પતિ વિનાના જીવનની વેદના : ઘાયલકી ગત ઘાયલ જાને

નવેક મહિના પહેલા જ પતિની ચિરવિદાયે નીનાબહેનને શૂન્ય મનસ્ક બનાવી દીધાં હતાં. જે જીવનની કલ્પના ના કરી હોય એ અચાનક ત્રાટકે તો જીવનમાં ભૂકંપ આવે ને હલચલ મચી જાય એવા બેહાલ થઇ જાય. લાંબા સમય બાદ નીનાને આજે સહેલી રેખા સાથે સમય ગાળવા મળ્યો જેથી થોડી સાંત્વના મળી હોય એમ લાગે છે.
નવેક મહિના પહેલા જ પતિની ચિરવિદાયે નીનાબહેનને શૂન્ય મનસ્ક બનાવી દીધાં હતાં. જે જીવનની કલ્પના ના કરી હોય એ અચાનક ત્રાટકે તો જીવનમાં ભૂકંપ આવે ને હલચલ મચી જાય એવા બેહાલ થઇ જાય. લાંબા સમય બાદ નીનાને આજે સહેલી રેખા સાથે સમય ગાળવા મળ્યો જેથી થોડી સાંત્વના મળી હોય એમ લાગે છે.
રેખા, તારી જેમ પોતાનું અંગત વ્યક્તિ ન હોય તો મનનો ઉભરો ક્યાં ઠાલવવો એ સવાલથી જ અર્ધ પાગલ જેવા બની જવાય. કેટલા સમયથી પોતાના અંગતજન પાસે દિલ ખોલવા તડપતી હતી.
આજે તું મળી ગઇ એથી એટલું સારૂં લાગે છે કે, મન ભારે ભારે હતું એ હવે હળવું થયું.
એમણે જીવનના છેલ્લા શ્વાસ લીધાં એ ક્ષણ હજી આંખ સામે તરવરે છે. અચાનક એમની તબિયત બગડતાં હોસ્પીટલમાં લઇ ગયા. તબિયત સુધરી હોવાના એંધાણ મળતાં હાશ થઈ. ત્યાં તો એમને બીજો એટેક આવી ગયો જે જીવલેણ બની ગયો. મન કોઇ રીતે માનવા જ તૈયાર નથી કે એમની હયાતિ નથી.
એકદમ મારા રાજ ઘરાના જેવા સુખ પર ગ્રહણ લાગી ગયું. મારું પળે પળે ધ્યાન રાખનાર અચાનક જીવનમાંથી એક્ઝીટ લઇ લે ત્યારે માથે આભ તૂટી પડ્યું હોય એમ લાગે!
ઘરનો મોભ માથે હોય તો બીજું વિચારવાનું જ ના રહે. ઘરનો બધો વહિવટ એ કરે એથી આપણે તો નિશ્ચિંત! બેંકનો રોજબરોજનો કારભાર સંભાળવો. ઘરના લાઇટ-ગેસ બીલ ભરવા. હરવા-ફરવાના પ્લાનીંગ કરવા. ડાયરી અપટુ ડેટ રાખવી એ બધી જ એમની જવાબદારી. આપણે તો બે ટાઇમ ચા ને રસોઇ બનાવી દેવાના એમાંય મદદનીશ. શોપીંગમાં એ હંમેશા સાથે જ હોય. એમની સોસીયલ લાઇફ પણ બીઝી. એમનું જીવન જ સમાજને સમર્પિત.
ઘરમાં અત થી ઇતિ સુધીનો કારભાર એમના જ હાથમાં. ફાયનાન્સની બધી જ વ્યવસ્થા એમના હવાલે. પૈસા ક્યાંથી આવ્યા ને ક્યાં જાય છે એની કોને પરવાહ! આપણને તો આપણી જરૂરિયાત સારી રીતે સંતોષાતી હોય એટલે બીજું જાણવાની જરૂર નહિ ને એમને પણ એમ જ કે હું બેઠો છું ને તારે શી ચિંતા?
ક્યાંય જવાનું હોય તો મને અગાઉથી સૂચના આપી દે કે આજે સાંજે ૫ વાગે બરાબર તૈયાર રહેજે. સવારના ઉઠાડવાનું કામ પણ એમનું જ! મેડમ ઊઠયા કે નહિં?
મને ચાલવામાં તકલીફ તો મારૂં એટલું ધ્યાન રાખે કે પૂછો ના!
હું એકલી ઘરની બહાર જાઉં તો સમયસર ઘરે ન પહોંચુ ને ફોન આવી જાય કે નીના ક્યાં છે? સવારથી રાત સતત ૫૫ વર્ષોનું સહચર્ય ધડીમાં હતું ન હતું થઈ જાય ને જીવન વેદનાથી છલકાઇ જાય.
મને ફુલની જેમ સાચવતા એ પતિની હાજરી ના હોય એવું સપનામાં ય કલ્પ્યું ન હતું.
હુઁ તો જાણે સાવ ખોવાઇ ગઇ. ઘરમાં પતિ-પત્ની એકલા રહેતા હોય ત્યારે એકબીજાનો સહારો ને આશરો આપણને કેટલા ડીપેન્ડન્ટ બનાવી દે એ વિચાર્યું પણ ના હોય. લડતાં-ઝઘડતાં ય જિંદગી મજાથી માણતા હોય. એની હાજરી હોય ત્યારે જે વિચારી ન શકાય એનો સામનો કરવાનો આવે ત્યારે એની કિમત સમજાય.
ઘરની બહાર સદાય સાથે સાથે જ જતા હોય ત્યાં હવે ઘરની બહાર પગ કેમ મૂકવો એની મૂંઝવણ થઇ જાય. ઘડપણમાં જ્યારે સહારાની જરૂર હોય ત્યારે અચાનક એ ઝૂંટવાઇ જાય તો સાવ ખોવાઇ જવાય. દિમાગ કામ જ ના કરે.
સવારની મીઠી ચામાં હવે ચાહ ના રહે. ખાવાનામાં સ્વાદ ના રહે. કોઇની સાથે વાત કરવાનો મૂડ ના આવે. વારે વારે આંખો ને હ્દય ભરાઇ જાય. રસ્તો ભૂલાઇ જાય. છોકરાઓને બિચારાને ચિંતા થાય.
છોકરો કહે કે, મમ મારી સાથે રહેવા આવી જા. એ માટે મન માને નહિ! એમાં આપણી સ્વતંત્રતા છીનવાઇ જાય. પરવશ બની જઇએ. જ્યાં રહેતા હોય એ ઘરમાં યાદોં, સ્મૃતિઓ ભરી હોય એ જીવન જીવવાના સહારા સમાન લાગે.
એકલા રહેવામાં કોઇ અજાણ્યું ઘરમાં ઘૂસી જાય તેની ચિંતા સતાવે! કોઇને કામ માટે રાખીએ તો વિશ્વાસ ના આવે.
એકલતા કોરી ખાય, ઉધઇની જેમ! ચહેરા પર ફિક્કુ હાસ્ય રાખી જીવવાના પ્રયાસ પર પણ બેચેની સવાર થઇ જાય.
જીવન એવું આકરૂં બની જાય કે મનમાં થાય કે, “જાયે તો કહાં જાય એ દિલ’
રેખા, સાચી વાત છે નીના તારી પણ એમાંથી રસ્તો કાઢી જે આયુ મળ્યું છે એ જીવવું તો રહ્યું જ! તારો જન સંપર્ક વધારી દે. થોડું બહાર જવાનું ને હળવા-મળવાનું વધાર. હેલ્થ ઇઝ વેલ્થ. આપણે આપણા આરોગ્યનું ધ્યાન રાખીશું તો શેષ જીંદગી સારી રહેશે અને કોઇના પર બોજ નહિ બનીએ! જીવન છે તો જીવવું તો પડશે જ. તો સારી રીતે કેમ ન જીવવું? બનવાકાળ બનીને જ રહે છે. જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે એ જાણવા છતાં અપણે એવી રીતે જીવીએ છીએ કે મૃત્યુનો વિચાર જ કરતા નથી.
સ્ત્રી હોય કે પુરૂષ બન્નેએ ઘરના ને બહારના કામ પહેલેથી જ ભાગીદારીમાં કરવા જેથી એકબીજાની ગેરહાજરીમાં નિ:સહાય બની ના જવાય.
