હવાઈસેવા ક્ષેત્રે મુન્દ્રાની ઉડાનઃ અદાણી એરપોર્ટનું ઉદ્ઘાટન

અત્યારે સેવા કાર્યરત્ છે એ ભુજ એરપોર્ટ પછી મુંદ્રામાં પણ 25 જૂનથી એકસાથે 8 મહાનગરને જોડતી નાગરિક હવાઈ સફર સેવા શરૂ થતાં કચ્છ માટે સીમાચિન્હરૂપ પગલું ભરાયું છે. ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સુવિધા સાથે મુન્દ્રામાં નિર્માણ પામેલા અદાણી-મુન્દ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં 25 જૂને સવારે સ્ટાર એરલાઇન્સની ગોવાથી આવેલી આ એરપોર્ટની પહેલી કોમર્શિયલ ફ્લાઇટે સફળ લેન્ડિંગ થઈ.
મુન્દ્રાઃ અત્યારે સેવા કાર્યરત્ છે એ ભુજ એરપોર્ટ પછી મુંદ્રામાં પણ 25 જૂનથી એકસાથે 8 મહાનગરને જોડતી નાગરિક હવાઈ સફર સેવા શરૂ થતાં કચ્છ માટે સીમાચિન્હરૂપ પગલું ભરાયું છે. ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સુવિધા સાથે મુન્દ્રામાં નિર્માણ પામેલા અદાણી-મુન્દ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં 25 જૂને સવારે સ્ટાર એરલાઇન્સની ગોવાથી આવેલી આ એરપોર્ટની પહેલી કોમર્શિયલ ફ્લાઇટે સફળ લેન્ડિંગ થઈ.
કચ્છ માટે મોટી તક
આ હવાઈ જોડાણોના આરંભથી મુસાફરો માટે નવી સુવિધાની સાથે કચ્છ માટે આર્થિક, વ્યાપારિક, ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રોમાં નવા વિકાસદ્વાર ખૂલ્યા છે. આમ મુન્દ્રા હવે અદાણી પોર્ટના માધ્યમથી વૈશ્વિક સ્તરે સમુદ્રી પરિવહન અને રાષ્ટ્રીય માર્ગો સાથે જોડાયા બાદ સંપૂર્ણ સંકલિત, મલ્ટિ મોડલ લોજિસ્ટિક અને બિઝનેસ હબમાં પરિવર્તિત થયું છે. આ પ્રસંગે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં અદાણી એરપોર્ટના ડાયરેક્ટર જિત ગૌતમભાઈ અદાણી, રાજ્યના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવી વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુન્દ્રા પરિવર્તનનું રાહબર
આ પ્રસંગને ઐતિહાસિક ગણાવતાં રાજ્ય શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કહ્યું કે, પહેલાં અને અત્યારના મુન્દ્રામાં જમીન આસમાનનો ફેર છે. અદાણી ગ્રૂપને આ હવાઈસેવા તેમજ કચ્છના વિકાસમાં યોગદાન બદલ અભિનંદન. વિસ્તારની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ હવે સૌથી ઝડપી વિકસિત જિલ્લો બનશે એવો વિશ્વાસ છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું કે, 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ કેન્દ્રમાં શાસન પછી કચ્છને માર્ગ, રેલવે અને હવે ઉડ્ડયન સેવા એમ દરેક ક્ષેત્રે લાભ વધ્યો છે.
