ઝુબિન મહેતા, સિમ્ફ્ની અને લીલાં મરચાં

ઝુબિન મહેતા, સિમ્ફ્ની અને લીલા...

ઝુબિન મહેતા ૨૯ એપ્રિલે ૮૦ વર્ષના થયા. આ એક એવા હાઈ પ્રોફાઈલ પારસી છે જેના વિશે મીડિયામાં પ્રમાણમાં ઓછું લખાય છે ને દર્શાવાય છે. એક કારણ એ હોઈ શકે કે તેઓ ગ્લોબલ સેલિબ્રિટી ખરા, પણ એમની કર્મભૂમિ ભારત નહીં, બલકે યુરોપ-અમેરિકા છે. તેઓ મ્યુઝિકલ કંડક્ટર છે. બીથોવન અને મોઝાર્ટ જેવા પશ્ચિમના મહાનતમ સંગીતકારોની રચનાઓ તેઓ મંચ પરથી પેશ કરે છે. એમના ઓપેરા અને કોન્સર્ટ્સ દુનિયાભરમાં મશહૂર છે. મુંબઈમાં તાજેતરમાં એમના એંશીમા જન્મદિન નિમિત્તે બેક-ટુ-બેક ત્રણ કોન્સર્ટ્સ યોજાઈ ગઈ. પહેલી બે એનસીપીએમાં અને ત્રીજી બ્રેબોર્ન સ્ટેડિયમમાં. 

ઝુબિન મહેતા ૨૯ એપ્રિલે ૮૦ વર્ષના થયા. આ એક એવા હાઈ પ્રોફાઈલ પારસી છે જેના વિશે મીડિયામાં પ્રમાણમાં ઓછું લખાય છે ને દર્શાવાય છે. એક કારણ એ હોઈ શકે કે તેઓ ગ્લોબલ સેલિબ્રિટી ખરા, પણ એમની કર્મભૂમિ ભારત નહીં, બલકે યુરોપ-અમેરિકા છે. તેઓ મ્યુઝિકલ કંડક્ટર છે. બીથોવન અને મોઝાર્ટ જેવા પશ્ચિમના મહાનતમ સંગીતકારોની રચનાઓ તેઓ મંચ પરથી પેશ કરે છે. એમના ઓપેરા અને કોન્સર્ટ્સ દુનિયાભરમાં મશહૂર છે. મુંબઈમાં તાજેતરમાં એમના એંશીમા જન્મદિન નિમિત્તે બેક-ટુ-બેક ત્રણ કોન્સર્ટ્સ યોજાઈ ગઈ. પહેલી બે એનસીપીએમાં અને ત્રીજી બ્રેબોર્ન સ્ટેડિયમમાં.
એંશી વર્ષની ઉંમરે પણ માણસ ફિઝિકલી-મેન્ટલી-ઈમોશનલી ફિટ હોય, ભરપૂર સક્રિય હોય, પોતાનાં કાર્યક્ષેત્રમાં સતત રિલેવન્ટ હોય, એટલું જ નહીં, નવી પેઢીના ખેલાડીઓ દ્વારા પૂજાતો હોય તો એનાથી વધારે બીજું શું જોઈએ. આવી વ્યક્તિ આપોઆપ આદરણીય બની જતી હોય છે. ઝુબિન મહેતા આ કક્ષાના આંતરરાષ્ટ્રીય કલાકાર છે.
કાચી ઉંમરે એમણે સંગીતને કરીઅર બનાવવાનો નિર્ણય લીધો ત્યારે એમનાં મમ્મીએ ચિંતાતુર થઈને જ્યોતિષીઓને કુંડળી બતાવી હતી. જ્યોતિષીઓનું વળગણ સાર્વત્રિક છે - ગામડાગામની મહિલાથી લઈને ઝુબિનનાં માતા જેવાં દક્ષિણ મુંબઈના પોશ ઈલાકામાં રહેતાં પારસી સન્નારી સુધીના સૌને જ્યોતિષશાસ્ત્રમાં સંકટ સમયની સાંકળ દેખાઈ શકે છે! જ્યોતિષીઓએ ઝુબિનનાં માતુશ્રીને સધિયારો આપ્યો કે દીકરાની કુંડળીમાં તો રાજયોગ છે. તમતમારે જવા દો એને મ્યુઝિકના ફિલ્ડમાં. એક દિવસ આખી દુનિયામાં એ નામ કાઢશે. એેવું જ થયું.
સંગીત તો જોકે ઝુબિન મહેતાના લોહીમાં હતું. એમના દાદા સંગીતના શિક્ષક હતા એટલે ઘરે કાં તો કોઈ સંગીત શીખવા આવ્યું હોય કે દાદા ખુદ સંગીતનો રિયાઝ કરતા હોય. 'મેં સંગીત અને મારી માતૃભાષા ગુજરાતી સાથેસાથે જ શીખવાનું શરૂ કર્યું હતું,' - ઝુબિન મહેતા મુલાકાતમાં કહે છે.
ઝુબિનના પિતાજી મેહિલ મહેતાએ આમ તો ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી લીધી હતી, પણ છાશવારે ક્રોફોર્ડ માર્કેટ જઈને ઇંડાંવાળા અને ચાના ગલ્લાવાળા પાસેથી ટેક્સ ઉઘરાવવાનાં કામથી એમને ભારે ત્રાસ થતો. સંગીતકાર બનવા મેહિલ મહેતાએ નોકરી છોડી દીધી. અમેરિકા જઈને ચાર વર્ષ સુધી વાયોલિનવાદનનું પદ્ધતિસરનું જ્ઞાન લીધું. આ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારની વાત છે. ૧૯૪૯માં તેઓ મુંબઈ પાછા ર્ફ્યા ત્યારે ઝુબિન ૧૩ વર્ષના ટીનેજર હતા. મેહિલ મહેતા આખો દિવસ વાયોલિનની પ્રેક્ટિસ કરે, પોતે અમેરિકામાં શું શું શીખ્યા એની વાતો કરે, સંગીતના ખેરખાંઓની ખૂબીઓ વિશે ચર્ચા કરે. એમણે ઝુબિન મહેતા સામે વેસ્ટર્ન કલાસિક મ્યુઝિકની, ઓરકેસ્ટ્રા અને ઓપેરા અને સિમ્ફનીની આખી દુનિયા ખોલી આપી. પિતાજી તરફ્થી મળેલાં સંગીતના આ સંસ્કારોએ ઝુબિન મહેતાના જીવનનો નકશો દોરવાનું કામ કર્યું.
મેહિલ મહેતા ઇચ્છતા હતા કે, દીકરો પિયાનો શીખે અને એ પણ પોતે જેમની પાસે શીખ્યા હતા એ જ ગુરુ પાસેથી. તકલીફ એ થઈ કે ગુરુ મુંબઈ છોડીને પૂના શિફ્ટ થઈ ગયા હતા. આથી ઝુબિન અઠવાડિયામાં એક વાર મુંબઈથી વહેલી સવારે ટ્રેન પકડી પૂના પહોંચે, ત્રણ ક્લાક સુધી પિયાનોના ક્લાસ લે અને સાંજે વળતી ટ્રેનમાં પાછા આવે.
તરુણ માણસ જુવાન બની રહ્યો હોય ત્યારે ઘણી વાર પોતાનાં પેશન, હોબી અને કરીઅર વચ્ચે ગોથાં ખાધા કરતો હોય છે. એને સમજાતું હોતું નથી કે જેના તરફ તીવ્રતાથી દિલ-દિમાગ ખેંચાય છે તે વસ્તુને માત્ર હોબી પૂરતી મર્યાદિત રાખવાની છે કે એમાં ઊંડા ઊતરવું છે. ઝુબિન મહેતાના કેસમાં પણ એવું જ બન્યું. તેમણે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. બે વર્ષ ભણ્યા પણ ખરા, પણ આટલા સમયગાળામાં તેમને સમજાઈ ગયું કે આ આપણી લેન નહીં. આપણે તો રહ્યા નખશિખ મ્યુઝિકના માણસ. કરીઅર તો મ્યુઝિકમાં જ બનાવવાની હોય.
પિતાજીનો સપોર્ટ હતો. માને શરૂઆતમાં ટેન્શન હતું, પણ જ્યોતિષીઓએ રાજયોગની વાત કરી એટલે જીવને ઠીક ઠીક ટાઢક થઈ ગઈ હતી. માં-બાપને જોકે ફિકર એ વાતની હતી કે, ભારતમાં પરંપરાગત શાસ્ત્રીય રાગ-રાગિણી ચાલે, ફિલ્મી સંગીત ચાલે અને થોડું ઘણું સુગમ સંગીત ચાલે. આપણે ત્યાં વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક જાણનારાઓનું ભવિષ્ય શું? ભારતમાં વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતકારનું જીવન એકાકી અને અઘરું બની જાય છે એ મેહિલ મહેતા અનુભવે સમજ્યા હતા. બે છેડા ભેગા થતા નહોતા એટલે એમણે ખુદ અમેરિકા શિફ્ટ થઈ જવું પડયું હતું.
ખેર, ઝુબિનની જીવનની દિશા નક્કી થઈ ચૂકી હતી એટલે એને વાલી તરીકે પોતાનાથી બનતું શ્રેષ્ઠ કરવા એમણે ૧૮ વર્ષના ઝુબિનને વેસ્ટર્ન મ્યુઝિક ભણવા વિએના મોકલ્યા. વિએના એટલે ઓસ્ટ્રિયાનું ખૂબસૂરત પાટનગર જ્યાં બીથોવન જેવી વિભૂતિનો જન્મ થયો હતો. મોઝાર્ટ પણ વિએનામાં જ સોળે કળાએ ખીલ્યા હતા. ઝુબિન મહેતાએ અહીં પહેલી વાર લાઈવ સિમ્ફ્ની ઓરકેસ્ટ્રા માણ્યું. અત્યાર સુધી માત્ર ગ્રામોફોનની રેકોર્ડ્ઝ સાંભળી હતી અને કયારેક મુંબઈના ઓપેરા હાઉસમાં બોમ્બે સિમ્ફ્નીનાં પર્ફોર્મન્સિસ જોયાં હતાં, જેમાં મોટે ભાગે નવાસવા સંગીતકારો, ગોવાનીઝ પ્રોફેશનલ્સ, ઈન્ડિયન નેવી બેન્ડના યુનિફોર્મધારી સભ્યોની ખીચડી રહેતી.
વિએનામાં ટીચરો અને અન્ય વિદ્યાર્થીઓને નવાઈ લાગતી કે, ઇન્ડિયાનો છોકરો શા માટે વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક શીખવા માગે છે? જોકે, અહીં વાતાવરણ હૂંફાળું અને મૈત્રીભર્યું હતું. સૌથી મોટી તકલીફ ખાવાપીવાની હતી. યુરોપિયન ખાણું ભાવે નહીં ને પારસી ભાણું સતત યાદ આવ્યા કરે. આથી ઝુબિન જાતે રાંધવાના અખતરા કરે, મિક્સ-એન્ડ-મેચ કરે અને જેમતેમ ગાડું ગબડાવે.
તેઓ ઝપાટાભેર સંગીતમાં કુશળતા પ્રાપ્ત કરતા ગયા. ચાર જ વર્ષમાં, ૨૨ વર્ષની ઉંમરે મ્યુઝિકલ કન્ડક્ટર તરીકે વિએનામાં પહેલું પર્ફોર્મન્સ આપ્યું. (મ્યુઝિક કંડક્ટર એટલે ચાલીસ-પચાસ-સો સાજિંદાઓ જાતજાતનાં વાદ્યો વગાડતા હોય ત્યારે એમની સામે એક માણસ ઝનૂનથી હાથ ઊંચાનીચા કરતો સૌને સાંકેતિક ઈન્સ્ટ્રક્શન્સ આપતો હોય, એ.) એ જ વર્ષે ઝુબિન લિવરપૂલમાં યોજાયેલી ઈન્ટરનેશનલ કન્ડક્ટિંગ કોમ્પિટિશન જીત્યા. રોયલ લિવરપૂલ ફ્લિહાર્મોનિક નામની પ્રતિષ્ઠિત મ્યુઝિક સ્કૂલમાં આસિસ્ટન્ટ કંડક્ટર તરીકે જોબ મળી. ૨૪ વર્ષની ઉંમરે મોન્ટ્રીઅલ સિમ્ફ્ની ઓરકેસ્ટ્રામાં ડિરેક્ટર બન્યા. ક્રમશઃ યુરોપ-અમેરિકાના ક્લાસિકલ સંગીતનાં વર્તુળમાં આ પારસી ગુજરાતી છોકરાનું નામ થતું ગયું.
આજકાલ પ્રિયંકા ચોપરાની ચારેકોર વાહવાહ થઈ રહી છે, કેમ કે ખ્યાતનામ 'ટાઈમ' મેગેઝિનનાં કવર પર એ ચમકી છે. ઝુબિન મહેતા આજથી ૪૮ વર્ષ પહેલાં, ૧૯૬૮માં 'ટાઈમ'નાં કવર પર ચમકી ચૂક્યા છે અને તે પણ કોઈ લિસ્ટના ભાગરૂપ નહીં. 'ટાઈમ' મેગેઝિને ઝુબિન મહેતા પર કવરસ્ટોરી કરી હતી. તે વખતે એમની ઉંમર ફ્ક્ત ૩૨ વર્ષ હતી!
સાત વર્ષ વિએનામાં રહ્યા પછી તેઓ ઈઝરાયલ આવી ગયા હતા.
'અહીંની ગલીઓ મને મુંબઈ જેવી લાગતી,' ઝુબિન મહેતા કહે છે, 'મુંબઈની જેમ અહીં પણ લોકો ઉતાવળે ભાગદોડ કરતા હતા. ગ્રૂપમાં હોય તો બધા એકસાથે બોલે અને એકને પૂછીએ તો ચાર જવાબ આપે! એટલે મને અહીં એકદમ ઘર જેવું લાગ્યું! સમજોને કે ઈઝરાયલ સાથે મને લવ-એટ-ફર્સ્ટ સાઈટ જેવું થઈ ગયું હતું.' ઝુબિન ઈઝરાયલ ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રાના મ્યુઝિક ડિરેક્ટર બન્યા એ વાતને ૪૦ કરતાંય વધારે વર્ષ થઈ ગયા છે. ૧૯૭૮થી ૧૯૯૧ સુધી લાગલગાટ ૧૩ વર્ષ તેઓ ન્યૂ યોર્ક ફિલહાર્મોનિકના ડિરેક્ટર અને પ્રિન્સિપલ કંડક્ટર તરીકે પણ સક્રિય રહ્યા. આ બહુ મહત્ત્વની પોસ્ટ પર એક જ માણસ તેર વર્ષ સુધી રહ્યો હોય એવું ઝુબિન મહેતાની પહેલાંય નહોતું બન્યું ને પછીય નથી બન્યું. ઝુબિન મહેતાની કરીઅરમાં આવાં તો કેટલાંય કીર્તિમાનો છે.
ઝુબિન મહેતાની આટલી બોલબાલા છે તે સાચું; પણ તેઓ કંઈ મૌલિક સંગીત-સર્જન કરતા નથી. 'હું સંગીતને ક્રિએટ નહીં, પણ રી-ક્રિએટ કરું છું,' તેઓ કહે છે, 'બીથોવન અને મોઝાર્ટ જેવા મહાન સંગીતકારોની સિમ્ફ્નીને કંડક્ટ કરવા જ હું સંગીતકાર બન્યો છું. આ ખેરખાંઓની રચનામાં કોમા કે ફુલસ્ટોપ પણ આમથી તેમ કરવા ગુસ્તાખી કરતો નથી.'
ઝુબિન મહેતા કહે છે કે, ‘મ્યુઝિકલ કન્ડક્ટરો તો હિટલર કરતાંય બદતર હોય છે. સેંકડો સાજિંદા પાસેથી ધાર્યું કામ લેવાનું હોય એટલે ક્યારેક એમને ધક્કા મારવા પડે, ક્યારેક કુનેહથી કામ લેવું પડે તો ક્યારેક કડકાઈ દેખાડવી પડે.’ પેલી અફલાતૂન ઓસ્કરવિનિંગ ફ્લ્મિ 'વ્હીપલેશ' યાદ આવે છે? જોકે, ઝુબિન મહેતા 'વ્હીપલેશ'ના શેતાન મ્યુઝિક ક્ંડક્ટર જેવો આતંક તો ન જ ગુજારી શકે કેમ કે મૂળ તો એ મીઠડા પારસી રહ્યાને!
ઝુબિન મહેતાની આત્મક્થા પહેલાં જર્મન ભાષામાં પ્રસિદ્ધ થઈ હતી. પછી અન્ય ભાષાઓમાં. તેમાં એમણે પોતાનાં બે લગ્નો (પહેલું ટૂંકજીવી, બીજું ચાર દાયકાથી અડીખમ), લગ્નબાહૃા સંબંધ થકી થયેલાં સંતાન વગેરે વિશે પ્રામાણિકતાથી લખ્યું છે. આ ગ્લોબલ સિટીઝનનું ઓફિશિયલ એડ્રેસ લોસ એન્જલસ છે, પણ તેલ અવીવ, વિએના અને ફ્લોરેન્સને તેઓ પોતાનાં 'સ્પિરિચ્યુઅલ હોમ્સ' ગણે છે. બે-અઢી વર્ષે મુંબઈ આવે છે ત્યારે ટિપિકલ બમ્બૈયા બની જાય છે. આજની તારીખે પણ એમણે આગ્રહપૂર્વક ઈન્ડિયન પાસપોર્ટ અને ઈન્ડિયન સિટીઝનશીપ જાળવી રાખ્યાં છે.
'વિદેશમાં દસકાઓ ગાળ્યા પછીય મારા અંગ્રેજી ઉચ્ચારો તો હિન્દુસ્તાની જેવા જ છે!' તેઓ હસે છે, 'મા-બાપ ગુજરી ગયાં પછી ગુજરાતીમાં વાત કરનારું કોઈ રહ્યું નથી તે મને કયારેક ખૂબ સાલે છે.'
...અને યુરોપિયન-અમેરિકન ફૂડ હજુ એમને માફક આવ્યું નથી! 'હું દુનિયાભરનાં શહેરોમાં કોન્સર્ટ્સ કરવા જાઉં છું ત્યારે પરફોર્મન્સિસ પછી યજમાન અમને જે ફેન્સી વાનગી પીરસે છે તે જોઈને મારું મોઢું બગડી જાય છે!' ઝુબિન મહેતા કહે છે, 'પણ આ સમસ્યાનો તોડ મેં શોધ્યો છે. હું લીલાં મરચાં હંમેશાં મારી સાથે રાખું છું! શું છે કે સાથે મરચાં હોય તો બેસ્વાદ ભોજન પણ જેમતેમ ગળે ઉતારી શકાય છે!' (સૌજન્યઃ સંદેશ)

ઝુબિન મહેતા, સિમ્ફ્ની અને લીલા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.