય (પંજાબ કેસરી)નાં ગચ્છાધિપતિ આચાર્ય વિજય રત્નાકરસૂરીજી મ.સા. અને સાધ્વી શિલ્પપ્રજ્ઞાજી અકસ્માતમાં કાળધર્મ પામ્યા બાદ તેમની પાલખી યાત્રામાં હજારો જૈનો ઉમટ્યા હતાં. 

જયાં આચાર્યજીનો અકસ્માત થયો હતો, તે સ્થળે જ તેમનાં અંતિમ સંસ્કાર કરવા વલસાડનાં કોઠારી ઉપાશ્રયથી પાલખી યાત્રા નિકળી હતી. ઉલ્લેખનીય છે કે જ્યાં તેમની અંતિમ વિધિ થઇ ત્યાં જ મંદિર બનાવાશે અને નશ્વર દેહને અગ્નિદાહ આપવા માટે અંતિમ સંસ્કાર સ્થળે બોલી લગાવાઇ હતી. જેમાં દિલ્હીના એક જૈન અનુયાયીએ રૂ. ૪૦.૪૦ લાખની બોલી લગાવી હતી.
• કાબુલમાં આતંકવાદી હુમલામાં વલસાડના યુવાનનું મોતઃ અફઘાનિસ્તાના કાબુલ ખાતે રોજગારી અર્થે ગયેલા વલસાડ તાલુકાના યુવાનનું ગત મહિને આતંકી હુમલામાં મોત નિપજ્યું હતું. આ કમભાગી યુવાનનો મૃતદેહ વતન લાવવામાં આવ્યા બાદ તેની નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાબુલ ખાતે અમેરિકન લશ્કરના કેમ્પમાં તાલીબાનોએ આંતકી હુમલો કર્યો હતો. જેમાં વલસાડ તાલુકાના જોરાવાસણ ગામના યુવાન સંદીપ બચુભાઈ પટેલ (૨૭)નું મોત થયું હતું. સંદીપ અમેરિકન લશ્કર દ્વારા શરૂ થયેલા કેમ્પમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત હતો.
• જલાલપોરમાં વિદેશવાસી દ્વારા સફાઈઃ જલાલપોર કાંઠા વિસ્તારના ૨૫ કેનેડાવાસીઓએ વિજલપોર નગરપાલિકાના સફાઈ અભિયાનમાં જોડાયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત અભિયાન’થી પ્રેરાઈને કેનેડામાં સ્થાયી થયેલા ૨૫ લોકો વિધાનસભાના દંડક આર. સી. પટેલ, વિજલપોર નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન જોશી, ઉપપ્રમુખ કારોબારી ચેરમેન, વિવિધ સમિતિની ચેરમેન, શહેરના આગેવાનો દ્વારા ગત સપ્તાહે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
• બિલ્ડરોનું ૫૦ કરોડનું કાળું નાણું મળ્યુંઃ ઇન્કમટેક્સ વિભાગે ગત સપ્તાહે વાપી, ઉમરગામ, દમણ અને સુરતના આઠ બિલ્ડરોના ૧૧ સ્થળો ઉપર સર્વેની કામગીરી શરૂ કરી હતી. સર્વે બાદ તમામ બિલ્ડરોને ત્યાંથી અંદાજીત રૂ. ૫૦ કરોડનું કાળું નાણું પકડવામાં આવ્યું હતું.
• સાધિકા સુરત પોલીસ સમક્ષ હાજર થઇઃ આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર સુરતની યુવતી કામરેજમાંંથી ભેદી રીતે ગુમ થઇ હતી. બાદમાં સુરત જિલ્લા પોલીસ ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરતાં આ યુવતી ગત સપ્તાહે પરિવાર સાથે કામરેજ પોલીસ સ્ટેશને હાજર થઈ હતી. પોલીસ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ આ યુવતીએ સવા વર્ષ અગાઉ સુરત પોલીસમાં આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ અમદાવાદના આશ્રમમાં થયો હોવાથી સુરત પોલીસે આ કેસની તપાસ અમદાવાદ પોલીસને સોંપાઇ હતી. આસારામ અને પુત્ર નારાયણ સાંઈ સામેની ફરિયાદમાં સાક્ષીના જીવનું જોખમ જણાતા તેમને પોલીસ પ્રોટેકશન આપવામાં આવ્યું હતું.

વલસાડમાં જૈન મુનિ, સાધ્વીજીને અકસ્માતમાં સ્થળે જ અગ્નિદાહઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.