બજેટ ૨૦૧૫ઃ ઇરાદા સારા, પણ અમલી બને તો...

મોદી સરકારના બજેટને કોઇ સારું ગણાવે છે તો કોઇ વળી ખરાબ કહે છે. બજેટથી આમ આદમીને મોંઘવારીમાં રાહત મળવાના કોઇ અણસાર નથી કે નથી તો નોકરિયાતોને વેરામાં રાહત મળી. નાણા પ્રધાન ઉદ્યોગો પર પણ વરસ્યા નથી. બજેટમાં કોઇ મોટીમસ જાહેરાત કે જોગવાઇ પણ નથી. 

મોદી સરકારના બજેટને કોઇ સારું ગણાવે છે તો કોઇ વળી ખરાબ કહે છે. બજેટથી આમ આદમીને મોંઘવારીમાં રાહત મળવાના કોઇ અણસાર નથી કે નથી તો નોકરિયાતોને વેરામાં રાહત મળી. નાણા પ્રધાન ઉદ્યોગો પર પણ વરસ્યા નથી. બજેટમાં કોઇ મોટીમસ જાહેરાત કે જોગવાઇ પણ નથી. જોકે આ છતાં અર્થશાસ્ત્રીઓ ખુશ છે. તેઓ માને છે કે આ બજેટથી અર્થતંત્રને લાંબા ગાળે લાભ થશે તે નક્કી. તેઓ માને છે કે નાણા પ્રધાને જંગી અપેક્ષાઓ સામે બજેટમાં ઘણી બાબતોને આવરી લીધી છે. બજેટ જોતાં લાગે છે કે નાણા પ્રધાન પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પગલે ચાલ્યા છે, અને મસમોટી જાહેરાતો કરવાના બદલે બજેટમાં અસંખ્ય નાની, નજીવી બાબતોની જોગવાઇ દ્વારા પરિવર્તનની દિશા નિશ્ચિત કરી છે. કરમાળખામાં ફેરફાર કે કરવેરાના દરોમાં વધઘટ જેવી રાબેતા મુજબની જાહેરાતો બજેટમાં અવશ્ય છે, પણ ધરખમ ફેરફારો નથી. મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયનના મતે વડા પ્રધાન ઇચ્છે છે કે દેશમાં રોકાણને વેગ મળે, વિકાસ દર ઝડપી બને, મેઇક ઇન ઇંડિયા દ્વારા દેશને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું અને રોજગારીનું સર્જન થાય. પરિણામે લાખોની ગરીબી દૂર થશે.
આપણે કહી શકીએ કે જેટલીએ બજેટમાં આર્થિક રૂપરેખા રજૂ કરીને વડા પ્રધાનના વિઝનને સાકાર કરવાનું માળખું ઉભું કર્યું છે. ભલે નરી આંખે બજેટમાં કોઇ સીધો લાભ જણાતો ન હોય, પણ નિષ્ણાતોનો મત સ્પષ્ટ છે - બજેટ વૃદ્ધિને પોષનારું છે અને જો તેની જોગવાઇઓનો અસરકારક અમલ થયો તો ભારતનો વૃદ્ધિદર બે આંકડામાં પહોંચશે. મૂડીસર્જન માટે જાહેર ખર્ચમાં વધારો કરીને રોકાણના ચક્રને ફરતું કરવાની સરકારની યોજના છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણથી રોજગારીની તકો વધશે. આની સાથોસાથ રૂ. ૨૦ હજાર કરોડના મૂડીરોકાણ સાથે મુદ્રા બેન્ક શરૂ થતાં પછાત વર્ગના યુવા શિક્ષિત અને કુશળ કામદારોને ધિરાણ સુવિધા મળશે. આ બધું સરવાળે તો સરકારનું મેઇક ઇન ઇંડિયા સ્વપ્ન જ સાકાર કરશે.
બજેટમાં પારદર્શક કરમાળખું તૈયાર કરવાના, વિકાસ માટે જાહેર ખર્ચ વધારવાના પ્રયાસોને તો અર્થશાસ્ત્રીઓ બિરદાવે જ છે, પણ સરકારી સબસિડીની ચૂકવણીઓમાં વચ્ચેથી થતી કટકી રોકવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવાની યોજનાને તો નિષ્ણાતોની સાથોસાથ આમ ભારતીય પણ આવકારે છે. જન-ધન યોજના હેઠળ તમામ ગરીબોના બેન્ક એકાઉન્ટ ખોલાવવાનું સરકારી આયોજન ભ્રષ્ટાચાર નાબૂદીની દિશામાં પહેલું પગલું છે. સરકારે તમામ લાભાર્થીઓને બેન્ક એકાઉન્ટ મારફત સરકારી સહાય પહોંચાડવાનું આયોજન હાથ ધર્યું છે. આ માટે સરકાર બેન્ક એકાઉન્ટ, યુનિક આઇન્ડેન્ટીફિકેશન નંબર ધરાવતા આધાર કાર્ડ અને મોબાઇલ ફોનને એક નેટવર્કમાં સાંકળી લેશે. સરકારી સહાયના નાણા સીધા જ લાભાર્થીના એકાઉન્ટમાં જમા થઇ શકશે.
કોઇ પણ રાષ્ટ્રે સર્વગ્રાહી વિકાસ સાધવો હોય, અર્થતંત્રને ચેતનવંતુ બનાવવું હોય તો તેણે રાજ્યોના હાથ મજબૂત કરવા જ રહ્યા. જો રાજ્યોને સ્થાનિક ક્ષમતાને વિકસાવવા અને સંસાધનોના અસરકારક ઉપયોગ માટે વધુ સત્તા મળે તો જ આ શક્ય બની શકે. બજેટ જોતાં જણાય છે કે નાણા પ્રધાને આ દિશામાં યોગ્ય પગલું ભર્યું છે. કેન્દ્ર તરફથી રાજ્યોને જીડીપીની ટકાવારીમાં મળતો હિસ્સો વધારીને છ ટકા કરવાની જાહેરાત જેટલીએ કરી છે, જે પ્રમાણ ૨૦૧૪-૧૫માં ૫.૫ ટકા હતું. આ ઉપરાંત સરકારે વિવિધ કેન્દ્રીય યોજનાઓ હેઠળ થતી ફાળવણીમાં જંગી વધારો કર્યો છે. ૨૦૧૪-૧૫માં વિવિધ કેન્દ્રીય યોજનાઓ પેટે રૂ. ૪૬ અબજ ફાળવાયા હતા, જે આ વર્ષે વધારીને રૂ. ૨૩૯ અબજ કરાયા છે.
આ ઉપરાંત સરકારે દેશના આર્થિક માળખાને કોરી ખાતા કાળાં નાણાંની બદીને નાથવા પણ કમર કસી છે. સરકારે કાળું નાણું છુપાવનારાઓ માટે ૧૦ વર્ષ કેદ અને આકરા દંડની જોગવાઇ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. આ સૂચિત કાયદાથી બિનહિસાબી નાણાંનું પ્રમાણ સ્પષ્ટપણે ઘટશે તેમાં બેમત નથી.
સરવાળે એવું કહી શકાય કે બજેટમાં દેશના અર્થતંત્રને રાતોરાત ધમધમતું કરી દે એવાં મોટાં અને મહત્ત્વનાં પગલાંનો ભલે અભાવ વર્તાતો હોય, પણ ખરેખર તો નાણા પ્રધાન જેટલીએ આવક-જાવક અને ભાવિ વિકાસ વચ્ચે જાળવેલા સંતુલનનું આ પરિણામ છે. ભારતના સર્વગ્રાહી આર્થિક વિકાસના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો, વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટમાં દેખાડો ઓછો અને તથ્ય વધુ છે. આથી જ તો અર્થશાસ્ત્રીઓ નાણા પ્રધાન અરુણ જેટલી પર ફીદા છે.

બજેટ ૨૦૧૫ઃ ઇરાદા સારા, પણ અમલી બને તો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.