ક્લાઈમેટ ચેઈન્જ મુદ્દે એક્શનની તાતી જરૂર

ક્લાઈમેટ ચેઈન્જ મુદ્દે એક્શનની તાતી જરૂર

ઉનાળામાં આસમાને પહોંચેલા તાપમાન અને આબોહવા-ક્લાઈમેટ વિશે વધતી ચિંતાની પશ્ચાદભૂ સાથે હાઉસ ઓફ કોમન્સ સ્થિરતા બાબતે સમયસરની ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. એશિયન વોઈસ અને રોયલ એર ફોર્સ (RAF) દ્વારા 20 જુલાઈએ ટેરેસ પેવેલિયન ખાતે બી ધ ચેઈન્જ- Be The Change પેનલચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. અ ચર્ચામાં 2050 સુધીમાં નેટ ઝીરો એમિશન્સ હાંસલ કરવા તેમની કામગીરીનું પુનઃઘડતર કરવાની RAFની મહત્ત્વાકાંક્ષા કેન્દ્રસ્થાને રહી હતી.

ઉનાળામાં આસમાને પહોંચેલા તાપમાન અને આબોહવા-ક્લાઈમેટ વિશે વધતી ચિંતાની પશ્ચાદભૂ સાથે હાઉસ ઓફ કોમન્સ સ્થિરતા બાબતે સમયસરની ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. એશિયન વોઈસ અને રોયલ એર ફોર્સ (RAF) દ્વારા 20 જુલાઈએ ટેરેસ પેવેલિયન ખાતે બી ધ ચેઈન્જ- Be The Change પેનલચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. અ ચર્ચામાં 2050 સુધીમાં નેટ ઝીરો એમિશન્સ હાંસલ કરવા તેમની કામગીરીનું પુનઃઘડતર કરવાની RAFની મહત્ત્વાકાંક્ષા કેન્દ્રસ્થાને રહી હતી.
એશિયન વોઈસના મેનેજિંગ એડિટર રુપાંજના દત્તા દ્વારા સ્વાગત કરાયા સાથે ઈવેન્ટનો આરંભ થયો હતો. ઈવેન્ટના યજમાન સ્ટોકપોર્ટના લેબર સાંસદ નવેન્દુ મિશ્રાએ તે જ દિવસે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં સત્તાના સૂત્રો બદલાયા હોવાનું હળવા સૂરે જણાવ્યું હતું. તેમણે ઓડિયન્સને યાદ અપાવ્યું હતું કે આના જેવી બાબતો શા માટે વધુ તાકીદની હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે,‘ ક્લાઈમેટ ચેઈન્જ અને લોકોને શિક્ષિત કરવા બાબતોએ ઘણું કરવાનું બાકી છે કારણકે આપણી સમક્ષ એવા લોકો છે જેઓ રાજકીય મુદ્દાઓ બનાવવાનો પ્રયાસ કર્યા વિના વિજ્ઞાનમાં માનતા નથી.’
આ પછી, RAF Cosford ખાતે નવા રિક્રૂટ્સને તાલીમ આપવા માટે જવાબદાર ઈન્સ્ટ્રક્ટર કોર્પોરલ ચાર્લી સ્પાર્કે મંચ સંભાળ્યો હતો અને સર્વિસના ચાવીરૂપ ઉદ્દેશોમાં એક 2030 સુધીમાં મિલિટરી એસ્ટેટને ડિકાર્બોનાઈઝ બનાવવાનો હોવાનું જણાવ્યું હતું. તેમણે નેસક્લિફ બેરેક્સ ખાતે 50થી વધુ કાર્બન-ઝીરો બિલ્ડિંગ્સનું બાંધકામ કરાયું હોવાની સિદ્ધિ તરફ અંગૂલિનિર્દેશ કર્યો હતો. તેમણે RAF દ્વારા અલગ પરંતુ સમાન વ્યવહારુ અભિગમ અપનાવાયા તરફ પણ ધ્યાન દોર્યું હતું. RAFએ વર્તમાન ફેસિલિટીઝને બદલવાના બદલે માળખાકીય રીતે મજબૂત પરંતુ એનર્જી એફિસિયન્ટ ન હોય તેવા બિલ્ડિંગ્સની પુનઃસજાવટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,‘અમારાં કેટલાંક બિલ્ડિંગ્સ ઉપયોગ માટે અયોગ્ય હતા તેમનું બહારની જગ્યાએ ક્લેડિંગ્સ-આવરણો ચડાવી, છતો પર સોલાર પેનલ્સ લગાવીને અને રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ સામેલ કરીને નવીનીકરણ કરાયું હતું. આનો હેતુ ગ્રીડ પર આધાર ઘટાડવાનો અને થાણાઓની સસ્ટેનિબિલિટીને સુધારવાનો હતો.
કોર્પોરલ સ્ટાર્કે જણાવ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી આગળ વધીને RAF બહેતર વેસ્ટ મેનેજમેન્ટ અને વધુ ટકાઉ આહાર પદ્ધતિઓ દ્વારા એમિશન્સનો મુદ્દો પણ હલ કરી રહેલ છે. જમીનપૂરણીમાંથી કચરાને બહાર રાખી શકે તેવી કોઈ પણ કામગીરી રચનાત્મક કદમ છે.
ક્લાઈમેટ એક્શન વિશે મૂળભૂત પુનર્વિચારની હાકલ
ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિઝિટિંગ ફેલો, સીઈઓ અને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ વેચાણ ધરાવતા ફાઈનાન્સિયલ ટાઈમ્સના લેખક અલ્પેશ પટેલ OBE પેનલચર્ચાના મોડરેટર હતા. નિષ્ણાતોની પેનલમાં લંડનસ્થિત જર્નાલિસ્ટ અને ‘કન્ઝ્યુમ્ડ-હાઉ બિગ બ્રાન્ડ્સ ગોટ અસ હૂક્ડ ઓન પ્લાસ્ટિક’ના લેખક સાબીરા ચૌધુરી, સસ્ટેનેબલ બિલ્ટ એન્વિરોન્મેન્ટ એન્ડ હેલ્થના પ્રોફેસર અને કેમ્બ્રીજ સસ્ટેનેબલ ડિઝાઈન ગ્રૂપ (CSDG)ના લીડ રોનિતા બર્ધન તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ ઓફ મટિરીઅલ્સ અને ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં ગ્રેન્થામ ઈન્સ્ટિટ્યૂટ- ક્લાઈમેટ ચેઈન્જ એન્ડ એન્વિરોન્મેન્ટમાં રોયલ એકેડેમી ઓફ એન્જિનીઅરીંગના ફેલો અને સસ્ટેનેબલ ઈલેક્ટ્રોકેમિકલ ટેકનોલોજીઝ ગ્રૂપના વડા ડો. રેશમા રાવનો સમાવેશ થયો હતો.
પેનલ દ્વારા માત્ર ટેકનોલોજીથી જ નિરાકરણ લાવી ન શકાય તેવું ક્લાઈમેટ ક્રાઈસીસનું રસપ્રદ ચિત્ર દોરાયું હતું. આપણા મહાસાગરોને ગંદા બનાવતા પ્લાસ્ટિક્સથી માંડી ખતરનાક ગરમીને શોષતાં બિલ્ડિંગ્સ જેવી બાબતોને નજરમાં મૂકતા વક્તાઓએ દલીલ કરી હતી કે ટકાઉ ભવિષ્યને હાંસલ કરવા માટે સમાજો જે પ્રમાણે વપરાશ કરે છે, ઈન્ડસ્ટ્રીઓ કામ કરે છે, સરકારો નિયંત્રણો લાદે છે અને કોમ્યુનિટીઓ જીવે છે તેમાંમ પરિવર્તનથી ઓછું કશું જ ચાલશે નહિ.
પ્લાસ્ટિક યુગના આરંભને વિશે જણાવતાં સાબીરાએ દ્વિતીય વિશ્વયુદ્ધે પ્લાસ્ટિકને કેવી રીતે અલ્પ સામગ્રીમાંથી આધુનિક ઉપભોક્તાવાદની કરોડરજ્જુ સમાન બનાવી દીધું તેની સમજ આપી હતી. યુદ્ધકાળની આવશ્યકતા તરીકે થયેલી શરૂઆત સુવિધા પર આધારિત થ્રોઅવે-ફેંકી દેવાની સંસ્કૃતિમાં ફેરવાઈ ગઈ હતી. તેમણે દલીલ કરી હતી કે સાચી લડાઈ તો પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવાની નથી, પરંતુ મજબૂત નિયંત્રણ, કોર્પોરેટ જવાબદારી અને ગ્રાહકની વર્તણૂકમાં ધરમૂળ પરિવર્તન સાથે વધુપડતા વપરાશનનું સમાજનું વ્યસન-વળગણ તોડવાની છે.
ડો. રેશમાએ નેટ ઝીરો ટ્રાન્ઝીશનની શક્તિ આપતી ટેકનોલોજીઓ, પર પ્રકાશ પાથરવા સાથે બેટરીઓ જ્યાં કામ કરી શકતી નથી તેવાં એવિએશન, શિપિંગ, સ્ટીલ અને કેમિકલ્સ સહિતના ડિકાર્બોનાઈઝ કરવાનું મુશ્કેલ છે તેવાં સેક્ટરો માટે પરિસ્થિતિ બદલી નાખનારાં ગ્રીન હાઈડ્રોજનની હિમાયત કરી હતી. તેમણે વધુ વૈવિધ્યપૂર્ણ સ્વચ્છ ઊર્જા ઈકોસિસ્ટમ, અસરકારક રીસાઈકલિંગને શક્ય બનાવવા પેકેજિંગના વધુ સ્ટાન્ડર્ડાઈઝેશનની હાકલ કરી હતી અને વિશ્વસ્ચરીય વિજ્ઞાન સફળતાઓ અને કોમર્શિયલ સફળતા વચ્ચેની કાઈ પૂરવા યુકેને અનુરોધ કર્યો હતો.
રોનિતા બર્ધને તો ક્લાઈમેટ પડકારોનો સામનો ઘરઆંગણેથી જ કરવા જણાવ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે બિલ્ડિંગ્સને માત્ર સ્ટ્રક્ચર-બાંધકામ તરીકે જ નિહાળવા ન જોઈએ, પરંતુ ખતરનાકપણે વધી રહેલા હીટવેવ્ઝ સામે લોકોને રક્ષણ આપવામાટે ક્ષમતા ધરાવતા મોખરાના જાહેર આરોગ્ય ઈન્ટરવેન્શન્સ તરીકે નિહાળવાં જોઈએ. ક્લાઈમેટ ચેઈન્જ નબળી કોમ્યુનિટીઓ, ખાસ કરીને સારસંભાળની જવાબદારીઓ ધરાવતી ઘરમાં જ વધુ સમય વીતાવતી મહિલાઓને અપ્રમાણસર રીતે અસર કરતો હોવાની ચેતવણી આપતાં તેમણે આરોગ્યપ્રદ હાઉસિંગ સ્ટાન્ડર્ડ્સ, સ્માર્ટર વેન્ટિલેશન્સ, ક્લાઈમેટ રિસ્પોન્સીવ અર્બન પ્લાનિંગ અને અમલયોગ્ય મહત્તમ ઈન્ડોર ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ્સ માટે હાકલ કરી હતી.
સમગ્ર ચર્ચા દરમિયાન, અલ્પેશભાઈએ વાતચીતને મજબૂતપણે ઉપાયો મુદ્દે જકડી રાખી હતી અને પેનલિસ્ટોને થિયરીથી પણ આગળ વધીને કેવી રીતે વિજ્ઞાન, ઈનોવેશન, પોલિસી અને ડિઝાઈનને અર્થસભર ક્લાઈમેટ પ્રગતિ કરાવવાની ક્ષમતા સાથેની વ્યવહારુ એક્શનમાં ફેરવી શકાય તે દર્શાવવાનો પડકાર કર્યો હતો.
ઓડિયન્સના પ્રશ્નોએ ક્લાઈમેટ ચર્ચાને વૈશ્વિક નીતિમાંથી રોજિંદી કાર્યવાહીની તરફ બદલી
ઓડિયન્સ સાથેની પ્રશ્નોત્તરીએ ક્લાઈમેટ ચર્ચાને ગ્લોબલ પોલિસીમાંથી લોકો દ્વારા લઈ જવાતી પ્લાસ્ટિકની પાણીની બોટલ્સથી માંડી બ્રિટનની સદીઓ પુરાણી ઈમારતોને ગરમ થતાં વિશ્વ માટે યોગ્ય બનાવવા સહિત રોજિંદા જીવનની વાસ્તવિકતાઓને હલ કરવા તરફ દોરી હતી. પ્રશ્નો સસ્ટેનેબલ આદતોથી માંડી માઈક્રોપ્લાસ્ટિક્સના આરોગ્ય જોખમો સહિતને આવરી લેનારા હતા, પરંતુ સામાન્ય સંદેશો એ જ રહ્યો કે અર્થસભર ક્લાઈમેટ એક્શન ભય અથવા ખાલી સ્લોગનો થકી નહિ, પરંતુ વ્યવહારુ પસંદગીઓ, વૈજ્ઞાનિક પુરાવાઓ અને સ્માર્ટ પોલિસીઓ થકી જ ગતિશીલ બની રહેશે.
સાબીરાએ લોકોને ક્લાઈમેટ સોલ્યુશનોમાંથી એક સૌથી સરળ-રિયુઝેબલ બોટલમાંથી નળનું પાણી પીવાનો અનુરોધ કર્યો હતો. તેણે રોજિંદી ચીજવસ્તુઓનો પુનઃવપરાશ સ્વભાવ બની ગયો છે તેવી સાઉથ એશિયન પરંપરાઓ પર પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું હતું કે સ્થિરતાનો આરંભ અત્યાધુનિક ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ પાછળ દોડવાના બદલે આદતોને બદલવા સાથે થાય છે.
જોકે, તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે રિયુઝેબલ બોટલ્સનો ખરેખર પુનઃ ઉપયોગ કરવામાં આવશે તો જ તેનાથી એમિશન્સ ઘટી શકશે. તેમણે યુકેની આગામી ડિપોઝિટ રિટર્ન પોલીસી સહિત મજબૂત રિસાયકલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પર પ્રકાશ પાથર્યો હતો.

ડો.રેશમાએ ઓડિયન્સને દરેક ખરીદી ક્લાઈમેટલક્ષી નિર્ણય હોવાનું માનવાનો પડકાર ફેંક્યો હતો. સસ્ટેનેબલ પસંદગીઓ સાથે મોટા ભાગે ‘અસુવિધાયુક્ત ટેક્સ’ પણ આવતા હોવાનું જણાવી તેમણે દલીલ કરી હતી કે આનાવશ્યક ચેતવણીઓ-એલાર્મિઝમ નહિ,પરંતુ આશાવાદ જ પરિવર્તન માટે સૌથી શક્તિશાળી ઉદ્દીપક હોય છે. તેમણે ચેતવણી આપી હતી કે ભયપ્રેરિત શાબ્દિક ઉશ્કેરણીઓ રાજકીય વિભાજનોનું જોખમ ઉભું કરે છે અને કોર્પોરેટ ગ્રીનવોશિંગને હવા આપે છે. માઈક્રોપ્લાસ્ટિક્સ વિશે વધતી ચિંતા સંદર્ભે તેમણે પ્લાસ્ટિક્સ તેમજ PFAS અને BPA જેવાં ખતરનાક કેમિકલ્સ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરવા સાથે સર્ક્યુલર ઈકોનોમી વિશે સમજાવ્યું હતું જ્યાં આજનો કચરો આવતી કાલનો બહુમૂલ્ય સ્રોત બની શકે છે.
પર્યાવરણ નિર્માણ તરફ વળતાં રોનિતાએ બ્રિટનની સૌથી મુશ્કેલ ક્લાઈમેટ દુવિધાઓમાંથી એક ઐતિહાસિક લક્ષણો સાથે સમાધાન કર્યાં વિના તેના બહુમૂલ્ય હેરિટેજ બિલ્ડિંગ્સને ડિકાર્બનાઈઝિંગ કરવાની છે. તેમણે દલીલ કરી હતી કે દેશની સૌથી ઊર્જા અકાર્યક્ષમ બિલ્ડિંગ્સને રેટ્રોફિટિંગ માટે પ્રાથમિકતા અપાવી જોઈએ. બીજી તરફ, ભવિષ્યના હાઉસિંગ માપદંડોએ ઊર્જા કાર્યક્ષમતા, વેન્ટિલેશન અને અંદર વધી રહેલા તાપમાન સામે રક્ષણ વચ્ચે કાળજીપૂર્વક સમતુલા સાધવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે હીટવેવ્ઝ હવે વારંવારની સ્થિતિ બનેલ છે ત્યારે આરોગ્યપ્રદ બિલ્ડિંગ્સ જાહેર આરોગ્ય માટે એટલાં જ મહત્ત્વપૂર્ણ રહેશે જેટલાં નેટ ઝીરો હાંસલ કરવા માટે હોય.
ABPL ના ચેરમેન સીબી પટેલે પેનલિસ્ટ્સ, નવેન્દુ મિશ્રા, RAF ના કર્મચારીઓ અને મહેમાનોનો તેમની ઉપસ્થિતિ તેમજ ક્લાઈમેટ ચેઈન્જ સંદર્ભે મહત્ત્વપૂર્ણ અને તાકીદના વાર્તાલાપમાં અમૂલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કરી ચર્ચાનું સમાપન કર્યું હતું. તેમણે આખરમાં ‘ RAF માત્ર આકાશની રખવાણી કરતું નથી, તેઓ આપણી પૃથ્વીની પણ દરકાર રાખે છે. સહુનો આભાર.’ ની વિશેષ ટીપ્પણી કરી હતી.

-----------

પ્રોફેસર રોનિતા બર્ધન

‘ક્લાઈમેટ ચેઈન્જ હવે દૂરનો પર્યાવરણીય મુદ્દો રહ્યો નથી. તે હવે વધીને જાહેર આરોગ્યનો પડકાર બની ગયો છે અને પર્યાવરણ નિર્માણ આપણી સુરક્ષાની અગ્રહરોળ છે. આપણે માત્ર અતિશય ગરમી સામે પ્રત્યાઘાત આપવાથી પણ આગળ વધવાની તેમજ ગરમી સંબંધિત બીમારીઓ શરૂ થાય તે પહેલાં જ તેને અટકાવતાં ઘર, નેબરહૂડ્સ અને શહેરો ડિઝાઈન કરવાની શરૂઆત થવાની જરૂર છે. જો આપણે યુવા લોકોને સામેલ કરવા ઈચ્છતા હોઈએ તો આપણે નેરેટિવ્ઝ પણ બદલવાં જોઈશે. ‘આ ઈતિહાસમાં સૌથી ગરમ ઉનાળો છે’ તેમ કહેવાના બદલે આપણે તેમને યાદ કરાવવું જોઈશે કે,‘તમારા જીવનમાં અનુભવાયેલો આ સૌથી ઠંડોગાર ઉનાળો છે.’ આવો સરળ બદલાવ ક્લાઈમેટ ચેઈન્જ વિશે વિચારોને ઐતિહાસિક આંકડાશાસ્ત્રને એક્શનની વ્યક્તિગત હાકલમાં ફેરવી નાખશે, આગામી પેઢીઓને વધુ આરોગ્યમય, વધુ ઉત્સાહી ભવિષ્યને આકાર આપવાની પ્રેરણા પૂરી પાડશે.’

-------------

સાબીરા ચૌધુરી

મારાં સંશોધનમાં મારું સૌથી મોટું ટેકઅવે એ છે કે પ્લાસ્ટિક્સે આપણા વર્તનને ધરમૂળથી બદલી નાંખ્યું છે. આધુનિક સુપરમાર્કેટ પ્લાસ્ટિકમાં વીંટળાવાથી આવ્યું છે. આ પહેલાં આપણે ગ્રીન કિરાણાદાર અને બૂચર પાસે જતા હતા. હવે આપણે બેસીને કે ચાલતા જ કોફી પીએ છીએ, આપણે દરેક જગ્યાએ ખાવા કે પીવાની જરૂર હોતી નથી, પરંતુ પ્લાસ્ટિક્સે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ અને સ્નેક ઈન્ડસ્ટ્રી માટે આ શક્ય બનાવ્યું છે. આનો ઉપાય કરવો હોય તો ઉપભોક્તાની વર્તણૂકનો ઉપાય કરાવો જોઈએ, જે માત્ર વસ્તુ A માંથી વસ્તુ Bમાં બદલાવા કરતાં ઘણું મુશ્કેલ છે. જો આપણે નાયલોનમાંથી બનેલાં વસ્ત્રોના બદલે સુતર અને ઉનમાંથી બનેલાં વસ્ત્રો ખરીદવા લાગીશું તો કાર્બન એમિશન્સ ઊંચે જશે. આપણે જે રીતે વપરાશ કરીએ છીએ તે ચાલુ રાખી શકીએ નહિ. હાલમાં બોજો, વ્યક્તિઓએ તરીકે આપણા ઉપર જ છે. આપણે કંપનીઓ પર વધુ દબા– લાવીશું અને વધુ નિયંત્રણોથી સમાન તકની ભૂમિ સર્જાશે, તે વધુ બહેતર રહેશે.

----------------

અલ્પેશ પટેલ OBE

‘મારા માટે એ સ્પષ્ટ બન્યું છે કે તમામ ડેટા અને રિસર્ચ સાથે નિષ્ણાતો કેટલાક અભૂતપૂર્વ આઈડિયાઝ ધરાવે છે. તમામ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે મળીને શ્રેષ્ઠ નીતિઓ ઘડે તે આપણા માટે જરૂરી છે કારણકે આ સિવાય તો જ્ઞાન-જાણકારી વિનાના લોકો અંશતઃ ઉપાયો આપશે જેનાથી એક બાબત સારી બનશે તો બીજી ઘણી ખરાબ બની રહેશે.’

-------------------

ડો. રેશમા રાવ

‘આટલા બધા વૈવિધ્યપૂર્ણ અને કાર્યરત લોકોના ગ્રૂપ સાથે આપણા સમયના મુશ્કેલ પડકારોમાં એક વિશે વિચારોનું આદાનપ્રદાન પ્રેરણાદાયી બની રહ્યું છે. કાર્યવાહીની જરૂરિયાત અગાઉ આટલી સ્પષ્ટ કદી ન હતી અને આ પડકારને પહોંચી વળવા હિંમતભર્યા વિચારો અને સાથે મળીને કામ કરતી ઈનોવેટિવ ટેકનોલોજીઓનો વિશાળ પોર્ટફોલીઓ આવશ્યક બની રહેશે. સફળતાનો આધાર વિદ્વાનો, ઈન્ડસ્ટ્રી અને સરકાર વચ્ચેના ગાઢ સહકાર પર રહેશે, આપણા માટે જરૂરી સફળતાને આગળ વધારવા માટે જ નહિ, પરંતુ તેમાંથી પાર ઉતરવા અને તેમને ઝડપથી અપનાવવા માટે પણ તે જરૂરી બનશે. બદલાવ નાહિંમત કરી શકે છે, પરંતુ હરિયાળાં ભવિષ્ય તરફની ગતિ એવી તકો અને લાભ આપી શકે છે જે ફોસિલ ફ્યૂલ્સ પરનો આપણી વર્તમાન નિર્ભરતા પૂરાં પાડી શકશે નહિ.’

ક્લાઈમેટ ચેઈન્જ મુદ્દે એક્શનની તાતી જરૂર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.