હિન્દુ સહિતના વંશીય લઘુમતી સમુદાયોને બર્નહામ પાસેથી ઘણી આશા

બ્રિટનના દક્ષિણ એશિયન સમુદાયના ઘણા લોકો માટે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચેલા એન્ડી બર્નહામ ઘણા ઓછા રાજકીય નેતાઓ પૈકીના એક છે જેના માટે દાવો કરી શકાય કે તેમણે તેમની પ્રતિષ્ઠા ફક્ત ભાષણબાજીથી નહીં પરંતુ જનતા સાથેના સીધા જોડાણ દ્વારા ઊભી કરી છે. ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકેની વર્ષોની કામગીરીમાં જોવા મળ્યું હતું કે, તેઓ વિવિધ સમુદાયો સાથે મળીને કામ કરી શકે છે. તેના કારણે એવી છાપ ઊભી થઇ હતી કે તેઓ ન કેવળ સમુદાયોની અપેક્ષાઓને પરંતુ તેમના રોજિંદા જીવનના પડકારોને પણ સમજી શકે છે.
લંડનઃ બ્રિટનના દક્ષિણ એશિયન સમુદાયના ઘણા લોકો માટે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચેલા એન્ડી બર્નહામ ઘણા ઓછા રાજકીય નેતાઓ પૈકીના એક છે જેના માટે દાવો કરી શકાય કે તેમણે તેમની પ્રતિષ્ઠા ફક્ત ભાષણબાજીથી નહીં પરંતુ જનતા સાથેના સીધા જોડાણ દ્વારા ઊભી કરી છે. ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકેની વર્ષોની કામગીરીમાં જોવા મળ્યું હતું કે, તેઓ વિવિધ સમુદાયો સાથે મળીને કામ કરી શકે છે. તેના કારણે એવી છાપ ઊભી થઇ હતી કે તેઓ ન કેવળ સમુદાયોની અપેક્ષાઓને પરંતુ તેમના રોજિંદા જીવનના પડકારોને પણ સમજી શકે છે.
સમુદાયો સાથેનું તેમનું આ જોડાણ તાજેતરમાં યોજાયેલી મેકરફિલ્ડ પેટાચૂંટણીમાં પણ સામે આવ્યું હતું. બર્નહામે બ્રિટિશ હિન્દુ સમુદાયના યોગદાનને બિરજાવતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, યુકેમાં બ્રિટિશ હિન્દુ સમુદાયના મૂલ્યવાન યોગદાનની હું કદર કરું છું. આ એક સાંકેતિક પહેલ હતી પરંતુ રાષ્ટ્રીય સ્તરના રાજકીય નેતાઓ દ્વારા આ પ્રકારની સ્વીકૃતિની લાંબા સમયથી અપેક્ષા રાખતા લોકો માટે આશાસ્પદ પૂરવાર થઇ હતી.
હવે વડાપ્રધાન તરીકે બર્નહામ પાસે આ શબ્દોને બ્રિટનના ધાર્મિક સમુદાયોની સુરક્ષા માટેના વ્યાપક દ્રષ્ટિકોણમાં પરિવર્તિત કરવાની તક છે. રિલિજિયસ હેટ ક્રાઇમનો સામનો કરી રહેલા હિન્દુ, શીખ, જૈન અને અન્ય સમુદાયોની ચિંતા મધ્યે હવે તેમની સરકાર ધાર્મિક સુરક્ષા માટે કેવો અભિગમ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે. અગાઉની સરકારે યહૂદીઓને આ પ્રકારની સુરક્ષા આપવા માટે 250 મિલિયન પાઉન્ડના ભંડોળની ફાળવણી કરી છે જેથી પોલીસિંગ અને સુરક્ષા મજબૂત બનાવી શકાય.
2021ના ઓએનએસ સેન્સસ અનુસાર શહેરની વસતીમાં 20.9 ટકા એટલે કે 1,15,113 એશિયન અથવા તો બ્રિટિશ એશિયન છે જે સૌથી મોટો વંશીય લઘુમતી સમુદાય ગણાય છે. ગ્રેટર માન્ચેસ્ટર રિજિયનમાં આ આંકડો વધીને 3,89,283 પર પહોંચે છે. જે દર્શાવે છે કે સમુદાય આ શહેર અને રિજિયનમાં નોંધપાત્ર સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પ્રભાવ ધરાવે છે.
બર્નહામની કેબિનેટમાં શબાના માહમૂદ હોમ સેક્રેટરી અને લિસા નેન્ડી કલ્ચર સેક્રેટરી તરીકે યથાવત રખાયાં છે. હવે તેમાં દેશના પ્રથમ એઆઇ મંત્રી તરીકેનો કાર્યભાર કનિષ્ક નારાયણને સોંપાયો છે જે સમુદાયને વધુ પ્રતિનિધિત્વ તરફના પરિવર્તનનો સંકેત આપે છે. આ નિમણુંકો દર્શાવે છે કે દક્ષિણ એશિયન સમુદાયને સરકારમાં મહત્વનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું છે.
હિન્દુઝ ફોર લેબરના નેશનલ ચેરમેન ડો. નીરજ પાટિલે જણાવ્યું હતું કે, બર્નહામ સારી રીતે જાણે છે કે સમુદાયોને એક મંચ પર કેવી રીતે લાવવા. માન્ચેસ્ટરમાં મોટી સંખ્યામાં હિન્દુ, મુસ્લિમ, ભારતીય અને પાકિસ્તાની મૂળના લોકો ભાઇચારામાં જીવે છે. છૂટાછવાયા બનાવોને બાદ કરતાં માન્ચેસ્ટરે એક રિઅલ લાઇફ એક્સપિરિયન્સ સ્થાપિત કર્યો છે. લીહના સાંસદ તરીકેના અનુભવે બર્નહામની આ ક્ષમતાને આકાર આપ્યો છે. કનિષ્ક નારાયણની નિયુક્તિ તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, એન્ડી બર્નહામ ગ્રેટર માન્ચેસ્ટર અને નોર્થવેસ્ટમાં વિવિધ સમુદાયો સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે. તેમણે હંમેશા નાગરિકોને પારદર્શકતા સાથે ન્યાયી વર્તાવની આશા આપી છે. હિન્દુ, શીખ અને જૈન સમુદાયો વચ્ચે લાંબા સમયની કામગીરીના પગલે તેઓ ધાર્મિક સ્થળોની સુરક્ષાની સમસ્યાને સારી રીતે સમજી સાચી દિશામાં મદદ કરી શકે છે.
