ડાયાબિટીસથી પ્રેરિત સેવાયાત્રાએ દિવાને ફોર્બ્સ લિસ્ટમાં સ્થાન અપાવ્યું
બેંગલૂરુમાં વસતી દિવા ઉત્કર્ષના નાના ભાઇ સૂર્યાને ડાઇપ-1 ડાયાબિટીસ હોવાનું વર્ષ 2021માં નિદાન થયું. પરિવાર માટે આ સમાચાર આઘાતજનક હતા. ઘરમાં સારવારના ખર્ચની વાતો સાંભળીને અને બીમારીને લીધે ઊભી થતી તણાવગ્રસ્ત પરિસ્થિતિ જોઈને દિવાના મનમાં એક વિચાર આવ્યો, ‘જો મારા જેવા સક્ષમ પરિવારને આ બીમારી મેનેજ કરવામાં આટલી મુશ્કેલી પડતી હોય, તો બે ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરતા હોય તેવા લોકોને કેવી મુશ્કેલી પડતી હશે?’
બેંગલૂરુઃ મહાનગરમાં વસતી દિવા ઉત્કર્ષના નાના ભાઇ સૂર્યાને ડાઇપ-1 ડાયાબિટીસ હોવાનું વર્ષ 2021માં નિદાન થયું. પરિવાર માટે આ સમાચાર આઘાતજનક હતા. ઘરમાં સારવારના ખર્ચની વાતો સાંભળીને અને બીમારીને લીધે ઊભી થતી તણાવગ્રસ્ત પરિસ્થિતિ જોઈને દિવાના મનમાં એક વિચાર આવ્યો, ‘જો મારા જેવા સક્ષમ પરિવારને આ બીમારી મેનેજ કરવામાં આટલી મુશ્કેલી પડતી હોય, તો બે ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરતા હોય તેવા લોકોને કેવી મુશ્કેલી પડતી હશે?’
બસ, આ એક વિચારે દિવાના જીવનની દિશા બદલી નાખી. તેણે ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા ‘પ્રોજેક્ટ સૂર્યા’ની શરૂઆત કરી. દિવાએ લોકો પાસે મદદ માગીને આશરે 20 લાખ રૂપિયાથી વધુની ભંડોળ ભેગું કર્યું. આ રકમમાંથી તેણે 3,190 થી વધુ ગરીબ બાળકોને ઇન્સ્યુલિન વાયલ, ગ્લુકોઝ મોનિટરિંગ સ્ટ્રીપ્સ અને સિરીંજ જેવા સાધનો પહોંચાડ્યા. એટલું જ નહીં, તેણે 200થી વધુ આશા વર્કરોને આ અંગેની તાલીમ આપી સેંકડો ગામડાંઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવવાનું ભગીરથ કાર્ય પણ કર્યું છે.
દિવાના આ નિઃસ્વાર્થ સેવાકાર્યની નોંધ સમગ્ર દુનિયાએ લીધી છે. તાજેતરમાં જ તેને પ્રતિષ્ઠિત ‘ફોર્બ્સ 30 અંડર 30 એશિયા 2025’ ની યાદીમાં ‘સોશિયલ ઈમ્પેક્ટ’ કેટેગરીમાં સૌથી નાની વયની યુવતી તરીકે સન્માનિત કરવામાં આવી છે. અગાઉ 2023 માં દિવાને બ્રિટિશ રોયલ ફેમિલીનો ‘ડાયેના એવોર્ડ’ પણ મળી ચૂક્યો છે. અત્યારે દીવા ધોરણ 12નો અભ્યાસ પૂરો કરી ચૂકી છે અને હવે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવાની તૈયારી કરી રહી છે. તેની કહાની એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંગત પીડાને સમાજસેવામાં ફેરવી દે તો તે અનેક જીવનમાં ઉજાસ લાવી શકે છે.
