ભગવાન બુદ્ધનું પ્રથમ ઉપદેશ સ્થળ સારનાથ હવે વૈશ્વિક વારસો

પૌરાણિક નગરી વારાણસી નજીક આવેલા ભગવાન બુદ્ધની પ્રથમ ‘ધર્મદેશના’ સ્થળી એવા પવિત્ર સારનાથને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું છે. સાઉથ કોરિયાના બુસાનમાં યોજાયેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કાઉન્સિલના 48મા સત્રમાં શનિવારે આ ઐતિહાસિક જાહેરાત કરાઇ હતી. અંદાજે 28 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ મળેલી આ વૈશ્વિક માન્યતા સાથે સારનાથ ભારતનું 45મું અને ઉત્તર પ્રદેશનું ચોથું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે.
સારનાથઃ પૌરાણિક નગરી વારાણસી નજીક આવેલા ભગવાન બુદ્ધની પ્રથમ ‘ધર્મદેશના’ સ્થળી એવા પવિત્ર સારનાથને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું છે. સાઉથ કોરિયાના બુસાનમાં યોજાયેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કાઉન્સિલના 48મા સત્રમાં શનિવારે આ ઐતિહાસિક જાહેરાત કરાઇ હતી. અંદાજે 28 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ મળેલી આ વૈશ્વિક માન્યતા સાથે સારનાથ ભારતનું 45મું અને ઉત્તર પ્રદેશનું ચોથું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે. આ સિદ્ધિથી ઉત્તર પ્રદેશની બૌદ્ધ વિરાસતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળવાની સાથેસાથે પૂર્વાંચલના ધાર્મિક પ્રવાસનને પણ નવો વેગ મળશે.
ઉલ્લેખનીય છે કે સારનાથને 3 જુલાઈ 1998ના રોજ યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ કરાયું હતું. લાંબી પ્રક્રિયા અને સમીક્ષા બાદ હવે તેને વિશ્વ ધરોહરનો દરજ્જો મળ્યો છે. અગાઉ ઉત્તર પ્રદેશમાં માત્ર તાજમહેલ, આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સીકરી જ આ યાદીમાં સામેલ હતા. સારનાથના સમાવેશથી રાજ્યની આ ધરોહરની ઓળખ પહેલીવાર પૂર્વાંચલ ક્ષેત્ર સુધી વિસ્તરી છે.
સારનાથ ક્ષેત્રમાં મુખ્યત્વે ચોખંડી સ્તૂપ અને પુરાતત્વીય પરિસર સામેલ છે. ચોખંડી સ્તૂપ તે પવિત્ર સ્થળનું પ્રતીક છે જ્યાં ભગવાન બુદ્ધ પોતાના પાંચ પ્રથમ શિષ્યોને મળ્યા હતા. જ્યારે પુરાતત્વીય પરિસરમાં ધામેક સ્તૂપ, ધર્મરાજિકા સ્તૂપ, પ્રાચીન વિહારોના અવશેષો અને સમ્રાટ અશોકનો પ્રસિદ્ધ સ્તંભ છે. આ તમામ સ્મારકો સારનાથના બૌદ્ધ ધર્મના મુખ્ય કેન્દ્ર તરીકેના ઐતિહાસિક ઉત્થાનની સાક્ષી પૂરે છે.
બૌદ્ધ ધર્મમાં આગવું સ્થાન
બૌદ્ધ ધર્મમાં સારનાથનું સ્થાન સર્વોપરી અને અત્યંત પવિત્ર છે. અહીં જ્ઞાન પ્રાપ્તિ પછી ભગવાન બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ આપીને ‘ધર્મચક્ર પ્રવર્તન’ કર્યું હતું. આ જ જગ્યાએથી બૌદ્ધ સંઘની સ્થાપના થઈ હતી અને સમગ્ર વિશ્વમાં કરુણા, શાંતિ તથા મધ્યમ માર્ગનો સંદેશ ફેલાયો હતો. છેલ્લા અંદાજે 2600 વર્ષોથી આ સ્થળ દેશ-વિદેશના બૌદ્ધ શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ઉત્તર પ્રદેશના પ્રવાસન મંત્રી જયવીર સિંહે ગર્વની ક્ષણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ માટે ચાલી રહેલા પ્રયાસોનું આ સાર્થક પરિણામ છે.
દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ! અત્યંત આનંદની વાત છે કે ઉત્તર પ્રદેશના સારનાથને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન મળ્યું છે. સારનાથનો ભગવાન બુદ્ધ સાથે ઘનિષ્ઠ સંબંધ છે, જેમના જ્ઞાન, કરુણા અને સમરસતાના શાશ્વત સંદેશથી વિશ્વ પ્રેરણા મેળવે છે. આ માન્યતા ભારતની સમૃદ્ધ સભ્યતા અને આધ્યાત્મિક વારસાનું સન્માન કરે છે. આનાથી વિશ્વભરના વધુને વધુ લોકો સારનાથની મુલાકાત લેવા અને ભગવાન બુદ્ધના આદર્શો સાથે જોડાવા માટે પ્રેરિત થશે.
