ભારે વરસાદ અને પાણી ભરાતાં ગુજરાતને રૂ. 10 હજાર કરોડથી વધુનું નુકસાન

ચાલુ ચોમાસામાં રાજ્યમાં પડેલા અતિભારે વરસાદ અને પૂરના કારણે ગુજરાતને ફરી એક વખત અંદાજે રૂ. 10 હજાર કરોડ જેટલું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ સરકારી સ્તરે ચર્ચામાં છે. વિવિધ વિભાગો અને જિલ્લા વહીવટી તંત્ર નુકસાનના અંતિમ આંકડા એકત્ર કરવામાં વ્યસ્ત છે અને ટૂંક સમયમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને વિગતવાર મેમોરેન્ડમ મોકલી વિશેષ નાણાકીય સહાયની માગ કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને પૂરના કારણે અનેક જિલ્લાઓમાં જાનહાનિ, ખેતી, માર્ગો, પુલો અને જાહેર માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
ગાંધીનગર: ચાલુ ચોમાસામાં રાજ્યમાં પડેલા અતિભારે વરસાદ અને પૂરના કારણે ગુજરાતને ફરી એક વખત અંદાજે રૂ. 10 હજાર કરોડ જેટલું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ સરકારી સ્તરે ચર્ચામાં છે. વિવિધ વિભાગો અને જિલ્લા વહીવટી તંત્ર નુકસાનના અંતિમ આંકડા એકત્ર કરવામાં વ્યસ્ત છે અને ટૂંક સમયમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને વિગતવાર મેમોરેન્ડમ મોકલી વિશેષ નાણાકીય સહાયની માગ કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને પૂરના કારણે અનેક જિલ્લાઓમાં જાનહાનિ, ખેતી, માર્ગો, પુલો અને જાહેર માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ કૃષિ, માર્ગ-મકાન, સિંચાઈ, વીજ પુરવઠો, પાણી પુરવઠો, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને થયેલા નુકસાનનો વિભાગવાર હિસાબ તૈયાર થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાક ધોવાઈ ગયા છે. હજારો મકાનોને નુકસાન થયું છે અને રસ્તા-પુલોના સમારકામ માટે પણ મોટા ખર્ચનો અંદાજ છે. તમામ જિલ્લાઓના અહેવાલો મળ્યા બાદ રાજ્ય સરકાર કેન્દ્રને સત્તાવાર મેમોરેન્ડમ મોકલશે.
રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા છે કે, જો નુકસાનનો આંકડો રૂ. 10 હજાર કરોડની આસપાસ રહે તો રાજ્ય કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ સહાય મેળવવા માટે જોરદાર રજૂઆત કરશે. કેન્દ્ર સરકાર સામાન્ય રીતે રાજ્યના મેમોરેન્ડમના આધારે ટીમ મોકલી અસરગ્રસ્ત વિસ્તારોનું મૂલ્યાંકન કરે છે અને ત્યારબાદ સહાય અંગે નિર્ણય લેવામાં આવે છે.
5 દિવસમાં 46 લોકોનાં મોત
ગુજરાતમાં વરસાદી આફતના કારણે પાંચ દિવસના સમય ગાળામાં 46 લોકોનાં મોત થયાં છે, જ્યારે 8 દિવસમાં 821 મકાનોને નુકસાન થયું છે. સૌથી વધુ મોત દક્ષિણ ગુજરાતના નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં લાખો વાહનોને મોટું નુકસાન થયું છે. માત્ર અમદાવાદ શહેરમાં પડેલા સરેરાશ 11 ઈચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતાં કાર અને ટુ-વ્હીલર સહિત અંદાજે 16 હજાર વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેમાં 4000થી વધુ કાર અને 12000થી વધુ ટુ-વ્હીલર છે.
