નેતાઓના ‘સંબંધો’ અને ઉદ્યોગ ગૃહની ‘સેવા’

વર્ષ ૨૦૧૫-૧૬નું અંદાજપત્ર, કોર્પોરેટ જાસૂસી કૌભાંડ, દેશભરમાં સ્વાઇન ફ્લુનો વાવર, ક્રિકેટ વર્લ્ડ કપ જેવા સમાચારો વચ્ચે રાજકીય નેતાઓની નૈતિક્તાનું વસ્ત્રહરણ કરતાં સમાચાર ચમક્યા અને ભૂલાય ગયા. સંસદનું બજેટ સત્ર ચાલુ હોવા છતાં કોઇ હો-ગોકીરો ન થયો તેનું કારણમાત્ર એટલું જ હતું કે આમાં શાસક પક્ષથી માંડીને વિપક્ષના નેતાઓના નામ પણ ખૂલ્યા છે.

વર્ષ ૨૦૧૫-૧૬નું અંદાજપત્ર, કોર્પોરેટ જાસૂસી કૌભાંડ, દેશભરમાં સ્વાઇન ફ્લુનો વાવર, ક્રિકેટ વર્લ્ડ કપ જેવા સમાચારો વચ્ચે રાજકીય નેતાઓની નૈતિક્તાનું વસ્ત્રહરણ કરતાં સમાચાર ચમક્યા અને ભૂલાય ગયા. સંસદનું બજેટ સત્ર ચાલુ હોવા છતાં કોઇ હો-ગોકીરો ન થયો તેનું કારણમાત્ર એટલું જ હતું કે આમાં શાસક પક્ષથી માંડીને વિપક્ષના નેતાઓના નામ પણ ખૂલ્યા છે. આમ તો રાજકારણીઓ તેમના કરતૂતોનો કોઇને અણસાર પણ આવવા દેતા નથી, પણ માહિતી અધિકારના કાયદા (રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ)એ વટાણા વેરી નાખ્યા છે. કોઇ ઉદ્યોગ ગૃહ પોતાના ફાયદા માટે રાજકીય નેતાઓ અને અધિકારીઓનો કઇ રીતે ઉપયોગ કરે છે તે વાતનો પર્દાફાશ અંગ્રેજી દૈનિક ‘ધ ઇંડિયન એક્સપ્રેસ’એ કર્યો છે. કંપનીના ઇ-મેઇલ થકી થયેલો ખુલાસો ચોંકાવી દેનારો તો છે જ, સાથોસાથ એ સચ્ચાઇ પણ ખુલ્લી પાડે છે કે સંસદથી માંડીને સડક સુધી એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ કરનારા અલગ-અલગ પક્ષના રાજકીય નેતાઓ કઇ રીતે સાથે મળીને આવો (ગેર)લાભ ઉઠાવે છે. એસ્સાર ગ્રૂપના આંતરિક પત્રવ્યવહારના આધારે થયેલા ખુલાસામાં મોદી સરકારના માર્ગ નિર્માણ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી, પૂર્વ કેન્દ્રીય પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલ, કોંગ્રેસના નેતા દિગ્વીજય સિંહ અને ભાજપ સાંસદ વરુણ ગાંધીના નામ બહાર આવ્યા છે. ગડકરીએ સહપરિવાર આ ગ્રૂપની શાહી નૌકાની મજા માણ્યાની વાત સ્વીકારી છે. તેમણે બચાવ કર્યો છે કે ગ્રૂપના વડા (શશી રુઇયા) તેમના પારિવારિક મિત્ર છે અને જ્યારે તેમણે રોયલ યોટમાં પ્રવાસ કર્યો હતો ત્યારે ન તો તેઓ ભાજપના અધ્યક્ષ પદે હતા અને ન તો પ્રધાનપદે કે ન તો સંસદ સભ્ય હતા. કંપનીના ઇ-મેઇલમાં ટોચના અમલદારો-સાંસદોને ૨૦૦ લેટેસ્ટ મોબાઇલ ફોન આપવાની વાત જાહેર થઇ છે તો સરકારી માહિતી મેળવવા માટે ઉચ્ચ અધિકારીઓને દિવાળી અને નૂતન વર્ષના પ્રારંભે મૂલ્યવાન ભેટસોગાદો આપવાની વાત પણ બહાર આવી છે. કંપનીએ કોઇને શાહી નૌકાની સવારી કરાવી છે, તો કોઇના કહેવાથી તેમના લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા છે તો કોઇને કિંમતી ભેટસોગાદોથી નવાજ્યા છે. સ્વાભાવિક છે કે કંપનીએ માત્ર ‘સેવા’ના ઇરાદે આ બધું નહીં જ કર્યું હોય. તેણે પણ સમય આવ્યે પોતાનું કામ કરાવી લઇને ‘કિંમત’ વસૂલી જ હશે.
અહીં વાત માત્ર એસ્સાર પૂરતી સીમિત છે એવું નથી. પાછલા દિવસોમાં દિલ્હીમાં આવેલા મંત્રાલયોમાંથી મહત્ત્વના અને ગોપનીય સરકારી દસ્તાવેજો ચોરવાના આરોપમાં પકડાયેલા વચેટિયાઓ આવી જ કોઇ કડીનો એક હિસ્સો હોય તેવું બની શકે છે. નાણા લઇને મહત્ત્વના સરકારી દસ્તાવેજ કોર્પોરેટ હાઉસ સુધી પહોંચાડવાનો ખેલ બહુ જૂનો છે, પણ તેમાં ક્યારેય મોટા માથા પકડાયા હોવાનું જાણ્યું નથી. વચેટિયાઓ પકડાય છે, પોલીસ તપાસ થાય છે, પણ ઘુસણખોરી અટકતી નથી. કારણ સ્પષ્ટ છે. ઇમાનદારીનો ઢોલ પીટવો તે નેતાઓની મજબૂરી છે તો કોર્પોરેટ હાઉસની મદદ કરવી એ તેનાથી પણ મોટી લાચારી છે. પરંતુ સરકાર માટે રાષ્ટ્રહિત સર્વોચ્ચ હોવું જોઇએ. ગયા પખવાડિયે ખુલ્લા પડેલાં કોર્પોરેટ જાસૂસી કૌભાંડની તપાસમાં અધિકારીઓને કેટલી મોકળાશ અપાય છે તે વાત પરથી આ ગંભીર મુદ્દે સરકાર કેટલી ગંભીર છે તેનો ખ્યાલ આવી જશે.

નેતાઓના ‘સંબંધો’ અને ઉદ્યોગ ગૃહની ‘સેવા’
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.