જોક્સનાં કેરેક્ટરો પલ્ટી મારે!

જોક્સનાં કેરેક્ટરો પલ્ટી માર

સ્ટેન્ડ-અપ કોમેડિયનો અને લાફટર-શો જોઈને ખી-ખી કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં મોબાઈલુંમાં ફરતી જોક્સું વાંચીને દાંત કાઢતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

જોક્સની દુનિયા અનોખી છે. એમાં પ્રોફેસરો હંમેશાં ભુલકણા હોય, મારવાડીઓ હંમેશાં કંજૂસ હોય છે, અને સન્તા-બન્તા હંમેશાં ડફોળ હોય! પરંતુ જો આ પ્રખ્યાત પાત્રો તેમનાં બીબાંઢાળ પાત્રાલેખનમાંથી બહાર નીકળીને કંઈક કરવા જાય તો કેવી જોક્સ બને? પ્રસ્તુત છે કેટલીક ‘કૂતરાની વાંકી પૂંછડી’ જેવી જોક્સ.

બિહારનો ચેસ ચેમ્પિયન

‘સન્તા અને બન્તા ચેસ રમતા હતા’ એવી એક જોક છે. પરંતુ ‘બે બિહારીઓ ચેસ રમતા હતા’ એવી એકેય જોક નથી! કારણ કે બિહારીઓને ચેસ એટલે શું એ જ ખબર નથી હોતી!

પણ એક વાર બિહારનો મન્નુ યાદવ ઇન્ડિયાનો ચેસ ચેમ્પિયન બન્યો! ત્યારે બિહારના તમામ લોકો તાનમાં આવી ગયા! મન્નુ યાદવના સન્માનમાં ભવ્ય સમારંભ યોજાયો. જેમાં ખુદ લાલુ યાદવે તેમના ભાષણમાં કહેવા લાગ્યાઃ

‘હમરા મન્નુ સારે ભારત કા ચેસ ચેમ્પિયન હુઈ ગવા હૈ! હમ બહુત ખુશ હૂં! ક્યોંકિ અબ સારે ભારત મેં ઇ જોક ફૈલ જાયેગી કિ દો બિહારી ચેસ ખેલ રહે થે!’

લોકોએ તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો.

‘મગર સમસ્યા ઇ હૈ કિ વો દૂસરા બિહારી કહાં હૈં?’ લાલુ યાદવે સવાલ કર્યો અને આખી સભામાં સન્નાટો છવાઈ ગયો!

‘ઇસલિયે...’ લાલુ યાદવે ઘોષણા કરી, ‘હમ ફૈસલા કિયા હૂં કિ સારે બિહારમેં ચેસ ખેલને કે વાસ્તે પચાસ બડે બડે મૈદાન બનાયે જાયેંગે!’

લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો.

‘ઇતના હી નહીં...’ લાલુ યાદવે કહ્યું, ‘ઉન પચાસોં મૈદાનો કે આસપાસ બડે બડે સ્ટેડિયમ બનાયે જાયેંગે. તાકિ સારે બિહાર કી જનતા ચૈસ કા યે ખેલ દેખ સકે!’

લોકોએ વધુ તાળીઓ વગાડી. ત્યાં મન્નુ યાદવ લાલુ યાદવ પાસે આવ્યો અને તેમને ધીમે અવાજે કાનમાં કહ્યું કે, ‘લાલુજી, ચેસ રમવા માટે સ્ટેડિયમની જરૂર નથી પડતી! એ તો એક ટેબલ અને બે ખુરશી ઉપર એક નાનકડા રૂમમાં પણ રમી શકાય!’

આ સાંભળતાં જ લાલુ યાદવનું મોં પડી ગયું અને તેઓ સ્ટેજ પરથી ઊતરીને જવા લાગ્યા. મન્નુ યાદવે પૂછયું, ‘લાલુજી, ક્યા હુઆ?’

લાલુ યાદવે ઝભ્ભો ખંખેરતાં કહ્યું, ‘અરે ઇ ચેસ તો બડા ઘટિયા ખેલ હૈ! છોટે છોટે કમરે બનાનેમેં હમકો કા મિલેગા?’

ગુજરાતનો બોક્સિંગ ચેમ્પિયન

દાળભાતીયા ગુજરાતીઓ કદી બોક્સિંગ ચેમ્પિયન બની જ ના શકે. પણ એક બની ગયો! ગુજરાતના શ્રી મો. ળા. દાળભાતવાળા વર્લ્ડ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી લાવ્યા! તેના સમાચાર છાપાઓમાં છપાયા! પરંતુ તેનાથી ગુજરાતીઓના પેટનું પાણી પણ ન હલ્યું, કારણ કે તેનાથી શેરબજારના ઇન્ડેક્સ ઉપર કોઈ જ ફરક નહોતો પડ્યો!

‘શ્રી મો. ળા. દાળભાતવાળાભાઈ, આ તમે જે બોક્સિંગ ચેમ્પિયન બન્યા એમાં તમને શું મળ્યું?’

‘મને આ કપ મળ્યો.’

‘એમ નહીં. તમને પૈસા કેટલા મળ્યા?’

‘પૈસો તો એક પણ નથી મળ્યો. ઊલટું મને ખાસ્સો એવો ખર્ચો થયો. અહીંથી શિકાગો વિમાનમાં આવવા-જવાનો ખર્ચો, હોટેલનું ભાડું, ટેક્સીભાડાં અને બોક્સિંગ ફેડરેશનની ફી... આ બધું મળીને મને પાંચેક લાખનો ખર્ચો થયો. અને ફાઈનલ મેચના છેલ્લા રાઉન્ડમાં મારો એક દાંત પણ પડી ગયો!’

‘અરેરે, એક દાંત પડાવવા માટે પાંચ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા? મને પહેલાં કહેવું’તું ને? એક ડેન્ટિસ્ટ આપણા ઓળખીતા છે, એ સસ્તામાં પાડી આપત!’

દાનેશ્વરી મારવાડી

એક અબજપતિ છતાં મહાકંજૂસ મારવાડી શેઠની કેબિનમાં હું બેઠો હતો. ત્યાં એક સામાજિક સંસ્થાવાળા એક નિશાળ બાંધવા માટે દાન માગવા આવ્યા. મોટુમલજીએ એમને એક કરોડ રૂપિયાનો ચેક લખી આપ્યો!

થોડી વાર પછી એક બીજી સંસ્થાવાળા એક હોસ્પિટલ બાંધવા માટે દાન માગવા આવ્યા. મોટુમલજીએ એમને બે કરોડ રૂપિયાનો ચેક લખી આપ્યો!

હું હજી આશ્ચર્યમાંથી બહાર આવું એ પહેલાં એક મહિલાસંસ્થાની બહેનો એક મહિલા આશ્રમ માટે દાન માગવા આવી. મોટુમલજીએ એમને ત્રણ કરોડ રૂપિયાનો ચેક લખી આપ્યો!

બહેનોના ગયા પછી મેં મોટુમલજીને કહ્યું, ‘તમે તો મહાન દાનેશ્વરી છો! તમારું તો જાહેરમાં સન્માન કરવું જોઈએ. અને તેના માટે એક ભવ્ય સમારંભનું આયોજન કરવું જોઈએ!’

‘સમારંભ ગોઠવવો હોય તો આજે જ ગોઠવો!’ મોટુમલજીએ તરત જ કહ્યું, ‘અથવા તો પછી મોડામાં મોડો કાલે ગોઠવી નાખો!’

‘કેમ કેમ?’

‘કારણ કે પરમ દિવસે તો આ બધા જ ચેક બાઉન્સ થવાના છે!’

ગણિતશાસ્ત્રી બન્ટાસિંઘ

ફગવાડાના બન્ટાસિંઘ ફેમસ થઈ ગયા હતા. દેશ-વિદેશમાં તેમણે પોતાના ગણિતની અદ્ભુત શક્તિ વડે ધૂમ મચાવી દીધી હતી. બન્ટાસિંઘ બાવીસ આંકડાની રકમનો ગુણાકાર બીજી બાવીસ આંકડાની રકમ વડે કરીને ફક્ત બે જ મિનિટમાં જવાબ આપી દેતા હતા! તેત્રીસ આંકડાની સંખ્યાને તેંતાલીસ આંકડાની સંખ્યા વડે ભાગીને ફક્ત ત્રણ જ મિનિટમાં જવાબ હાજર કરી દેતા હતા!

બન્ટાસિંઘની ખ્યાતિ સાંભળીને પંજાબના લોકોને થયું કે બન્ટાસિંઘનું આખા પંજાબમાં ગામેગામ સન્માન થવું જોઈએ. બસ, બન્ટાસિંઘનો મહિનાનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો. એક દિવસ ચંડીગઢ તો બીજે દિવસે લુધિયાણા!

ફગવાડાના સરદારજીઓને થયું કે આપણા ગામનો સરદાર આટલો ફેમસ થયો છે તો એને આપણા ફગવાડામાં પણ બોલાવવો જ જોઈએ. બધા સરદારજીઓએ નક્કી કર્યું કે બન્ટાસિંઘને એવો અઘરો સવાલ પૂછવો જોઈએ કે ખુદ બન્ટાસિંઘ ફાંફે ચડી જાય!

સમારંભમાં સરદારજીઓએ બન્ટાસિંઘને પૂછયું કે, ‘બોલો બન્ટાસિંઘ, એક વત્તા એક કેટલા થાય?’

બન્ટાસિંઘ મૂંઝાઈ ગયા. ‘એક વત્તા એક?’ બન્ટાસિંઘની બુદ્ધિ બહેર મારી ગઈ. ‘એક વત્તા એક કેટલા થાય?’

હકીકતમાં વાત એમ હતી કે છેલ્લા એક મહિનાથી પંજાબમાં રહીને પંજાબી પરોઠા-સબ્જી ખાઈખાઈને બન્ટાસિંઘનું ભેજું બીજા સન્તા-બન્તાઓ જેવું જ થઈ ગયું હતું.

‘બોલો બન્ટાસિંઘ, એક વત્તા એક કેટલા થાય?’ સભામાં સરદારજીઓ ગેલમાં આવી ગયા.

બન્ટાસિંઘની સાથે એમની બેબી પણ હતી. એને થયું કે પપ્પાને મદદ કરવી જોઈએ. એટલે બેબીએ બન્ટાસિંઘને હિન્ટ આપી, ‘પાપાજી, આપકી આંખે કિતની હૈ?’

બન્ટાસિંઘ ગૂંચવાયા. ‘આંખે? વો... તો...’

બેબીએ વધુ હિન્ટ આપવા માંડી, ‘આપકે હાથ કિતને હૈ? પાપાજી, આપકે કાન કિતને હૈ? આપકે પૈર કિતને હૈ?’

બન્ટાસિંઘ ચિડાયા. કહે, ‘એ તો અરીસામાં જોયા વિના કેવી રીતે ખબર પડે?’

યાદશક્તિવાળા પ્રોફેસર

બધા પ્રોફેસરો ભુલકણા હોય છે એવું મેણું ભાગનાર એક પ્રોફેસર પેદા થયો હતો. પ્રોફેસરની યાદશક્તિ ગજબની હતી. ૫૦૦ પાનાંની એક ચોપડી વાંચી જાય એટલે એમને તે પાંચ વરસ પછી પણ આખેઆખી યાદ હોય! ૨૦૦૦ પાનાની ડિકશનરીમાં કયો શબ્દ કયા પાના ઉપર છે તે કહી આપે!

આ પ્રોફેસર એક નાનકડા શહેરમાં પ્રવચન આપવા પધાર્યા. હોલમાં પગ મૂકતાંની સાથે જ તેમણે કહ્યું, ‘બરાબર ૧૦ વર્ષ, ૭ મહિના અને ૧૧ દિવસ પહેલાં હું આ હોલમાં પ્રવચન આપવા આવ્યો હતો. તે વખતે હોલમાં બેઠેલા પ્રેક્ષકોની સંખ્યા ૧,૩૨૭ હતી. મારું પ્રવચન બરાબર ૭.૨૭ વાગ્યે શરૂ થયું હતું અને ૯.૨૯ વાગ્યે પૂરું થયેલું. બરાબર?’

આયોજકો અચંબામાં પડી ગયા.

‘અને હા, તે દિવસે વરસાદ હતો. હું સ્ટેશનથી અહીં સુધી એક સાઇકલરિક્ષામાં બેસીને આવેલો અને-’ અચાનક પ્રોફેસર બોલતાં અટકી ગયા અને હોલની બહાર જવા લાગ્યા.

‘શું થયું પ્રોફેસર?’ આયોજકોએ પૂછયું, ‘ક્યાં જાઓ છો?’

‘મારી છત્રી લેવા! તે વખતે હું અહીં મારી છત્રી ભૂલી ગયો હતો... લેડીઝ ટોઇલેટમાં!’

મન્નુભાઈ હેમખેમ

અને પેલી વાત તો તમે સાંભળી જ હશે કે મન્નુ શેખચલ્લી પઠાણકોટમાં એક મુશાયરામાં ભાગ લેવા ગયા હતા અને સ્ટેજ પરથી પોતાની તમામ કવિતાઓ વાંચી સંભળાવ્યા છતાં તેઓ હેમખેમ પાછા ફર્યા હતા!

શું પઠાણોનો સ્વભાવ બદલાઈ ગયો છે?

ના. તે વખતે માઇક બગડી ગયું હતું!

•••

લ્યો ત્યારે, ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!

જોક્સનાં કેરેક્ટરો પલ્ટી માર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.