NRG અને ગુજરાતના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ થવો જોઇએ: લોર્ડ ભીખુ પારેખ

NRG અને ગુજરાતના પારસ્પરિક સંબં

ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ્સ ગુજરાતી ફાઉન્ડેશન અને ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીના નોન-રેસિડેન્ટ ગુજરાતી સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ૨૬ ફેબ્રુઆરીએ એનઆરજી સંમેલન યોજાયું હતું. 

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ્સ ગુજરાતી ફાઉન્ડેશન અને ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીના નોન-રેસિડેન્ટ ગુજરાતી સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ૨૬ ફેબ્રુઆરીએ એનઆરજી સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા યુકેના હાઉસ ઓફ લોર્ડઝના સભ્ય લોર્ડ ભીખુ પારેખે જણાવ્યું હતું કે ‘વિદેશમાં વસતા ગુજરાતીઓ કે ભારતીયો આપણા માટે અરીસા સમાન છે. વિદેશમાં તેમની જે ક્ષમતાઓ ઊભરી ઉઠે છે તેના અભ્યાસને આધારે આપણે આપણી શક્તિઓનું આકલન કરી શકીએ. સમાન પ્રકારે વિદેશમાં વસતા ગુજરાતીઓએ પોતાના મૂળ એટલે કે પોતાની સંસ્કૃતિ અને અસ્મિતાને સમજવાની જરૂર છે. જો આ પ્રકારના અભ્યાસ થતા રહેશે તો વિદેશમાં રહેતી નવી પેઢીને ભારત સાથે સાંકળી શકાશે અને એકબીજાને સમજવાની અને નવા વિચારોની આપ-લેની પ્રથા ચાલુ રહેશે અને પરસ્પરનો વિકાસ સાધી શકાશે.’

લોર્ડ ભીખુ પારેખે વધુમાં જણાવ્યું હતું કે ‘દુનિયાના અન્ય દેશોમાં અને ખાસ કરીને ઈઝરાયેલ તથા ચીનના લોકોએ આ પ્રકારના અભ્યાસે હાથ ધરીને ડાયસ્પોરાનો એટલે કે વિદેશમાં વસતા પોતાના નાગરિકોનું કઈ રીતે શ્રેષ્ઠ યોગદાન મેળવી શકાય તે માટેના પ્રયાસો હાથ ધરેલા છે. ભારતમાં પણ આ પ્રકારના પ્રયાસો આવકાર્ય છે. લોર્ડ ભીખુ પારેખે જણાવ્યું હતું કે અગાઉ ગુજરાતમાં ઇન્સ્ટિટયૂટ ઓફ માઈગ્રેશન સ્ટડીઝને નેજા હેઠળ આ પ્રકારનો અભ્યાસ હાથ ધરવા પ્રયાસો થયો હતો. આ સંસ્થાને પુનઃ કાર્યરત કરીને તેના નેતૃત્ત્વમાં આ પ્રકારના અભ્યાસો કરી શકાય. યુનિવર્સિટીઓ કે અન્ય સંસ્થાઓ પણ આ પ્રકારની કામગીરી કરી શકે.’

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રાકેશભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાતીઓ દુનિયાના કોઈપણ ખૂણે વસતા હોય, તેમનું દિલ દેશ અને વતન સાથે જોડાયેલું રહે છે. તેમણે કમાયેલા નાણાં દેશમાં કામ આવે તેવી ઉમદા ભાવના તેઓ ધરાવતા હોય છે.’

ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગરના નિયામક બળવંતસિંહ ચાવડાએ તેમના પ્રારંભિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘આ વર્ષે આપણે ગાંધીજીના એનઆરઆઈ તરીકે ભારતમાં આગમનના ૧૦૦ વર્ષ ઊજવી રહ્યા છીએ ત્યારે આ સંમેલન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.’ એનઆરજી ફાઉન્ડેશન બિનનિવાસી ગુજરાતીઓને તેમને મૂડીરોકાણ, કાનૂની સહાય તથા અન્ય બાબતોમાં માર્ગદર્શન પૂરું પાડતું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના એનઆરજી સેન્ટરના ચેરમેન કે. એચ. પટેલે જણાવ્યું હતું કે, ‘દુનિયાના ૧૩૦ દેશોમાં ૬૫ લાખથી વધુ ગુજરાતીઓ વસે છે. આ વર્ષે તેમણે ૭૭ મિલિયન યુએસ ડોલર જેટલી રકમ ભારતમાં મોકલાવીને દેશની વિદેશી હુંડિયામણની અનામતો છલકાવી દીધી છે. આ સમુદાય ભારતના વિકાસમાં પણ મોટું યોગદાન આપી શકે તેમ છે.’

સંમેલનમાં હાજર રહેલા બિનનિવાસી ગુજરાતીઓને કરવેરા અને મૂડીરોકાણ અંગે માર્ગદર્શન આપતાં ઈન્ટરનેશનલ ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશ પટેલે જણાવ્યું કે ‘બિનનિવાસી સમુદાય ખેતી અને પ્લાન્ટેશન સિવાય ભારતમાં તમામ ક્ષેત્રોમાં રોકાણ કરી શકે છે. તેમને મળેલો વારસો પરદેશ લઈ જઈ શકે છે અને ભારતમાંથી ગિફ્ટ, રોકાણ કે લોન તરીકે તેમણે ૨.૫ લાખ ડોલર જેટલી રકમ મોકલાવી પણ શકાય છે.’

બિનનિવાસી ગુજરાતીઓ અંગેના કાયદાકીય મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપતાં ગુજરાત હાઈ કોર્ટના સિનિયર એડવોકેટ ગોપીનાથ અમીને જણાવ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટના એક ચુકાદા મુજબ હિન્દુ વિધિથી કરાયેલા લગ્ન પછી નાગરિકત્વ બદલાયું હોય તો પણ કોઈ મુદ્દે વિવાદ થાય ત્યારે હિન્દુસ્તાનના કાયદા લાગુ પડી શકે છે. તેમણે સરોગસી તથા અન્ય કેસોના ઉદાહરણ આપીને ભારતની અદાલત આવા કિસ્સામાં કેવું વલણ અપનાવે છે તેની સમજ આપી હતી.’

આજના સંમેલનમાં મોટી સંખ્યામાં બિનનિવાસી ગુજરાતીઓ હાજર રહ્યા હતા અને તેમને સ્પર્શતા મુદ્દાઓ અંગે વક્તાઓ પાસેથી સવાલ-જવાબ દ્વારા તેમણે માહિતી મેળવી હતી.

સમારંભના અંતે ગુજરાત ચેમ્બરના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે આભાર વિધિ કરી હતી.

NRG અને ગુજરાતના પારસ્પરિક સંબં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.