મહિલા સુરક્ષાઃ વાતો નહીં, આકરા કાયદાની જરૂર

પાટનગર દિલ્હીમાં નિર્ભયા નામની યુવતી સાથે જે હિચકારું કૃત્ય થયું હતું તેની કડવી યાદ તાજી થઇ જાય તેવી  થઇ જાય તેવી ઘટના પંજાબના મોગામાં બની છે. મોગાની ઘટના જોતાં તો એવું જ લાગે છે કે કાયદો તો છે, પણ સહુ માટે સમાન નથી. જેમની પાસે પૈસા છે, સત્તા છે, તેમના માટે કાયદાનું અર્થઘટન બદલાઇ જાય છે. મોગામાં આવું જ તો બન્યું. એક મહિલા તેની ટીનેજર દીકરી અને નાના દીકરા સાથે એક ખાનગી બસમાં પ્રવાસ કરતી હતી. ચાલુ બસે કેટલાક અસામાજિક તત્વોએ મા-દીકરીની છેડછાડ કરીને લાજ લૂંટવા પ્રયાસ કર્યો. આ નઠારા તત્વોને રોકવાના બદલે બસનો કર્મચારી પણ તેમાં જોડાયો. છેડછાડની ઘટના બાદ માતા-પુત્રીને ધક્કો મારીને બસમાંથી બહાર ફેંકી દેવાયા. દીકરી મૃત્યુ પામી ને મા હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ડચકાં ખાઇ રહી છે. 

મોગાની ઘટના અને નિર્ભયાકાંડ વચ્ચે ચિંતાજનક સમાનતા પણ જોવા મળે છે અને વિરોધાભાસ પણ. સમાનતા એ કે બન્ને બનાવોમાં જાતીય દુરાચાર બાદ ભોગ બનેલી યુવતીની હત્યા થઇ અને બન્ને બનાવ બસમાં બન્યા હતા. અને વિરોધાભાસ એ કે નિર્ભયાકાંડ પાટનગરમાં બન્યો હોવાથી આખા દેશનું ધ્યાન ખેંચાયું. દેશભરમાં લોકો રસ્તા પર ઉતરી પડ્યા અને નિર્ભયાને ન્યાય અપાવ્યો. પરંતુ મોગામાં અલગ જ બન્યું. બે-ત્રણ દિવસ ધરણાં-પ્રદર્શન થયાં, પણ પછી બધું ટાઢું પડી ગયું કેમ કે બસ મુખ્ય પ્રધાનના પરિવારની કંપનીની હતી. વિરોધનો વાવટો સમેટાઇ ગયો. ટીનેજરની છેડતી અને માતા-પુત્રીને બસમાંથી ફેંકી દેવાનું કરતૂત કર્યું બસ કંડકટરના પરિચિત યુવાને અને પીડિતાના પરિવારને ૨૪ લાખ રૂપિયાનું વળતર અપાયું સરકારી તિજોરીમાંથી. પરિવારના એક સભ્યને સરકારી નોકરીની ખાતરી પણ આપવામાં આવી છે. સાદા શબ્દોમાં કહીએ તો સરકારી નાણાં અને નોકરીથી એક ગરીબ પરિવારને ખરીદી લેવામાં આવ્યો. કોઇએ શાસકોને એ પણ પૂછવાની તસ્દી નથી લીધી કે પીડિત પરિવારને સરકારી તિજોરીમાંથી વળતર ચૂકવવાના બદલે આ ઘટના માટે દોષિત બસ કંપનીને કેમ ફરજ પડાઇ નથી. આને કહેવાય સમરથ કો નહીં દોષ ગુંસાઇ.
ભારતમાં મહિલા સુરક્ષાના મુદ્દે ચિંતા અને વાતો તો ઘણી થાય છે, પણ સરવાળે સ્થિતિ કથળી રહી છે. મોગાનો બનાવ દર્શાવે છે કે ભારતમાં સાર્વજનિક સ્થળો મહિલાઓ માટે કેટલા જોખમી બની રહ્યા છે. માત્ર પંજાબ નહીં, પણ લગભગ સમગ્ર દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ગુનાહિત તત્ત્વોની બોલબાલા છે. ભાગ્યે જ કોઇ કાયદાનું પાલન કરાય છે અને માફિયાગીરી ચરમસીમાએ છે. આ સંજોગો છતાં બસોમાં મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની કોઇને ચિંતા જણાતી નથી. દિલ્હીમાં નિર્ભયા સાથે આવી ક્રૂરતા આચરવામાં આવી ત્યારે દેશભરમાં તેની સામે પ્રચંડ આક્રોશ જાગ્યો હતો. આ પછી બીજી એક પીડિતા પણ ઉબેર ટેકસીમાં હેવાનિયતનો શિકાર બની હતી. કોઇ અવાવરૂ એકાંત ધરાવતી જગ્યાઓની સાથે જાહેર માર્ગો પર દોડતાં પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનોમાં પણ આવી એક પછી એક બનતી ઘટનાઓ સૂચવે છે કે અપરાધીઓને કાયદાનો કોઇ ડર નથી. તે વખતે દેશભરમાં બસો, ટ્રેન કે અન્ય વાહનોમાં મહિલા સલામતી બાબતે અનેક પગલાં લેવાની જાહેરાતો થઇ હતી. ટેક્સીઓ માટે પોલીસ રજિસ્ટ્રેશન, જીપીએસ ટ્રેકિંગ વગેરે ફરજિયાત બનાવાયું હતું, પણ આ બધાં પગલાંની કોઇ અસર દેખાતી નથી. આજે પણ આવા બનાવોનો સિલસિલો અટકયો નથી તે દર્શાવે છે કે મહિલાઓની સલામતી બાબતે હજુ ઘણું કરવાનું બાકી છે. ખરેખર તો કોઇ પણ પુરુષ કોઇ પણ મહિલા સાથે અસભ્ય વર્તનનો વિચાર કરતાં પણ થથરી જાય તેવી કાનૂની જોગવાઇઓ અને આ જોગવાઇઓના કડક અમલમાં ક્યાંક કાચું કપાઇ રહ્યું હોય તેવું લાગે છે. નિર્ભયા જેવા બનાવ બને છે ત્યારે થોડાક દિવસ સુધી ભાષણો અને ચર્ચા થયા કરે છે. નિવેદનબાજી થાય છે અને સમય જતાં બધાં વાત વીસરી જાય છે.
પંજાબના મોગાની ઘટનામાં પણ આવું જ બનતું જણાય છે. વિપક્ષોએ બાદલ પરિવાર સામે રાજકીય મોરચો માંડવાની હિલચાલ આદરી છે, પરંતુ સ્ત્રીઓના આત્મસન્માન અને અસ્તિત્વ સાથે સંકળાયેલો આ મુદ્દો રાજકીય હુંસાતુંસીમાં અટવાઇ ન જાય તો સારું. ભારત સરકારે કાયદો અને વ્યવસ્થાનું પાલન રાજ્ય સરકારોનો વિષય હોવાનું જણાવીને સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવામાં અવઢવ દર્શાવી છે તે અફસોસજનક છે. વાસ્તવમાં આ મુદ્દો કોઇ રાજ્યનો નહીં, રાષ્ટ્રનો છે. તમામ રાજકીય પક્ષોએ - સંસદમાં અને વિધાનસભાઓમાં એક સંપ થઇને - મહિલા સુરક્ષાના મુદ્દે જરૂરી કાનૂની જોગવાઇઓ ઘડીને તેના અસરકારક અમલ માટે પહેલ કરવાની જરૂર છે.

મહિલા સુરક્ષાઃ વાતો નહીં, આકરા કાયદાની જરૂર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.