આગામી IPLમાં બે નવી ટીમ જોવા મળી શકે છે
નવી દિલ્હીઃ જો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની માન્યતા રદ થશે તો તેના સ્થાને આઈપીએલમાં નવી ટીમો સામેલ કરાશે. આઇપીએલના ચેરમેન રંજીબ બિસ્વાલે ચુકાદા બાદ આ જાહેરાત કરી હતી. બિસ્વાલે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અમે આ અંગે વિચારણા કરી રહ્યા છીએ. અમને કોઈ મુશ્કેલી નથી, પરંતુ જોવાનું રહેશે કે ટૂર્નામેન્ટના આયોજનમાં કોમર્શિયલ સહાયકોને કોઈ પ્રકારની અગવડ ના પડે.
તેમણે જણાવ્યું હતું કે બીસીસીઆઇએ એ બાબત પણ જોવાની છે કે ત્રણ સભ્યોની સમિતિ ફ્રેન્ચાઈઝીની સાથે સાથે ગુરુનાથ મયપ્પન્ તથા રાજ કુંદ્રા અંગે કયો નિર્ણય લે છે. ભૂતપૂર્વ ચીફ જસિટ્સ આર. એમ. લોધાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યની તપાસ સમિતિ રચી છે.
બિસ્વાલના જણાવ્યા અનુસાર આગામી આઇપીએલ ટુર્નામેન્ટ આઠમી એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ સંબંધમાં કોઈ પણ નિર્ણય વર્કીંગ કમિટીની બેઠકમાં જ લેવાશે. ફ્રેન્ચાઈઝી ટીમોને ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધીમાં જાણકારી આપી દેવાશે. એક ફ્રેન્ચાઈઝીના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે તપાસ સમિતિ શું નિર્ણય લેશે તેની અમને ચિંતા છે. ટીમોના પ્રતિબંધ બાદ ટુર્નામેન્ટના કાર્યક્રમમાં કેટલો વિલંબ થશે તેના પર તમામની નજર રહેશે.
એક અન્ય ફ્રેન્ચાઇઝીના અધિકારીએ જણાવ્યું હતું કે કયો નિર્ણય લેવાશે તે જોવાનું રહેશે. જેમ કે, પૂણે તથા કોચી ટસ્કર્સ પરના પ્રતિબંધ બાદ તેના ખેલાડીઓની હરાજી કરાઇ હતી. જ્યારે ડેક્કન ચાર્જર્સનું નામ બદલીને તેને ખરીદવામાં આવી હતી.
