સોહા-કુણાલે પ્રભુતામાં પગલા માંડ્યા
અંતે સોહા અલી ખાને ૨૫ જાન્યુઆરી, વસંત પંચમીએ પોતાની પાંચ વર્ષ નાના વાગ્દત કુણાલ ખેમુ સાથે દાંપત્ય જીવન શરૂ કર્યું છે. ૩૬ વર્ષીય સોહાએ ગયા વર્ષે પેરિસમાં સગાઈ કરી હતી. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગાઢ સંપર્કમાં હતાં. ખેમુએ ટ્વિટર કહ્યું હતું કે તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આપ સૌનો આભાર. હવે આ સત્તાવાર છે! ૩૧ વર્ષીય ખેમુનું સફેદ-સોનેરી શેરવાની અને સિલ્કના સાફામાં રજવાડી વ્યક્તિત્વ જણાતું હતું. લગ્નમાં શર્મિલા ટાગોર, સૈફ અલી ખાન, સબા અને કરીના કપૂર ખાન હાજર રહ્યા હતા. કરીનાએ ગુલાબી રંગની સાડી પહેરી હતી, જ્યારે સૈફએ સફેદ અચકન અને ચુડીદારમાં પોતાના નવાબી ઠાઠને જાળવી રાખ્યો હતો.
કેટરિના માટે પ્રજ્ઞાચક્ષુ ફોટોગ્રાફરની કમાલ
કહેવાય છે કે, કેમેરા દ્વારા તસવીર લેવા માટે દૃષ્ટિ હોવી જરૂરી છે. પરંતુ એક અંધ ફોટોગ્રાફરે અનોખું કાર્યું કર્યું છે. ફોટોગ્રાફર ભાવેશ પટેલે ભારતીય ગ્લેમર વર્લ્ડની આકર્ષક અભિનેત્રી કેટરિના કૈફનું ફોટો શૂટ કર્યું છે. તેણે એક જાહેરાત માટે કેટની તસવીરો લીધી છે, જે એટલી સુંદર છે કે તેને દેખીને કોઇને પણ શંકા પડે નહીં કે નેત્રહીને આ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે.
આ વિજ્ઞાપનનો એક વીડિયો પણ લેવાયો છે. જેમાં ભાવેશે કહ્યું હતું કે, મને જ્યારે આ કંપનીએ પ્રથમવાર ફોટોશૂટ કરવા બોલાવ્યા ત્યારે મને પણ આશ્ચર્ય થયું હતું. મારા માટે આ બહુ મોટા સમ્માનની વાત હતી. અંધ હોવાથી મારી પાસે કોઇ ફોટોગ્રાફી કરાવે તેવી મને આશા નહોતી.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, કેટરિનાના ફોટો જોઇને કોઇ વિશ્વાસ નહીં કરે કે તેને મેં પાડ્યા છે. અમારા ડાયરેકટરે પ્રસંશા કરતાં કહ્યું હતું કે, આ તસવીરો જોઇને એવું લાગે છે કે કોઇ દેખતા ફોટોગ્રાફરનું આ કામ છે. મારા માટે આ વાક્ય જ બહુ મોટી વાત હતી.
