જેટ એરવેઝનું રાજકોટ-મુંબઇ વચ્ચેનું ભાડું વધુ

જેટ એરવેઝ દ્વારા રાજકોટથી મુંબઈની ફ્લાઇટમાં વધુ ભાડું લેવાતું હોવાની ફરિયાદ થઇ રહી છે.
રાજકોટઃ જેટ એરવેઝ દ્વારા રાજકોટથી મુંબઈની ફ્લાઇટમાં વધુ ભાડું લેવાતું હોવાની ફરિયાદ થઇ રહી છે. પ્રવાસીઓ વધુ અને ફ્લાઇટની સંખ્યા ઓછી હોવાથી મુસાફરોની ગરજ જોઇને જેટ એરવેઝ દ્વારા આ રૂટ પર ફ્લાઇટનું ભાડું સપ્ટેમ્બરથી વધારીને રૂ. સાત હજાર ફીક્સ કરાયું છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે ફ્લાઇટનું ભાડું અંદાજે માત્ર રૂ. ૨૨૦૦ છે અને મુંબઈ-અમદાવાદ વચ્ચે ૫૦ મિનિટની મુસાફરી છે. જ્યારે રાજકોટની મુસાફરી માત્ર દસ મિનિટની વધુ છે છતાં આ એરલાઇન્સ પોતાની ઇજારાશાહીનો લાભ લઇ ત્રણ ગણું ભાડું લે છે. અમદાવાદમાં ઇન્ડીગો, સ્પાઇસ જેટ સહિતની વિવિધ ફ્લાઇટ ઉપલબ્ધ હોવાથી ભાડા ઉપર આપોઆપ નિયંત્રણ આવે છે. જ્યારે રાજકોટ-મુંબઈ વચ્ચે ચાર ફ્લાઇટ સામે હજુ વધુ બે ફ્લાઇટનો ટ્રાફિક છે આથી જેટ એરવેઝ પ્રવાસીઓની ગરજ સમજીને મરજી મુજબ ભાડું લે છે. સૌરાષ્ટ્રના સાંસદો આ બાબતે કાર્યવાહી કરે તેવી માગણી મુસાફરો કરી રહ્યા છે.

