એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

યુએસ આર્મીના ભારતીય મૂળના સર્જન મેજર જગતકુમાર પટેલે ખોપરી ખોલ્યા વગર મગજના ટ્યુમર દૂર કરવાની એક નવીન અને ક્રાંતિકારી સર્જિકલ પદ્ધતિ વિકસાવી છે જેનાથી દર્દીઓ ઝડપથી સાજા થઈ શકે છે. મેજર પટેલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક રીતે આ પ્રકારની મોટાભાગની સર્જરી ઓપન સર્જરી દ્વારા કરવામાં આવતી હતી, જે દર્દી માટે ખૂબ જ પડકારજનક પ્રક્રિયા છે.
યુએસ આર્મીના સર્જન જગત પટેલે ખોપરી ખોલ્યા વિના બ્રેન સર્જરીની નવી પદ્ધતિ વિકસાવી
પેન્ટાગોનઃ યુએસ આર્મીના ભારતીય મૂળના સર્જન મેજર જગતકુમાર પટેલે ખોપરી ખોલ્યા વગર મગજના ટ્યુમર દૂર કરવાની એક નવીન અને ક્રાંતિકારી સર્જિકલ પદ્ધતિ વિકસાવી છે જેનાથી દર્દીઓ ઝડપથી સાજા થઈ શકે છે. મેજર પટેલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક રીતે આ પ્રકારની મોટાભાગની સર્જરી ઓપન સર્જરી દ્વારા કરવામાં આવતી હતી, જે દર્દી માટે ખૂબ જ પડકારજનક પ્રક્રિયા છે. પરંતુ આજે જો ટ્યુમર યોગ્ય કદ અને યોગ્ય જગ્યાએ હોય, તો ઓપન સર્જરીની કોઈ જરૂર રહેતી નથી. નાક દ્વારા આપણને ટ્યુમર સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ માર્ગ મળે છે અને તેને સંપૂર્ણપણે દૂર કરવાની મહત્તમ શક્યતા રહે છે. હાલમાં જ મેજર પટેલ અને લેફ્ટનન્ટ કર્નલ ચાર્લ્સ મિલરે મરીન સ્ટાફ સાર્જન્ટ એન્ડી આર્ચર પર આ સફળ સર્જરી કરી ગોલ્ફના દડા જેવડી ટ્યુમર દૂર કરી હતી.
0000000000000000000000000000000000000000000000
જ્યોતિ અને નિશી ભાટિયાએ ટેક્સાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએટ ફેલોશિપની જાહેરાત કરી
ટેક્સાસઃ જ્યોતિ ભાટિયા અને નિશી ભાટિયાએ ડલ્લાસ સ્થિત યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ફેલોશિપ પૂરી પાડવા માટે એક કાયમી ભંડોળ સ્થાપવાની જાહેરાત કરી છે. આ ફેલોશિપનું નામ ધ નિશી એન્ડ જ્યોતિ પી ભાટિયા ફેલોશિપ રાખવામાં આવ્યું છે. આ સહયોગના સન્માનરૂપે યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ વેસ્ટ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા કોલેબોરેશન સ્પેસને આ દંપતીનું નામ આપવામાં આવ્યું છે. જ્યોતિ ભાટિયા યુટી ડલ્લાસના પૂર્વ વિદ્યાર્થી છે. તેમના પત્ની નિશી ભાટિયા યુનિવર્સિટી ઓફ કેન્ટુકીમાં અભ્યાસ કરવા અમેરિકા આવ્યા હતા અને ત્યારબાદ તેમણે પ્લેનો ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં એક શિક્ષક તરીકે પોતાની કારકિર્દી બનાવી હતી. આ ફેલોશિપના પ્રથમ લાભાર્થીઓની પસંદગી આગામી ફોલ સેમેસ્ટરમાં કરાશે.
0000000000000000000000000000000000000000000000
ઓહાયોમાં અકસ્માત સર્જનાર પ્રિન્સ પટેલ પર મર્ડરનો ચાર્જ લગાવાયો
ઓહાયોઃ અમેરિકાના ઓહાયોમાં દારૂના નશામાં અકસ્માત સર્જનાર 19 વર્ષના પ્રિન્સ પટેલ પર હવે મર્ડરનો ચાર્જ લગાવાયો છે. યુનિયન ટાઉનશિપમાં સર્જાયેલા આ અકસ્માતમાં 36 વર્ષના સર્વેયરનું મોત થયું હતું. પ્રિન્સ દારૂના નશામાં સ્પીડ લિમિટનો ભંગ કરીને કાર હંકારી રહ્યો હતો. તે સમયે તેના પર સદોષ માનવ વધ, પુરાવાનો નાશ કરવા જેવા આરોપ મૂકાયા હતા. ધરપકડ બાદ તેણે પોલીસ સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું હતું. હવે તેના પર મર્ડરનો ચાર્જ લગાવાતા તે મુશ્કેલીમાં મૂકાઇ ગયો છે. હાલ તે જેલમાં જ છે અને 1 મિલિયન ડોલરના બોન્ડ પર મૂકાયો છે.
0000000000000000000000000000000000000000000000
ડ્રગ સ્મગલિંગ કેસમાં ભારતીય નાગરિક અમૃતપાલ સિંહ એફબીઆઇના મોસ્ટ વોન્ટેડલિસ્ટમાં સામેલ
વોશિંગ્ટનઃ અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને નોર્થ અમેરિકામાં કોકેન અને મેથાસ્ફેટામાઈન જેવા નશીલા પદાર્થોની તસ્કરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે કથિત જોડાણ બદલ ભારતીય નાગરિક અમૃતપાલ સિંહને મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે. અમૃતપાલ સિંહ વાનકુંવર સ્થિત રવિંદર ઢાંડા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગ્રુપ માટે કામ કરતો હોવાનો આરોપ છે. આ ગેંગ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં મોટા પાયે નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અમૃતપાલ સિંહ સામે પ્રતિબંધિત પદાર્થોનું વિતરણ કરવા, તેને કબજામાં રાખવા અને નિકાસ કરવાના કાવતરા બદલ આરોપો ઘડવામાં આવ્યા છે. લોસ એન્જલસ સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા તેની સામે ફેડરલ એરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
0000000000000000000000000000000000000000000000
વૃદ્ધો સાથે 3.7 મિલિયન ડોલરની ઠગાઇ કરનાર રોશન શાહને 4 વર્ષની કેદ
ન્યૂયોર્કઃ અમેરિકામાં વૃદ્ધોને નિશાન બનાવી લાખો ડોલરની ઠગાઈ આચરવા અને મની લોન્ડરિંગના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સામેલ 22 વર્ષીય રોશન શાહને 4 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. રોશન શાહ રોશન શાહ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરતો હતો. તે કૌભાંડના નાણાં એકત્રિત કરવા માટે વિઝિટર વિઝા પર અમેરિકા પ્રવેશ્યો હતો. રોશન શાહે અમેરિકાના જુદા જુદા સ્ટેટમાં રહેતા 15 વરિષ્ઠ નાગરિકો પાસેથી 3.7 મિલિયન ડોલરથી વધુની રોકડ અને સોનું એકત્ર કર્યાં હતાં. વિસ્કોન્સિનના ન્યૂ બર્લિન વિસ્તારમાં આવી જ રીતે વધુ રકમ અને સોનું ઉઘરાવવા જતાં જ સ્થાનિક પોલીસ અને હોમલેન્ડ સિક્યોરિટી ઈન્વેસ્ટિગેશન્સની ટીમે તેની ધરપકડ કરી હતી.
0000000000000000000000000000000000000000000000
અમેરિકામાં વિઝા માટે ફેક રોબરી કરાવનાર મિતુલ પટેલને દેશનિકાલનો આદેશ
ન્યૂયોર્કઃ અમેરિકાના મેસેચ્યુસેટ્સના વોર્સેસ્ટરમાં યુ વિઝા મે ફેક રોબરી કરાવનારા મિતુલ પટેલને દેશનિકાલ કરવાનો આદેશ અપાયો છે. વિઝા ફ્રોડનું કાવતરૂં રચવા માટે કોર્ટે મિતુલ પટેલને એક દિવસ જેલની સજા અને 1,000 ડોલરનો દંડ પણ ફટકાર્યા છે. આ કેસમાં મિતુલ ઉપરાંત અન્ય 10 ગુજરાતી સામે માર્ચ 2026માં કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઇ હતી. તેમાંથી દિપિકા પટેલને અગાઉ ડિપોર્ટ કરી દેવાઇ છે. તે ઉપરાંત જિતેન્દ્ર પટેલ, મહેશ પટેલ, સંજય પટેલ, રમેશ પટેલ, અમિતા પટેલ, રોનક પટેલ, સંગીતા પટેલ, મિકેશ પટેલ અને સોનલ પટેલ સામે કેસ ચાલી રહ્યો છે.
0000000000000000000000000000000000000000000000
ન્યૂજર્સીમાં માર્ગ અકસ્માતમાં ભારતીય મહિલાનું મોત, અકસ્માત સર્જનાર ભારતીયની ધરપકડ
ન્યૂજર્સીઃ અમેરિકાના ન્યૂજર્સીમાં 27 જુલાઇના રોજ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 44 વર્ષીય ભારતીય મહિલા દીપા શ્રીપતિનું મોત થયું હતું. રોંગ સાઇડમાંથી આવેલી કારે ટક્કર મારતાં દીપાની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ મામલામાં સિદ્ધાર્થ પ્રસાદ સુરપાનાની નામના ભારતીયની જ ધરપકડ કરવામાં આવી છે. તેણે અકસ્માત સર્જીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. 2008થી અમેરિકામાં સ્થાયી થયેલા દીપા ભારતની મુલાકાત લેવાની તૈયારી કરી રહ્યા હતા. મૃતક દીપા અને તેમના પતિ રામક્રિશ્ના સોફ્ટવેર એન્જિનિયરો છે. રામક્રિશ્ના દીપાને મેટ્રો સ્ટેશન ડ્રોપ કરવા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
0000000000000000000000000000000000000000000000
અમેરિકામાં બોગસ અસાયલમ દાવાઓ માટે ભારતીય મૂળના વકીલને 4.70 લાખ ડોલરનો દંડ
ન્યૂયોર્કઃ અમેરિકામાં બોગસ અસાયલમ અરજીઓ દાખલ કરવાના આરોપ હેઠળ ભારતીય મૂળના એક ઈમિગ્રેશન વકીલને 4.70 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. દેશવ્યાપી પ્રેક્ટિસ કરતા વકીલ સૂરજ રાજ સિંહે 54 અસાયલમ કેસોમાં 118 જેટલા નકલી દસ્તાવેજો તૈયાર કરીને રજૂ કર્યા હતા. સૂરજ રાજ સિંહ મુખ્યત્વે ભારતીય મૂળના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમના વતી રાજ્યાશ્રય માટે અરજીઓ કરે છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આવા બોગસ દાવાઓ ઈમિગ્રેશન પ્રક્રિયાને નુકસાન પહોંચાડે છે અને કાનૂની વ્યવસ્થામાં વિલંબ પેદા કરે છે.
0000000000000000000000000000000000000000000000
શિકાગોમાં ગુજરાતી પિતા-પુત્રની આઇસ દ્વારા ધરપકડ
શિકાગોઃ અમેરિકાના શિકાગો શહેરમાં ગુજરાતી પિતા અને પુત્રની આઇસ દ્વારા તેની ઓફિસમાંથી જ ધરપકડ કરાઇ હતી. પુત્રને આઇસની કચેરીમાં હાજરી પૂરાવવાની હતી તે માટે પિતા પણ તેની સાથે ગયા હતા. તે દરમિયાન પુત્રને પૂછવામાં આવ્યું હતું કે, તારા પિતા ક્યાં છે ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે તેઓ અહીં પાર્કિંગ લોટમાં જ છે તેથી તેમને અંદર બોલાવવામાં આવ્યા હતા અને પુત્રની સાથે તેમની પણ ધરપકડ કરાઇ હતી. હાલ બંનેને ડિટેન્શન સેન્ટરમાં રખાયા છે અને દેશનિકાલ કરાય તેવી સંભાવના છે. આ પિતા પુત્ર ચારેક વર્ષ પહેલા ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા અને અસાયલમ ફાઇલ કર્યું હતું.
0000000000000000000000000000000000000000000000
ફેક રોબરી કાંડમાં વધુ ચાર ગુજરાતીની આઇસ દ્વારા ધરપકડ
ઇન્ડિયાનાઃ અમેરિકાના ઇન્ડિયાનાની ક્લે કાઉન્ટીમાં આઇસ દ્વારા સચિન પટેલ, આર્યન પટેલ, જગદીશ પટેલ અને રવિના પટેલ એમ ચાર ગુજરાતીની ધરપકડ કરાઇ હતી. ફેક રોબરી વિઝા કાંડમાં સૌથી પહેલા 2024માં રવિના પટેલનું નામ સામે આવ્યું હતું. તે વિસ્કોન્સિનમાં રહેતી હતી અને પાર્થ નાઇ નામના શખ્સને ફેક રોબરી માટે નાણા ચૂકવ્યા હતા.
0000000000000000000000000000000000000000000000
છેતરપિંડીમાં સંડોવાયેલા ભારતીય અમેરિકન નરેન્દર સિંહની નાગરિકતા છીનવાશે
ડેલાવેરઃ ઓળખની છેતરપિંડી, હત્યાનો પ્રયાસ અને બાળ જાતીય શોષણ જેવા ગંભીર ગુનાઓના આરોપો હેઠળ અમેરિકી નાગરિકત્વ ગુમાવવાનો સામનો કરી રહેલા 25 અમેરિકન નાગરિકોમાં એક ભારતીય મૂળના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ડિસ્ટ્રિક્ટ ઓફ ડેલાવેરમાં 65 વર્ષીય નરેન્દર સિંહ સામે સિવિલ ફરિયાદ દાખલ કરી છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ મેળવવા માટે બનાવટી ઓળખનો ઉપયોગ કર્યો હતો. આ 25 કેસોમાં ભારત, પાકિસ્તાન, મેક્સિકો, કોલંબિયા, નાઇજીરિયા, જમૈકા, તાઇવાન, જોર્ડન, ક્યુબા અને સ્વીડન સહિત 17 દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે.
0000000000000000000000000000000000000000000000
કેનેડામાં ભારતીય જ્યોતિષી પર 8 લાખ કેનેડિયન ડોલરની છેતરપિંડીનો આરોપ
ટોરોન્ટોઃ ટોરોન્ટો પોલીસે 29 વર્ષીય ભારતીય ગંગાધર બાબુ સામે એરેસ્ટ વોરંટ જારી કર્યું છે. બાબુ પર જ્યોતિષી અને આધ્યાત્મિક ગુરુ બનીને એક વ્યક્તિ સાથે આશરે 8 લાખ કેનેડિયન ડોલરથી વધુની ઠગાઈ કરવાનો આરોપ છે. આરોપી હાલ કેનેડા છોડીને ફરાર થઈ ગયો છે. ટોરોન્ટો પોલીસે જણાવ્યું છે કે આરોપી ગંગાધર બાબુ સામે વોરંટ જારી કરવામાં આવ્યું છે. આરોપીએ અલૌકિક શક્તિઓ અને આધ્યાત્મિક રક્ષણ આપવાના દાવા કરીને પીડિત પાસેથી મોટા પ્રમાણમાં નાણાં પડાવી લીધા હતા. હાલ આરોપી કેનેડા છોડી ભારત નાસી ગયો હોવાની શંકા છે. પોલીસ અન્ય સંભવિત પીડિતોની પણ શોધ ચલાવી રહી છે.
0000000000000000000000000000000000000000000000
થાઇલેન્ડમાં પોતાના જ દેશવાસીનું અપહરણ કરનારા પાંચ ભારતીયની ધરપકડ
બેંગકોકઃ થાઈલેન્ડમાં પોતાના જ દેશવાસીનું અપહરણ કરી રૂપિયા 70 લાખની ખંડણી માગવાના આરોપસર પાંચ ભારતીયની ધરપકડ કરાઇ છે. સસ્તા ટુરિસ્ટ પેકેજની લાલચ આપી ત્રણ ભારતીયને થાઈલેન્ડ બોલાવાયા હતા, જ્યાં તેમને એક અઠવાડિયા સુધી બંધક બનાવી ખંડણી માટે શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ આખું ષડયંત્ર દુબઈથી ઓપરેટ કરી રહેલા એક પાકિસ્તાની માસ્ટરમાઇન્ડ દ્વારા ઘડવામાં આવ્યું હતું. પોલીસે અવતાર સિંહ, જગજીત સિંહ, રામબાલક કુમાર, સુખબીર સિંહ અને કુલરા સિંહની બેંગકોકના ક્લોંગ તાન વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેઓ દેશ છોડીને નાસી છૂટવાની તૈયારી કરી રહ્યા હતા.
0000000000000000000000000000000000000000000000
