લિસ્બનમાં આવેલો વિશ્વનો સૌથી જૂનો બુક સ્ટોર
પુસ્તકોના જાદુ વિશે અનેક જાણીતી હસ્તીઓએ પોતાના વિચારો રજૂ કર્યા છે. કોઇ કહે છે કે પુસ્તકો વિનાનો રૂમ એટલે આત્મા વિનાનું શરીર. તો કોઇ કહે છે કે, વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ સાચા શસ્ત્રો છે. એક પુસ્તકના પાના ફેરવો તો તેમાં તમને દરેક પ્રકારની લાગણીઓનો અનુભવ થાય. પોર્ટુગલના લિસ્બન શહેરમાં આવેલી એક દુકાનમાં આવો જ ખજાનો સચવાયો છે.
લિસ્બનઃ પુસ્તકોના જાદુ વિશે અનેક જાણીતી હસ્તીઓએ પોતાના વિચારો રજૂ કર્યા છે. કોઇ કહે છે કે પુસ્તકો વિનાનો રૂમ એટલે આત્મા વિનાનું શરીર. તો કોઇ કહે છે કે, વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ સાચા શસ્ત્રો છે. એક પુસ્તકના પાના ફેરવો તો તેમાં તમને દરેક પ્રકારની લાગણીઓનો અનુભવ થાય. પોર્ટુગલના લિસ્બન શહેરમાં આવેલી એક દુકાનમાં આવો જ ખજાનો સચવાયો છે. વાત છે 1732માં સ્થપાયેલા અને આજે પણ પુસ્તકપ્રેમીઓની અવરજવરથી ધમધમતા લિવરારિયા બર્ટ્રાન્ડ બુક સ્ટોરની. આ સ્ટોરનું નામ વિશ્વના સૌથી જૂના બુક સ્ટોર તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. આ બુક સ્ટોર જે કાળખંડમાં સ્થપાયો છે તે વેળા પુસ્તકો આજની જેમ સરળતાથી સુલભ નહોતા. તે વેળા પુસ્તકો બહુ જ મોંઘા હતા અને મુખ્યત્વે શિક્ષિત અને સમૃદ્ધ વર્ગ સુધી જ તે પહોંચતા હતા.
આ બુક સ્ટોરને ફ્રેન્ચ મૂળના પેડ્રો કુએરે ખોલ્યો હતો. ત્યારબાદ, બર્ટ્રાન્ડ બંધુઓ આ બિઝનેસમાં જોડાયા અને વ્યવસાયને આગળ ધપાવ્યો. 1755માં પહેલી નવેમ્બરના રોજ લિસ્બન ભૂકંપથી ધણધણી ઉઠ્યું. આ ભૂકંપ એટલો ભયાનક હતો કે આખું શહેર હચમચી ગયું. પહેલાં આગ ફાટી નીકળી અને ત્યારબાદ સુનામી આવી. આ ભૂકંપમાં આ બુક સ્ટોર સંપૂર્ણ તબાહ થઇ ગયો. પરંતુ કહેવાય છે ને કે, અંતથી જ પ્રારંભ. તેવું જ થયું. આ બુકસ્ટોર માટે નવી શરૂઆત થઈ. તેને થોડા સમય માટે બીજા સ્થાને ખસેડવામાં આવ્યો.
વર્ષ 1773માં તેને મૂળ સ્થાને ફરીથી શરૂ કરવામાં આવ્યો. થોડાક વર્ષમાં રાજાશાહીનો અંત આવ્યો. રાજકીય ઉથલપાથલના આ વર્ષોમાં પોર્ટુગલમાં અનેક પરિવર્તનો થયા, અનેક યુદ્ધો થયા અને શ્રેણીબદ્ધ ઘટનાઓ વચ્ચે પણ આ બુકસ્ટોર ચાલુ રહ્યો. સમયના વહેવા સાથે સામાજિક બદલાવ આવ્યો. આ બુક સ્ટોરે વિશ્વને અનેક મહાન વિચારકો અને લેખકો આપ્યા છે. આજના સમયમાં પુસ્તકોમાં મોબાઇલ આવતા થઇ ગયા છે. ઓનલાઈન શોપિંગનું ચલણ વધી ગયું છે જેના કારણે સેંકડો બુક સ્ટોર્સને તાળાં લાગી ગયા છે. જોકે આવા અનેક બદલાવો અને પડકારો વચ્ચે પણ આ લિવરારિયા બર્ટ્રાન્ડ બુક સ્ટોર અડીખમ છે કારણ કે, આ બુક સ્ટોર તેના મૂળ વિચારથી ભટકયો નથી. આ બુક સ્ટોર જ પોતાનામાં એક ગજબની વાર્તા છે. આજે તે લિસ્બન સિટીનું એક અભિન્ન અંગ બની રહ્યો છે.
