પીછેહઠ કરવી તે હંમેશાં શરણાગતિ નથી

પરીક્ષા ગેરરીતિઓ સંદર્ભે તાજેતરના વિદ્યાર્થીઓનો વિરોધ નિશ્ચિતપણે ભારતીય રાજકીય ફલકમાં સૌથી નજીકથી નિહાળાતા ઘટનાક્રમોમાં એક બની ગયો છે. પરીક્ષાના પેપર કથિતપણે લીક થવા, પારદર્શિતા અને રોજગારની તકો બાબતે વિદ્યાર્થીઓ દ્વારા ચિંતાની સાચી અભિવ્યક્તિ ધીરે ધીરે રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગઈ, જેણે રાજકીય ધ્યાન આકર્ષવા સાથે મીડિયામાં ખૂબ કવરેજ અને વ્યાપક ચર્ચા ઉભાં કર્યાં છે.
પરીક્ષા ગેરરીતિઓ સંદર્ભે તાજેતરના વિદ્યાર્થીઓનો વિરોધ નિશ્ચિતપણે ભારતીય રાજકીય ફલકમાં સૌથી નજીકથી નિહાળાતા ઘટનાક્રમોમાં એક બની ગયો છે. પરીક્ષાના પેપર કથિતપણે લીક થવા, પારદર્શિતા અને રોજગારની તકો બાબતે વિદ્યાર્થીઓ દ્વારા ચિંતાની સાચી અભિવ્યક્તિ ધીરે ધીરે રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગઈ, જેણે રાજકીય ધ્યાન આકર્ષવા સાથે મીડિયામાં ખૂબ કવરેજ અને વ્યાપક ચર્ચા ઉભાં કર્યાં છે.
દરેક લોકશાહીમાં, યુવાનોનો અવાજ જરૂરથી સંભળાવો જોઈએ કારણકે તેઓ રાષ્ટ્રનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વર્ષોની કઠોર મહેનત, બલિદાન અને આશાનું રોકાણ કરે છે. આવી પરીક્ષાઓની પ્રામાણિકતા સામે સવાલ ઉઠે ત્યારે રોષ અને નિરાશા ઉપજવાં સ્વાભાવિક છે. આવા સમયે યોગ્ય પ્રતિભાવ સાથે તપાસ આદરવી
અને લોકવિશ્વાસને પુનઃસ્થાપિત કરવો તે લોકશાહી સરકારની ફરજ છે.
જોકે, આંદોલને ગતિ પકડવા સાથે વિરોધકારો મૂળ હેતુથી દૂર જતા જણાયા. રાજકીય પક્ષો મેદાનમાં કૂદી પડ્યા, સોશિયલ મીડિયા પર વિરોધાભાસી નેરેટિવ્ઝ ઉપરાંત, ગેરમાહિતીના આક્ષેપો પણ બહાર આવતા થયા. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ તેમણે કથિતપણે પાકિસ્તાનથી ઉદ્ભવેલા અને વિરોધ આંદોલન સંદર્ભે ગેરમાહિતી ફેલાવતા કન્ટેન્ટ સાથેના સેંકડો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઓળખીને બ્લોક કર્યા હતા. જો આ દાવાઓ સાચા હોય તો લોકોની સાચી ફરિયાદો પણ કેવી રીતે બાહ્ય પ્રભાવ અને માહિતીના શસ્ત્રથી આગમાં ઘી હોમી શકે છે તે દર્શાવે છે. વિદ્યાર્થીઓની ચિંતા કદી રાજકીય અથવા ભૂરાજકીય લડાઈઓના હાથા કે સાધનો બનવાં ન જોઈએ. અથવા તેઓ શું ખરેખર મોટા રાજકીય એજન્ડાનો જ હિસ્સો બની ગયા હતા?
સ્વહિત કરતાં બલિદાનો મોટાં હોય છે
વિરોધ અથવા ‘આંદોલન’ હંમેશાંથી ભારતના ઈતિહાસ અને લોકશાહીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યા છે. આઝાદીની ચળવળ સમયે ભારતે વિશ્વને દર્શાવ્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધ, ધીરજ અને નૈતિક હિંમત થકી હિંસા વિના પણ ટકાઉ બદલાવ લાવી શકાય છે. લોકોને અવાજ ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ વિરોધ શાંતિપૂર્ણ અને આદરપૂર્ણ રહેવો જોઈએ. હિંસા, તોડફોડ અને ઘૃણાસ્પદ વર્તન માત્ર ઉદ્દેશને નબળો પાડી મૂળ મુદ્દાઓ પરથી ધ્યાનને ભટકાવે છે.
આ વિરોધ પછી સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની રહી. નોંધવાલાયક બાબત એ છે કે તેમના જાહેર જીવનની શરૂઆત વિદ્યાર્થીઓના અધિકારોની હિમાયત, પરીક્ષાના પેપર લીક થવા સહિતના મુદ્દાઓ પરના વિરોધની સક્રિય આગેવાની સંભાળતા વિદ્યાર્થીનેતા તરીકે થઈ હતી. મિનિસ્ટરપદેથી રાજીનામાનો તેમનો નિર્ણય પ્રશંસાપાત્ર છે. ઘણી વખત, નેતાગીરીએ જાહેર સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા જવાબદારી સ્વીકારવાની અથવા ચોક્કસ બલિદાન આપવાની જરૂર પડે છે. સરકારે પરીક્ષાઓમાં સુધારાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા સહિત વિદ્યાર્થીઓની ઘણી માગણીઓ સ્વીકારી તે દર્શાવે છે કે લોકશાહી સંસ્થાઓ સંઘર્ષના બદલે સંવાદ મારફત પણ પ્રતિભાવ આપી શકે છે. વિદ્યાર્થી દ્વારા વિરોધને પાછો ખેંચવાનો નિર્ણય પણ લોકશાહીવાદી સામેલગીરીથી રચનાત્મક પરિણામ લાવવાના ઉદાહરણ તરીકે નિહાળવો જોઈએ.
મોદી સરકાર હેઠળ ભારતની પ્રગતિ
સપ્તાહોના વિરોધના પગલે દુર્લભ રાજકીય પીછેહઠ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરજ પાડ્યા પછી ભારતીય વિદ્યાર્થીઓએ ઉજવણી કરી. મોદીની દીર્ઘ રાજકીય કારકિર્દીમાં સૌપ્રથમ વખત રાજકીય અપરાજેયતાની છબીને પડકાર મળ્યાનું દેખાય છે. આની સાથે, વિશાળ ચિત્રફલક પર નજર નાખવી પણ મહત્ત્વપૂર્ણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનું કોઈ પણ મૂલ્યાંકન તેની સમક્ષના પડકારો અને ગત દાયકામાં ભારત જે પરિવર્તનનું સાક્ષી રહ્યું છે તે બંનેને નજરમાં રાખીને કરવું પડે.
કોઈ પણ નેતાની માફક વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંપૂર્ણ નથી અને તેમની સરકાર પણ ખામીવિહીન નથી. પરંતુ આલોચના વાજબી અને સંતુલિત હોવી જોઈએ. વ્યક્તિગત હુમલાઓથી દેશનું ભલું થવાનું નથી. તેમની નેતાગીરી હેઠળ ભારતે સાધેલી પ્રગતિને સ્વીકારવાનું પણ મહત્ત્વનું છે તેમજ જ્યાં સુધારાઓ આવશ્યક છે ત્યાં સરકારને જવાબદાર ગણાવવાનું પણ જરૂરી છે.
આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપે વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં એક છે. મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ સહિતના ઈનિશિયેટિવ્ઝ થકી ઉત્પાદન, ઈનોવેશન, અને એન્ટ્રેપ્રીન્યોરશિપ મજબૂત બન્યાં છે. વિશ્વમાં સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ્સમાં એક અને ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ માટે આકર્ષક સ્થળ તરીકે ભારતે તેના યુવાઓ માટે નવી તકો, કેરિયર પાથવેઝ એન્ટ્રેપ્રીન્યોરીઅલ વેન્ચર્સનું સર્જન કર્યું છે.
દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આધુનિક એક્સપ્રેસવેઝ, સમર્પિત ફ્રેઈટ કોરીડોર્સ, વિસ્તરેલા રેલવે નેટવર્ક્સ, વંદે ભારત ટ્રેન્સ, નવા એરપોર્ટ્સ, મેટ્રો સિસ્ટમ્સ અને સુધરેલી કન્ટેક્ટિવિટી થકી નોર્થઈસ્ટથી જમ્મુ અને કાશ્મીર અને લડાખ સહિતના અંતરિયાળ વિસ્તારો રાષ્ટ્રીય મુખ્યપ્રવાહની
નિકટ આવ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ હવે મેટ્રોપોલીટન કેન્દ્રો સુધી મર્યાદિત નથી, પરંતુ દેશના મોટા ભાગના વિસ્તારો સુધી વિસ્તર્યો છે.
ભારતની ટેકનોલોજિકલ મહત્ત્વાકાંક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે. દેશે સેમિકન્ડકટર ઈકોસિસ્ટમ મજબૂત બનાવી છે, ડિજિટલ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તાર્યું છે, અવકાશ સંશોધનમાં નવાં સીમાડા સર કર્યા છે અને ભરોસાપાત્ર વૈશ્વિક ટેકનોલોજી પાર્ટનર તરીકે પોતાને સ્થાપિત કરવાનું જાળવી રાખ્યું છે. આત્મનિર્ભર ભારત ઈનિશિયેટિવ અંતર્ગત સ્વનિર્ભરતા પર વિશેષ ભાર મૂકવા સાથે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગે ગતિ પકડી છે. બ્રહ્મોસ મિસાઈલ જેવી સ્વદેશી સિસ્ટમ્સથી ભારતની વ્યૂહાત્મક ક્ષમતાઓ સતત વધી છે અને સંરક્ષણ આધુનિકીકરણે દેશની સુરક્ષા સ્થિતિને વધુ મજબૂત બનાવી છે.
ભારતની વિશ્વનેતા તરીકે ભૂમિકા
વિશ્વતખતા પર ભારતનો અવાજ અગાઉ કદી ન હતો તેવો પ્રભાવ ધરાવે છે. G20, BRICS અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર તેની સક્રિયતાની સાથોસાથ ઈન્ડો-પાસિફિક ક્ષેત્રોમાં ભાગીદારીઓનું વિસ્તરણ દર્શાવે છે કે દેશ માત્ર વૈશ્વિક ઘટનાઓનો પ્રતિસાદ વાળતો નથી, સતત ઘડાઈ પણ રહ્યો છે. વડા પ્રધાન મોદીની રાજદ્વારી પહોંચે ભારતના આંતરરાષ્ટ્રીય પ્રોફાઈલને ઊંચે પહોંચાડ્યો છે અને સમગ્ર વિશ્વના દેશો સાથે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવ્યા છે. આમાંની કોઈ પણ સિદ્ધિ એમ સૂચવતી નથી કે ભારતમાં સમસ્યાઓ નથી. યુવા બેરોજગારી, શિક્ષણની ગુણવત્તા, પરીક્ષાઓમાં સુધારા અને રોજગાર સર્જનની તાતી સમસ્યાઓ છે. આ મુદ્દાઓ પરત્વે સતત નીતિવિષયક ધ્યાન અને જાહેર ચર્ચાઓ થવી આવશ્યક છે.
જોકે, એક વિવાદના અરીસામાંથી જ સરકાર વિશે મત બાંધવાનું પણ ગેરવાજબી જ લેખાય. અસામાન્ય વૈવિધ્ય , વિરોધાભાસી આકાંક્ષાઓ અને જટિલ સોશિયો-ઈકોનોમિક વાસ્તવિકતાઓ ધરાવતી લગભગ 1.5 બિલિયન લોકોની વસ્તી સાથેના દેશનો વહીવટ કરવા સતત સમતુલાની આવશ્યકતા રહે છે. આવી વિશાળ લોકશાહીનું સંચાલન કરવાનું કાર્ય સહેલું નથી, દરેક પડકાર કે સમસ્યાને આ વિશાળ સંદર્ભમાં નિહાળવા જોઈએ. કોઈ પણ વહીવટીતંત્ર કે શાસન દરેક આકાંક્ષાઓને સંતોષી શકે નહિ અને કોઈ પણ લોકશાહી ટીકા-આલોચના વિના કામ કરી શકે નહિ. સુધારણા-દુરસ્તી અને સુધારાવધારા માટે હંમેશાં અવકાશ રહે છે.
લોકશાહીમાં દરેક નાગરિકને પ્રશ્ન ઉઠાવવા, વિરોધ કરવા અને જવાબદારીની માગણી કરવાનો બંધારણીય અધિકાર છે, પરંતુ આવી અસહમતિ શાંતિપૂર્ણ અને કાયદાના માળખાની અંદર જ રહે તેવી ચોકસાઈ રાખવાની જવાબદારી પણ છે. કાયદો અને વ્યવસ્થાનો ભંગ, હિંસાની છૂટ અથવા જાહેર અસંતોષને મૂળ ઉદ્દેશથી આગળ ભડકાવવાની છૂટછાટ વિદ્યાર્થીઓ અથવા દેશના હિતની તરફેણમાં નથી. સાચી ફરિયાદો કે ચિંતાનુ સાચું નિરાકરણ લવાવું જોઈએ, પરંતુ અવ્યવસ્થા કે અરાજકતાથી આવા ઉપાયો કરી શકે તેવી સંસ્થાઓ જ નબળી પડે છે.
પ્રવર્તમાન ભૂરાજકીય સંઘર્ષો, સપ્લાય ચેઈનમાં અવરોધો, ઊર્જા અસલામતી અને વધી રહેલી આર્થિક અચોક્કસતાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ભારે દબાણ હેઠળ છે. આવા સમયે, આંતરિક અસ્થિરતા દેશને વધુ નબળો બનાવે છે. ભારતનું કદી સારું ન ઈચ્છતા દેશો ભારતની એકતા, આત્મવિશ્વાસ અને વૈશ્વિક દરજ્જાને નબળા પાડવાના હેતુસર આંતરિક અસ્થિરતાનો લાભ લેવા દરેક વિભાજક નિશાનીઓ પર ખાસ નજર રાખે છે. લોકોની ન્યાયોચિત ચિંતા ભારતને વિભાજિત કરવા અથવા અસ્થિર બનાવવા ઈચ્છનારા માટે તક બની જાય તેમ આપણે કદી થવા દેવું ન જોઈએ.
અનેકતામાં જ એકતાની તાકાત
ભારતની સૌથી મોટી તાકાત હંમેશાંથી તેની વૈવિધ્યતાની મધ્યે એકતામાં જ રહેલી છે. અવાજોને ચૂપ કરી દેવાથી લોકશાહી પાંગરતી નથી, પરંતુ અસહમતિઓને જવાબદારી સાથે વ્યક્ત કરાય, સંસ્થાઓ જવાબદાર બની રહે અને રાષ્ટ્રહિત રાજકીય અથવા વૈચારિક મતભેદોથી ઉપર રહે ત્યારે જ લોકશાહી પાંગરે છે. સિસ્ટમ નિષ્ફળ જાય તો તેને સુધારો, નબળી પડે ત્યાં મજબૂત બનાવો, પરંતુ કદી દેશમાંથી તમારી આસ્થા ગુમાવશો નહિ.
તાજેતરના વિરોધ-દેખાવો દરેક માટે બોધપાઠ બની રહેવા જોઈએ. સરકારોએ ઉત્સાહી પ્રતિસાદ વાળવો જોઈએ, સંસ્થાઓએ જવાબદાર બનવું જોઈએ અને યુવા નાગરિકોએ જાહેર જીવનમાં રચનાત્મકપણે સામેલ થવું જોઈએ.
આ જ પ્રમાણે લોકશાહી વિરોધ ન્યાયસંગત-ઉચિત ફરિયાદોનો ગેરલાભ ઉઠાવવાના રાજકીય હિતો અથવા બાહ્ય દુશ્મનોના પ્રયાસોનો પ્રતિકાર કરવા સાથે શાંતિપૂર્ણ, હકીકતોને આધારિત અને સ્વતંત્ર રહેવા જોઈએ
ભારતની લોકશાહી ચોક્કસપણે રણકદાર છે તેનું કારણ એ છે કે તે અસહમતિ, ચર્ચા અને ઉત્તરદાયિત્વને સ્વીકારે છે. વરિષ્ઠ મિનિસ્ટરનું રાજીનામું, વાટાઘાટોની સરકારની તૈયારી અને આંદોલનને સસ્પેન્ડ કરવાનો દેખાવકારોનો નિર્ણય, આ બધું દર્શાવે છે કે લોકશાહી પ્રક્રિયાઓ બંધારણીય વ્યવસ્થાની અવહેલના કર્યા વિના પરિણામો લાવી શકે છે.
સાચો પ્રશ્ન એ નથી કે ભારતના યુવાનોએ તેમનો અવાજ ઉઠાવવો જોઈએ કે નહિ, તેમણે ઉઠાવવો જ જોઈએ. વધુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આ અવાજોએ કઈ દિશા પકડવી જોઈએ. જો તેઓ સત્ય, ઉત્તરદાયિત્વ અને રાષ્ટ્રનિર્માણની પ્રતિબદ્ધતાથી દોરવાયેલા હશે તો પ્રજાસત્તાકને મજબૂત બનાવશે. જો તેઓ રાજકીય ધ્રુવીકરણ, ગેરમાહિતી અથવા બાહ્ય કાવાદાવાઓની કેદમાં જકડાશે તો લોકશાહી અને ભારતીય યુવા પેઢીની આકાંક્ષાઓને જ સહન કરવાનું આવશે.
ભારતના ભવિષ્યનો નિર્ણય માત્ર શાસન કરનારાઓ થકી નહિ થાય. ભાવિનું ઘડતર જેઓ પ્રશ્નો ઉઠાવે છે, જેઓ સાંભળે છે અને જેઓ જાણે છે કે ક્યારે મક્કમ ઉભા રહેવું અને ક્યારે રાષ્ટ્રના હિતમાં ક્યારેક શરણાગતિ ન હોય તેવી પીછેહઠ કરવી, તેમના થકી પણ થશે.
