પ્રિન્સ અોફ વેલ્સની પોટર્સબાર જૈન દેરાસરની ઐતિહાસિક મુલાકાત અને અહિંસા એવોર્ડથી સન્માન

પ્રિન્સ અોફ વેલ્સની પોટર્સબા

તા. ૨૨ જાન્યુઅારી ૨૦૧૫ની સવારે લંડનના પોટર્સબાર ખાતે અાવેલ વિશાળ અોશવાળ સેન્ટર અને યુ.કે.ના પ્રથમ ભવ્ય સંગેમરમરના શિખરબંધી જૈન દેરાસરમાં પ્રિન્સ અોફ વેલ્સનું અાગમન અને નવા સ્વરૂપે તૈયાર થયેલ અોશવાળ હોલનું ઉદ્ઘાટન, ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજીના ૨૫ વર્ષ અને દેરાસરના ૧૦ વર્ષ, એમ સિમા ચિહ્ન સમા અવસરોનો ત્રિવેણી સંગમ જૈનોના ઇતિહાસનું સોનેરી સોપાન બની ગયા.

તા. ૨૨ જાન્યુઅારી ૨૦૧૫ની સવારે લંડનના પોટર્સબાર ખાતે અાવેલ વિશાળ અોશવાળ સેન્ટર અને યુ.કે.ના પ્રથમ ભવ્ય સંગેમરમરના શિખરબંધી જૈન દેરાસરમાં પ્રિન્સ અોફ વેલ્સનું અાગમન અને નવા સ્વરૂપે તૈયાર થયેલ અોશવાળ હોલનું ઉદ્ઘાટન, ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજીના ૨૫ વર્ષ અને દેરાસરના ૧૦ વર્ષ, એમ સિમા ચિહ્ન સમા અવસરોનો ત્રિવેણી સંગમ જૈનોના ઇતિહાસનું સોનેરી સોપાન બની ગયા.

પ્રિન્સ અોફ વેલ્સના ભાવભીના સ્વાગત અને જૈન દેરાસરની મુલાકાતથી કાર્યક્રમનો શુભારંભ થયો. ભગવાનના દર્શન બાદ દેરાસરની સ્થાપત્યકલા અને કોતરણીના નિષ્ણાત અાશના સંઘરાજકાએ દેરાસરની એક-એક પેટર્નની મહત્તા તથા વિશેષતા પર પ્રકાશ પાડ્યો. એ વેળા પ્રચાર માધ્યમોના ફોટોગ્રાફરો અને રીપોર્ટરો પણ પ્રિન્સની તસવીરો ઝડપી લેવા દોડાદોડી કરી રહ્યા હતા.

દેરાસરની મુલાકાત બાદ અોશવાળ સેન્ટરના નવા સ્વરૂપે તૈયાર થયેલ હોલમાં ૩૦૦થી વધુ જૈન સંસ્થાઅોના અગ્રણીઅો, કોમ્યુનીટી સભ્યો, ઇન્ટર ફેઇથના પ્રિતિનિધિઅો તેમજ પ્રતિષ્ઠિત અામંત્રિતો અાતુરતાથી રાહ જોતા હતા ત્યાં પ્રિન્સનું અાગમન થયું. સૌને વ્યક્તિગત મળી વાતચીત કરતા હસ્ત ધૂનન કર્યું એ બધા માટે અવિસ્મરણીય લ્હાવો બની ગયો.

પ્રિન્સ સહિત સૌનું હાર્દિક સ્વાગત કરતા ચેરમેન શ્રી નેમુભાઇ ચંદરિયાએ જણાવ્યું કે, IOJની જૈન ધર્મની ફિલોસોફી અને મૂલ્યોના પ્રચાર-પ્રસાર અર્થે શરૂઅાત થઇ હતી. એ સાથે યુ.કે.ની ૩૦ જૈન સંસ્થાઅો સંકળાયેલ છે.

અા સંસ્થા જૈનો વતી સરકારમાં અને ઇન્ટરફેઇથ બાબતોમાં પ્રતિનિધિત્વ કરે છે. મહાત્મા ગાંધીજીના જન્મ દિનની યાદમાં અમે ૨૦૦૨થી બીજી અોક્ટોબરે હાઉસ અોફ કોમન્સમાં અહિંસા એવોર્ડ અાપવાનો શરૂ કર્યો છે. માનવ, પ્રાણી અને પર્યાવરણ પ્રત્યે સવિશેષ કરૂણા અને સહિષ્ણુતા દાખવી અનુકંપા રાખનાર વ્યક્તિને અા એવોર્ડથી નવાજાય છે. જૈન ધર્મનું હાર્દ પૃથ્વી પરના તમામ જીવો પ્રત્યે કરૂણા અને અહિંસા દાખવવાનું છે.

ડો. મેહુલ સંધરાજકા (જૈનપીડીયા પ્રોજેક્ટના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર)એ જણાવ્યું કે, “અાંતરિક અને અાંતરરાષ્ટ્રીય સ્તરે માનવ-માનવ વચ્ચે વધી રહેલ હિંસાચારના કટોકટીભર્યા સમયે અાપે (પ્રિન્સ) એ નાથવા કરેલ પ્રયાસો સરાહનીય છે. કુદરતી વાતાવરણ બચાવના અાપ પુષ્ટીકર્તા છો અને ભવિષ્યમાં એનું અસ્તિત્વ ટકાવી રાખવા સજાગ બની એના અમલીકરણ માટે જોરદાર અપીલ કરી પોતાના નિર્ધારિત લક્ષ્યાંક માટે કટીબધ્ધ બન્યા છો ઉપરાંત વિશ્વના ધર્મો વચ્ચે સમજ અને એકસૂત્રતા કેળવાય એ માટે ધર્મ-ધર્મ વચ્ચે ઇન્ટર ફેઇથ ડાયલોગને પ્રોત્સાહન અાપી અાપેલ અનુદાનની કદર અા અહિંસા એવોર્ડથી કરીએ છીએ.” એમ જણાવી પ્રિન્સ અોફ વેલ્સને સવિશેષ ‘અહિંસા’ એવોર્ડ IOJના ચેરમેન શ્રી નેમુભાઇ ચંદરિયા અને અોશવાળ એસોસિએશન યુ.કે.ના પ્રેસિડેન્ટ શ્રી રક્ષિતભાઇ એચ શાહના હસ્તે એનાયત થયો અને ઉપસ્થિત સૌ કોઇએ તાળીઅોના ગડગડાટથી એને વધાવી લીધો. અને પ્રિન્સના વરદ્ હસ્તે નવા હોલની તક્તિ ખુલ્લી મૂકાઇ ત્યારે સૌના ચહેરા પર ગૌરવ અને અાનંદની લાગણી સ્પષ્ટ વરતાતી હતી.

પ્રિન્સની અા સિમાચિહ્ન સમી મુલાકાતની સ્મૃતીરૂપે બનાવાયેલ એક બુક પણ ભેટ અપાઇ.

પ્રિન્સ અોફ વેલ્સે અા એવોર્ડ સ્વીકાર્યા બાદ સભાને સંબોધતા હ્દયસ્પર્શી વક્તવ્યમાં જણાવ્યું કે, “બહેનો અને ભાઇેઅો, મને અહિંસા એવોર્ડ એનાયત કરવાની અાપની ઉદારતાથી હું અભીભૂત થયો છું. અા અણમોલ ધરતીમાતાના અસ્તિત્વને ટકાવી રાખવામાં અહિંસા એ પાયાનો અને પાવન સિધ્ધાંત છે. અાપ તો એનું પાલન કરો છો પરંતુ વિશ્વના બધા જ પ્રજાજનોએ એ અનુસરવા જેવો છે.

તમે મને તમારા નવા સ્વરૂપે તૈયાર થયેલ હોલના ઉદ્ઘાટનની તક્તિનું અનાવરણ કરાવ્યું, ભવ્ય દેરાસરની મુલાકાત કરાવી જૈન સ્થાપત્ય અને શિલ્પકલાનો પરિચય કરાવી ઉપકૃત કર્યો છે. તમારા દેરાસરની પ્રતિકૃતિઅોમાં કંડારાયેલ ચિત્રોમાં કુદરતનું અસ્તિત્વ કેવી રીતે અન્યોન્ય અાધારિત છે એ જોઇ-જાણી મને વિસ્મય થયું.

અા બિલ્ડીંગના એકેએક ઇંચ બાંધકામમાં વિશ્વની બધી જ મહાન પવિત્ર પરંપરાઅો પ્રતબિંબિત થાય છે એ જાણી ગૌરવ થયું. તમારી પોતાની પરંપરા જ સૂચવે છે કે, પરમ તત્વ એક જ છે અને એ સુધી પહોંચવાની દરેક પરંપરાની પધ્ધતિ અલગ હોઇ શકે છે. સાચું કહું તો કોઇને નકારવાને બદલે “પરાયાપણાની” બીજાની ભાવનનાને શરમમાં મૂકવી એવું જૈન દર્શનમાં સ્પષ્ટ દર્શાવાયું છે. એક સજાગ નાગરિક તરીકે અા સંદેશ વિશ્વભરમાં પ્રસારવાની જરૂરત છે.

અા અને અન્ય સદીઅો પુરાણી ભૌગોલિક સંબંધી વિવિધ સંસ્કૃતીઅોની વિચારસરણી અને સિધ્ધાંતોની અવગણના કરવી અાધુનિક જગતમાં પાલવે એમ નથી. અાપણું જીવન એકબીજા અાધારિત છે (પરસ્પરોગ્રહો જીવાણામ્) એ સહિત જૈનના સિધ્ધાંતો અનેકાન્તવાદ (બધા જ પોતપોતાની રીતે સાચા) તેમજ અહિંસામાં મૈત્રીભાવ સમાયેલ છે એનું મહત્વ સમજવાની જરૂર છે.

એક અમુક ધર્મના નામે ભયાનક હિંસા દ્વારા લાખો નિર્દોષોના જાન લેવાય છે તે એ ધર્મના મૂળ સ્થાપકના સંદેશની ઉપેક્ષા સમાન છે, શરમજનક છે. હિંસાની અા પરાકાષ્ટાને પરાજય કરવાનો સમય પાકી ગયો છે. સૌએ સાથે મળી વિશ્વમાં શાંતિનો સંદેશ પ્રસરાવાનો છે.

ઇંગ્લીશ કન્ટ્રીસાઇડના એક ખૂણામાં તમે ૮૦ એકરની વિશાળ જગ્યામાં નિરવ શાંતિ અને કુદરતના સાન્નિધ્યમાં અા સુંદર મંદિર તેમજ સેન્ટર ઉભુ કરી સ્થાનિક સ્કૂલો, ઇન્ટરફેઇથ માટે જૈન ધર્મની સમજ કેળવવા જે તે ધર્મના વડાઅોને અામંત્રો છો, તથા ભાવિકો માટે ધાર્મિક પૂજન માટેની સુવિધા ઉભી કરવાનું અાશીર્વાદરૂપ કાર્ય કર્યું છે. નાગરિક તરીકેની તમારી સજ્જતા અને સૌજન્ય મારા હ્દયને સ્પર્શી ગયા છે. અાપે મારૂં સન્માન અને સ્વાગત કર્યું એ માટે હું અાપનો અાભારી છું.

અર્થસભર વક્તવ્ય બાદ બહેનોએ સ્વહસ્તે બનાવેલ શુધ્ધ શાકાહારી સ્વાદિષ્ટ જૈન ભોજનનો અાસ્વાદ માણી મધુર યાદો સાથે ગૌરવભેર સૌ વિખરાયા.

0000000

પ્રિન્સ અોફ વેલ્સને સવિશેષ ‘અહિંસા’ એવોર્ડ એનાયત કરતા IOJના ચેરમેન શ્રી નેમુભાઇ ચંદરિયા

૦૦૦૦૦૦૦ 

પ્રસ્તુત તસવીરમાં ડાબેથી ડો. મેહુલ સંધરાજકા (જૈનપીડીયા પ્રોજેક્ટના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર), તક્તીનું અનાવરણ કરતા પ્રિન્સ અોફ વેલ્સ તેમજ જમણે અોશવાળ એસોસિએશન યુ.કે. ના પ્રેસિડેન્ટ શ્રી રક્ષિતભાઇ એચ શાહ

૦૦૦૦૦૦૦

પ્રિન્સ અોફ વેલ્સની પોટર્સબા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.