આસારામની જામીન અરજી હાઇ કોર્ટે ફગાવીઃ

સુરતની યુવતી ઉપર બળાત્કાર કરવાના કેસમાં જેલમાં બંધ આસારામની હંગામી જામીન અરજી ગુજરાત હાઇ કોર્ટે ગત સપ્તાહે ફગાવી છે.

સુરતની યુવતી ઉપર બળાત્કાર કરવાના કેસમાં જેલમાં બંધ આસારામની હંગામી જામીન અરજી ગુજરાત હાઇ કોર્ટે ગત સપ્તાહે ફગાવી છે. આસારામે ભાણિયાના મોત બાદ અંતિમવિધિ માટે ૩૦ દિવસના જામીન માગ્યા હતા. અગાઉ ગાંધીનગરની કોર્ટે પણ જામીન અરજી ફગાવી હતી. ત્યારબાદ તેમણે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. સરકારે રજૂઆત કરી હતી કે, મૃતકના બે ભાઇઓ હયાત છે તે અંતિમવિધિ કરી શકે તેમ છે. વધુમાં સાધકો દ્વારા અગાઉ જાહેરમાં હિંસા કરાયાના બનાવો બની ચૂક્યા છે. આથી કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહિ તે માટે જામીન આપવા જોઇએ નહિ.

કે. જી. બેઝિનમાં રૂ. ૧૩ હજાર કરોડ ખર્ચ છતાં પરિણામ શૂન્યઃ આંધ્રપ્રદેશના કે.જી. બેઝિનમાંથી ઓઇલ અને ગેસ કાઢવા માટે રાજ્ય સરકારે અંદાજે રૂ. ૧૩ હજાર કરોડનો ખર્ચ કર્યો હોવા છતાં તેમાં પરિમાણ શૂન્ય આવ્યું હોવાનું સરકારે જણાવ્યું છે. વિધાનસભા ગૃહમાં કે.જી. બેઝિન પાછળના ખર્ચ અને તેનું કયારે ઉત્પાદન થશે તે અંગે કોંગ્રેસના શૈલેષ પરમારે ઉઠાવેલા પ્રશ્નનો સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, ડિસેમ્બર-૨૦૧૪ની સ્થિતિએ કે.જી. બેઝીનમાં કેજી-ઓએસએન-૨૦૦૧-૩ બ્લોકમાંથી ઉત્પાદન શરૂ કરાયું નથી. આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી રૂ. ૧૩ હજાર કરોડ કરતા વધુ ખર્ચ થયો છે.

સરકારી વિમાન-હેલિકોપ્ટર પાછળ રોજના રૂ. એક લાખનો ખર્ચઃ રાજ્ય સરકારના પ્રધાનો જેમાં હવાઇ પ્રવાસ કરે છે તે વિમાન અને હેલિકોપ્ટર પાછળના ઓપરેશન અને મેઇન્ટેનન્સ ખર્ચ રોજનો ૧,૧૮,૯૩૮નો થાય છે. વિમાન પાછળ વર્ષે સરેરાશ રૂ. બે કરોડ વપરાય છે. જયારે હેલિકોપ્ટર પાછળ વર્ષે સરેરાશ રૂ. ૨.૩૬ કરોડનો ખર્ચ થાય છે. વિધાનસભામાં અપાયેલી આ માહિતી અંગે કોંગ્રેસે એવો કટાક્ષ કર્યો છે કે, શિક્ષકો અને પોલીસ જવાનની ૭૮૦૦ જેવા ફિક્સ પગારથી ભરતી કરાય છે અને બીજી તરફ આવી જંગી રકમ ઉડવાના સાધનો પાછળ સરકાર વાપરી રહી છે.

રાજ્યમાં માવઠાથી ૧.૮૦ લાખ હેક્ટરમાં પાકને નુકસાનઃ ગુજરાતમાં ગત મહિને પડેલા માવઠા અને કરા પડવાની ઘટનામાં ખેતીને થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડુ સોમવારે ગાંધીનગર આવ્યા હતાં. જ્યાં તેમણે મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાને ગુજરાતમાં ૧.૮૦ લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયાનું અને રપથી પ૦ ટકા સુધીના નુકસાનીવાળા ખેડૂતોને પણ સહાય ચુકવવા રજૂઆત કરી હતી. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, પ્રધાનમંડળના વરિષ્ઠ સભ્યો તથા અધિકારીઓ સાથે વેંકૈયાનાયડુએ સમીક્ષા બેઠક યોજી હતી.

ગુજરાત કોંગ્રેસની નવી ટીમ જાહેરઃ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસનું જૂનું પ્રદેશ માળખું તાત્કાલિક અસરથી રદ કરી તેના સ્થાને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નેતૃત્ત્વમાં નવી ટીમ જાહેર કરી છે. જેમાં ૭ ઉપપ્રમુખ, ૮ મહામંત્રી, એક ખજાનચી, ચાર પ્રવક્તા સહિત પાંચ સેલના અધ્યક્ષની નિમણૂક કરી છે. પ્રવક્તાઓમાં ડો. હિમાંશુ પટેલ, નિશિત વ્યાસ તથા ડો. મનિષ દોશી તથા રેખાબહેન ચૌધરીનો સમાવેશ થાય છે.

વાયબ્રન્ટ સમિટ પછી હજ્જારો પ્રોજેક્ટ્સ રદ્દ થયાઃ ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વર્ષ ૨૦૦૩થી ૨૦૧૩ દરમિયાન યોજેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં કુલ ૩૦,૧૧૦ સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. જેના ૫૦ ટકા એટલે કે ૧૫,૨૯૦ પ્રોજેક્ટસ જ ઉત્પાદનમાં ગયા હતા. પરંતુ આ પ્રોજેક્ટ્સ ઉત્પાદનમાં ગયા બાદ તેના અડધા એટલે કે ૮૨૭૨ પ્રોજેક્ટ્સ ખસી જતાં ગુજરાતને ઔદ્યોગિક વિકાસમાં મોટો ફટકો પડ્યો છે.

અમદાવાદમાં સાંઇબાબાનું મંદિર તોડવા હાઇ કોર્ટનો હુકમઃ અમદાવાદના થલતેજ વિસ્તારમાં સાલ હોસ્પિટલની સામે સરકારી જમીન પર બનેલું સાંઇબાબાનું મંદિર તોડી પાડવા ગુજરાત હાઇ કોર્ટે હુકમ કર્યો છે. દોઢ મહિનામાં આ દબાણ દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોર્ટે જણાવ્યું છે. કોર્પોરેશને થોડા સમય અગાઉ મંદિરના ટ્રસ્ટને નોટિસ આપી હતી. આ નોટિસને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે કોર્પોરેશનના નિર્ણયને યોગ્ય ઠેરવીને મંદિર નિયમિત કરવાની ટ્રસ્ટની અરજી ફગાવી હતી. હવે આ મામલો ઉપલી કોર્ટમાં જાય તેવી સંભાવના છે.

કલોલ નવજીવન મિલના કામદારોને વળતર ચૂકવવા આદેશઃ ભારતનું માન્ચેસ્ટર ગણાતા અમદાવાદે પોતાની આગવી ઓળખ ગુમાવી છે. ૨૫ વર્ષ અગાઉ બંધ થયેલી કલોલની નવજીવન મિલના કામદારોને હાઇ કોર્ટે ૨૫ વર્ષે વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ૨૦૬૮ જેટલા કામદારોને હાઇ કોર્ટે ૭ કરોડ ૩ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. નજીવન મિલના કુલ લેણા ૧૧ કરોડ હતા. જેમાં અગાઉ રૂ. ૨ કરોડ ચૂકવાયા છે. બાકીના નીકળતા લેણા પૈકી હવે રૂ. ૭ કરોડ ૩ લાખ રૂપિયા ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો.

વિમાનમાં સીટ નીચેથી ત્રણ કિલો સોનું મળ્યુંઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત સપ્તાહે દુબઈથી આવેલી સ્પાઇસ જેટની ફ્લાઇટ નં. ૦૧૬માંથી દાણચોરીનું અંદાજે રૂ. ૮૦ લાખની કિંમતનું ત્રણ કિલો સોનું મળી આવ્યું હતું. ફ્લાઇટમાં સીટ નીચે આ સોનું કોણે મૂકી ગયું તેની તપાસ થઇ રહી છે. આ સોનું કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટે જપ્ત કર્યું છે. આ ફ્લાઈટમાં સોનાની દાણચોરી થવાની હોવાની માહિતી અમદાવાદ એરપોર્ટ પરના કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટને મળી હતી. આ બાતમીના આધારે ફ્લાઇટમાં સઘન ચકાસણી હાથ ધરી હતી.

આસારામની જામીન અરજી હાઇ કોર્ટે ફગાવીઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.