ટ્રમ્પ આવતા વર્ષે ભારતની મુલાકાતે જશેઃ માર્કો રુબિયો

રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે જાય તેવી શક્યતા છે. વિશેષ ઇન્ટરવ્યુ દરમિયાન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે તેઓ પોતે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાતની પૂર્વતૈયારીના ભાગરૂપે વર્ષના અંત સુધીમાં ભારતની મુલાકાત લેવાની આશા રાખે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે એવી દિશામાં કામ કરી રહ્યા છીએ કે રાષ્ટ્રપતિ આવતા વર્ષની શરૂઆતમાં ભારત પ્રવાસે જઇ શકે.
વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે જાય તેવી શક્યતા છે. વિશેષ ઇન્ટરવ્યુ દરમિયાન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે તેઓ પોતે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાતની પૂર્વતૈયારીના ભાગરૂપે વર્ષના અંત સુધીમાં ભારતની મુલાકાત લેવાની આશા રાખે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે એવી દિશામાં કામ કરી રહ્યા છીએ કે રાષ્ટ્રપતિ આવતા વર્ષની શરૂઆતમાં ભારત પ્રવાસે જઇ શકે. રૂબિયોએ ભારત-અમેરિકા સંબંધોને અત્યંત મજબૂત ગણાવતા કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની જી-7 સમિટની મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી હતી. બંને દેશો હાલમાં દ્વિપક્ષીય વેપાર સમજૂતીને આખરી ઓપ આપવાના અંતિમ તબક્કે છે, જે બંને રાષ્ટ્રો વચ્ચે વધતા આર્થિક સહયોગનું પ્રતિબિંબ છે. તેમણે ભારતને અમેરિકાના સૌથી નજીકના સાથીદારોમાંનું એક ગણાવતા પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના વ્યક્તિગત સંબંધોને કૂટનીતિ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લે ફેબ્રુઆરી 2020માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યાં અમદાવાદમાં યોજાયેલ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.
મોદી અને ટ્રમ્પ શ્રેષ્ઠ મિત્રોઃ ગોર
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી તથા યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચેનો નજીકનો વ્યક્તિગત સંબંધ બન્ને દેશોના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે બંને નેતાઓને પરિણામલક્ષી ગણાવતાં કહ્યું કે તેઓ એકસરખી રીતે વિચારે છે. વ્હાઇટ હાઉસમાં વિશેષ ઇન્ટરવ્યુમાં ગોરે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ હોવાના ફગાવી દેતાં કહ્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની મિત્રતા વર્ષોથી મજબૂત રહી છે.
