કિન્નરી પટેલઃ ઉમદા હૃદય, હિંમત અને હેતુ સાથેની યાત્રા
કિન્નરીની સ્ટોરી માત્ર બિઝનેસની સફળતા કે એવોર્ડ્સ હાંસલ કરવાની કથા નથી. તેમની કથા હિંમત, બલિદાન, મક્કમતા તેમજ સારા ભવિષ્યની આસ્થામાં ઉદ્ભવતી શાંત તાકાતની કહાણી છે. ત્રણ વર્ષની વયે યુનાઈટેડ કિંગ્ડમમાં આવી પહોંચેલી નાનકડી બાળાને તેના જીવનમાં શું આવશે તેની જાણ પણ ક્યાંથી હોય? અન્ય લોકોની માફક સંઘર્ષ તેમના જીવનનો સતત હિસ્સો બની રહ્યો હતો. તેમના માતાપિતા કિન્નરી અને તેના ભાઈબહેનાના સારાં ભવિષ્ય માટે અથાક મહેનત કરતા હતા. તેઓ જે કાંઈ આપી શકે તે તમામ તેમણે આપ્યું અને હવે તેના પેરન્ટ્સ શાંતિપૂર્વક નિવૃત્તિમાં રાચે છે
કિન્નરીની સ્ટોરી માત્ર બિઝનેસની સફળતા કે એવોર્ડ્સ હાંસલ કરવાની કથા નથી. તેમની કથા હિંમત, બલિદાન, મક્કમતા તેમજ સારા ભવિષ્યની આસ્થામાં ઉદ્ભવતી શાંત તાકાતની કહાણી છે. ત્રણ વર્ષની વયે યુનાઈટેડ કિંગ્ડમમાં આવી પહોંચેલી નાનકડી બાળાને તેના જીવનમાં શું આવશે તેની જાણ પણ ક્યાંથી હોય? અન્ય લોકોની માફક સંઘર્ષ તેમના જીવનનો સતત હિસ્સો બની રહ્યો હતો. તેમના માતાપિતા કિન્નરી અને તેના ભાઈબહેનાના સારાં ભવિષ્ય માટે અથાક મહેનત કરતા હતા. તેઓ જે કાંઈ આપી શકે તે તમામ તેમણે આપ્યું અને હવે તેના પેરન્ટ્સ શાંતિપૂર્વક નિવૃત્તિમાં રાચે છે.
કિન્નરી જ્ઞાનપ્રાપ્તિ અને અંગત વિકાસ માટે પ્રતિબદ્ધ રહી હતી. પોતાના લેવલ્સ પૂર્ણ કર્યાં પછી કિન્નરી કાનૂનશાખામાં કારકિર્દી બનાવવાં ઈચ્છતી હતી, પરંતુ 20 વર્ષની વયે લગ્ન થઈ ગયાં પછી અન્ય જવાબદારીઓને પણ પ્રાધાન્ય આપવું આવશ્યક હતું. તેમણે ડેટા એનાલિસ્ટની સફળ કારકિર્દીનું નિર્માણ કર્યું. આ સુરક્ષિત અને સન્માનીય પ્રોફેશન હતું અને સખત મહેનતનાં પગલે તેમણે પોતાના વ્યાવસાયિક ક્ષેત્રે સફળતા હાંસલ કરી, પરંતુ દિલની અંદર તેમને લાગતું રહ્યું કે જીવન આરામ અને રુટિન કરતાં પણ કાંઈક વિશેષ છે.
સાડા ત્રણ વર્ષના અંતરે બે સુંદર બાળકોને જન્મ આપ્યાં પછી, કિન્નરીબહેન અને તેમના પતિ હિતેનભાઈએ તેમનું જીવન તેમના દીકરાઓ, શ્રેય અને આરવના ઉછેર પાછળ જ ઘુમતું રહે તેની ચોકસાઈ રાખી હતી. બંને નસીબદાર હતા કે તેમના એમ્પ્લોયર્સે બંનેમાંથી કોઈ એક તો તેમના બાળકોની સાથે ઘરમાં રહી શકે તેવી રીતે શિફ્ટ્સ ગોઠવી આપી હતી.. જીવન કઠોર હતું, પરંતુ તે વધુ કઠોર અને તણાવપૂર્ણ બની રહેશે તેની જરા પણ ખબર ન હતી. 13 વર્ષ અગાઉ, તેમના પુત્રો 11 અને 8 વર્ષનાં હતા ત્યારે કિન્નરીબહેન અને હિતેનભાઈએ તેમની કારકિર્દીઓને અલવિદા કરી બિઝનેસના વિશ્વમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કન્વિનિઅન્સ સ્ટોર, ન્યૂઝએજન્ટ્સ/ઓફિસીઅન્સ ખરીદવાની શોધખોળ કરવા માંડી. આમાં શું થશે કે કરવાનું આવશે તેની ખબર ન હોવાં સાથે દંપતીએ તેમના પુત્રોને સારું ભવિષ્ય મળી શકે તે માટે આરામદાયક નોકરીઓ છોડી દીધી. કિન્નરીબહેન અને હિતેનભાઈનો હિંમતભર્યો નિર્ણય હંમેશ માટે તેમના જીવનની દિશા બદલી નાખવાનો હતો. આ માર્ગ તદ્દન સહેલો કે સરળ ન હતો, પરંતુ આસ્થા, મક્કમતા અને સહિયારા સ્વપ્ન સાથે તેમણે આ માર્ગ પસંદ કર્યો હતો.
તેમનું સ્વપ્ન હની’ઝ, પરિવાર સંચાલિત કન્વિનિઅન્સ સ્ટોર અને ન્યૂઝએજન્ટ્સ સ્વરૂપે સાકાર થયું, જે બિઝનેસ કરતાં પણ વધું વિકસ્યું. વહેલી સવારો, લાંબા દિવસો, અસંખ્ય પડકારો અને નિશ્ચલ સમર્પણ સાથે કિન્નરીબહેન અને હિતેનભાઈએ કોમ્યુનિટીનો હિસ્સો બની રહ્યાનું સ્થળ લાગે તેમ હની’ઝનું નિર્માણ કર્યું. ગ્રાહકો પરિચિત ચહેરાઓ બન્યા, વાતચીતો મિત્રતામાં બદલાઈ અને શોપ તેમના દ્વારા રોજ રેલાતી હૂંફ અને સંભાળનું પ્રતિબિંબ બની ગઈ. પરિવારને અપાતો મર્યાદિત સમય, અપાયેલાં અનેક બલિદાનો અને અસંખ્ય કલાકોની સાથે દંપતીએ તેમના બિઝનેસને ઓક્સફર્ડમાં વિકસતા અને ભારે સફળ નામમાં બદલી નાખ્યો. ઊંડા ઈતિહાસ અને સુંદર સ્થાપત્ય સાથે ઓક્સફર્ડની પ્રસિદ્ધ હાઈ સ્ટ્રીટમાં આવેલી હની’ઝ ઓફ ધ હાઈ સાથે કિન્નરીબહેન અને હિતેનભાઈ કોમ્યુનિટીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયાં.
આ પછી, જે સન્માન પ્રાપ્ત થયું તે અર્થપૂર્ણ હતું. હની’ઝને બેસ્ટ ન્યૂઝએજન્ટ, બેસ્ટ કન્વિનિઅન્સ સ્ટોર, બેસ્ટ ઈન હોમ ન્યૂઝ ડિલિવરી સર્વિસ, કસ્ટમર સર્વિસ અને સ્મોકલેસ રિટેઈલર સહિત પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ્ઝની વરસોવરસ જાણે વણઝાર લાગી. કિન્નરીબહેન માટે આ માત્ર ટ્રોફીઝ નથી. તેઓ વર્ષોની કઠોર મહેનત, બલિદાનો, ફેમિલી સપોર્ટ અને અહીં સુધી પહોંચાડનાર માન્યતાની યાદી અપાવે છે. આ તમામ સિદ્ધિઓથી આગળ, કિન્નરીબહેનની સમજ તેમનું હૃદય દર્શાવે છે. તેઓ માને છે કે સફળતા માત્ર આપણે આપણા માટે જે નિર્માણ કર્યું તેનાથી જ મપાતી નથી, પરંતુ આપણે દર્શાવેલી કરુણા, આપણે વિકસાવેલા સંબંધો અને કોમ્યુનિટીને મજબૂત બનાવવાં જે કરીએ તેના પર રહેલી છે. તેમના બિઝનેસ, તેમની મિત્રતાઓ થકી, અથવા કોમ્યુનિટી સેવામાં તેમનું જોડાણ હોય, તેમણે હંમેશાં લોકોને સૌથી ઉપર રાખ્યાં છે.
કિન્નરીબહેનની આણંદ ઓવરસીઝ બ્રધરહૂડના સેક્રેટરીપદે નિયુક્તિ તેમણે કોમ્યુનિટીમાં હાંસલ કરેલા વિશ્વાસ અને આદરને પ્રતિબિંબિત કરે છે. તેઓ પોતાની આ ભૂમિકાને ટાઈટલ તરીકે નહિ, પરંતુ સેવા, લોકોને સાથે લાવવા તેમજ વિનમ્રતા અને પ્રામાણિકતા સાથે યોગદાન આપવાની તક ગણાવે છે. તેઓ આણંદને આગળ લઈ જવાની આશા સેવે છે, જ્યાં યુવાન પેઢીઓ વડીલો પાસેથી માર્ગદર્શન અને જ્ઞાન પ્રાપ્ત કરી તેમના પૂર્વજોના મૂળિયાં વિશે શીખી શકે.
કિન્નરીબહેન અને હિતેનભાઈ બંને માટે ગત ચાર વર્ષ ભારે પડકારરૂપ હતા. હિતેનભાઈના પિતાને પાર્કિન્સન્સ રોગનું નિદાન થયા પછી તેમની તબિયત વધુ બગડતી જ ગઈ હતી.
કિન્નરીબહેને નિર્ણય કર્યો હતો કે તેમના પિતા સાથે સમય વીતાવવા તેઓ અથવા હિતેનભાઈ બેમાંથી કોઈએ પણ દર ત્રણ મહિને ભારતની મુલાકાત લેવાની રહેશે. વધારાના પ્રવાસો અને ઓક્સફર્ડમાં તેમની દુકાને હંમેશાં એકની હાજરી જરૂરી હતી તેની સાથે જે પણ અહીં પાછળ રહે તેમના માથે વધારાનું પ્રેશર ઉભું થયું હતું. તેમના સસરા તેમના બેમાંથી એક અને તેમના દીકરાઓને નિયમિત સમયગાળાએ જોઈને ખુશ રહેતા હતા તેનાથી કિન્નરીબહેનને ખૂબ આનંદ મળતો હતો. સસરાજીને ઘડિયાળના કાંટે સારસંભાળ મળતી અને સાસુજી પણ હંમેશાં તેમની સાથે રહેતાં હતાં છતાં, દીકરા અને પુત્રવધુ અવારનવાર મળતા રહે તે ખૂબ જ અમૂલ્ય હતું. આપણા પેરન્ટ્સને આપણી જરૂર હોય ત્યારે તેમને પ્રેમ અને સમય આપીએ તે ભારે વળતરરૂપ બની રહેવા સાથે ખૂબ સંતોષ અને સુખ મળે છે.
ભૂતકાળ તરફ નજર કરીએ તો, કિન્નરીબહેનની યાત્રા પડકારો, પરિવર્તન, શીખવા અને વિકાસ સાથે વણાયેલી છે. આમ છતાં, દરેક તબક્કે તેઓ તેમને મળેલી તકો, તેમને સાથ-સહકાર આપનારા લોકો તેમજ અન્યોને કશું અર્થસભર પરત કરવાની તક બદલ કૃતજ્ઞ રહ્યાં છે.
તેમની કહાણી યાદ અપાવે છે કે સફળતા હંમેશાં રાતોરાત મળતી નથી. કદીક તે શાંતિપૂર્વક, દિવસે અને દિવસે, ધીરજ, ખંત, પ્રેમ, આસ્થા તેમજ પ્રત્યેક નવો આરંભ કશાંક સુંદર તરફ દોરી જાય છે તેવી મજબૂત માન્યતા સાથે પણ તેનું નિર્માણ થાય છે. કિન્નરીબહેન માને છે કે જીવન સતત શીખવા માટે છે અને આપણને મળતી દરેક વ્યક્તિ અને કરાતી દરેક વાતચીત સાથે આપણે સતત ઘડાતા જઈએ છીએ
કિન્નરીબહેનની યાત્રા તેમણે હાંસલ કરેલી સિદ્ધિઓથી માત્ર પ્રેરણાદાયક નથી, પરંતુ હાંસલ સિદ્ધિઓમાં હૂંફ, કરુણા, અને માનવતા સમાયેલાં હોવાથી પ્રેરણાદાયી બને છે.
