ફાસ્ટેસ્ટ ૨૫૦ઃ અશ્વિને ડેનીસ લીલીનો વર્લ્ડ રેકોર્ડ તોડયો

ભારતીય સ્પિનર અશ્વિને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગમાં રહીમને આઉટ કરવાની સાથે કારકિર્દીની ૪૫મી ટેસ્ટમાં ૨૫૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સાથે અશ્વિને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ટેસ્ટમાં ૨૫૦ વિકેટ ઝડપવાનો ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી ડેનીસ લીલીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
હૈદરાબાદઃ ભારતીય સ્પિનર અશ્વિને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગમાં રહીમને આઉટ કરવાની સાથે કારકિર્દીની ૪૫મી ટેસ્ટમાં ૨૫૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સાથે અશ્વિને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ટેસ્ટમાં ૨૫૦ વિકેટ ઝડપવાનો ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી ડેનીસ લીલીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
લીલીએ ૪૮ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે અશ્વિને તેમના કરતાં ત્રણ ટેસ્ટ ઓછી લઈને આ સિદ્ધિ હાંસલ કરી હતી. અશ્વિને ૬ નવેમ્બર, ૨૦૧૧ના રોજ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને પાંચ વર્ષ અને ૯૫ દિવસના ગાળામાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે ડેનીસ લીલીએ ૨૯મી જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ ટેસ્ટ પ્રવેશ મેળવ્યો હતો અને તેમણે કારકિર્દીની ૨૫૦ વિકેટ ૭ ફેબ્રુઆરી, ૧૯૮૧ના રોજ શરૂ થયેલી ભારત સામેની મેલબોર્ન ટેસ્ટમાં જ લીધી હતી.
અશ્વિનની અનોખી સિદ્ધિ
અશ્વિનને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ મળ્યો ત્યારથી અત્યાર સુધી અન્ય બોલરોની વિકેટ જોવામાં આવે તો તેઓ અશ્વિન કરતાં પાછળ છે. અશ્વિનને ૬થી ૯ નવેમ્બર, ૨૦૧૧ દરમિયાન નવી દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં પ્રવેશ અપાયો હતો. તે સમયથી લઇને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરોની યાદીમાં અશ્વિન નંબર વન છે. આ પછી શ્રીલંકાના રંગાના હેરાથને સ્થાન મળે છે, જે ૪૬ ટેસ્ટમાં ૨૪૭ વિકેટ ઝડપી ચૂક્યો છે.
