પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ શાંતિ રેલીમાં આત્મઘાતી હુમલો, 14નાં મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના સ્વાત જિલ્લામાં રવિવારે એક પોલીસ સ્ટેશનની બહાર આત્મઘાતી વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત થયાં, જ્યારે 22 લોકો ઘાયલ થયા.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના સ્વાત જિલ્લામાં રવિવારે એક પોલીસ સ્ટેશનની બહાર આત્મઘાતી વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત થયાં, જ્યારે 22 લોકો ઘાયલ થયા.
પાકિસ્તાની મીડિયા અનુસાર હુમલા સમયે નજીકના કાબલ ચોક પર આતંકવાદ વિરુદ્ધ શાંતિ રેલી ચાલી રહી હતી. આ દરમિયાન એક યુવક કાબલ પોલીસ સ્ટેશનના ગેટ પર પહોંચ્યો. પોલીસ કર્મીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. આ સમયે પોલીસ કોઈ કાર્યવાહી કરે તે પહેલાં યુવકે પોતાને ઉડાવી દીધો. રેલીમાં ભાષણ દરમિયાન એકાએક થયેલા વિસ્ફોટથી હાજર લોકોમાં નાસભાગ મચી હતી. વિસ્ફોટ દરમિયાન ઘાયલ થયેલા લોકોને સ્થાનિક સૈદુ શરીફ ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હાલમાં કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. તાજેતરના મહિનાઓમાં સ્વાત અને સમગ્ર ખૈબર પખ્તુનખ્વાંમાં આતંકી ઘટનાઓમાં વધારો થયો છે. થોડા દિવસો પહેલાં હંગુ જિલ્લામાં પોલીસ ચોકી પર થયેલા હુમલામાં 9 પોલીસકર્મીનાં મોત થયાં હતાં.
પ્રદર્શનકારીઓએ કહ્યું, તેમના આંદોલનનો હેતુ માત્ર શાંતિ પાછી લાવવી અને આતંકવાદનો ખાત્મો કરવાનો છે, જે સરકારની જવાબદારી છે. જો અસલામત વાતાવરણ યથાવત્ રહેશે તો લોકોમાં મોટો જનઆક્રોશ પેદા થઈ શકે છે.
