ભારત-અમેરિકાઃ સંબંધના નવા સમીકરણ

અમેરિકી પ્રમુખ ઓબામાના ભારત પ્રવાસે દ્વિપક્ષી સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. નાગરિક પરમાણુ કરાર સાતેક વર્ષથી મતભેદો વચ્ચે અટવાતો હતો, પર આખરે બન્ને દેશોએ સર્વસ્વીકૃત માર્ગ કાઢ્યો છે. 

તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહે ૨૦૦૮માં કરારનો પાયો નાખ્યો હતો, નરેન્દ્ર મોદીએ તેને અમલના તબક્કે પહોંચાડ્યો. સમજૂતી આડે અનેક અવરોધ હતા. પણ ઘીનાં ઠામમાં ઘી પડી ગયું છે. બન્ને નેતા હળ્યા, મળ્યા અને કરાર આગળ ધપાવ્યો. કરાર બન્ને દેશના હિતમાં હોવાથી વચલો માર્ગ કાઢ્યા વગર છૂટકો પણ નહોતો. કરારથી ભારતમાં સસ્તા દરે વીજળી પેદા થશે તો અમેરિકી ઉદ્યોગોને ટેક્નોલોજી-પ્લાન્ટની નિકાસથી અબજો ડોલરનો વેપાર મળવાનો છે. બન્ને દેશોએ આ સિવાય પણ કરારો કર્યા છે.
જોકે આ તો થઇ નરી આંખે દેખાતા લાભની વાત. સોદા-કરારોને તો રૂપિયા કે ડોલરના ત્રાજવે તોળી શકાય તેમ છે, પણ દ્વિપક્ષીય સંબંધોમાં વધેલા ભરોસોનું મોલ આંકડાઓમાં આંકી શકાય તેમ નથી. અમેરિકી પ્રમુખનો બીજો ભારત પ્રવાસ જ દર્શાવે છે કે વિશ્વસ્તરે ભારતનું વજન વધી રહ્યું છે. ઓબામા અને મોદી વચ્ચેના સંબંધોમાં જોવા મળેલી ઉષ્મા, બન્ને નેતાઓએ એકદમ હળવાશભર્યા માહોલમાં કરેલી મંત્રણાની વિશ્વભરમાં નોંધ લેવામાં આવી છે. ચીન અને પાકિસ્તાનમાં તો ખાસ. નિષ્ણાતોના મતે, વિશ્વતખ્તે નવી ધરી આકાર લઇ રહી છે. ભારત-અમેરિકી સંબંધોમાં જોવા મળેલી નિકટતા આર્થિક મહાસત્તા (ચીન) સામે પડકાર બનશે. બન્ને પડોશી દેશોએ ભારત સાથેના સંબંધોમાં હંમેશા બેધારી નીતિ અપનાવી હોવાથી ભારત-અમેરિકી સંબંધો ગાઢ બનતાં તેમના પેટમાં તેલ રેડાય તે સમજાય તેવું છે. બન્ને દેશના માધ્યમોમાં પણ આ વાત જોવા મળે છે.
પાકિસ્તાનના મીડિયાએ, ભારતપ્રવાસ દરમિયાન અમેરિકી પ્રમુખના વાણી-વર્તન સંદર્ભે એવો સૂર વ્યક્ત કર્યો છે કે સત્તાના ખેલમાં ઓબામાનો ભારતપ્રવાસ અમેરિકાની વિદેશ નીતિમાં નિર્ણાયક બદલાવનો સંકેત આપે છે. ચીનના મીડિયામાં પણ કંઇક આવો જ સૂર છે. ચીનના માધ્યમો માને છે કે ઓબામાના પ્રવાસનો ઉદ્દેશ ભારતનો ચીન સામે ઉપયોગ કરવાનો વધુ એક પ્રયાસ છે. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’એ તો ચીન અને ભારત બન્ને માટે ચેતવણી ઉચ્ચારી છે કે તેઓ પશ્ચિમે બિછાવેલી જાળમાં ફસાય નહીં. અખબારે લખ્યું છે કે પશ્ચિમી જગતનો ઇરાદો ચીની ડ્રેગન અને ભારતીય હાથીને કાયમી પ્રતિસ્પર્ધી દર્શાવવાનો છે. ચીન અને ભારત આવું નથી ઇચ્છતા, પણ ભારત પશ્ચિમના પ્રભાવથી અંજાઇ રહ્યું છે. પાકિસ્તાન હોય કે ચીન, ભારતને અમેરિકાથી અંજાઇ ન જવાની સલાહ આપે છે, પણ તેઓ દુખે છે પેટ અને કૂટે છે માથું. ખરેખર તો તેમને આ દ્વિપક્ષી નિકટતાથી સ્વહિત જોખમાતું જણાય છે. ચીન અને પાકિસ્તાનના શાસકોએ સમજવું રહ્યું કે ભારત એક સક્ષમ અને સશક્ત રાષ્ટ્ર બનીને ઉભરી રહ્યું છે ત્યારે તેમણે પણ બેવડી નીતિ પડતી મૂક્યા વગર છૂટકો નથી. પહેલો સગો પડોશી કંઇ અમસ્તું નથી કહેવાયું.

ભારત-અમેરિકાઃ સંબંધના નવા સમીકરણ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.