આલ્ડરશોટમાં હિન્દુ મંદિર પર હુમલા બાદ ત્રણ સામે ગુનો નોંધાયો

આલ્ડરશોટ સ્થિત એક હિન્દુ મંદિર ખાતે વંશીય અભદ્ર વ્યવહાર અને હિંસાના મામલામાં ત્રણ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના દરમિયાન બે પોલીસ અધિકારી પર પણ હુમલો કરાયો હતો.
લંડનઃ આલ્ડરશોટ સ્થિત એક હિન્દુ મંદિર ખાતે વંશીય અભદ્ર વ્યવહાર અને હિંસાના મામલામાં ત્રણ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના દરમિયાન બે પોલીસ અધિકારી પર પણ હુમલો કરાયો હતો. પોલીસને ગુરુવાર 23 જુલાઈના રોજ સાંજે 7.30 વાગ્યા પછી ક્વીન્સ રોડ પર આવેલા શિવા કલ્ચરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર ખાતેથી આ ઘટના અંગે જાણ કરાઇ હતી. આ ઘટના દરમિયાન ત્રણ પુરુષ અને એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ બે કાર અને એક મોબાઈલ ફોનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. બનાવના સ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓ પર પણ હુમલો કરાયો હતો.
પોલીસે એઝરા ડેલી, ક્રિસ્ટી ક્લાર્કસન અને લોવાન ડેલી સામે કેસ નોંધી ધરપકડ કરી હતી. તેમને 25 જુલાઇના શનિવારના રોજ સાઉધમ્પ્ટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને શરતી જામીન મંજૂર કર્યા છે અને 26 ઓગસ્ટના રોજ વિનચેસ્ટર ક્રાઉન કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે.
