દોસ્તીના નવા અધ્યાયનો આરંભ

દોસ્તીના નવા અધ્યાયનો આરંભ...

હૈદરાબાદ હાઉસમાં ‘ચાય પે ચર્ચા’ દરમિયાન પ્રમુખ બરાક ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના ભારત પ્રવાસે આવતા બન્ને દેશો વચ્ચેની મિત્રતામાં સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે. ભારતના ૬૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલા બરાક ઓબામાના રોકાણ દરમિયાન બન્ને દેશોએ નાગરિક પરમાણુ કરાર, સંરક્ષણ, રિન્યુએબલ એનર્જી, ક્લાયમેટ ચેન્જ સહિત અનેક મહત્ત્વના કરારોને મંજૂરીની મહોર મારી છે તો સાથોસાથ અનેક ક્ષેત્રે સહયોગના દ્વાર પણ ખોલ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘કેમ છો, પ્રાઇમ મિનિસ્ટર...’ કહીને અમેરિકામાં આવકારનાર પ્રમુખ ઓબામાએ ભારતપ્રવાસ દરમિયાન ‘નમસ્તે, મેરા પ્યારભરા નમસ્કાર...’ કહીને ભારતીયોના દિલ જીતી લીધા હતા. જોકે સહુ કોઇની નજરનું કેન્દ્ર બની હતી બન્ને દેશના વડાઓ વચ્ચેની કેમિસ્ટ્રી. એકદમ હળવાશભર્યા માહોલમાં મળેલા બન્ને નેતાઓએ એકબીજાના કાર્યકૌશલ્યની ભરપૂર પ્રશંસા કરીને એકબીજાને બિરદાવ્યા હતા.

Obama with Modi 3

ઓબામા રવિવારે સવારે પાલમ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પ્રોટોકોલ તોડી વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું. તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે પણ નવેમ્બર ૨૦૧૦માં પ્રોટોકોલ તોડી ઓબામાનું સ્વાગ્ત કર્યું હતું.

પ્રમુખ ઓબામાની ભારત મુલાકાતના પ્રારંભ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની દોસ્તી સ્પષ્ટ વર્તાવા લાગી હતી. રવિવારે સવારે ઓબામાને આવકારવા નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પહોંચ્યા ત્યારથી બંને વચ્ચેના અંગત સંબંધો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા હતા.

ભારતના સ્વાતંત્ર્યના ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકી પ્રમુખ પ્રજાસત્તાક પર્વની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઓબામા અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ સંપૂર્ણ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સશસ્ત્ર દળોની સલામી ઝીલી હતી. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું ત્યારબાદ છ અમેરિકી પ્રમુખ ભારતની મૂલાકાત લઈ ચૂક્યા છે, જેમાં એકમાત્ર બરાક ઓબામા એવા પ્રમુખ છે જેઓ બીજી વાર ભારતની મુલાકાતે આવ્યા છે. અગાઉ નવેમ્બર ૨૦૧૦માં ઓબામા ભારત પ્રવાસે આવ્યા હતા. વડા પ્રધાન મોદીના આમંત્રણને માન આપીને ઓબામા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થવા ભારત આવ્યા હતા.

Obama with Modi 2

પ્રમુખ ઓબામાએ ભારતની ધરતી પર પગ મૂક્યો કે વડા પ્રધાન મોદીએ તેમને ઉષ્માભેર આલિંગન આપીને એવી તો જાદુની ઝપ્પી આપી કે ઓબામા તેમના પર આફરીન થઈ ગયા.

હૈદરાબાદ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં બંનેએ એકબીજાની ભરપૂર પ્રશંસા કરી હતી. તો સંયુક્ત નિવેદન દરમિયાન બંનેએ એકબીજાને ફર્સ્ટ નેમથી સંબોધન કરી ઉષ્મા વ્યક્ત કરી હતી. મોદીએ ઓબામાને બરાક કહીને સંબોધ્યા હતા તો ઓબામાએ મોદીને મોદી તરીકે સંબોધિત કરીને ગાઢ દોસ્તીનો ઉલ્લેખ કર્યો હતો.
‘નમસ્તે, મેરા પ્યારભરા નમસ્કાર’
દોસ્તીનો સંકેત આપતાં ઓબામાએ પત્રકાર પરિષદને સંબોધનની શરૂઆત હિન્દીમાં કરી. પ્રમુખ ઓબામાએ જણાવ્યું હતું, ‘નમસ્તે મેરા પ્યારભરા નમસ્કાર...’ સંબોધનના અંતે ઓબામાએ જણાવ્યું હતું કે ચલેં સાથ સાથ... મોદીની પ્રશંસા કરતાં ઓબામાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે અમેરિકામાં મેડિસન સ્કવેર ખાતે મોદીનું સ્વાગત એક બોલિવૂડ સ્ટારની જેમ થયું, મોદી એક બોલિવૂડ સ્ટારથી કમ નથી.
મોદી સાથે મુલાકાતો અંગે ઓબામાએ જણાવ્યું હતું કે અમે બંને ભેગા થઈએ છીએ ત્યારે એવી વાતો કરીએ છીએ કે તમને સૂવા માટે કેટલો સમય મળે છે? મને તો એમ લાગે છે કે મોદીને સૂવા માટે મારા કરતાં ઓછો સમય મળે છે. ઓબામાના જવાબથી મોદી હસી પડ્યા હતા. યૂક્રેન અંગે ઓબામાએ જણાવ્યું હતું કે અમે રશિયાને નબળું પાડવા કે તેના અર્થતંત્રને તોડી પાડવા ઇચ્છતા નથી, પરંતુ કોઈ મોટો દેશ નાના દેશને ધમકાવે પણ નહીં. રશિયા સાથે યુદ્ધનો ઇરાદો નથી. અફઘાનિસ્તાનના પણ અમે મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર બનવાના છીએ.
અમેરિકા ભારતનો સૌથી સારો દોસ્ત
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અમેરિકા ભારતનો સૌથી સારો દોસ્ત છે. છેલ્લા કેટલાક મહિનામાં બરાક ઓબામા અને નરેન્દ્ર મોદી જ નહીં, પરંતુ વોશિંગ્ટન અને નવી દિલ્હી પણ અત્યંત નિકટ આવી ગયા છે. મોદીએ જણાવ્યું હતું કે અમે વારંવાર મળીએ છીએ તેની સામે સવાલ ઉઠે છે, પરંતુ બે નેતાઓના સંબંધો કાગળ પરના પૂર્ણવિરામ અને અલ્પવિરામ પર નિર્ભર રહેતા નથી. બંને વચ્ચેની કેમેસ્ટ્રી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે અમે એકલા હોઈએ છીએ ત્યારે એકબીજાને સારી રીતે ઓળખી શકીએ છીએ.
બંને નેતાઓની ગુપ્ત મુલાકાતોમાં કેવા પ્રકારની વાતો થાય છે તેવા સવાલના જવાબમાં મોદીએ હસતા હસતા કહ્યું હતું કે જ્યાં સુધી આ પ્રકારની વાતોનો સવાલ છે તેને પડદા પાછળ જ રહેવા દો. બરાક અને મારી વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ છે. અમારી નિખાલસતાને કારણે અમે વાત કરી લઈએ છીએ અને ગપ્પાં પણ મારી લઈએ છીએ.
સાથે મળી ઇતિહાસનું નિર્માણ
ઓબામાના માનમાં રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા ભવ્ય ડિનર પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસના પર્વ નિમિત્તે આપની હાજરી ભારત અને યુએસના સંબંધોને વધુ મજબૂત બનાવશે કે જે આ બંને દેશની લોકશાહીને જોડી રાખશે, આપણે સાથે મળી સારા ભવિષ્ય માટે એક ઇતિહાસ રચવા જઇ રહ્યા છીએ. અમેરિકાના પ્રમુખ ઓબામા માટે રાષ્ટ્રપતિ ભવનમાં અત્યાર સુધીમાં કોઇ પણ રાષ્ટ્રપતિ દ્વારા યોજાયેલું સૌથી મોટું ડિનર હતું. ડિનરમાં ૨૫૦થી વધુ મહેમાનોએ ભાગ લીધો હતો. ભોજનમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિતના મોટા ગજાના નેતાઓ જોડાયા હતા. આ પ્રસંગે ઓબામા દંપતીની ઔપચારિક મુલાકાત જાણીતા ઉદ્યોગપતિઓ સહિતના મહેમાનો સાથે કરાવવામાં આવી હતી.
મોદી સરકાર ઝૂકી ગઈ?ઃ કોંગ્રેસ
ભારત–અમેરિકા વચ્ચે પરમાણુ કરારની ઘોષણા બાદ મોદી સરકારે દેશનાં હિતો સાથે સમજૂતી કરી હોવાના આક્ષેપો પણ થયા છે. કોંગ્રેસે મોદી સરકારને અમેરિકા સાથે કરાયેલા પરમાણુ અને ક્લાઈમેટ ચેન્જ સોદા પર સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે કહ્યું હતું કે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે તેણે દેશના હિતો સાથે સમજૂતી તો નથી કરીને?
વિદેશ સચિવ સુજાતા સિંહે જાહેરાત કરી કે બંને દેશો વચ્ચે પરમાણુ કરાર સમજૂતી થઈ છે અને કોઈ પણ દુર્ઘટનાની સ્થિતિમાં ચાર ભારતીય વીમા કંપનીઓ ૭૫૦ કરોડ આપશે જ્યારે બાકી રૂ. ૭૫૦ કરોડ રૂપિયા ભારત સરકાર આપશે. આ પછી એવો આક્ષેપ થયો હતો કે ભારત સરકાર અમેરિકી માગણી સામે ઝૂકી છે.
મીડિયામાં છવાયો ભારત પ્રવાસ
પ્રમુખ ઓબામાની ભારત મુલાકાતને અમેરિકા અને પાકિસ્તાનનાં મીડિયામાં વ્યાપક સ્થાન મળ્યું છે. જ્યારે ચીન શંકાની નજરે જોઇ રહ્યું છે. અમેરિકાનાં અગ્રણી અખબારો ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ અને ‘વોશિંગ્ટન પોસ્ટ’ જેવાં અખબારોએ ઓબામાની ભારત મુલાકાતને નવો અધ્યાય ગણાવી છે. ‘વોશિંગ્ટન પોસ્ટ’એ બરાક ઓબામા અને નરેન્દ્ર મોદી વચ્ચેના અંગત સંબંધોને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો માટે મહત્ત્વના ગણાવ્યા છે, તો ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’એ ઓબામાની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે તેવો આશાવાદ સેવ્યો છે. પાકિસ્તાનનાં અખબારોએ ઓબામાની ભારત મુલાકાતને એક મોટો ઘટનાક્રમ ગણાવ્યો હતો. જોકે એશિયાની સૌથી મોટી આર્થિક શક્તિ ગણાતું ચીન ઓબામાની ભારત મુલાકાતને શંકાની નજરે જોઇ રહ્યું છે. ચીનની સત્તાવાર થિન્ક ટેન્કનું માનવું છે કે ચીન પર લગામ કસવા માટે ઓબામાની ભારત મુલાકાતનું આયોજન કરાયું છે.
નેતાઓની ‘મન કી બાત’

Obama with Modi 6

મંગળવારે બન્ને નેતાઓના સંયુક્ત સંબોધન ‘મન કી બાત’નું પ્રસારણ ૬૦ કરતાં વધુ ભાષામાં થયું હતું, જે બે અબજથી વધુ લોકોએ સાંભળ્યું હોવાનું મનાય છે.

પ્રમુખ ઓબામાનો ત્રણ દિવસનો ભારત પ્રવાસ ભલે સમાપ્ત થઇ ગયો, પરંતુ ભારતની જનતા સાથેનો તેમનો સંવાદ જારી છે. અગાઉથી નક્કી કાર્યક્રમ હેઠળ ઓબામા અને મોદીના ‘મન કી બાત’નું પ્રસારણ મંગળવારે સાંજે આઠ વાગ્યે થયું હતું. સંબોધનની શરૂઆત મોદીએ કરી. જેમાં તેમણે સૌથી પહેલા અમેરિકન પ્રમુખના નામનો અર્થ જણાવ્યો. અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનની શરૂઆત નમસ્તે શરૂ કરી હતી. ઓબામાએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે ભારત-અમેરિકા રાષ્ટ્રીય સહભાગી છે, કારણ કે આપણામાં ઘણું સમાન છે. તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે હું વડા પ્રધાન મોદીની વ્યક્તિગત પ્રતિબદ્ધતાને બિરદાવું છું. બાદમાં બન્ને નેતાઓએ શ્રોતાઓએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. નોંધનીય છે કે મોદીએ ૨૨ જાન્યુઆરીએ જ તેમના ટ્વીટર હેન્ડલ પર લોકો પાસેથી પ્રશ્નો મંગાવ્યા હતા.

દોસ્તીના નવા અધ્યાયનો આરંભ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.