ખંભાળિયાના કિરીટ કણજારિયાનું પણ કતાર પ્લાન્ટના બ્લાસ્ટમાં મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના હાપીવાળી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારિયાનું કતારમાં એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ ઘટનાથી ખંભાળિયા સતવારા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના હાપીવાળી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારિયાનું કતારમાં એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ ઘટનાથી ખંભાળિયા સતવારા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કિરીટ કણજારિયા રવિવારે કતારના એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટની અડફેટે આવી ગયા હતા. તેમને ગંભીર ઇજા થતાં તેમનું નિધન થયું હતું. મૃતક બે વર્ષથી વિદેશમાં કામ કરતો હતો તથા તેના પરિવાર પત્ની, 6 અને દોઢ વર્ષનાં બે બાળકો અને મોટા ભાઈ છે. કિરીટ એક મહેનતુ યુવાન હતો અને પરિવારના ભરણપોષણ માટે કતાર ગયો હતો. તે ત્રણ-ચાર મહિના કતારમાં કામ કરીને આઠ-દસ દિવસ માટે ભારત આવતો હતો.
હર્ષદપુરના આગેવાન તથા જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ નકુમ તથા સ્થાનિક આગેવાનો દ્વારા આ બનાવ અંગે દુઃખ વ્યક્ત કરાયું છે. આ ઉપરાંત તેના પરિવારને સરકાર દ્વારા સહાયની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે.
કિરીટ કણજારિયા સિવાય સુરતના સન્ની પટેલનું પણ કમકમાટીભર્યું મોત નીપજતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
