શું તમારું શરીર સૂજેલું રહે છે?

શું તમારું શરીર સૂજેલું રહે છે...

ચહેરો ફૂલેલો રહેતો હોય, આંગળીની વીંટી ટાઇટ થઈ જતી હોય, પગ ફૂલીને દડા જેવા દેખાતા હોય તો આ નિશાનીઓ શરીરમાં પાણીનો ભરાવો થઇ રહ્યાની છે. કેટલાક રોગો જેમ કે થાઇરોઇડ, બ્લડ-પ્રેશર, કિડનીના પ્રોબ્લેમ્સ, ઓબેસિટી અથવા કબજિયાતને કારણે પણ શરીરમાં પાણી ભરાઈ જાય છે અને પાણીના ભરાવાને કારણે એ રોગો વધુ ગંભીર પણ બને છે. માટે એ બાબતે ગંભીરતા જરૂરી છે.

શું તમે સવારે ઊઠો છો ત્યારે ચહેરો ફૂલેલો, આંખો સૂજેલી કે આંગળીમાં પહેરેલી વીંટી ટાઇટ થઈ ગઈ હોય એવું લાગે છે? શું દિવસ દરમિયાન પણ તમારો ચહેરો એવો લાગે છે કે જાણે હમણાં જ ઊંઘમાંથી ઊઠ્યા હો? શું તમને શરીર ભારે-ભારે લાગ્યા કરે છે? અચાનક થોડા સમયથી તમારા શરીરના સેન્ટ્રલ પાર્ટમાં એટલે કે પેટ પર ચરબી જમા થઈ રહી છે? શું તમને તમારી દરેક કાર્યની ગતિ ધીમી પડી ગઈ હોય, શરીરમાં આળસ ભરાઈ ગઈ હોય, કોઈ પણ કામ કરવાનો ઉત્સાહ જ મરી ગયો હોય એમ લાગે છે?

જો આ પ્રશ્નોનો જવાબ ‘હા’ હોય તો શક્ય છે કે તમે વોટર રિટેન્શનના શિકાર થયા છો. મતલબ કે તમારા શરીરમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આપણા શરીરમાં ૭૦ ટકા ભાગ પાણીનો છે. આ પાણીમાં કોઈ પણ નાનીઅમસ્તી ઊથલપાથલ પણ વ્યક્તિ માટે ગંભીર સાબિત થઈ શકે છે.

વોટર રિટેન્શન એ ફ્લુઇડ રિટેન્શન એટલે કે પ્રવાહીના ભરાવા તરીકે પણ ઓળખાય છે, જેનો સીધો અર્થ એ થાય કે કોઈ કારણોસર શરીરની નસોમાં કે કોષોમાં કે ખાલી જગ્યાઓમાં પાણી ભરાઈ જવું. સામાન્ય રીતે થાય છે એવું કે અમુક કારણોસર શરીરના કોષોમાંથી પાણી બહાર નીકળીને લોહી જેમાંથી પસાર થાય છે એ નસોમાં ભરાવા લાગે છે, જેનાથી નસો ફૂલે છે. આથી આપણને લાગે છે કે સોજા આવી રહ્યા છે. શરીર ફૂલેલું લાગે છે. શરીરમાં ભાર લાગે છે. લાંબો સમય ઊભા કે બેઠા રહીએ - જેમ કે ટ્રાવેલિંગ દરમિયાન - ત્યારે ખાસ કરીને પગ, હાથ પર એની અસર વર્તાય છે. ખૂબ ઠંડી કે અતિશય ગરમીમાં પણ આવું થઈ શકે છે. ઘણા લોકો આ તકલીફોથી પીડાતા હોય છે, પરંતુ એને પોતાની પ્રકૃતિ સમજીને સ્વીકારી લે છે. ખરા અર્થમાં આ વોટર રિટેન્શન થવા પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોઈ શકે છે.

સ્ત્રીઓને પ્રોબ્લેમ

કોઈ પણ ઉંમરમાં આ તકલીફ થઈ શકે છે. મોટા ભાગે ૪૦ વર્ષ પછી આ પ્રકારની તકલીફ વધુ જોવા મળે છે. વળી પુરુષો કરતાં સ્ત્રીઓના શરીરમાં પાણીનો ભરાવો થવાની શક્યતા ઘણી વધારે જોવા મળે છે. એનું કારણ સમજાવતાં ડાયેટિશ્યન કહે છે કે સ્ત્રીઓમાં ખાસ કરીને માસિક સંબંધિત તકલીફો હોય ત્યારે શરીરમાં પાણીનો ભરાવો જોવા મળે છે. મેનોપોઝના સમયે ખાસ આ પરિસ્થિતિ વણસે છે. આજકાલ ટીનેજ છોકરીઓમાં જોવા મળતો રોગ પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ કે જેના લીધે છોકરીઓનું માસિક અનિયમિત બની જતું હોય છે, એને કારણે પણ શરીરમાં પાણીનો ભરાવો થાય છે. આ સિવાય પ્રેગ્નન્સી દરમિયાન પણ ગર્ભાશયનો ભાર વધવાથી એ અમુક નસો પર દબાણ આપે છે, જેને લીધે ખાસ કરીને છેલ્લા મહિનાઓ દરમિયાન સ્ત્રીઓને શરીરમાં પાણી ભરાય છે.

ડાયટ સંબંધિત તકલીફો

જ્યારે આપણો ખોરાક યોગ્ય ન હોય, પાચન બરાબર ન થતું હોય, જરૂર પ્રમાણે પાણી પીવાતું ન હોય ત્યારે પણ શરીરમાં પાણીનો ભરાવો શક્ય છે. વૈજ્ઞાનિકોએ પ્રમાણિત કર્યું છે કે વિટામિન B1, B5, B6 અને એલ્બ્યુમિનની કમીને કારણે વ્યક્તિના શરીરમાં પાણી ભરાઈ શકે છે.

નિષ્ણાતો કહે છે કે માણસના શરીરમાં અમુક ટકા પ્રોટીનની જરૂર હોય છે, જ્યારે ડાયટમાં આપણે જરૂરી પ્રોટીન લેતા નથી ત્યારે આ પ્રોબ્લેમ આવી શકે છે. આ ઉપરાંત જે લોકો ખોરાકમાં વધુ પ્રમાણમાં સોલ્ટ એટલે કે મીઠાનો ઉપયોગ કરે છે તેમને પણ પાણીનો ભરાવો થઈ જાય છે. લોકોમાં વધુપડતું મીઠું પાણીના ભરાવા માટેનું સૌથી કોમન કારણ જોવા મળે છે.

ખોટી લાઇફસ્ટાઇલ

બદલાતી જતી લાઇફસ્ટાઇલ સાથે આપણા સૂવાના કલાકો પર પણ અસર પડે છે. રાત્રે મોડા સૂવું, સરખી ઊંઘ ન આવવી, અપૂરતી ઊંઘ થવી જેવાં કારણો પણ શરીરમાં પાણીના ભરાવા માટે જવાબદાર ગણી શકાય. આ અંગે નિષ્ણાતો કહે છે, ઘણા લોકો માને છે કે રાત્રે ઊંઘ ન થાય તો દિવસે એને પૂરી કરી લઈએ તો પણ ચાલે, પરંતુ એવું નથી. રાતની એકધારી ૬-૮ કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો એ ન હોય તો તરત જ શરીરમાં પાણી ભરાવાનું શરૂ થઈ જાય છે. જેમની ઊંઘ અપૂરતી હોય છે તેના મોઢા પર હંમેશાં સોજા દેખાય છે. આ સિવાય ખાવાનો સમય નિશ્ચિત ન હોય, બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે ૭-૮ કલાકનું અંતર હોય, બ્રેકફાસ્ટ કે લંચ સ્કિપ કરી દેવાની આદત હોય ત્યારે પણ આ તકલીફ ઊભી થઈ શકે છે.

તકલીફના સંભવિત કારણો

જેમને થાઇરોઇડની તકલીફ છે, જેમને કિડનીમાં કોઈ પ્રોબ્લેમ છે કે જેમને બ્લડ-પ્રેશર છે એવા લોકો માટે વોટર રિટેન્શન એક લક્ષણ સાબિત થઈ શકે છે. આ ત્રણેય પ્રકારના રોગોમાં ટેસ્ટ ન કરાવો ત્યાં સુધી ખાસ ખ્યાલ નથી આવતો કે વ્યક્તિને કોઈ તકલીફ છે, પરંતુ જેમને સતત સોજાનો પ્રોબ્લેમ હોય તેમણે આ ત્રણેય વસ્તુની ટેસ્ટ કરાવવી જોઈએ. સંભવ છે કે આ ત્રણમાંથી કોઈ એક રોગને કારણે જ તેમને શરીરમાં પાણીનો ભરાવો થતો હોય. આ સિવાય ઓબેસિટીને કારણે, વજન ઘણું વધારે હોય ત્યારે પણ આ તકલીફ ઊભી થતી હોય છે.

આ ઉપરાંત જેમને પાચન સંબંધિત રોગ હોય, ખાસ કરીને કબજિયાત હોય તો પણ પાણીનો ભરાવો શરીરમાં થાય છે. સાથે-સાથે એવું પણ છે કે પાણીનો ભરાવો વધે તો કબજિયાત વધુ તકલીફદાયક બને. આમ આ એક સાઇકલ છે. રોગને કારણે પાણીનો ભરાવો થાય અને પાણીનો ભરાવો થાય એટલે એ રોગ વધુ પ્રબળ બને. આવું બ્લડ-પ્રેશર, કિડની-પ્રોબ્લેમ, ઓબેસિટી બધામાં જ લાગુ પડે છે. આમ જો એનો ઇલાજ ન કરીએ તો મોટા પ્રોબ્લેમ્સને આવકાર મળે છે.

તકલીફથી બચવા શું કરવું?

સમજવાલાયક બાબત એ છે કે શરીરમાં કોઈ પણ ભાગમાં સોજા આવે કે શરીર ભારે લાગ્યા કરે તો આ બાબતને જરા પણ અવગણવી નહીં. આથી ઊલટું આવું કેમ થયું એ બાબતે ધ્યાન આપવું જરૂરી છે. શરીરમાં પાણીનો ભરાવો થવાનાં ઘણાં કારણો છે. એમાંનું કયું એક કે એક કરતાં વધુ કારણો તમને લાગુ પડે છે એ જુઓ અને એને તરત જ દૂર કરો. જેમ કે, અપૂરતી ઊંઘને કારણે કે મીઠું વધારે ખાવાને કારણે આવું થતું હોય તો પૂરતી ઊંઘ લઈને કે ભોજનમાં મીઠાનું પ્રમાણ ઘટાડીને ચેક કરો કે પ્રોબ્લેમ હજી પણ રહે છે કે જતો રહે છે. લાઇફ-સ્ટાઇલમાં જરૂરી ફેરફાર લાવો. આ તકલીફ પાછળ કોઈ રોગ તો નથી એ જાણવા જરૂરી ટેસ્ટ કરાવો. ફાઇબરયુક્ત ખોરાક ખાઓ. હંમેશા સંપૂર્ણ આહાર લો.

શું તમારું શરીર સૂજેલું રહે છે...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.