નોર્થ વેલ્સમાં શીખ યુવક પર હુમલાની નિંદા
મોલ્ડઃ નોર્થ વેલ્સના ફ્લિન્ટશાયરના નાના ટાઉન મોલ્ડમાં ટેસ્કો સુપરમાર્કેટમાં ૧૪ જાન્યુઆરીએ ૨૫ વર્ષીય ડેન્ટિસ્ટ સરણદેવ ભામ્બ્રા પર હુમલાની ઘટનાને ધ સિટી શીખ નેટવર્ક દ્વારા વખોડી કઢાઈ છે. ભારે ઈજા સાથે સરણદેવ હજુ હોસ્પિટલમાં છે.
દેખીતી રીતે વંશીયતાપ્રેરિત અને કોઈ ઉશ્કેરણી વિના કરાયેલા હુમલાના સંપૂર્ણ સંજોગો હજુ બહાર આવ્યા નથી. શીખ નેટવર્કે આ ઘટના મુદ્દે સોશિયલ મીડિયા પર અટકળો ન કરવા લોકોને અનુરોધ કર્યો છે. શકમંદની ધરપકડ કરાઈ છે અને ટ્રાયલની હંગામી તારીખ જૂન મહિનાની છે. મોલ્ડમાં ૨૨ જાન્યુઆરીની રાત્રે વંશીયતાવિરોધી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ૧૦૦થી વધુ સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. યુકેમાં પોતાની સલામતી અંગે ચિંતિત શીખ લોકોને સ્થાનિક પોલીસ ફોર્સનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો હતો.
