કોક્રોચ, અનશન, આંદોલન, વિપક્ષ અને રાજકારણ...
ખેલ તો જૂન-જુલાઇના દિવસોનો હતો, પણ તેના પડઘા હજુ શાંત થયા નથી. બિચારા ન્યાયમૂર્તિએ તો નવરા પડેલા એક વર્ગ માટે જ કોક્રોચ શબ્દ વાપર્યો હતો. અચાનક અમેરિકાનો એક યુવક ઇન્ટરનેટ પર આ નામે પક્ષ સ્થાપી બેઠો. અમેરિકામાં તો તે ઘટનાને કોઈએ ગંભીરતાથી લીધી નહીં, પણ ભારતમાં તેને સમર્થન મળ્યું. તેમાં બીજો વિદેશ રહેતો યુવક ભળ્યો, ત્રીજો ભારતથી ઉમેરાયો. નીમિત્ત તો નીટ (NEET - નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાનું પેપર લીક થઈ તે હતું, પણ યુવકો ભારેલા અગ્નિને સાચવીને બેઠા હોય છે. એકાદ દિવાસળીથી ભડકો થઈ જાય.
ખેલ તો જૂન-જુલાઇના દિવસોનો હતો, પણ તેના પડઘા હજુ શાંત થયા નથી. બિચારા ન્યાયમૂર્તિએ તો નવરા પડેલા એક વર્ગ માટે જ કોક્રોચ શબ્દ વાપર્યો હતો. અચાનક અમેરિકાનો એક યુવક ઇન્ટરનેટ પર આ નામે પક્ષ સ્થાપી બેઠો. અમેરિકામાં તો તે ઘટનાને કોઈએ ગંભીરતાથી લીધી નહીં, પણ ભારતમાં તેને સમર્થન મળ્યું. તેમાં બીજો વિદેશ રહેતો યુવક ભળ્યો, ત્રીજો ભારતથી ઉમેરાયો. નીમિત્ત તો નીટ (NEET - નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાનું પેપર લીક થઈ તે હતું, પણ યુવકો ભારેલા અગ્નિને સાચવીને બેઠા હોય છે. એકાદ દિવાસળીથી ભડકો થઈ જાય.
1974માં ગુજરાતમાં નવનિર્માણ આંદોલનની શરૂઆત છેક મોરબીની એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓના ભોજન ખર્ચમાં વધારો થયો તેના વિરોધમાંથી થઈ હતીને? ચીમનભાઈ પટેલની સરકારના શિક્ષણ મંત્રી શ્રીમતી આયેશા બેગમ શેખે ખર્ચ પાછો ખેંચી લેવાની ના પડી, ને ભડકો થયો. નવનિર્માણ નામ આપનારા પ્રા. માવલંકર તો પછી સક્રિય ના રહ્યા, પણ યુવકોએ સ્વયંભૂ સમિતિઓ બનાવી. અધ્યાપક યુનિયન અને કોંગ્રેસમાં ચીમનભાઈ- વિરોધી જૂથનું સમર્થન મળ્યું. વિરોધ પક્ષોએ આંદોલન દરમિયાન થયેલા ગોળીબાર-લાઠીમારનો વિરોધ કર્યો. મનીષી જાની અને બીજા કેટલાકને આંદોલનકારીઓએ પોતાના નેતા બનાવ્યા, મુદ્દાઓ ઉમેરાતા ગયા. ઘણા લોકો ગોળીબારમાં માર્યા ગયા, છેવટે કેન્દ્ર સરકારે મુખ્યમંત્રીની સરકારને બરખાસ્ત કરી.
કોક્રોચ અને નવનિર્માણની કોઈ સરખામણી શક્ય નથી, કારણ કે આની તરાહ જુદી હતી. લદાખમાં સેકમોલ નામે સંસ્થા ચલાવનાર સોનમ વાંગચૂક આમ તો શિક્ષણ, પર્યાવરણ, લદાખને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના આંદોલનકાર, રેમન મેગ્સેસે સન્માન વિજેતા, વ્યવસાયે એન્જિનિયર, રેબેકા નોર્મન સાથે લગ્ન અને છૂટાછેડા, તે પછી ગીતાંજલિ આંગમો સાથે લગ્ન. અને હમણાં દિલ્હીમાં કોક્રોચ આંદોલનમાં
‘આમરણ અનશન’ના કેટલાક દિવસ પછી પારણા કર્યા. આ ટૂંકી તવારીખ છે.
પણ આ વંદા જનતા વળી શું છે? અભિજિત દિપકે મૂળ મહારાષ્ટ્રના, આમ આદમી પાર્ટીમાં જોડાયા. અમેરિકામાં 12 મે 2026ના ક્રોકોચ જનતા પાર્ટી (સીજેપી)ની જાહેરાત કરી દીધી. તેનું સૂત્ર છે - આળસુ અને બેરોજગારોનો અવાજ બનીશું. તેના પ્રવકતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા, આફરીન નવાઝ, દીપક બાલિયાન, રત્ના સિંહ અને વૈષ્ણવી ગોર છે. મુખ્ય મથક તો દિલ્હી છે પણ ચૂંટણી પંચની કોઈ માન્યતા મળી નથી. પક્ષની વિચારધારા શું છે? ‘સેક્યુલર, સમાજવાદી, લોકશાહી અને આળસુ!’
પાંચ મુદ્દાનો ઢંઢેરો બહાર પાડ્યો - અદાણી અને અંબાણી ઔદ્યોગિક જૂથની માલિકીના તમામ મીડિયા હાઉસના લાઈસન્સ રદ કરવા અને ‘ગોદી’ મીડિયા એન્કરના બેન્ક ખાતાઓની તપાસ કરવી એ નજરે ચડે તેવો મુદ્દો છે. આ પાર્ટીના સભ્યપદ માટેની એક શરત આળસુ હોવું તે છે, બીજું - બેકાર હોવાની યોગ્યતા છે, ત્રીજું તેના દરેક સભ્યે રોજના ઓછામાં ઓછા 11 કલાક, બાથરૂમ બ્રેક સહિત ઓનલાઈન રહેવાની લયકાત જોઈશે.
છઠ્ઠી જૂનથી 25 જુલાઇ સુધી આંદોલન ચાલ્યું. ડાબેરી વિદ્યાર્થી સંગઠનોને સાથે લીધા. બિભત્સ પોષાક, ગંદી ગાળો, સંઘ-મોદી-પ્રધાન વગેરેના રાજીનામાંની માગ સહિત સોશિયલ મીડિયા પર તદ્દન અભદ્ર પ્રસ્તુતિ... બીજી તરફ, પોલીસે તૈયાર કરેલી યાદી મુજબ પાક્કા અપરાધીઓએ હિંસા કરી, પત્થરો ફેંક્યા. આમાં ખરા છાત્ર આંદોલકો કેટલા હતા તે તપાસનો વિષય છે જ. ધરણાં, ભૂખ હડતાળ, દેખાવો અને તોડફોડથી દિલ્હીનું આ સ્થાન - જંતર મંતર – ગાજતું રહ્યું.
વહેતી ગંગામાં હાથ ધોવા વિરોધ પક્ષોના નેતાઓ, ફિલ્મ અભિનેતાઓ, ઘણા સમયથી બેકાર રહેલા એકટીવિસ્ટો રોજ વાંગચૂકની મુલાકાતે આવતા હતા. વાંગચૂકે ખુદ સ્વીકાર્યું છે કે ભાંગફોડ અને હિંસાની આશંકાથી મેં ઉપવાસ છોડવાનો નિર્ણય લીધો હતો. મૂળ મુદ્દો તો બાજુ પર રહી ગયો અને આંદોલન ચાલુ રહ્યું. વિપક્ષો પોતાની રીતે, વ્યૂહરચના મુજબ આંદોલનને ટેકો આપતા રહ્યા તેમાં આમ આદમી અને કોંગ્રેસ એકબીજાની સામે આવી ગયા.
આમ તો એટલી બધી, પરસ્પરવિરોધી માહિતી મીડિયામાં આવી રહી છે કે તેની સચ્ચાઈ મેળવવી અઘરી પડી જાય. એક તરફ પેપર લીકના કારણે મૃત્યુ પામેલા 11 વિદ્યાર્થીઓ વિષે ગુસ્સો-આક્રોશ વ્યક્ત કરવો, બીજી તરફ ફાઇવ સ્ટાર હોટેલમાં ડાન્સ પાર્ટી ગોઠવવી, અને પાંચેક પત્રકારોની સાથે મારઝૂડ કરવી એ આ આંદોલનની દેખીતી તસ્વીરો છે.
આની પૂર્વે થયેલા નવનિર્માણ કે કટોકટીવિરોધી આંદોલન સાથે સરખાવી શકાય તેવું એકાદ લક્ષણ પણ ન જોવા મળ્યું. સંપૂર્ણ ક્રાંતિના વ્યાપક આદર્શો સાથે નીકળેલા યુવકો આ આંદોલનમાં દેખાયા, પણ મુદ્દાઓ તો બાજુમાં રહી ગયા હતા. બસ, એક પરિણામ જરૂર આવ્યું કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યું. તેમાં આંદોલનનું કારણ ઓછું જવાબદાર છે, બીજા ઘણા કારણો ભળી ગયા હતા. ખરેખર તો આંદોલનના પહેલા દિવસે કે પેપર ફૂટી ગયા ત્યારે જ જો શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દીધું હોત તો આ આંદોલન જરીકે ય અસરકારક રહ્યું ના હોત. સરકાર જરાક વધારે પડતાં આત્મવિશ્વાસમાં રહી પણ લોકશાહીમાં ક્યારેક સાવ અનપેક્ષિત ઘટનાઓ સર્જાય છે, તેવું જ આ આંદોલનમાં થયું છે. તેમાંથી ખાસ કશું વળવાનું નથી. સ્થાપિત હિતો પોતાને ફાયદો થાય ત્યાં સુધી સક્રિય રહે છે.
વિદેશોમાંથી વ્યાપક રીતે મદદ, જેમ બાંગ્લાદેશમાં થઈ હતી તે રીતે, આ આંદોલનમાં થઈ તેની તપાસ થવી જોઈએ. નિર્દોષ છોકરાઓ પોતાની માગણી સાથે આવ્યા હતા, અને પોલીસે તેના પર જુલમ ગુજાર્યો હતો એવી એકતરફી માન્યતાથી વાત પૂરી થતી નથી. ડો. આંબેડકરે તો બંધારણ પ્રસ્તુતિના દિવસે જ કહ્યું હતું કે હવે દેશમાં લોકતંત્ર સ્થાપિત થયું છે એટલે ઘેરાવ, બંધ, ધરણા, સત્યાગ્રહ વગેરેનો રસ્તો કોઈએ લેવો જોઈએ નહિ, તે બધાં ‘અરાજક્તાનું વ્યાકરણ’ છે. આંબેડકર તો આદર્શોનો આત્મા હતા એટલે આવું કહ્યું, પણ પછી સત્તા પક્ષના કામ જ એવા રહ્યા કે અવાજ પહોંચાડવા આ જ રસ્તા લોકોએ અપનાવ્યા. વિડંબના તો જૂઓ કે બધાએ તેને ‘ગાંધી ચિંધ્યા રસ્તા’ કહ્યા. એક ગુજરાતી કવિની સરસ પંક્તિ છેઃ ‘અમે બાપુ તણા પગલે, બધા એવા છીએ ચાલ્યા, કે બાપુ તણું પગનું પગેરું શોધવું પડશે!’
વંદા-વીરોએ એટલું તો સારું કર્યું કે કોઈએ ગાંધીજીનું નામ નથી લીધું. શાયદ, તેમને એ મહાત્મા ભૂતકાળની ચીજ લાગ્યા હોય એવું બને. જોકે આંબેડકરની છબિ મંચ પર હતી, પણ અરાજક્તાના વ્યાકરણની ક્યાંથી ખબર હોય? જુઓને, ખુદ વિપક્ષના નેતાએ જંતર મંતર આવીને ધરણાં કરવા જોઈએ તેને બદલે વડાપ્રધાનના નિવાસ પાસે બેસી ગયા. પોલીસની વિનંતીએ માન્યા સિવાય જમીન પર સૂઈ ગયા.
આ નજારો જોઇને મને 1968નું, કચ્છ સત્યાગહ દરમિયાનનું દૃશ્ય યાદ આવી ગયું. રાજનારાયણનો દળદાર દેહ જમીન પર સૂઈ ગયો અને પોલીસને ટીંગાટોળી કરીને પોલીસ વાન સુધી લઈ જવામાં પસીનો વળી ગયો હતો! રાજનારાયણ ત્યારે વિરોધ પક્ષે હતા, રાહુલ પણ વિપક્ષી નેતા, એટલી સરખામણી થઈ શકે. પણ મને સ્મરણમાં આવતું નથી કે વાજપેયીજી, દીનદયાળ ઉપાધ્યાય, ડો. શ્યામાપ્રસાદ મુખરજી, રામમનોહર લોહિયા, બેરિસ્ટર નાથપાઈ, એન.જી. રંગા, રાજાજી કે બીજા કોઈ નેતાઓએ પોલીસનો આવો ઇનકાર કર્યો હોય. એટલું સારું કે ભલે બીજા દિવસે, પણ બધા પરીક્ષા મામલે રજૂ થયેલા વિધેયક પર ચર્ચા કરવામાં સમ્મત થયા.
શું તેમના પર જેન-ઝીના વ્યવહાર અને નીતિની અસર પડી હશે? કોક્રોચના વિદ્યાર્થીઓની ઉમરની તો જાણ નથી, 1997થી 2012 સુધીમાં જન્મેલાઓ માટે આ શબ્દ વાપરવામાં આવે છે, પણ જેન-ઝી એક જ નથી. અનેક બદલાતી પેઢીઓને ઓળખવા માટે અમેરિકાના સમાજવિદ્યા વિચારકોએ સમીક્ષા અને સંશોધન ચાલુ રાખ્યા અને દરેક નવી પેઢીને નામ આપ્યા છે! એ વિષે વળી ક્યારેક વાત કરીશું.
