ઉંમર હોય ગમે તેટલી એક્સરસાઇઝ છે અનિવાર્ય

ઉંમર હોય ગમે તેટલી એક્સરસાઇઝ છ...

­એક્સરસાઇઝ કરવી દરેક ઉંમરે જરૂરી છે. એનાથી શરીરનો વિકાસ થાય છે અને અમુક ઉંમર પછી ફ્લેક્સિબિલિટી, બ્લડ-સક્યુર્લેશન અને વાઇટાલિટી વધે છે. જોકે ઉંમર પ્રમાણે એક્સરસાઇઝનો પ્રકાર બદલાતો રહે એ જરૂરી છે. આજે જોઈએ કઈ ઉંમરે કેવી એક્સરસાઇઝ કરવાનું શરીર માટે લાભકારક છે.

બેથી પાંચ વર્ષની વય
આ ઉંમરે બાળકોનો શારીરિક ગ્રોથ ખૂબ જ ઝડપી હોય છે. આ સમય દરમિયાન બાળકો પોતાના શરીરના વજનનું બેલેન્સ રાખતાં શીખે છે. ભાંખોડિયાં ભરીને ચાલવાથી અથવા વોકિંગ કરવાથી પણ શરીરને એક્સ્ટ્રા એક્સરસાઇઝની જરૂર નથી પડતી. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના રિસર્ચરોએ તારવ્યું છે કે જે બાળકો સાવ ઠંડાગાર થઈને કોઈ જ એક્ટિવિટી વિના બેસી રહેતાં હોય છે એના કરતાં જે બાળકો ચાલવાનો, દોડવાનો, દાદરા ચડવાનો કે કૂદકા મારવાનો પ્રયત્ન કરતાં રહેતાં હોય છે તેમનું શારીરિક સ્વાસ્થ્ય વધુ સારું રહેતું હોય છે.
બેથી પાંચ વર્ષની ઉંમરે બાળકોને માલિશ કરાવતી વખતે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરાવવી જોઈએ. સ્વિમિંગ, ફૂટબોલ કે એના જેવી કસરતો કરાવવાનું પ્રમાણ ૧૫થી ૩૦ મિનિટથી વધુ ન રાખવું જોઈએ.
પાંચથી આઠ વર્ષની વય
આ ઉંમરે હાડકાં હજી એકદમ સ્ટ્રોન્ગ નથી થયાં હોતાં. આથી વેઇટ ટ્રેઇનિંગ કે હેવી એક્સરસાઇઝ કરાવવી જોઈએ નહીં. જોકે સાઇક્લિંગ, સ્વિમિંગ, રનિંગ, ફૂટબોલ જેવી રમતો તેમના શરીરના વિકાસ માટે
ખૂબ જ ઉપયોગી છે. આ દરમિયાન એક્સરસાઇઝની સાથે પોષક ખોરાક પણ એટલો જ અગત્યનો છે.
આ ઉંમરે બાળકોને એરોબિક્સ, યોગ કે વર્કઆઉટ જેવી કસરતો કરાવવી બિનજરૂરી છે. બાળકો પોતાની મેળે બને એટલાં સક્રિય રહીને દિવસ દરમિયાન ઓછામાં ઓછો એક કલાક રમવા માટે ફાળવે એ જરૂરી છે.
આઠથી અઢાર વર્ષની વય
છોકરાઓ અને છોકરીઓ માટે આ હોમોર્નલ પરિવર્તનોનો સમય છે. પ્યુબર્ટી એજ દરમિયાન દર વર્ષે છોકરાઓની લગભગ નવ સેન્ટિમીટર અને છોકરીઓની આઠ સેન્ટિમીટર જેટલી હાઇટ વધે છે. આ દરમિયાન શારીરિક ફિટનેસ જાળવવામાં આવે તો પુખ્ત વયે મેદસ્વિતાથી બચી શકાય છે. આ સમયગાળામાં કોમ્પિટિટિવ સ્પોર્ટ્સ શરીર માટે બેસ્ટ ગણાય. સ્કિપિંગ, બાસ્કેટબોલ, બેઝબોલ, ક્રિકેટ, ફૂટબોલ, બેડમિંટન, લોન ટેનિસ જેવી રમતો શરીર તેમ જ મનના વિકાસને સપોર્ટ કરે છે. આ સમયગાળામાં વર્કઆઉટની જરૂર નથી, પરંતુ ગ્રાઉન્ડ સ્પોર્ટ્સમાં ઓછામાં ઓછો એકથી દોઢ કલાક જેટલો સમય ગાળવો.
અઢારથી ત્રીસ વર્ષની વયે
જો બાળપણમાં એક્ટિવ લાઇફસ્ટાઇલ હોય તો યુવાનીમાં ઓબેસિટીથી આરામથી બચી શકાય છે. ધારો કે ઊંચાઇ અને ઉંમર કરતાં વધુ વજન હોય તો પણ આ સમય દરમિયાન તમે વર્કઆઉટ અને એરોબિક્સથી ઓબેસિટીને કન્ટ્રોલ કરી શકો છો.
આ સમયગાળામાં મસલ બિલ્ડિંગ કરી લેવું જરૂરી છે. આ માટે વેઇટલિફ્ટિંગ અને ફ્લેક્સિબિલિટી વર્કઆઉટ્સથી હાડકાંની ઘનતા જાળવવામાં મદદ થાય છે. યુવાનીમાં હૃદયની મજબૂતી માટે પણ એરોબિક્સ, જોગિંગ, ફાસ્ટ રનિંગ જેવી એક્સરસાઇઝ કરવી જોઈએ. ફ્લેક્સિબિલિટી માટે યોગાસન અને એરોબિક્સ અઠવાડિયામાં પાંચ વાર એક કલાક માટે કરવાં જોઈએ.
ત્રીસથી ચાલીસ વર્ષે
ત્રીસ વર્ષ પછીથી જો તમે આળસુ અને પ્રમાદી જીવન જીવો તો મસલ્સનું પ્રમાણ ઘટવા લાગે છે. દર વર્ષે સરેરાશ એકથી બે ટકા મસલ્સ ઘટતા જાય છે. તમે પચીસ વર્ષની ઉંમરે જેટલી કેલરી લેતા હો એના કરતાં લગભગ ૧૨૫ કેલરી ઓછી લેવી જોઈએ.
સ્ત્રીઓ અને પુરુષો બન્નેમાં પિટ્યુટરી ગ્રંથિમાંથી હોમોર્નનો સ્રાવ થવાનું પ્રમાણ ઓછું થાય છે. આને કારણે સ્નાયુઓ અને હાડકાંની મજબૂતાઈ ધીરે-ધીરે ઘટે છે. આ સમયગાળામાં વેઇટ ટ્રેઇનિંગ અને શરીરની સ્ટ્રેન્ગ્થ માટેની ટ્રેઇનિંગ ખૂબ જ અગત્યની બને છે. આ સમયગાળામાં વેઇટ ટ્રેઇનિંગ કે એરોબિક્સ માત્ર પાતળા રહેવા માટે જ નથી, પરંતુ એનાથી હાડકાંની ઘનતા અને મજબૂતાઈ વધે છે. ફ્લેક્સિબિલિટી માટે આ સમયગાળામાં વધુ પ્રયત્નો કરવા જરૂરી છે.
અત્યાર સુધીની ઉંમરમાં જો તમે એક્સરસાઇઝમાં ઠાગાઠૈયા કરો તો કદાચ ચાલી જાય છે, પરંતુ પાછલી જિંદગીમાં સ્વસ્થ શરીર ટકાવી રાખવા માટે ત્રીસીના દાયકામાં કસરત માટે એક્સ્ટ્રા સજાગ રહેવું જરૂરી છે.
ચાળીસથી પચાસ વર્ષે
આ દાયકામાં સ્ત્રીઓ મેનોપોઝમાં પ્રવેશે છે અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટવા લાગે છે. ચાલીસીમાં હાડકાં નબળાં પડવાનું વધુ ઝડપી બને છે. ફાસ્ટ વોકિંગ અને એક કલાક માટેની સ્ટ્રેચિંગ અને ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ મસ્ટ ગણાય.
૬૦ વર્ષથી મોટી ઉંમરે
ઉંમર વધતી જાય એમ શરીરમાંથી લિક્વિડ તત્વો ઘટતાં જાય છે. સાંધાઓ વચ્ચેનું કાર્ટિલેજ નબળું પડે છે અને ટિશ્યુ નબળા પડવા લાગે છે. આ ઉંમરે પણ સ્વસ્થ રહેવા માટે સક્રિય રહેવું જરૂરી છે. ઓછામાં ઓછું અડધો કલાક માટે ચાલવું એ સાંધાઓને બળ આપનારું છે. હાર્ટની તકલીફોમાં પણ એ ફાયદાકારક છે. હાડકાં મજબૂત કરવા માટે વેઇટ ટ્રેઇનિંગ આ ઉંમરે શરૂ કરવી એ શરીર માટે ફાયદાકારક નહીં, પરંતુ હાનિકારક બની શકે છે.

ઉંમર હોય ગમે તેટલી એક્સરસાઇઝ છ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.