લેસ્ટર એટલે સેવાનો ભેખ ધરાવતું બ્રિટનનું ધબકતું ગુજરાત

બ્રિટિશ-ઇન્ડિયન ગુજરાતી સહિત વિશ્વભરના ગુજરાતીઓને જોડતા સુંદર ઉપક્રમ એટલે કે ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના અધ્યાય-81માં બ્રિટનના ગુજરાતી હાર્દસમા લેસ્ટરમાં ડોકિયું કરવામાં આવ્યું અને ત્યાંની સફળ પ્રતિભાઓ સાથે ચર્ચા થઈ. અધ્યાય-81ની આ રસપ્રદ ચર્ચામાં એવી ચાર વ્યક્તિઓ સાથે ઘરોબો બંધાયો, જેમણે માતૃભાષા, સેવા, કળા અને કરુણા દ્વારા લેસ્ટરમાં ગુજરાતી અસ્મિતાને જીવંત રાખી છે.
બ્રિટિશ-ઇન્ડિયન ગુજરાતી સહિત વિશ્વભરના ગુજરાતીઓને જોડતા સુંદર ઉપક્રમ એટલે કે ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના અધ્યાય-81માં બ્રિટનના ગુજરાતી હાર્દસમા લેસ્ટરમાં ડોકિયું કરવામાં આવ્યું અને ત્યાંની સફળ પ્રતિભાઓ સાથે ચર્ચા થઈ. અધ્યાય-81ની આ રસપ્રદ ચર્ચામાં એવી ચાર વ્યક્તિઓ સાથે ઘરોબો બંધાયો, જેમણે માતૃભાષા, સેવા, કળા અને કરુણા દ્વારા લેસ્ટરમાં ગુજરાતી અસ્મિતાને જીવંત રાખી છે.
કાર્યક્રમનું સંચાલન કરતાં ભારતીબહેન પંકજ વોરાએ જણાવ્યું કે, આજે આપણી સાથે એવી ચાર વ્યક્તિ છે, જેમણે પોતાની પ્રતિભા, પરિશ્રમ અને સમાજસેવા દ્વારા માત્ર લેસ્ટરને જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી સમાજને સમૃદ્ધ બનાવ્યો છે. આ વિભૂતિઓમાં નીમિષાબહેન પરમાર, ડો. શશિબહેન મહેતા, સંગીતાબહેન દત્તાણી અને પ્રફુલ્લભાઈ ભટ્ટનો સમાવેશ થાય છે. આ ચારેય વ્યક્તિને સાંભળ્યા બાદ કદાચ આપણને એવો અનુભવ થશે કે મહાન સિદ્ધિઓ પાછળ માત્ર પ્રતિભા જ નહીં, પરંતુ માતૃભાષા પ્રત્યેનો પ્રેમ, સંસ્કાર અને જીવનમૂલ્યોનું બળ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
નીમિષાબહેન આજના ડિજિટલ યુગમાં આપે રેડિયો, યુ-ટ્યૂબ, પોડકાસ્ટ અને ઓનલાઇન ઇન્ટરવ્યૂ જેવાં આધુનિક માધ્યમોને માત્ર ટેક્નોલોજી તરીકે નહીં પણ માતૃભાષાની નવી પાઠશાળા બનાવ્યાં છે. જેને આપે ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ સુધી પહોંચવાનો સેતુ બનાવી દીધો છે. આપના જીવન પ્રવાસ અને આ કાર્યની શરૂઆત અંગે જણાવો.
નીમિષાબહેનઃ ભાષા અને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ મારા જીવનમાં નાનપણથી જ વાવવામાં આવ્યો હતો. મારા પિતા, માતા અને કાકા સૌને ભાષા પ્રત્યે અનેરું જોડાણ હતું. અમારી વચ્ચે કવિ સંમેલનો, સાહિત્ય અને ગઝલોની ચર્ચા થતી. આ જ કારણે ભાષાના પ્રેમનું બીજ બાળપણમાં જ મારા મનમાં રોપાયું.
ઇંગ્લેન્ડ આવ્યા બાદ અહીંની સંસ્કૃતિમાં ઓતપ્રોત થવા લાગી. આ દરમિયાન જ ગુજરાતી ભાષા અને તેના ભાવથી હું થોડી દૂર થતી ગઈ. મારાં બાળકોને હું જ્યારે ગુજરાતી શીખવવાનો પ્રયત્ન કરતી હતી, ત્યારે ઘણી વખત એવો અનુભવ થતો કે કદાચ આપણા ગુજરાતીઓને પોતાની ભાષા પ્રત્યે એટલો પ્રેમ દાખવતાં નથી આવડતું, જેટલો અન્ય દેશોના નાગરિકો પોતાની માતૃભાષા માટે દર્શાવતા હતા. આ વાત સોઈની જેમ મનમાં ખૂંચતી હતી, પરંતુ ત્યારે મેં આ અંગે કંઈ જ ન કર્યું.
વર્ષો બાદ એક દિવસ કોઈએ મને સહજપણે કહ્યું કે, ‘ગુજરાતી ઇઝ ડેડ લેંગ્વેજ.’ આ શબ્દોએ મને અંદરથી હચમચાવી મૂકી. એવું લાગ્યું કે કોઈની માતા હજુ જીવતી હોય અને દુનિયાએ તેને મૃત જાહેર કરી દીધી. આ ક્ષણે મને ઊંડો આઘાત લાગ્યો. આ જ સમયગાળામાં હેલ્લારો ફિલ્મ આવી. આ ફિલ્મ અને સૌમ્ય જોશી જેવા સર્જકનાં ગીતોએ મારા અંતરના માહ્યલાને જીવતો કરી દીધો. બાળપણમાં જે બીજ રોપાયું હતું અને વર્ષોથી ક્યાંક શુષ્ક પડ્યું હતું, તેના પર જાણે તુષારબિંદુ પડી ગયાં. આ ઘટના બાદ મારા પિતાએ આપેલું ગઝલોનું પુસ્તક મેં હાથમાં લીધું.
મારી આ ઇચ્છાને મારા બનેવી દ્વારા પૂરતું પીઠબળ મળ્યું અને તેમના જ માર્ગદર્શનથી મેં યુ-ટ્યૂબ પર ગઝલોની રજૂઆત કરવાની શરૂઆત કરી. આ સમયમાં મારો સંપર્ક કવિ વિનોદ જોશી સાથે થયો અને અમે તેમની સાથે પોડકાસ્ટ કર્યું. ત્યારબાદ તો મને લોકલ રેડિયો સ્ટેશન ઈવા એફએમ અને રેડિયો ઉત્સવ વગેરેમાં શો કરવાની તક પણ સાંપડી. આ જ સમયે મને ઈવા એફએમના પ્રેઝેન્ટર અશોકભાઈ પટેલ દ્વારા એક મુશાયરામાં આમંત્રિત કરવામાં આવી, જ્યાં મારી મુલાકાત કવિ અદમ ટંકારવી, ભારતીબહેન વોરા અને ઇમ્તિયાઝભાઈ સાથે મુલાકાત થઈ.
આ મુશાયરાનું જ્યારે મેં ફેસબુકમાં લાઇવ પ્રસારણ કર્યું ત્યારે તમામ તરફથી મને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. આ બાદ તો ઘણા કલાકારો, ગુજરાતી કવિઓ, ફિલ્મ ડાયરેક્ટર્સ અને સિંગર્સ સાથે મુલાકાત થઈ. આ દરેક મુલાકાતે મને કંઈક નવું શીખવ્યું અને મારો ભાષા પ્રત્યેનો પ્રેમ ઊંડો થતો જ ગયો.
મારી આ સફર પાછળ એક અંગત લાગણી હતી, મેં વર્ષો સુધી ભાષાની જે ઉપેક્ષા કરી હતી તે અંગે મારા મનમાં એક અપરાધભાવ હતો. તેથી જ મેં મારી યાત્રાને મારી ભાષાની ભરપાઈ તરીકે સ્વીકારી છે. આજે પાછું વળીને જોઉં છું તો લાગે છે, આ માત્ર ભાષાની સેવા નથી પણ પોતાની ઓળખ, મૂળ અને સંસ્કાર સાથે ફરી જોડાવાની એક યાત્રા છે.
મારી પહેલાની પેઢી દ્વારા ભાષા અંગેનું ખૂબ ઉચ્ચકક્ષાનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ ડિજિટલ માધ્યમો ન હોવાથી તે માત્ર પુસ્તકો સુધી જ સીમિત રહ્યું છે. આજે ટેક્નોલોજીના સથવારે જ્યારે તેમની પ્રતિભાને એક નવો શ્રોતાવર્ગ મળી રહ્યો છે, ત્યારે તેમનાં કાર્યોને યોગ્ય ઓળખ અને સન્માન પ્રાપ્ત થઈ રહ્યાં છે. આ કાર્યમાં હું એક માધ્યમ બની રહી છું તે મારા મારે સંતોષ અને ગર્વની ક્ષણ છે.
ભારતીબહેનઃ તમારું આગળનું સ્વપ્ન શું છે? બ્રિટનમાં વસતી નવી પેઢીને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ સાથે કેવી રીતે વધુ નજીક લાવી શકીએ?
નીમિષાબહેનઃ કોઈપણ સંસ્કૃતિને જીવંત રાખવા તેની ભાષાને જીવંત રાખવી ખૂબ જરૂરી છે. અન્ય ભાષા આવડવી સમયની જરૂરિયાત છે, પરંતુ પોતાની ભાષા અને મૂળને છોડીને અન્ય ભાષાને અપનાવવાનો પ્રયાસ કરીએ ત્યારે બે પૈકી એક ભાષા સાથે આપણે અન્યાય કરી બેસીએ છીએ. આ જ કારણે મને લાગે છે કે ગુજરાતી ભાષામાં જે અમૂલ્ય સર્જન થયું છે તેને આપણે અંગ્રેજીમાં અનુવાદ કરીએ, જેથી વિશ્વના લોકો સુધી તેની પહોંચ વધે. આ સાથે ભાષાના વૈભવની જાળવણી પણ કરીએ.
આ જ કારણે હું આશા રાખું છું કે હું મારી યુ-ટ્યૂબ ચેનલને વધુ સશક્ત બનાવું, વધુને વધુ પોડકાસ્ટ કરું. ભાષા વિવિધ સમુદાયોને અને પેઢીને બાંધીને રાખે છે તે કામની હજુ મારા દ્વારા શરૂઆત જ થઈ છે, પરંતુ આ કામ ઉત્તરોતર આગળ વધે અને સમાજને બાંધી શકું તેવી આશા હું રાખું છું. આપણા ગુજરાતી ગ્રામ્ય નૃત્ય પ્રત્યે પણ નવી પેઢી આકર્ષિત થાય તેવા પ્રયાસ કરીશ.
નીમિષાબહેન બાદ ભારતીબહેને 40 વર્ષથી તબીબી વ્યવસાયને માનવસેવાની સાધના બનાવનારાં ડો. શશિબહેન મહેતાને આવકારતાં તેમના જીવન પ્રવાસ અંગે જણાવવા આગ્રહ કર્યો.
શશિબહેનઃ મારો જન્મ મુંબઈમાં અને ત્યાંથી જ મેં મેડિકલ સ્ટડી પૂર્ણ કર્યું. સ્વર્ગીય ડો. રમેશ મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ અમે લેસ્ટર સ્થાયી થયાં. મારા પતિ અને મારાં સાસુ-સસરા મારા જીવનના આદર્શ હતાં. મારા પિતા મને કહેતા હતા કે, ડિગ્રી તને નોકરી અપાવશે પણ સંસ્કાર અને સેવા તમને માણસ બનાવશે.
હું જ્યારે લેસ્ટર રવાના થવાની હતી, ત્યારે મારા એક પ્રોફેસરે મને તાડ પર લખીને આપ્યું હતું, ‘નારી તું નારાયણી’. આ સમયે મને તેનો અર્થ નહોતો સમજાયો. બાદમાં મને તેનો અર્થ સમજાયો કે નારી જ્યારે નિષ્ઠાથી તેની શક્તિનો ઉપયોગ કરે છે ત્યારે તે ભગવતી સ્વરૂપ ધારણ કરે છે. આ વસ્તુને મેં મારા જીવનમાં ઉતારી કે, સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓમાં જ જોડાયેલા રહેવું. સમયનો સદ્ઉપયોગ કુટુંબીજનો અને સમાજના કલ્યાણઅર્થે જ વ્યતીત કરવો તે મારો ધ્યેય હતો અને રહ્યો છે.
ભારતીબહેનઃ આપે ચાર દાયકા સુધી તબીબી ક્ષેત્રે સેવા આપી. આજે પાછળ વળીને જોતાં કઈ ઘટના છે, જે આજે પણ આપના હૃદયમાં જીવંત છે?
શશિબહેનઃ ભૂતકાળનું એક દૃશ્ય મારા હૃદયમાં ઘર કરી ગયું છે. નવસારીની એક સંસ્થા ‘મમતા મંદિર’માં 500 માનસિક અસ્વસ્થ અને મૂક-બધિર બાળકો સારવાર લઈ રહ્યાં છે. ભારત યાત્રા દરમિયાન હજુ હું એકાદ અઠવાડિયું ત્યાં રહેવા જાઉં છું અને સેવા આપું છું. આ સ્થળથી થોડે દૂર ડાંગ જિલ્લામાં એક અંધશાળા છે, જ્યાં આદિવાસી સમાજના અંધ બાળકો શિક્ષા પ્રાપ્ત કરે છે.
એક વખત હું આ અંધશાળામાં ગઈ ત્યારે એક છોકરો આ સ્કૂલમાં હાજર નહોતો, જેથી હું તેના ઘરે ગઈ. જ્યાં તેનાં માતા-પિતા તો નહોતાં, પરંતુ બહેન હતી. મારે સ્કેન કરવાના હોવા અંગે મેં આશરે 12 વર્ષની તેની બહેનને જણાવ્યું, અને તેણે ભાઈને સાથે લઈ આવવા અંગે હામી ભરી. મારી સાથેસાથે જ આ નાનકડી બહેન તેના આશરે 8 વર્ષના ભાઈને તેડીને તે પર્વતીય વિસ્તારમાં ચાલવા લાગી. આ સમયે મેં તેને પૂછયું, ‘તને થાક નથી લાગતો?’ આ સમયે તેનો જવાબ હતો, ‘ના, આ તો મારો ભાઈ છે!’ આ સમયે મને લાગ્યું કે આપણે જ્યારે ‘આપણા’ સમજીને કોઈની સેવા કરીએ છીએ, ત્યારે આપણને થાક અનુભવાતો નથી. આપણે જ્યારે પોતાના માટે જીવીએ છીએ ત્યારે થાક લાગે છે પણ બીજા માટે જીવતાં આપણને તેનાથી વિપરીત શક્તિ મળે છે.
ભારતીબહેનઃ કોરોના બાદ આપ મેન્ટલ હેલ્થ અને ડિમેન્શિયા અંગે સતત જાગૃતિ ફેલાવી રહ્યાં છો. આપણા સમાજમાં આ અંગે સૌથી મોટો ભ્રમ કયો છે?
શશિબહેનઃ આપણા સમાજમાં મેન્ટલ હેલ્થ, ડિમેન્શિયા કે અલ્ઝાઇમર અંગે શરમ અનુભવવામાં આવે છે. લોકો વિચારે છે કે આ અંગે સમાજમાં આપણે આ અંગે કોઈને કહીશું તો આપણી આબરૂ નહીં રહે. આજના આધુનિક યુગમાં હજુ આ માનસિકતા પ્રવર્તી રહી છે. લોકો આ લક્ષણોને વધતી ઉંમરનાં લક્ષણો કહી અવગણી દે છે. ડર પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ‘હવે પછી શું થશે?’, ‘પરિવારને કોણ સંભાળશે?’ ત્યાં સુધી કે ઘરમાં યોજાતા લગ્ન સમયે એવું પણ વિચારે છે કે આ વ્યક્તિની અસર નવા બંધાનારા સંબંધ પર પણ પડી શકે છે. આ બધાં કારણો ચિંતા જન્માવે છે. અમે જ્યારે વર્કશોપ કરીએ ત્યારે લોકોને સમજાવીએ છીએ કે, તમે સમયસર ડાઇગ્નોસિસ કરાવો તો તે વ્યક્તિ અને પરિવાર માટે ફાયદારૂપ રહેશે.
ડો. શશિબહેન દ્વારા કરાયેલી તબીબીસેવા જાણ્યા બાદ વર્ષો સુધી ગુજરાતી ભાષાની સેવા કરી અનેક બાળકોને તેમનાં મૂળ સુધી જોડનારાં સંગીતાબહેન દત્તાણીને આમંત્રિત કરતાં ભારતીબહેને ઓળખ આપી કે, ભાષાને જીવનારાં સંગીતાબહેનનો જીવન પ્રવાસ તાન્ઝાનિયાથી રાજકોટ અને કેન્યાથી લેસ્ટર સુધીનો ત્રણ દાયકા સુધી રહ્યો છે. દેશો ભલે બદલાયા પણ ગુજરાતી ભાષા સાથેનો તેમનો સંબંધ અકબંધ રહ્યો.
ભારતીબહેનઃ આપના જીવન પ્રવાસ અંગે જણાવો.
સંગીતાબહેનઃ ગુજરાત સમાચાર સાથે મારે 31 વર્ષ જૂનો સંબંધ છે. 1995ના દિવાળી અંકમાં એક વાર્તા ‘અરુણોદય’ અને ત્યારબાદ અનુક્રમે 1997 અને ’98માં લાઇબ્રેરી અંગે એક લેખ લખ્યો હતો. સાડા ત્રણ વર્ષની ઉંમરે તાન્ઝાનિયાથી રાજકોટ આવી અને તેનાં 25 વર્ષ બાદ હું કેન્યા ગઈ. કેન્યામાં જ લગ્ન થયાં અને પછી હું લેસ્ટર આવી.
શરૂઆતમાં તો મને અહીં નહોતું ગમતું, પરંતુ જેમજેમ બીબીસી અને સબરસ રેડિયો સાંભળ્યા બાદ ધીમેધીમે લખવાનું શરૂ કર્યું અને મેં ગુજરાત સમાચારમાં વાર્તા પોસ્ટ કરી દીધી, જે છપાઈ ગઈ. આ સમયે લંડનમાં રહેતા મારા એક સંબંધીએ મને આ અંગે જાણકારી આપી. આ સાંભળી હું નવાઈ પામી. અખબારમાં મારી વાર્તા જોતાં મારો આનંદ બેવડાઈ ગયો અને હું લખતી ગઈ.
એક સમય એવો આવ્યો જ્યારે વર્ષ 2022માં મને સ્ટોરી મિરરનો એવોર્ડ મળ્યો. આના માટે 10 ભાષાના લેખકો લખે છે, જેમાં મારો નવમો ક્રમ હતો. મારા સિવાય અન્ય ત્રણ ભારતીય લોકો આ યાદીમાં હતા.
આજે ત્રીસેક જેટલાં ગુજરાતી વ્હોટ્સએપ ગ્રૂપમાં હું જોડાયેલી છું, જ્યાં ગુજરાતી સાહિત્ય મૂકવામાં આવે છે. આ દરમિયાન મને પણ પુસ્તક છપાવવાની ઇચ્છા થઈ, જેમાંથી ‘ઝેરંટો’નો જન્મ થયો, જેનાં બે વર્ષ બાદ બીજું પુસ્તક ‘હેત’ આવ્યું.
ભારતીબહેનઃ વિદેશમાં વસતાં બાળકોને ગુજરાતી જીવંત રાખતાં કેમ શીખવી શકાય?
સંગીતાબહેનઃ પહેલાં તો આપણે જ ગુજરાતીમાં બોલવું પડશે. શુગર-શુગર કહેતાં રહીશું તો ખાંડની કેમ ખબર પડે? મારા પતિ ઘરમાં ગુજરાતી જ બોલતા અને વાતાવરણ પણ ગુજરાતી જ રાખતા, જેથી આજે મારા ઘરમાં બંને દીકરાઓ પણ શુદ્ધ ગુજરાતી બોલે છે. ભલે લખતાં-વાંચતાં ન આવડે પણ ઘરમાં તમામ સભ્યો સાથે ગુજરાતીમાં બોલે તે પણ ખૂબ જરૂરી છે.
ભારતીબહેનઃ આપનું આગામી સ્વપ્ન શું છે? નવી પેઢીને ગુજરાતી ભાષા પ્રત્યે આકર્ષવા આપણે શું કરી શકીએ?
સંગીતાબહેનઃ હું હોમવર્ક કરતી નહોતી અને આપતી પણ નહોતી. જો કે બાળકોનાં વાલીઓના આગ્રહથી હું બાળકોને વિવિધ શાકભાજી લાવવાનું હોમવર્ક આપતી અને હું પણ શાકભાજી લઈને જતી. શાળાએ પહોંચ્યા બાદ હું બાળકોને પૂછતી કે ‘હવે આપણે આનું શું કરીશું?’ આ સમયે એક 6 વર્ષની બાળકીએ મને કહ્યું, ‘ઊંધિયું.’ આ સમયે મને લાગ્યું કે આ હોમવર્ક આપવું સફળ થયું છે.
સંગીતાબહેન બાદ ભારતીબહેને પ્રફુલ્લભાઈ ભટ્ટને આમંત્રણ આપતાં કહ્યું, જીવનમાં કેટલાક લોકો સફળતા સુધી પહોંચે છે. કેટલાક લોકો સફળતા પછી સમાજ સુધી પહોંચે છે. આજના આપણા મહેમાન એવું વ્યક્તિત્વ છે, જેમણે બાળપણમાં ગરીબીનો સામનો કર્યો, પરંતુ ગરીબીને ક્યારેય પોતાના હૃદયમાં ઘર કરવા દીધું નહીં. ગુજરાતના ભાણવડથી શરૂ થયેલી તેમની જીવનયાત્રા બ્રિટન સુધી આવી. સંઘર્ષ, મહેનત અને આત્મવિશ્વાસથી તેમણે જીવનમાં સફળતા મેળવી, પરંતુ તેમની સાચી ઓળખ સફળ ઉદ્યોગપતિ તરીકે નહીં, પરંતુ સમાજના સેવક તરીકે ઊભી થઈ.
કોરોનાના કપરા સમયમાં જ્યારે અનેક લોકો એકલતા, ભય અને ભૂખ સામે લડી રહ્યા હતા, ત્યારે પ્રફુલ્લભાઈએ જલારામ સદાવ્રત ટ્રસ્ટ દ્વારા માત્ર ભોજન જ નહીં, પરંતુ આશા પણ પહોંચાડી. આજે પણ વડીલો, એકલવાયા લોકો અને જરૂરિયાતમંદ પરિવારો માટે તેમનું કાર્ય અવિરત ચાલુ છે. પ્રફુલ્લભાઈનું જીવન આપણને શીખવે છે કે, ‘ઈશ્વર આપણને જે આપે છે, તે માત્ર આપણા માટે નથી; તેમાં બીજાનો પણ હક છે.’
પ્રફુલ્લભાઈ, સૌપ્રથમ તો અમને આપના બાળપણથી આજ સુધીની યાત્રાનો ટૂંકો પરિચય આપશો? બાળપણની ગરીબીથી સમાજસેવા સુધી પહોંચવાનો આ માર્ગ કેવી રીતે બન્યો?
પ્રફુલ્લભાઈઃ 1962માં પોરબંદર પાસેના ભાણવડમાં મારો જન્મ. મારી જીવનયાત્રા 8 વર્ષની ઉંમરે જ શરૂ થઈ ગઈ હતી. ગરીબી એટલી હતી કે તે ઉંમરે જ મેં ચાની હોટેલમાં કામ શરૂ કરી દીધું હતું. એ માતાની કેવી મજબૂરી કે ભણવાની ઉંમરે તેમણે મને કામ કરવા માટે મૂક્યો હતો! તે સમયે આખો દિવસ કામ કર્યા બાદ માત્ર બે રૂપિયા મળતા હતા. આ સમયે જ મારું નાનપણ ભુલાઈ ગયું અને જવાબદારીના બોજતળે મને નાની ઉંમરે મોટો બનાવી દીધો. લાગતું હતું કે હવે મારે આજીવન આ જ કામ કરવાનું રહેશે.
આપ ઘણીવાર કહો છો કે 8 વર્ષની ઉંમરે ભગવાનને કરેલી એક પ્રાર્થનાએ આપના સમગ્ર જીવનની દિશા નક્કી કરી. એ પ્રાર્થના શું હતી? અને આજે પાછળ વળીને જુઓ છો, ત્યારે શું લાગે છે, ભગવાને તેનો જવાબ કેવી રીતે આપ્યો?
પ્રફુલ્લભાઈઃ મારી 8 વર્ષની ઉંમરે હું ભગવાનને પ્રાર્થના કરતો ‘ભગવાન મારી પાસે કંઈ જ નથી, થોડી સુખસંપત્તિ આપ તો હું પણ કંઈ કરી શકીશ.’ જાણે સ્વપ્ન સાચું પડ્યું હોય તેમ ભગવાને મારી પ્રાર્થના સાંભળી. આજે ભગવાને મને સુખ, સંપત્તિ, લોકોનો પ્રેમ બધું જ આપ્યું છે. આ જ મારી સંઘર્ષની પ્રેરણારૂપે મેં જલારામ સદાવ્રત ટ્રસ્ટ દ્વારા લોકોની સેવા કરવાનું બીડું ઝડપ્યું અને કોરોના કાળમાં લોકોને ઉપયોગી બન્યો.
કોરોનાકાળમાં શરૂ થયેલું જલારામ સદાવ્રત આજે પણ અનેક લોકો માટે આશીર્વાદરૂપ છે. એ સમયની એવી કોઈ ઘટના જણાવશો, જેણે આપના જીવનને અંદરથી બદલી નાખ્યું હોય?
પ્રફુલ્લભાઈઃ લોકડાઉન દરમિયાન હું કિચનમાં કામ કરતો હતો, ત્યાં અચાનક મને જાણે આકાશવાણી થઈ કે ‘બેટા, મારું સદાવ્રત શરૂ કર.’ આ સમયે હું વીરપુર કે જલારામબાપા અંગે બિલકુલ અજાણ હતો. મને મળેલી આ પ્રેરણા બાદ મેં એક વીડિયો બનાવી લોકોને મોકલ્યો અને અનેક લોકોએ મને રિસ્પોન્સ આપતાં ટિફિનની જરૂર હોવાનો અભિગમ દાખવ્યો.
આજે બ્રિટનમાં ઉછરતી નવી પેઢી માટે આપ શું સંદેશ આપશો? સફળતા, સંપત્તિ અને સમાજસેવા— આ ત્રણેય વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવી શકાય?
પ્રફુલ્લભાઈઃ બ્રિટનની નવી પેઢીને એટલું જ કહીશ કે, ‘જન્મ દેનારાં મા-બાપને ક્યારેય ભૂલશો નહીં. એ લોકોએ તમને જન્મ આપ્યો અને અનેક ભોગ આપીને તમને મોટા કર્યા. હવે તમારો વારો આવ્યો છે, તો તમારી ફરજ બજાવો અને માતા-પિતાનું ધ્યાન રાખો.’ લોકોને નાણાં કમાવા માટે વિદેશ જવું પડે છે, પરંતુ તેમનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. અમારી પાસે એવા ઘણા લોકો છે તેમનાં સંતાનો વિદેશમાં વસે છે અને અહીં અમે તેમનાં માતા-પિતાનું ધ્યાન રાખી શકીએ છીએ, જે અમારા માટે આશીર્વાદરૂપ છે.
ભારતીબહેનઃ પ્રફુલ્લભાઈ આપનો ખૂબ-ખૂબ આભાર. આપની વાતોમાંથી એક ખૂબ સુંદર વિચાર મળે છે— સંપત્તિ જીવનને સુખી બનાવી શકે, પરંતુ સેવા જીવનને સાર્થક બનાવે છે. આજે આપણા ચારેય મહેમાનોની વાતોમાંથી ચાર જુદાજુદા માર્ગો દેખાયા—માતૃભાષા, સેવા, શિક્ષણ અને કરુણા.પરંતુ અંતે આ ચારેય માર્ગ એક જ સ્થળે મળે છે.
કાર્યક્રમની પૂર્ણાહુતિ કરતાં ગુજરાત સમાચારના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, લેસ્ટર એક ધબકતું ગુજરાત છે, જેને જીવંત રાખવા આપણે અવારનવાર લેસ્ટર જવું જોઈએ. ગુજરાત સમાચાર સતત સેવાયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ ચલાવી રહ્યું છે. આપણી યુવાન પેઢીને ગુજરાત-ગુજરાતી ભાષા સાથે જોડી રાખવા અને સમાજને જોડી રાખવા ગુજરાત સમાચારની સેવાને સમર્થન આપો અને ખભેખભો મિલાવી કામ કરો.
