ગુજરાત ફ્યુચર ફોરમઃ રીજનલ લીડરશિપ, ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીનું આયોજન

યુકે-ઇન્ડિયા વીકની 10મી એડિશનના ભાગરૂપે, ઇન્ડિયા ગ્લોબલ ફોરમ દ્વારા લંડનના ઇન્ડિયા હાઉસ ખાતે ગુજરાત ફ્યુચર ફોરમઃ રીજનલ લીડરશિપ, ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય હાઈ કમિશન ખાતે આયોજિત ફોરમમાં સરકાર, વેપાર અને ઉદ્યોગ જગતના વરિષ્ઠ અગ્રણીઓ એકત્રિત થયા હતા.
લંડનઃ યુકે-ઇન્ડિયા વીકની 10મી એડિશનના ભાગરૂપે, ઇન્ડિયા ગ્લોબલ ફોરમ દ્વારા લંડનના ઇન્ડિયા હાઉસ ખાતે ગુજરાત ફ્યુચર ફોરમઃ રીજનલ લીડરશિપ, ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય હાઈ કમિશન ખાતે આયોજિત ફોરમમાં સરકાર, વેપાર અને ઉદ્યોગ જગતના વરિષ્ઠ અગ્રણીઓ એકત્રિત થયા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને યુકે વચ્ચેના ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરારની મંજૂરી બાદ બંને દેશોની આર્થિક ભાગીદારીના આગામી તબક્કામાં ગુજરાતની ભૂમિકાની સમીક્ષા કરવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં યુકેમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર કાર્તિક પાંડેએ યુકે-ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતી અને બંને પક્ષે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે બજારની સરળ ઉપલબ્ધતા, રોકાણ પ્રવાહ અને વ્યાપારી ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ઇન્ડિયા ગ્લોબલ ફોરમના સ્થાપક અને ચેરમેન મનોજ લાડવાએ રેખાંકિત કર્યું હતું કે ભારત-યુકેના સંબંધોને માત્ર રાષ્ટ્રીય સ્તરના કરારો સુધી સીમિત ન રાખતા તેને પ્રાદેશિક સ્તરે વાસ્તવિક પરિણામોમાં બદલવા માટે ગુજરાત કેન્દ્રીય ભૂમિકા ભજવી રહ્યું છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મમતા વર્માએ ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, રોકાણ અનુકૂળ નીતિઓ, અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને છેલ્લા બે દાયકામાં રાજ્યએ નોંધાવેલા અભૂતપૂર્વ વિકાસની રૂપરેખા આપી હતી. તેમણે યુકે અને ગુજરાત વચ્ચે મજબૂત ભાગીદારીના નિર્માણ પર ભાર મૂક્યો હતો.
ગુજરાત સરકારના માનનીય નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ આહવાન કર્યું હતું કે, કોઈપણ પ્રકારના ડર વિના ગુજરાતમાં આવો. તમારું રોકાણ અહીં સંપૂર્ણપણે સુરક્ષિત છે કારણ કે ગુજરાત પાસે મજબૂત નીતિઓ, સ્થિર શાસન અને છેલ્લા બે દાયકાથી સફળ પરિણામો આપવાનો શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ છે. સહિયારા વિકાસ માટે મેન્યુફેક્ચરિંગ, એનર્જી, ફાયનાન્સ, ટેક્નોલોજી અને નિકાસ ક્ષેત્રે યુકેના વ્યવસાયો સાથે કામ કરવા ગુજરાત સજ્જ છે. એફટીએ બંને દેશોના ઉદ્યોગોને એક શક્તિશાળી નવું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
મનોજ લાડવાએ જણાવ્યું હતું કે, સાહસિકતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિકાસ અને પરિણામો આપવાની ક્ષમતા પર બનેલું ભારતનું સૌથી મોટું ગ્રોથ એન્જિન છે. એફટીએ દ્વારા દરવાજા ખુલી ગયા છે પરંતુ કરારો આપોઆપ પરિણામ નથી આપતા. હવેનો મુખ્ય લક્ષ્યાંક માત્ર ઉજવણી કરવાને બદલે અમલીકરણ તરફ આગળ વધવાનો અને સરકારી નીતિઓને વ્યાપારી વાસ્તવિકતામાં બદલવાનો છે.
