એરિઝોનાની ડેમોક્રેટિક પ્રાયમરીમાં ભારતીય ડોક્ટર અમીષ શાહનો વિજય

ભારતીય મૂળના પૂર્વ એરિઝોના સ્ટેટ લો મેકર અમીષ શાહે બુધવારે એરિઝોનાના ફર્સ્ટ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ માટેની ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આગામી નવેમ્બરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં હવે તેમનો સામનો રિપબ્લિકન ઉમેદવાર જય ફીલી સામે થશે. આ એક એવી મહત્વપૂર્ણ બેઠક છે જેના પરિણામો યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના નિયંત્રણને નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. શાહે રિપબ્લિકનમાંથી ડેમોક્રેટ બનેલા માર્લેન ગેલન વૂડ્સને પરાજિત કર્યા હતા. ડૉ. અમીષ શાહ ફિઝિશિયન છે. તેમનો જન્મ અને ઉછેર શિકાગોમાં થયો હતો. તેમના માતા-પિતા 1960ના દાયકામાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે ભારતથી અમેરિકા આવ્યા હતા.

એરિઝોનાઃ ભારતીય મૂળના પૂર્વ એરિઝોના સ્ટેટ લો મેકર અમીષ શાહે બુધવારે એરિઝોનાના ફર્સ્ટ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ માટેની ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આગામી નવેમ્બરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં હવે તેમનો સામનો રિપબ્લિકન ઉમેદવાર જય ફીલી સામે થશે. આ એક એવી મહત્વપૂર્ણ બેઠક છે જેના પરિણામો યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના નિયંત્રણને નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. શાહે રિપબ્લિકનમાંથી ડેમોક્રેટ બનેલા માર્લેન ગેલન વૂડ્સને પરાજિત કર્યા હતા. ડૉ. અમીષ શાહ ફિઝિશિયન છે. તેમનો જન્મ અને ઉછેર શિકાગોમાં થયો હતો. તેમના માતા-પિતા 1960ના દાયકામાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે ભારતથી અમેરિકા આવ્યા હતા.

----------------------------------------------

 કેનેડાના એડમોન્ટનમાં ભારતીય યુવતીની લિવ ઇન પાર્ટનર દ્વારા હત્યા

એડમોન્ટનઃ મૂળ ભારતના પંજાબના લુધિયાણા જિલ્લાના સમરાલા ગામની 23 વર્ષીય યુવતી દમનપ્રીત કૌરની કેનેડાના એડમોન્ટન સ્થિત નિવાસસ્થાને ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. કેનેડા પોલીસે તેના લિવ-ઈન પાર્ટનર અને ભારતીય નાગરિક 22 વર્ષીય રિતિશ કુમારની ધરપકડ કરી સેકન્ડ-ડિગ્રી મર્ડરનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસ ઘરેલુ હિંસા અને યુગલ વચ્ચેના અંગત વિવાદનો છે. દમનપ્રીત આશરે પાંચ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગઈ હતી.

---------------------------------------------------------------

 યરૂશાલેમમાં ભારતીય કેર વર્કરની કરપીણ હત્યા

યરૂશાલેમઃ યરૂશાલેમના એક એપાટમેન્ટમાંથઈ 40 વર્ષીય ભારતીય નાગરિકનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યા બાદ ઇઝરાયેલી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે શંકાના આધારે આ મામલામાં એક ઇઝરાયેલી નાગરિકની અટકાયત કરી છે. મૃતક ભારતીય યરૂશાલેમના કાટામોન વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીની સંભાળ રાખતો હતો. તે જ ઘરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે હજુ આ ભારતીયની ઓળખ જાહેર કરાઇ નથી.

---------------------------------------------------------------

કેનેડામાં રિપુદમનસિંહના હત્યારાને વધુ એક કેસમાં 15 વર્ષની કેદ

બ્રિટિશ કોલંબિયાઃ કેનેડામાં 4 વર્ષ પહેલાં 75 વર્ષીય રિપુદમનસિંહની હત્યા માટે દોષી ઠરનારા ટેનર ફોક્સને માર્ચ 2022માં વધુ એક હત્યાના કેસમાં 15 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 25 વર્ષીય ટેનર ફોક્સને જાન્યુઆરી 2025માં રિપુદમનસિંહની હત્યા માટે આજીવન કેદ ફટકારવામાં આવી હતી. રિપુદમનસિંહ મલિક જૂન 1985માં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં સંડોવાયેલા હતા.

----------------------------------------------------------------

 કેનેડાથી સંચાલિત ડ્રગ રેકેટમાં સંડોવાયેલા હરમનવીરની એફબીઆઇ દ્વારા ધરપકડ

સ્ટોકટનઃ અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને રવિન્દર ઢાંડાની ક્રિમિનલ ગેંગ દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કમાં કથિત સંડોવણી બદલ ભારતીય નાગરિક હરમનવીર સિંહની ધરપકડ કરી છે. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલિંગના અધિકારીઓએ મંગળવારે સ્ટોકટન ખાતે હરમનવીરને ઝડપી લીધો હતો. એફબીઆઇ દ્વારા હાલ લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને રવિન્દર ઢાંડાની ક્રિમિનસ ગેંગો સામે ઓપરેશન હાર્ડબોલ નામનું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હરમનવીર સામે પ્રતિબંધિત ડ્રગ્સના વિતરણ, કબજો રાખવા અને નિકાસ કરવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે.

-------------------------------------------------------------------

 કેનેડાના સસ્કાચેવાનમાં કાર અકસ્માતમાં ગુજરાતી વિદ્યાર્થીનું કરુણ મોત

સસ્કાચેવાનઃ કેનેડાના સસ્કાચેવાન પ્રોવિન્સમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થી ભીષ્મ રાજ્યગુરુ અને કેનેડિયન ફૂટબોલ લીગના ખેલાડી જેડન ડાલ્કેના મોત થયાં હતાં. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે 9 કલાકના સુમારે હાઇવે પર ભીષ્મ રાજ્યગુરુ કારમાં જઇ રહ્યો હતો ત્યારે રોંગ સાઇડમાં કાર લઇને આવેલા સસ્કાચેવાન રફરાઇડર્સ ટીમના કેપ્ટન જેડન ડાલ્કેએ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બંનેના મોત થયાં હતાં. પોલીસને ડાલ્કેની કારમાંથી દારૂ અને ગાંજો પણ મળી આવ્યા હતા. ભીષ્મ એપ્રિલ 2022માં કેનેડા આવ્યો હતો અને એક સંગીતકાર પણ હતો.

---------------------------------------------------------------------

 ઓહાયોની હોસ્પિટલમાં ગુપ્ત કેમેરાથી કર્મચારીઓની તસવીરો લેનાર ડોક્ટર અદ્વૈત દેશમુખને કેદ

ઓહાયોઃ અમેરિકાના ઓહાયોની લુકાસ કાઉન્ટીની હોસ્પિટલના સ્ટાફ વોશરૂમમાં ગુપ્ત કેમેરો મૂકી કર્મચારીઓનું રેકોર્ડિંગ કરવાના કેસમાં ભારતીય મૂળના ડોક્ટર અદ્વૈત દેશમુખને 6 મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. તે ઉપરાંત દેશમુખને 3 વર્ષના સોશિયલ પ્રોબેશન અને 15 વર્ષ સુધી સેક્સ ઓફેન્ડર લિસ્ટ પર રાખવાનો પણ આદેશ અપાયો છે. અદ્વૈત દેશમુખે પુરાવા સાથે છેડછાડ કરવાના એક પ્રયાસ અને છૂપી રીતે વિડિયો અને ફોટોગ્રાફી કરવાના સાત ગુનાઓની કબૂલાત કરી હતી. પ્રોમેડિકા ટોલેડો હોસ્પિટલના એક યુનિસેક્સ વોશરૂમમાંથી એક કર્મચારીને સંતાડેલો સેલફોન મળી આવ્યા બાદ કેસની તપાસ શરૂ કરાઇ હતી. ફોનમાંથી 80થી વધુ વાંધાજનક તસવીરો મળી આવી હતી.

-----------------------------------------------------------------

કેનેડામાં 60,000 ડોલરના ભાડા કૌભાંડમાં મામલે ભારતીય મૂળની સવરીત કૌરની ધરપકડ

બ્રેમ્પટનઃ કેનેડામાં ડઝનબંધ સંભવિત ભાડુઆતોને ઘર વગરના બનાવી તેમની પાસેથી 60,000 કેનેડિયન ડોલરથી વધુ રકમ પડાવી લેવાના ભાડા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પીલ રિજિનલ પોલીસે ભારતીય મૂળની સવરીત કૌરની ધરપકડ કરી છે. તેણે મે 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન સોશિયલ મીડિયા પર બેઝમેન્ટ એપાર્ટમેન્ટ્સ સહિતની મિલકતો ભાડે આપવા અંગેની જાહેરાતો મૂકી હતી. આ જાહેરાતો જોઈને સંપર્ક કરનારા લોકો સાથે ભાડા કરાર કરીને તેમની પાસેથી પ્રથમ અને છેલ્લા મહિનાના ભાડા પેટે ડિપોઝિટ મેળવી લેવામાં આવતી હતી. જ્યારે ભાડુઆતો પોતાના સામાન સાથે આપેલા સરનામે રહેવા પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ હતી કે આ મિલકતો ઉપલબ્ધ જ નથી. કેટલાંક કિસ્સાઓમાં તો પીડિતો ઠગાઈનો શિકાર બન્યા હોવાની જાણ થાય તે પહેલાં જ પોતાના જૂના મકાનો ખાલી કરી ચૂક્યા હતા.

એરિઝોનાની ડેમોક્રેટિક પ્રાયમરીમાં ભારતીય ડોક્ટર અમીષ શાહનો વિજય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.