વિશ્વનું સૌથી લાંબુ ભારતીય લોકતાંત્રિક બંધારણ

૨૬ જાન્યુઆરી ભારતનો આઝાદી દિન થવાનો હતો, પણ થઈ ગયો પ્રજાસત્તાક દિવસ!
વિશ્વના સૌથી લાંબા ભારતીય બંધારણનો ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજથી અમલ આરંભાયો અને બે સદીથી બ્રિટીશ ગુલામીમાંથી ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થયેલું ભારત પ્રજાસત્તાક બન્યું. ૨૬ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ અને ૧૫ ઓગસ્ટ એટલે આઝાદ દિન. અંગ્રેજ શાસકો ૧૯૪૮માં ભારતને સ્વતંત્રતા બક્ષીને વતન પાછા ફરવાના હતા, પણ એમની અનુકૂળતા અથવા તો વ્યૂહના ભાગરૂપે એ વહેલા ઉચાળા ભરી ગયા એટલે ભારતનો સ્વતંત્રતા દિવસ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આવી પડ્યો. હકીકતમાં તો ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ની મધરાતે લાહોરમાં અખિલ ભારતીય કોંગ્રેસના પંડિત જવાહરલાલ નેહરુના અધ્યક્ષપદે મળેલા અધિવેશનમાં ‘પૂર્ણ સ્વરાજ’નો મહાત્મા ગાંધીએ રજૂ કરેલો ઠરાવ મંજૂર થયો એ મુજબ તો ૨૬ જાન્યુઆરી ભારતનો આઝાદીનો દિવસ થવાનો હતો. જોકે, એ પ્રજાસત્તાક દિવસ (રિપબ્લિક-ડે) થઈને રહ્યો. ગાંધીજીએ ૨૬ જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજનો ઝંડો ફરકાવવાનો સંકલ્પ પણ કર્યો હતો. એ માટે ત્રિરંગો અહીં લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં જ ફરકાવાયો હતો.
ભોપાલ, હૈદરાબાદ અને હિંદુ રાજવીઓ
૩ જૂન ૧૯૪૭ના રોજ વાઈસરોય અને ગવર્નર-જનરલ લોર્ડ માઉન્ટબેટને ભારતના ભાગલાની જાહેરાત કરી. બ્રિટીશ ઈન્ડિયાને ભારત સંઘ (ઈન્ડિયન યુનિયન) અને પાકિસ્તાન સંઘ (પાકિસ્તાન યુનિયન)માં વિભાજિત કરવાનું સ્વીકારવાની સાથે જ દેશી રજવાડાં (પ્રિન્સલી સ્ટેટ)ને બેમાંથી એક સંઘ સાથે જોડાવા કે સ્વતંત્ર રહેવાનો વિકલ્પ અપાયો. મુસ્લિમોના પાકિસ્તાનની દ્વિરાષ્ટ્ર થિયરીનો સ્વીકાર કરાયો ત્યારે સૌથી મોટા દેશી રજવાડાં અને અંગ્રેજમિત્ર હૈદરાબાદના નિઝામ જ નહીં, હિંદુ રજવાડા ત્રાવણકારો થકી પણ સ્વતંત્ર રહેવાની ઘોષણા કરાઈ.
પાકિસ્તાનના નિર્માતા મોહમ્મદ અલી ઝીણાના અંતરંગ મિત્ર એવા ભોપાલના નવાબ હમીદુલ્લા ખાન તો દેશી રજવાડાંના ત્રીજા સંઘની રચનાના પક્ષધર હતા, પણ એમની ઝીણા અને બીજા હિંદુ મહારાજાઓ સાથેની દોસ્તીના પ્રતાપે ભોપાલ યોજનાના નેજા હેઠળ પાકિસ્તાન સાથે દેશી હિંદુ રજવાડાંને જોડવાની કવાયત આરંભાઈ. જોકે સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ અને મેવાડ-ઉદયપુરમાં રાજ્યના મહારાણા પ્રતાપના વંશજ મહારાણા ભુપાલસિંહે ભોપાલ યોજનામાં સહયોગ ના કરીને ઝીણા-ખાનના મનસુબા પર પાણી ફેરવ્યું.
વિભાજિત બેઉ દેશના દલિત કાયદાપ્રધાન
કેબિનેટ મિશનના આયોજન મુજબ, ભારતની બંધારણ સભામાં ચૂંટાઈ આવનારા કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સહિતના સભ્યો થકી બંધારણ ઘડાવાનું હતું. જોકે ૯ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણ સભાની પહેલી બેઠક મળી ત્યારે મુસ્લિમ લીગે એનો બહિષ્કાર કર્યો. વચગાળાની સરકારમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. આ પહેલાં ડો. બાબાસાહેબ આંબેડકરના શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન માટે નેતા જોગેન્દ્ર નાથ મંડળે મુસ્લિમ લીગ સાથે જોડાણ કરીને ડો. આંબેડકરને બંગાળ પ્રાંતમાંથી ૧૯ જુલાઈ ૧૯૪૬ના રોજ બંધારણ સભામાં ચૂંટી મોકલાવ્યા. આ એ જ મંડળ જેમને ઝીણાએ વચગાળાની સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવ્યા, પાકિસ્તાનની બંધારણ સભાના અધ્યક્ષ બનાવ્યા અને પાકિસ્તાનના પ્રથમ કાયદા પ્રધાન પણ બનાવ્યા. વિધિની વક્રતા જૂઓ કે બેઉ દેશોનાં બંધારણ ઘડવામાં દલિત નેતાઓની ભૂમિકા અગ્રેસર રહી.
ગાંધીજીના આગ્રહથી સરદાર પટેલે એક સમયના પોતાના વિરોધી એવા ડો. આંબેડકરને નેહરુ સરકારમાં કેબિનેટ પ્રધાન બનવા માટે પ્રેર્યા એટલું જ નહીં, બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે પણ એમની વરણી થઈ. ઝીણાના મૃત્યુ પછી પાકિસ્તાનમાં દલિત-હિંદુઓ સાથે અમાનુષી વર્તન અને પોતાની સાથે અન્યાયની ફરિયાદ સાથે કેબિનેટમાંથી રાજીનામું આપીને મંડળ ભારત પાછા ફર્યા અને ગુમનામીમાં મૃત્યુ પામ્યા.
મનુથી આધુનિક મનુ લગી
ક્યારેક બંધારણસભાના વિરોધી રહેલા ડો. આંબેડકરને શિરે ભારતીય બંધારણ ઘડવાનું ભગીરથ કામ આવી પડ્યું. વિશ્વના સર્વપ્રથમ કાનૂનદાતા ગણાતા મનુની ‘મનુસ્મૃતિ’ને ૧૯૨૭માં બાળનાર આધુનિક મનુ એવા ડો. આંબેડકર ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે નામાંકિત બન્યા. જોકે તેમણે પોતે બંધારણ ઘડવામાં સર બી. એન. રાવ જેવા બંધારણીય સલાહકાર અને બંધારણ સભાના કોંગ્રેસી શિસ્ત જાળવનારા સભ્યોનો સહકાર મળ્યો એની વિસ્તૃત નોંધ લીધી છે. અસ્પૃશ્યતા નિવારણ અને દલિતો તેમજ આદિવાસી અને દલિત શીખો માટે નોકરીઓ અને ધારાગૃહોમાં અનામતની જોગવાઈ થઈ.
સેક્યુલર એટલે વિધર્મી નહીં, સર્વધર્મ સમભાવ
ભારતીય લોકસભાના મહાસચિવ રહેલા ડો. સુભાષ કશ્યપ ભલે એવું કહેતા હોય કે ભારતીય બંધારણ એ ૧૯૩૫ના ભારત સરકારના ધારાની ૭૫ ટકા નકલ છે, પરંતુ ડો. આંબેડકર જ નહીં, બંધારણ સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદ, વડા પ્રધાન જવાહરલાલ નેહરુ, નાયબ વડા પ્રધાન સરદાર પટેલ સહિતના તમામ અગ્રણીઓએ ભારે જહેમત ઊઠાવીને ખૂબ લાંબી ચર્ચા-વિચારણાને અંતે ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ તૈયાર કરીને સ્વીકારેલા ભારતીય બંધારણનું મૌલિક મૂલ્ય ઘણું છે.
વિશ્વના અન્ય દેશોનાં બંધારણોનો અભ્યાસ કરાયો, બ્રિટીશ પરંપરાઓના અભ્યાસ થયાં. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતનનો પણ વિચાર કરવાની સાથે જ નવતર લોકશાહી રાષ્ટ્ર ધાર્મિક સત્તાને વશ થનાર થિયોક્રેટિક સ્ટેટ ના બની જાય એની ખૂબ કાળજી રખાઈ. ધર્મનિરપેક્ષ (સેક્યુલર)નો અર્થ ધર્મવિરોધી નથી થતો એ વાત સ્પષ્ટ કરવાની સાથે જ સર્વધર્મ સમભાવને જાળવનાર અનેકતામાં એકતા ટકાવીને વિકસિત રાષ્ટ્ર તરીકે ગતિ કરવા માટે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી ભારતના બંધારણનો અમલ કરાયો. આ બંધારણમાં રામ, કૃષ્ણ, શિવાજી, અકબર, ટીપુ અને ગાંધીજી તથા સુભાષનાં ચિત્રો એની નોખી ભાત પાડે છે.
લગભગ ત્રણ વર્ષે ઘડાયેલું આદર્શ બંધારણ
બંધારણ સભાના ૩૦૮ સભ્યો વિવિધ પ્રાંતો અને દેશી રજવાડાંનું પ્રતિનિધિત્વ કરતા હતા. ચર્ચા-સૂચનો-સુધારાવધારા અને અભ્યાસ સમિતિઓની ભલામણોની સ્વીકૃતિ સહિતની બાબતોની વિશદ્ છણાવટને અંતે તમામના હસ્તાક્ષર સાથે બંધારણ તૈયાર થયું. ૧૬૬ દિવસની જહેમતનું એ પરિણામ હતું. હિંદી અને અંગ્રેજી બેઉ ભાષામાં બંધારણ તૈયાર થયું ત્યારે ડો. આંબેડકરે કહેલા શબ્દો ખૂબ સૂચક હતાઃ ‘સારામાં સારા બંધારણનો અમલ કરનાર ભૂંડા લોકો એને ભૂંડું સાબિત કરી શકે છે. સારા માણસો ત્રુટિવાળા બંધારણને પણ સારું સાબિત કરી શકે છે. હવે આપણે જે કાંઈ થાય એને માટે અંગ્રેજોને નહીં, આપણને જ દોષ આપવો પડશે.’
(વધુ વિગતો માટે વાંચો ૨૬ નવેમ્બર ૨૦૧૬નું Asian Voice અથવા
ક્લીક કરો વેબલિંકઃ www.asian-voice.com/Community/The-untold-story-of-the-Indian-Constitution)
