રાજ્યાશ્રયના નિયમોમાં ધરમૂળથી બદલાવ, નવા લીગલ રાઉટની જાહેરાત

બ્રિટન સરકાર યોગ્યતા ધરાવતા રેફ્યુજી માટે નવા સુરક્ષિત અને કાયદેસરના રાઉટ શરૂ કરશે અને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને દેશનિકાલ સરળ બનાવવા માટે માનવ અધિકાર કાયદાઓમાં પણ સુધારો કરશે. આ નવી યોજના શરણાર્થીઓ માટેના કાયદેસરના માર્ગો પ્રશસ્ત કરવાની સાથે ઇમિગ્રેશન સિસ્ટમમાં થતા દુરુપયોગને રોકવા માટેના વ્યાપક કાયદાકીય ફેરફારો પર કેન્દ્રિત છે.
લંડનઃ બ્રિટન સરકાર યોગ્યતા ધરાવતા રેફ્યુજી માટે નવા સુરક્ષિત અને કાયદેસરના રાઉટ શરૂ કરશે અને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને દેશનિકાલ સરળ બનાવવા માટે માનવ અધિકાર કાયદાઓમાં પણ સુધારો કરશે. આ નવી યોજના શરણાર્થીઓ માટેના કાયદેસરના માર્ગો પ્રશસ્ત કરવાની સાથે ઇમિગ્રેશન સિસ્ટમમાં થતા દુરુપયોગને રોકવા માટેના વ્યાપક કાયદાકીય ફેરફારો પર કેન્દ્રિત છે.
નવા નિયમો હેઠળ, વિવિધ કોમ્યુનિટી ગ્રુપ, યુનિવર્સિટી અને એમ્પ્લોયર્સને યુકેમાં આવવા ઈચ્છતા શરણાર્થીઓને સ્પોન્સર કરવાની મંજૂરી આપવામાં આવશે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ યોજના કેનેડાના સમાન સામુદાયિક સ્પોન્સરશિપ કાર્યક્રમથી પ્રેરિત છે, જેણે વર્ષ 1979થી અત્યાર સુધીમાં આશરે 4,00,000 લોકોને આશ્રય આપ્યો છે.
ગૃહ સચિવ શબાના માહમૂદે જણાવ્યું હતું કે, હું વાસ્તવિક અને યોગ્ય શરણાર્થીઓ માટે નવા કાયદાકીય માર્ગો ખોલીશ અને અવારનવાર દુરુપયોગમાં લેવાતી કાયદાકીય છટકબારીઓ બંધ કરીશ. પ્રસ્તાવિત ઇમિગ્રેશન કાયદો માનવ અધિકાર કાયદાના દુરુપયોગને રોકવા અને પાયાવિહોણા દાવાઓ પર કડક કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે. આ નવા પગલા હેઠળ પરિવારની વ્યાખ્યા પણ મર્યાદિત કરવામાં આવશે, જેથી તેનો લાભ માત્ર નજીકના પરિવારના સભ્યોને જ મળી શકે.
