‘ટાઇટેનિક’ ગુજરાતીમાં!

ફોરેનમાં બેસીને કાકડીફૂલ ઇંગ્લીશવાળાં પિકચરો જોતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ઇંગલીશ પિકચરનાં હિન્દી ડબિંગમાંય ફાંફાં મારતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ફોરેનમાં બેસીને કાકડીફૂલ ઇંગ્લીશવાળાં પિકચરો જોતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ઇંગલીશ પિકચરનાં હિન્દી ડબિંગમાંય ફાંફાં મારતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

એક તો આપણને અંગ્રેજીમાં ફાંફાં, એમાં પાછા લગભગ ડઝન ઓસ્કર જીતેલી ‘ટાઇટેનિક’ જોવા ગયા! એ જોઈને અમે આખે આખી ટાઇટેનિક ગુજરાતીમાં બનાવી નાંખી છે! જુઓ...

બહુમાળી જહાજ

મુંબઈના બંદરે એક તોતિંગ જહાજ ઊપડવાની તૈયારીમાં છે. ટિકિટો માટે લાઈનો લાગી છે. ચારે બાજુ પડાપડી થઈ રહી છે.

‘ચલો ભઈ એક કા તીન, એક કા તીન!’ ટિકિટોના બ્લેક બોલાઈ રહ્યા હતા. રેલવે પ્લેટફોર્મ ઉપર જે રીતે ટિકિટો વેચાતી હોય તે જ રીતે અહીં પણ વેચાઈ રહી હતી. ‘ફર્સ્ટ ક્લાસ કી ટિકિટ ચાહિયે? સેકન્ડ એ.સી. ચાહિયે? થર્ડ ક્લાસ મેં બારી કા સીટ મંગતા ક્યા? ચલો ચલો એક કા તીન, એક કા તીન!’

‘એક રૂપિયાની ટિકિટ? સસ્તી કહેવાય!’

‘એક રૂપિયો નહીં સાહેબ, એક હજાર રૂપિયા!’

‘એક હજાર રૂપિયા? ફર્સ્ટ ક્લાસની રૂમનો ભાવ છે?’

‘ના રે ભાઈ, આ તો બેઝમેન્ટની ખોલીનો ભાવ છે!’

‘ઓહ! વાંધો નહીં. લો આ હજાર રૂપિયા.’

‘એ મિસ્ટર, હજાર રૂપિયા આખી ખોલીનો નહીં, એક ચોરસફૂટનો ભાવ છે!’

‘બાપ રે! પણ આટલા બધા ઊંચા ભાવનું કંઈ કારણ?’

‘કારણ સાવ સાદું છે. મુંબઈના બિલ્ડરોએ આ જહાજ બાંધ્યું છે!’

‘સમજાઈ ગયું! તો હવે એમ કહો કે બેઝમેન્ટની એક ખોલી કેટલામાં પડે?’

‘સાત ફૂટ બાય બે ફૂટની એક કોલી તમને પાંત્રીસ હજારમાં પડે!’

‘પાંત્રીસ હજાર કેવી રીતે? ચૌદ હજાર નહીં?’

‘ના સાહેબ, પાંત્રીસ હજાર. અહીં સુપર-બિલ્ટ-અપ એરિયાનો ભાવ લાગુ પડે છે!’

હીરોની એન્ટ્રી

જહાજ ઊપડવાની અણી ઉપર છે ત્યાં જ થર્ડ ક્લાસના કંપાર્ટમેન્ટમાં શાહરુખ ખાન જેવા દેખાતા હીરોની એન્ટ્રી થાય છે.

‘એ ભાઈ, આ નેવ્યાસી નંબરની સીટ ખાલી કરો! એ સીટ મારી છે!’

‘અરે હોતું હશે? બુકિંગ ચાર્ટમાં તો લખ્યું છે કે આ સીટના મુસાફરનું નામ કાદર ખાન છે અને તેની ઉંમર ૬૪ વર્ષની છે.’

‘તે કદાચ ખાન હું જ છું અને મારી ઉંમર ૬૪ વર્ષની છે!’

‘પણ એવું કેવી રીતે બને?’

‘કેમ ન બને? આ ટિકિટ મેં બુકિંગ એજન્ટ પાસે બુક કરાવડાવી હતી! આ તો સારું છે કે મારું નામ મિસિસ કાદર ખાન નથી!’ હીરોએ પોતાનો સામાન ગોઠવતાં કહ્યું, ‘આ તો ઠીક છે કે ટાઈટેનિક છે, બાકી તમે કોઈ દિવસ ગુજરાત એક્સપ્રેસમાં મુસાફરી કરી હોય તો ખબર પડે!’

હિરોઈનને આપઘાત કરવો છે

રાતના સન્નાટામાં હિરો જહાજના તૂતક ઉપર એકલો બેઠો છે. ગિટાર વગાડી રહ્યો છે. ત્યાં એક ગોરી રૂપાળી હિરોઈન આવે છે. એ રેલિંગ પર ચડીને આપઘાત કરવાની તૈયારી કરે છે. ત્યાં આપણો હિરો આવી ચડે છે.

‘ઓ બહેન, જરા ઊભાં રહો! તમે શા માટે આપઘાત કરવા માગો છો? બારમામાં નપાસ થયાં? કોમર્સ કોલેજમાં એડમિશન નથી મળતું? બ્યુટીપાર્લરવાળીએ તમારી આઈ-બ્રો ત્રાંસી કરી નાખી? કે સુનિલ શેટ્ટીએ તમને લવ-લેટર લખ્યો છે?’ હિરોએ પ્રશ્નોની ઝડી વરસાવી.

હિરોઇને ભોળાભાવે જવાબ આપ્યો. ‘જુઓ ભાઈ, હું એક ઇંગ્લિશ પિક્ચરની હિરોઇન છું. જેની સાથે મારાં લગ્ન થવાનાં છે તે વિલન મને નથી ગમતો. હું તેને જરાય પ્રેમ નથી કરતી એટલે હું આપઘાત કરવા માગું છું.’

‘એક મિનિટ, એક મિનિટ... કંઈક ગડબડ લાગે છે.’ હીરો બોલ્યો, ‘તું ઇંગ્લિશ પિક્ચરની નહીં, પણ હિંદી પિક્ચરની હિરોઇન લાગે છે! ઇંગ્લિશ પિક્ચરની હિરોઇનો તો આઠ-દસ વાર લગ્ન કરે છે. એમાં પ્રેમની વાત ક્યાં આવી?’

‘ના! હું ઇંગ્લિશ પિક્ચરની હિરોઇન જ છું!’

‘એક કામ કરીએ.’ હીરોએ તોડ કાઢ્યો, ‘જો તું મારો લંબાવેલો હાથ પકડીને પાછી ઉપર આવી જઈશ તો તું હિંદી પિક્ચરની હિરોઇન હોઈશ, નહીંતર ઇંગ્લિશ પિક્ચરની!’

હિરોઇન હીરોનો હાથ પકડીને ઉપર આવી જાય છે.

‘વહાલા હીરો’, હિરોઇન હીરોને કહ્યું, ‘આજે તેં મારો જીવ બચાવ્યો છે. એના બદલામાં હું તને...’

‘મને... મને... શું?’ હીરોના દિલમાં ઘંટડીઓ વાગવા લાગી.

‘હું તને ફર્સ્ટ ક્લાસની ડાઇનિંગ કારમાં નાસ્તો કરાવીશ!’ હિરોઇને કહ્યું.

‘ધત્તેરેકી!’ હીરો બબડ્યો, ‘ઇંગ્લિશ પિક્ચરની જ હિરોઇન લાગે છે!’

ફર્સ્ટ ક્લાસનું મેનુ

ફર્સ્ટ ક્લાસની ડાઇનિંગ કારનું મેનુ જોઈને હિરોએ કપાળ ફૂટ્યું, ‘હે ભગવાન! અહીં પણ આ ત્રણ જ આઇટમો મળે છે? બ્રેડ-બટર, ડબલ આમલેટ અને કટલેસ?’

‘કેમ? શું થયું?’ હિરોઇને પૂછયું.

‘અરે છેલ્લાં ૨૫ વરસથી ગુજરાત એક્સપ્રેસની ડાઇનિંગ કારમાં પણ આ ત્રણ વસ્તુઓ મળે છે. આ તે ટાઇટેનિક છે કે ગુજરાત એક્સપ્રેસ?’

હિરોએ હિરોઇનનો હાથ પકડીને કહ્યું, ‘ચાલ થર્ડ ક્લાસમાં! ત્યાં આપણને દાળવડાં, મેંદુવડાં, ભજિયાં, બટાટાવડાં, ચણાજોરગરમ, ચણાની દાળ, હલવો, ઘારી, ચેવડો અને નારિયેળ પાણી પણ મળશે.’

‘વાઉ! હિરોઇને કહ્યું. ‘થર્ડ ક્લાસની કેન્ટીન બહુ મોટી છે?’

‘ના! પણ ત્યાં ફેરિયાઓની અવરજવર ઉપર પ્રતિબંધ નથી!’

આખરે અકસ્માત

બહુમાળી જહાજને અકસ્માત થવાનો જ હતો. તે આખરે થયો. તરત જ જહાજના કેપ્ટને બિલ્ડરને વાયરલેસ લગાડ્યો.

‘હલો! બિલ્ડરસાહેબ, આપણા જહાજે એક વિશ્વવિક્રમ નોંધાવ્યો છે!’

‘વાહ! શાનો?’

‘જહાજનો એક સ્લેબ તૂટી ગયો છે!’

‘ઓહ! પણ એમાં વિશ્વવિક્રમ ક્યાંથી થયો?’

‘એમાં એવું છે સાહેબ, કે મુંબઈમાં આપણે બાંધેલા તમામ બિલ્ડિંગોના ઉપરના સ્લેબ તૂટી પડે છે. જ્યારે આ જહાજમાં સૌથી નીચેનો સ્લેબ તૂટી ગયો છે! આ એક નવો વિશ્વવિક્રમ છે સર!’

પેસેન્જરોમાં બૂમાબૂમ થવા લાગી.

‘દોડો! દોડો! જલદી જહાજમાંથી ઊતરો!’

‘કેમ? ગોવા આવી ગયું?’

‘ગોવા નહીં, અલંગ આવી ગયું, અલંગ!’

‘અલંગ જ હશે ને? જુઓ, આપણું જહાજ તૂટવાનો અવાજ નથી સંભળાતો?’

•••

થર્ડ ક્લાસના કંપાર્ટમેન્ટમાં પણ દેકારો મચી ગયો હતો.

‘જલદી કરો! જલદી કરો! ઘોડાપૂર આવી રહ્યું છે!’

‘હા હા! જલદી કરો! કોઈ સ્ટેશન આવ્યું લાગે છે. મુસાફરોનો ધસારો રોકવા બધાં બારણાં બંધ કરી દો!’

‘અલ્યા ડફોળ, આ મુસાફરોનો નહીં, પાણીનો ધસારો છે!’

•••

‘બિલ્ડરસાહેબ!’ જહાજનો કેપ્ટન વાયરલેસ પર બૂમો પાડી રહ્યો હતો, ‘ઉપરના માળવાળાઓ ફરિયાદ કરી રહ્યા છે!’

‘શાની કંપ્લેઈન છે.’ કેપ્ટને કહ્યું, ‘એ લોકો કહે છે કે નીચેના માળવાળાઓને જોઈએ એટલું પાણી મળે છે જ્યારે અહીં પાણીનું ટીપુંય નથી આવતું!’

•••

પાણી ચારેતરફ ફરી વળ્યાં છે. કમ્પાર્ટમેન્ટ્સના દરવાજાઓ બંધ હોવા છતાં હીરો ધડાધડ દરવાજા તોડતો ધસી રહ્યો છે. નીચે છ-છ ફૂટ પાણી હોવા છતાં ઉપરની માંડ દોઢ ફૂટની જગ્યામાંથી હિરો હિરોઇનને ઢસડીને લઈ જઈ રહ્યો છે.

‘અલ્યા હિરો, તું આટલી દોઢ ફૂટની જગ્યામાં અને આટલા બધા સામા પ્રવાહમાં આટલી આસાનીથી કેવી રીતે જઈ શકે છે?’ હિરોઇને સવાલ કર્યો.

‘કારણ કે મને પ્રેક્ટિસ છે.’ હિરોએ કહ્યું, ‘હું પહેલાં રેલવેમાં કુલી હતો! ત્યારે આ જ રીતે ડબ્બામાં ઘૂસીને જગ્યા રોકતો હતો!’

બચાવનૌકાઓમાં રિઝર્વેશન

મુસાફરોની સંખ્યા કરતાં બચાવનૌકાઓની સંખ્યા ઓછી હતી. બિલકુલ ભારતીય રેલવે જેવો જ ઘાટ હતો. મુસાફરોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં, પરંતુ રિઝર્વેશન કાઉન્ટરો હજી પણ બંધ જ હતાં!

‘એ ભાઈ! રિઝર્વેશન કાઉન્ટરો ખોલોને?’ મુસાફરો બૂમો પાડી રહ્યા હતા.

પરંતુ અંદરના કર્મચારીઓ આરામથી ટહેલી રહ્યા હતા.

‘ઓ ભાઈ!’ મુસાફરોએ બૂમો પાડી, ‘કાઉન્ટરો ખોલોને?’

‘હજી અર્ધો કલાકની વાર છે!’ કર્મચારીએ પાનની પિચકારી મારતાં કહ્યું, ‘અમારી રિસેસ ચાલે છે!’

•••

હિરોએ ભેજું લડાવ્યું. તે ઘૂસ મારીને અંદર બેઠો. ઊંઘતી એનાઉન્સરનું માઇક હાથમાં લઈને આડેધડ એનાઉન્સમેન્ટ કરવા લાગ્યોઃ

‘યાત્રીઓંસે નિવેદન હૈ કિ એક નંબર કે પ્લેટફોર્મ સે ચલને વાલી હોડી આજ તીન નંબર સે જાયેગી! દો નંબર સે ચલને વાલી હોડી આજ સાત નંબર સે જાયેગી! આઠ નંબર કી હોડી આજ એક ઘન્ટા ઔર તીસ મિનિટ દેરી સે ચલને કી સંભાવના હૈ! છે નંબર કી હોડી અનિવાર્ય કારણોં કી વજહ સે કેન્સલ કી ગઈ હૈ! યાત્રીઓં સે નિવેદન હૈ કિ...’

મુસાફરોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ! બધા અહીંથી તહીં ભાગમભાગ કરવા લાગ્યા. આનો લાભ લઈને હિરો રિઝર્વેશનની લાઈનમાં સૌથી આગળ ઘૂસી ગયો અને થોડી જ વારમાં બે કન્ફર્મ ટિકિટો લઈને હિરોઇન પાસે આવ્યો.

‘લે! બચાવનૌકાની બે ટિકિટો આવી ગઈ!’ હિરોએ હિરોઇનના હાથમાં બે ટિકિટો મૂકી.

‘અરે!’ હિરોઇન આશ્ચર્ય પામી ગઇ, ‘આટલી વારમાં તું ટિકિટો ક્યાંથી લઈ આવ્યો?’

‘વીઆઈપી ક્વોટામાંથી!’ હીરોએ કહ્યું, ‘જરા ચેક કરી લે. મારું નામ અટલ બિહારી છે અને તારું નામ સુષમા છે!’

‘ટાઇટેનિક’ ગુજરાતીમાં!...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.