ફિક્સિંગમાં મારી સામે કોઈ પુરાવા નથીઃ ધોની

સિડનીઃ ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અંગે આખરે ચૂપકીદી તોડતાં જણાવ્યું હતું કે મારી સામે (સ્પોટ ફિક્સિંગમાં સંડોવણીના) ભલે કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ મારા નામ અંગે થઈ રહેલી વિવિધ ચર્ચા તથા અટકળો ટૂંક સમયમાં પૂરી થાય તેવું હું માનતો નથી.
આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરનાર ધોનીનું નામ હિતોના ટકરાવ અંગે સતત ચમકતું રહ્યું છે, જોકે તેણે છેલ્લે બે વર્ષથી આ અંગે ચુપકીદી સેવી રાખી હતી. અટકળો થતી રહી છે કે તેનું નામ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ તથા સટ્ટાબાજી વિવાદમાં મુદગલ સમિતિના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયેલા ૧૩ ખેલાડીઓમાં છે.
ઓસ્ટ્રેલિયા સામે સોમવારે રમાનારી ત્રિકોણીય શ્રેણીની મેચની પૂર્વ સંધ્યાએ ધોનીએ જણાવ્યું હતું કે ફિક્સિંગનો મામલો પૂરી થઈ ગયો હોવા છતાં કશુંક નવું તૈયાર કરી લેવાશે. ભારતીય ક્રિકેટની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે મારું નામ સંડોવવામાં આવે છે તેની મને ખબર છે અને હું હવે આ બાબતથી ટેવાઈ ગયો છું.
