સુરક્ષા વિશે વડા પ્રધાનનાં પત્નીને માહિતી આપવા પોલીસનો ઈન્કાર
મહેસાણાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને તેમને અપાયેલા સુરક્ષા કવચ અંગે એક આરટીઆઈ અરજી કરીને માહિતી માગી હતી, પણ મહેસાણા પોલીસે તે આપવાનો ઈનકાર કર્યો છે. પોલીસે કારણ આપ્યું છે કે જશોદાબેને જે સવાલો પૂછ્યા છે તે સ્થાનિક ગુપ્તચર વિભાગ સંબંધિત છે અને તેને આરટીઆઈ એક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લાના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ જે.આર. મોથલીયાએ કહ્યું છે કે તેમણે (જશોદાબેને) જે માહિતી માગી છે તે સ્થાનિક ઈન્ટેલિજન્સ બ્યૂરો સંબંધિત છે તેથી એમને માહિતી આપી શકાય એમ નથી. અમે તેમને આની જાણ કરતો લેખિત સંદેશો મોકલી આપ્યો છે. જશોદાબેને ૨૪ નવેમ્બરે મહેસાણા પોલીસમાં આરટીઆઈ અરજી નોંધાવી હતી અને પોતાને કયા નિયમ હેઠળ, કોના આદેશાનુસાર સલામતીનું કવચ આપવામાં આવ્યું છે તે જણાવતા એ તે દર્શાવતા દસ્તાવેજોની કોપી આપવાની માગણી કરી હતી. જશોદાબેને તેમને આપવામાં આવેલા સુરક્ષા કવચ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
