પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો કેમ નથી? કાયદામાં ફેરફાર કરોઃ થરુર

ભારતીય પાસપોર્ટ નાગરિકતાનો અંતિમ પુરાવો ન હોવા અંગે રાષ્ટ્રીય ચર્ચા છેડાઇ છે ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરુરે કેન્દ્ર સરકારને આ બાબતે જરૂરી સુધારા કરવાની માંગ કરી છે.
નવી દિલ્હી: ભારતીય પાસપોર્ટ નાગરિકતાનો અંતિમ પુરાવો ન હોવા અંગે રાષ્ટ્રીય ચર્ચા છેડાઇ છે ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરુરે કેન્દ્ર સરકારને આ બાબતે જરૂરી સુધારા કરવાની માંગ કરી છે. થરુરે કહ્યું કે સરકારે આ માટે કાયદાકીય માળખામાં સુધારો કરવો જોઈએ અને પાસપોર્ટ અને આધાર કાર્ડ એમ બંનેને ભારતીય નાગરિકતાના માન્ય અને નિર્ણાયક પુરાવા તરીકે જાહેર કરવા જોઈએ. તેમણે કહ્યું કે જ્યાં સુધી સરકાર આ દસ્તાવેજો રદ ન કરે અથવા પાછા ખેંચે નહીં, ત્યાં સુધી તેમને નાગરિકતાનો અંતિમ પુરાવો માનવો જોઈએ. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું કે પાસપોર્ટ નાગરિકતા સ્થાપિત કરતો દસ્તાવેજ નથી, પરંતુ મુસાફરી કરતો દસ્તાવેજ છે ત્યારે આ વિવાદનો પલિતો ચંપાયો હતો. આનાથી રાજકીય નિવેદનબાજી શરૂ થઇ હતી. જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે આ કોઈ નવો નિર્ણય નથી અને છેલ્લા 12 વર્ષમાં આ સંદર્ભમાં કોઈ ફેરફાર કરાયા નથી. વર્ષોથી આ જ સ્થિતિ છે.
