જ્ઞાતિ-જાતિ છોડો, આર્થિક માપદંડ અપનાવો

ભારતીય રાજકારણમાં વધુ એક વખત મતબેન્કનું પલડું વજનદાર પુરવાર થયું છે. રાજસ્થાન સરકારે ગુર્જર સમુદાયને અનામતમાં આવરી લેવાની જાહેરાત કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કરેલી ૪૯ ટકાની સીમાથી ઉપરવટ જઇને ગુર્જરોને પાંચ ટકા વિશેષ અનામત આપવાનો નિર્ણય ભલે આમ આદમીને સમજાય તેવો ન હોય, પણ શાસક પક્ષ માટે તો  લાભકારક છે જ. 

ભારતીય રાજકારણમાં વધુ એક વખત મતબેન્કનું પલડું વજનદાર પુરવાર થયું છે. રાજસ્થાન સરકારે ગુર્જર સમુદાયને અનામતમાં આવરી લેવાની જાહેરાત કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કરેલી ૪૯ ટકાની સીમાથી ઉપરવટ જઇને ગુર્જરોને પાંચ ટકા વિશેષ અનામત આપવાનો નિર્ણય ભલે આમ આદમીને સમજાય તેવો ન હોય, પણ શાસક પક્ષ માટે તો લાભકારક છે જ. એક તરફ શાસકો નોકરી-શિક્ષણમાં જ્ઞાતિ-જાતિના આધારે અનામતની જોગવાઇ હોવી જોઇએ કે નહીં તે મુદ્દે ચર્ચા કરતા રહે છે અને બીજી તરફ, નોકરીઓમાં દસ વર્ષ માટે જ લાગુ કરાયેલી અનામત પ્રથાને સાતેક દસકા બાદ આગળ ધપાવી રહ્યા છે. એટલું જ નહીં, તેમાં નવી નવી જ્ઞાતિ-જાતિઓને ઉંમેરી રહ્યા છે, જેથી પછાત જાતિઓ ‘વિકાસની મુખ્ય ધારાઓમાં સામેલ થઇ શકે’ અને પોતાની મતબેન્ક પણ મજબૂત થાય. અનામત હંમેશા ગરીબોના વિકાસના નામ પર આપવામાં આવે છે, પરંતુ તેનો લાભ ઉઠાવે છે સંપન્ન વર્ગ.
અહીં સવાલ એ છે કે જો રાજકીય પક્ષોની નીતિરીતિમાં મતબેન્કની રાજનીતિ જ સર્વોચ્ચ સ્થાને હોય તો પછી દરેક જ્ઞાતિ-જાતિને તેની સંખ્યાના આધારે અનામત આપી જ દો. પરંતુ શું આવું કરવાથી દરેક જ્ઞાતિ-જાતિનો વિકાસ થઇ જશે? દરેક જ્ઞાતિ-જાતિના એ વર્ગને અનામતનો લાભ મળી જશે ખરો કે જેમને ખરેખર તેની સૌથી વધારે જરૂર છે? સવાલ અનેક છે, જવાબ એકેય નથી. રાજકીય પક્ષોએ નોકરીઓમાં તો અનામતની જોગવાઇ કરી જ, સંસદ અને વિધાનસભાઓમાં પણ જ્ઞાતિ-જાતિના સમીકરણોને આધારે અનામત આપી દીધું છે. આ બધું મતોના રાજકારણની રમતથી વિશેષ કંઇ નથી. રાજકારણીઓને કોઇ પણ ભોગે સત્તાનું સુખ જોઇએ છે અને તેના માટેના આ કારસા છે. લોકોને અનામત પ્રથા સામે વાંધો નથી, વંચિતો-કચડાયેલા વર્ગનો ખરેખર વિકાસ થતો હોય તો અવશ્ય આવી જોગવાઇ કરવી જોઇએ, પરંતુ સાથોસાથ એ પણ નક્કી થવું જોઇએ કે તેનો લાભ કોને મળશે અને ક્યાં સુધી મળશે. જરૂરતમંદને શિક્ષણ, નોકરી જેવા ક્ષેત્રે અનામતનો લાભ મળવો જ જોઇએ, પણ ‘જરૂરતમંદ’ની વ્યાખ્યા નક્કી કરવાનો માપદંડ જાતિ આધારિત નહીં, આર્થિક હોવો જોઇએ. આર્થિક નબળા વર્ગને અનામતનો લાભ આપો, પછી ભલેને કોઇ પણ જાતિનો હોય. બાકી જ્ઞાતિ-જાતિના આધારે અનામત આપવાનો રાજકીય ખેલ ચાલતો રહ્યો તો એ દિવસો દૂર નથી કે જ્યારે દેશમાં બે વર્ગ આમનેસામને હશે અને તે પણ ખુલ્લંખુલ્લા. ૧૯૯૦માં મંડળ પંચની ભલામણો સામે દેશભરમાં અનામતવિરોધી આંદોલન ફાટી નીકળ્યું હતું તે કોઇએ ભૂલવું જોઇએ નહીં. દેશને અશાંતિની આગમાં શેકાતો બચાવવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ એ છે કે શાસકો રાજકીય લાભ લણવાની લાલચથી બચે અને જાતિગત અનામતના બદલે આર્થિક અનામતની જોગવાઇ અમલમાં મૂકે. આમાં કમજોરને તાકાત મળશે, યોગ્યતાનું સન્માન થશે અને, દેશને આજે જેની સૌથી વધુ જરૂર છે તેવો, આપસી ભાઇચારો પણ વધશે.

જ્ઞાતિ-જાતિ છોડો, આર્થિક માપદંડ અપનાવો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.