‘ભારત માતાની જય’ એ હકીકતે ભારતીયોની જય છે

હમણાં ‘ભારત માતાની જય’ના નારા બોલવા અને ના બોલવા માટે ભારતમાં રહીને ભારતીયો જંગે ચડે છે ત્યારે ખરેખર જાણવા જેવું છે કે ‘ભારત માતાની જય’નો જયઘોષ કેવી રીતે અને ક્યાંથી આવ્યો? ‘ભારત માતાની જય’ અંગેનો ઇતિહાસ ખરેખર બહુ રસપ્રદ છે.
હમણાં ‘ભારત માતાની જય’ના નારા બોલવા અને ના બોલવા માટે ભારતમાં રહીને ભારતીયો જંગે ચડે છે ત્યારે ખરેખર જાણવા જેવું છે કે ‘ભારત માતાની જય’નો જયઘોષ કેવી રીતે અને ક્યાંથી આવ્યો? ‘ભારત માતાની જય’ અંગેનો ઇતિહાસ ખરેખર બહુ રસપ્રદ છે.
કિરણચંદ્ર બંદોપાધ્યાયનું નાટકઃ ‘ભારત માતા’
‘ભારત માતા’ નાટક પહેલી વાર ૧૮૭૩માં નાટક આવ્યું હતું. બંગાળી લેખક કિરણચંદ્ર બંદોપાધ્યાયના આ નાટકમાંથી ‘ભારત માતા’ એમ બે શબ્દો મળ્યાં. આ નાટકમાં બંગાળમાં તે વખતે પ્રવર્તેલી દુષ્કાળની રામકહાણી હતી. દુષ્કાળની કપરી પરિસ્થિતિમાં એક દંપતીને એક પુજારી ભારત માતાના મંદિરે લઇ જાય છે. ભારત માતાના દર્શન પછી દંપતી ભારતની સ્વતંત્રતાની લડાઇમાં જોડાઈ જાય છે. ૧૮૮૨માં બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’ આવી. તેમાં ‘વંદે માતરમ’ એટલે કે માતાને વંદન કરતી કવિતા હતી.
અવનીન્દ્રનાથ ટાગોરે ભારત માતાનું ચિત્ર બનાવ્યું
૧૯૦૫માં અવનીન્દ્રનાથ ટાગોરે ભારત માતાનું એક ચિત્ર બનાવ્યું. તેને ભારત માતાની પ્રથમ તસવીર ગણાય છે. તેમાં ભારતનો નક્શો હતો. ભારત માતા ભગવા રંગના બંગાળના પરંપરાગત પરિધાનમાં હતાં. શરૂમાં આ ચિત્રમાં કંડારેલી દેવીને બંગમાતા કહેવાતી હતી. ચાર હાથવાળી દેવીના હાથમાં પુસ્તક, ડાંગરના ધરુ, માળા હતા. કહેવાય છે કે આ ચિત્ર એટલું સુંદર અને અસરકારક હતું કે અંગ્રેજોએ ચિત્રને જપ્ત કરી લીધું હતું.
મગનલાલ શર્માએ ૧૯૦૬માં ભારત માતાનું ચિત્ર દોર્યું હતું
દેશમાં છેલ્લા કેટલાય સમયથી ભારત માતાની જય બોલવાનો વિવાદ વકર્યો છે ત્યારે એ ઉલ્લેખ પણ થવો જ જોઈએ કે ગુજરાતમાં ભારત માતાનું પ્રથમ ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા મગનલાલ શર્માએ તૈયાર કર્યું હતું. ભારત માતાના આ ચિત્રની કલ્પના આઝાદીની ચળવળથી પ્રેરિત થઇને કરી હતી.
વર્ષ ૧૯૦૬માં મગનલાલ શર્માએ ભારત માતાની છબી તૈયાર કરી હતી. વર્ષ ૧૯૦૭માં આ છબીની પ્રસિદ્ધ ચિત્રકાર રવિ વર્માએ હજારો કોપીઓ પ્રકાશિત કરી હતી. ભારત માતાના આ ચિત્રમાં લાંબા કેશ હિમાલય ઉપર વિખરેલા જોવા મળે છે. એક હાથમાં ત્રિશૂલ જે સિંધ પ્રદેશ સુધી દર્શાવવામાં આવ્યું છે. બીજો હાથ બંગાળ સુધી ફેલાયેલો છે. આ છબીની નીચે જનની જન્મ ભૂમિ (આંમિચ્છ સ્વર્ગદીપી ગરિયસી) એમ બંગાળી ભાષામાં લખેલું છે. જેનો અર્થ થાય છે માતા અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં ભવ્ય છે.
મગનલાલ શર્મા દ્વારા તૈયાર કરાયેલા ભારત માતાના આ ચિત્રની કોપીઓ ભારતની સ્વતંત્રતાની લડાઈ વખતે ગુજરાતના ગામડે ગામડે વહેચવામાં આવી હતી. એટલું જ નહીં ભારત માતાનું આ ચિત્ર જે તે સમયે ભારતભરમાં પણ જાણીતું બન્યું હતું. મગનલાલ શર્માએ દોરેલા ભારત માતાના ચિત્રથી પ્રેરાઇને વિવિધ કલાકારોએ પોતાની કલ્પના પ્રમાણે ફેરફાર કરીને ભારત માતાની છબીનું નિરૂપણ પણ કર્યું હતું. સિંહ ઉપર સવાર એવા મા જગદંબા જેવા સ્વરૂપને કલ્પીને મોટા પ્રમાણમાં તેનું વિતરણ પણ થતું હતું. ભારત માતાનું ચિત્ર વહેંચવાનો હેતુ લોકોને બ્રિટિશ શાસન સામે આઝાદીની જંગમાં ઉત્સાહથી જોડવાનો હતો. શિક્ષક મગનલાલ શર્મા ગુજરાતની છઠ્ઠી સાહિત્ય પરિષદના સભ્ય હતા. તેઓ પ્રસિદ્ધ ચિત્રકાર રવિ વર્માથી પ્રેરિત થઇને આર્ટિસ્ટ બન્યા હતા.
અંગ્રેજો ભારત માતાના ચિત્રો જપ્ત કરી લેતા
અવનીન્દ્રનાથ અને મગનલાલ શર્મા જેવા દેશભક્ત ચિત્રકારોએ ભારત માતાની છબી બનાવી એ પછી ભારતની સ્વતંત્રતાને વેગ આપવા માટે થોડાક જ વર્ષોમાં ભારત માતાના વિવિધ ચિત્ર પ્રસિદ્ધ થવા લાગ્યા હતા. આ બંને ચિત્રકારોના ભારત માતાના ચિત્રની કોપીઓ સહિત ભારત માતાના અન્ય ચિત્રો પણ અંગ્રેજો જપ્ત કરવા લાગ્યા હતા. નવેમ્બર, ૧૯૦૮માં ઢાકામાં આચરણ સમિતિની ઓફિસે બ્રિટિશ પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે ઓફિસના પ્રવેશદ્વાર પર સુંદર રીતે મઢવામાં આવેલા ભારત માતાના ચિત્રને અંગ્રેજોએ કબજે કરી લીધું હતું.
ભારત માતાના ખોળામાં ૪ બાળક
સમય મુજબ દેશમાં જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે ભારત માતાના ચિત્રોમાં પરિવર્તન આવવા લાગ્યાં. વર્ષ ૧૯૦૯માં દક્ષિણ ભારતના એક સમાચાર પત્ર વિજયાની જાહેર ખબર પ્રકાશિત થઇ. તે ચિત્રમાં ભારત માતાના ખોળામાં ચાર બાળકોનું ચિત્ર હતું. ચિત્રમાં એક બાળક હિન્દુ અને એક બાળક મુસ્લિમ વસ્ત્રોમાં હતું.
આશરે વર્ષ ૧૯૧૦માં એક ચિત્ર પ્રસિદ્ધ થયું તેમાં ભારત માતા દુર્ગા દેવીના સ્વરૂપમાં હતાં. હાથોમાં શસ્ત્ર લીધેલી ભારત માતાની એક તસવીર વર્ષ ૧૯૧૩માં જિનિવામાંથી પ્રકાશિત થતા એક સમાચાર સામયિક ‘વંદે માતરમ-ઓર્ગન ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ’માં પ્રસિદ્ધ થઇ. આ મેગેઝિનને ભીખાઈજી કામાનો આર્થિક સહયોગ મળતો હતો.
ભારત માતાનું પ્રથમ મંદિર બનારસમાં બન્યું હતું
કાશીથી પ્રખ્યાત પાવનભૂમિ બનારસમાં ભારત માતાનું પ્રથમ મંદિર બનાવવામાં આવ્યું હતું અને ૧૯૩૬ના વર્ષમાં આ મંદિરનું લોકાર્પણ મહાત્મા ગાંધીબાપુએ કર્યું હતું. આ મંદિર શિવપ્રસાદ ગુપ્તેએ બનાવડાવ્યું હતું. નવાઈની વાત એ છે કે, આ મંદિરમાં ના કોઈ મૂર્તિ છે કે ના તો કોઈ દેવી-દેવતાનું ચિત્ર. આ મંદિરમાં છે, માત્ર ભારતનો નક્શો.
મંદિરના લોકાર્પણ વખતે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, મને આશા છે કે આ મંદિર સઘળાં ધર્મો, જાતિઓ અને સંપ્રદાયોનું સંયુક્ત કેન્દ્ર રહેશે. દેશમાં ધાર્મિક એકતા, શાંતિ અને પ્રેમને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બનશે.
લાખો લોકોની જીતનો સંકલ્પ
‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’માં પંડિત જવાહરલાલ નહેરૂએ એ નોંધ્યું છે કે, હું જ્યારે જાહેર સભાઓમાં જાઉં છું ત્યારે લોકો જોશપૂર્વક ‘ભારત માતાની જય’નું સૂત્ર પોકારે છે. ઘણી વખત હું લોકોને પૂછું છું કે, ‘ભારત માતા એટલે કોણ?’ પછી અલગ અલગ જવાબો મળે છે ત્યારે હું મારો મત તેમની સમક્ષ મૂકું છે કે, ભૂમિ તો ભારત માતા છે જ પણ સાચા અર્થમાં ભારતમાં વસતી પ્રજા સ્વયં ભારત માતા છે અને ભારતમાં વસતી પ્રજાના જયનો અર્થ એવો થાય કે ભૂમિ પરના લાખો લોકોની જીતનો આ જયઘોષ સંકલ્પ છે.
આજકાલ ભારત માતાની જયનો જયઘોષ બોલવા અંગે જ્યારે વિવાદ ચાલે છે ત્યારે ખરેખર તો વિવાદીઓએ આ જયઘોષનો અર્થ સમજવો જોઈએ કે ભારતની પ્રજાના સ્વયં પોતાના જ જયઘોષની આ ગાથા છે.
