પ્રેસ્ટનના ગુજરાતી સમાજને સમૃદ્ધ કરતી ગુજરાતી હિન્દુ સોસાયટી

પ્રેસ્ટનના ગુજરાતી સમાજને સમ

ગુજરાત સમાચારની વિવિધ સમાજને લગતી ‘સોનેરી સંગત’ની સફર ગત ગુરુવારે લેસ્ટરથી પ્રેસ્ટન પહોંચી હતી, જ્યાં ગુજરાતી સમાજે સ્થાનિક વાતાવરણમાં પોતાની મહેનત, નિષ્ઠા અને કર્તવ્યથી એક આગવી ઓળખ બનાવી લીધી છે. આ ઓળખ કંઈ એમ જ નથી મળી, તેના માટે પ્રથમ પ્રવાસી ભારતીયોની અથાક મહેનતને વંદન કરવાં જ પડે, જેમણે એક અજાણી ધરતીના ગગનમાં પોતાના લોકોને એક નવી ઓળખ અને પાંખો મળે તે માટે ગુજરાતી હિન્દુ સોસાયટી એટલે કે GHS માટે પોતાનું સર્વસ્વ પ્રદાન કર્યું છે.

ગુજરાત સમાચારની વિવિધ સમાજને લગતી ‘સોનેરી સંગત’ની સફર ગત ગુરુવારે લેસ્ટરથી પ્રેસ્ટન પહોંચી હતી, જ્યાં ગુજરાતી સમાજે સ્થાનિક વાતાવરણમાં પોતાની મહેનત, નિષ્ઠા અને કર્તવ્યથી એક આગવી ઓળખ બનાવી લીધી છે. આ ઓળખ કંઈ એમ જ નથી મળી, તેના માટે પ્રથમ પ્રવાસી ભારતીયોની અથાક મહેનતને વંદન કરવાં જ પડે, જેમણે એક અજાણી ધરતીના ગગનમાં પોતાના લોકોને એક નવી ઓળખ અને પાંખો મળે તે માટે ગુજરાતી હિન્દુ સોસાયટી એટલે કે GHS માટે પોતાનું સર્વસ્વ પ્રદાન કર્યું છે.
કાર્યક્રમનું સંચાલન કરતાં ભારતીબહેન પંકજ વોરાએ કહ્યું કે, પ્રેસ્ટન ગુજરાતી હિન્દુ સોસાયટી માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ શૈક્ષણિક, સામાજિક અને કોમ્યુનિટી સેવાનાં અનેક કાર્યો દ્વારા સમાજને સમૃદ્ધ બનાવી રહી છે. આ જ સેવાકાર્યોને વરેલું પ્રેસ્ટનનું મંદિર માત્ર ઈંટ અને સિમેન્ટથી ઊભું નથી કરાયું, પરંતુ તે પ્રથમ પેઢીના પ્રવાસીઓના પરિશ્રમ, ત્યાગ, એકતા અને અડગ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. તેના પાયામાં હજારો સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવા, અસંખ્ય દાતાઓની ભાવના અને આપણા પૂર્વજોનાં સુંદર સપનાં સમાયેલાં છે.
આપણા પૂર્વજોનાં આ સપનાંને સાકાર કરવા સોનેરી સંગતના મહેમાન બન્યા 1972માં પ્રેસ્ટન આવેલા અને સ્વયંસેવક તરીકે સક્રિયપણે સેવાપ્રવૃત્તિ દ્વારા સમાજને જોડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા GHSના પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયી, ઇશ્વરભાઈ ટેલર; GHSના જનરલ સેક્રેટરી આસિત ઝરીવાલા અને તરલિકાબહેન નવેકર.
ભારતીબહેનઃ દશરથભાઈ આપ 1972માં આવ્યા ત્યારે પ્રેસ્ટન કેવું હતું?
દશરથભાઈઃ પ્રેસ્ટન આવ્યો તે પહેલાં GHSની સ્થાપના થઈ ગઈ હતી. એ પહેલાં 1965માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું. આ સમયે પ્રેસ્ટનમાં રહેતા ગુજરાતીઓને લાગણી થઈ કે આપણે ગુજરાત અને ભારત પર આવેલી તકલીફ અંગે એક ફંડ ઊભું કરીએ. પોતાના વતનને મદદની લાગણીથી મારી પહેલાં આવેલા લોકો દ્વારા ઘરે-ઘરે જઈને ફંડ એકત્ર કરી ભારત મોકલાયું. આ કાર્યહેતુ જે લોકો એકઠા થયા હતા તેમણે વિચાર્યું કે, આપણે આપણી સંસ્થાની સ્થાપના કરવી જોઈએ. આમ મારી પહેલાં સ્થાયી થયેલા લોકો દ્વારા 1965માં ગુજરાત હિન્દુ સોસાયટીની સ્થાપના કરાઈ હતી. વર્ષ 1974માં સંસ્થા દ્વારા મંદિરની સ્થાપના થઈ અને રાધા-કૃષ્ણની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ. મારું મંદિરમાં નિયમિત આવવાનું થતું, આમ અહીંના કાર્યકરો અને અહીં થતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયો અને સ્વયંસેવક તરીકેના કાર્યથી શરૂઆત થઈ.
ઇશ્વરભાઈ આપ એ સમયના સમાજ અંગે શું ઉમેરવા માગો છો?
ઇશ્વરભાઈઃ હું 1966માં માત્ર 15 વર્ષની ઉંમરે પ્રેસ્ટન આવ્યો. તે સમયે મારાં માતા આફ્રિકામાં હતાં અને મિત્રો સાથે મને અહીં મોકલ્યો હતો. અહીં આવ્યો તે બાદ નાઇટ સ્કૂલમાં મારી મિત્રતા બે-ત્રણ હિન્દુ વિદ્યાર્થીઓ સાથે થઈ, જેમણે મને ગુજરાત હિન્દુ સોસાયટી સંસ્થા અંગે માહિતી આપી. આ સાથે એમ પણ કહ્યું કે, હાલમાં તેમની પાસે કોઈ બિલ્ડિંગ નથી, પરંતુ અવારનવાર નવરાત્રી, ઇન્ડિપેન્ડેન્ટ ડે, રિપબ્લિક ડેના શો અને કાર્યક્રમોનું આયોજન કરે છે. આમ અમે પ્રથમ પ્રવાસી ભારતીયો દ્વારા શરૂ કરાયેલા GHSના શરૂઆતી કાર્યક્રમોમાં જવાનું થતું.
શરૂઆતી વડીલોની અથાક મહેનતથી જ આ સંસ્થાની શરૂઆત થઈ હતી. એ લોકોનો આગ્રહ હતો કે અહીં આપણી ગુજરાતી ભાષાને ટકાવી રાખવી, આ હેતુથી ગામમાં નાના-નાના કાર્યક્રમ થતા. 70ના દાયકા પહેલાં આફ્રિકાથી આપણા અન્ય ગુજરાતી-ભારતીયે ભાઈઓ અહીં આવ્યા, જે બાદ ઇદી અમીનના સમયમાં પણ ઘણા ગુજરાતી-ભારતીયો અહીં આવ્યા. આમ વર્ષ 1972 પહેલાં પ્રેસ્ટનમાં 400 હિન્દુ પરિવારો હતા. એ સમયે જે કમિટી મેમ્બર સોમભાઈ, ગોવિંદભાઈ, છોટાભાઈ અને ભાનુભાઈએ પોતાના બિલ્ડિંગ માટે કોઈ જગ્યા ખરીદવી જોઈએ અને એક સેન્ટર બનાવવું જોઈએ. આ સમયે અમને 3 વર્ષથી ખાલી 75 વર્ષ જૂની સેન્ટ સ્ટિવન સ્કૂલ મળી, જેને 17,100 પાઉન્ડમાં લેવામાં આવી.
જો કે સંસ્થા પાસે તે સમયે બેન્કમાં માત્ર 950 પાઉન્ડ હતા અને બેન્કે અમને લોન આપવાનો ઇનકાર કરી દેતાં અમારા 4 ટ્રસ્ટીએ ઘરની ડીડ્સ આપી તે નાણાં લોનમાં આપ્યાં હતાં. 1975માં આ બિલ્ડિંગ લેતાં અમે 50થી 60 વોલેન્ટિયરે રાત-દિવસ એક કરી તેને રિનોવેટ કર્યું હતું.
તરલિકાબહેન જ્યારે નવી પેઢી એ સમયની વાતો સાંભળે ત્યારે તેમને શું શીખવા મળે છે?
તરલિકાબહેનઃ અહીં ભજન, શ્લોકો સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે, જેમાં નાનાં ભુલકાંથી માંડી નવી પેઢી પણ મોટા પ્રમાણમાં લાભ લે છે. દરમહિને એક રવિવાર એવો હોય છે, જ્યારે સવારે 11 વાગ્યાથી નાનાં બાળકો અને યુવાનો પ્રોફેશનલની જેમ ભજન ગાઈને લોકોનાં મન મોહી લે છે. આજના યુવાનો બાળપણથી સેવા માટે સમર્પિત છે અને આર્થિક મદદ પણ કરે છે. સેવા કરવાથી તેમનામાં નમ્રતા આવે છે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.
દશરથભાઈ તે સમયે આપ સૌ માટે મંદિર અને સંસ્થા ઊભી કરવામાં સૌથી મોટો પડકાર કયો હતો?
દશરથભાઈઃ અમારા પર પ્રભુની કૃપા હતી. આ વિસ્તારમાં જ 100થી 200 ગુજરાતી પરિવાર હતા, જ્યારે અન્ય ફેમિલી બીજા વિસ્તારમાં હતા. મંદિર લેતાં એક જ વિચાર મનમાં ઘુમરાતો કે, નાણાં કઈ રીતે ભરપાઈ કરીશું, લોકોનો પ્રતિસાદ મળશે કે કેમ? આ બધા પડકારો વચ્ચે જ્યારે મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા થઈ ત્યારે ભગવાનેે જ લોકોને મંદિરમાં આવતા કર્યા. જેમજેમ લોકો આવતા થયા તેમતેમ ધાર્મિક, સાંસ્કૃતિ અને સામાજિક પ્રવૃત્તિઓની શરૂઆત કરાઈ, જેને તબક્કાવાર એક્સપાન્ડ કરાઈ. જે બાદ તો શિક્ષણ, સ્વાસ્થ્ય, બાળ અને વડીલોની પ્રવૃત્તિઓ, હેલ્થ સેમિનાર જેવી પ્રવૃત્તિઓ શરૂ કરાઈ. અમારા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાતાં લોકોનું મંદિર અને સંસ્થા પ્રત્યેનું આકર્ષણ વધ્યું અને લોકો આવતા થયા. આનાથી અમને બે પ્રકારે ફાયદો થયો. પ્રથમ તો તેમની ધર્મ અને સંસ્કૃતિની જે ઊણપ હતી તે પૂર્ણ થઈ અને અમે તેમના દ્વારા એક ફંડ એકત્ર કરી શક્યા. ઉલ્લેખનીય છે કે, મૂર્તિપ્રતિષ્ઠાના દિવસે જ અમારા દ્વારા આ સંસ્થા માટે કરાયેલું જે દેવું હતું તે ભરપાઈ થઈ ગયું હતું.
ખાસ કરીને ગુજરાત સમાચારનો પણ ખાસ આભાર માનવો જોઈએ. કુસુમબહેન અને સી.બી. પટેલે આ સંસ્થા સાથે સતત સંકળાયેલાં રહ્યાં અને અમારા એકેએક કાર્યક્રમને હાઇલાઇટ કરી નાનકડા પ્રેસ્ટન અને GHSને નકશા પર મૂકી દીધાં. તેમની આ પ્રશંસનીય કામગીરીથી બહારના દાતા, હરિભક્તો અને ભાવિકોની લાગણી ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટન પ્રત્યે ઉત્તરોતર વધતી ગઈ.
ઇશ્વરભાઈ આ બધા પડકારોનો સામનો કઈ રીતે કર્યો?
ઇશ્વરભાઈઃ અમે સમાજને પ્રોત્સાહિત કરી તેમને જ પાવર આપેલો, જેથી એ લોકો પણ કામ કરે, ધગશ વધે અને સંસ્થા સાથે સંકળાયેલા રહે. આ અમારા માટે જરૂરી હતું, કારણ કે આપણી સંસ્થા એક ચેરિટી પણ છે અને સાથેસાથે ડેમોક્રેટિક પણ છે અને આપણું સનાતન મંદિર છે. આ કારણોથી અમારે ઘણી જગ્યાએ એડજસ્ટ કરવું પડતું, પરંતુ અમારા હરિભક્તો અને મેમ્બર્સ પૂર્ણ સહકાર આપતા.
વર્ષ 1978માં મને યુવાન વયે સેક્રેટરી બનાવાયો હતો. આ સમયે વડીલોના પ્રોત્સાહન અને ધગશથી અમે કલ્ચરલ કાર્યક્રમો કરતા હતા. આ સમય દરમિયાન અમે સંસ્થા વતી બે ડાન્સીસનું આયોજન કર્યું હતું, જેમાં ક્વીન્સની સિલ્વર જ્યુબિલી હતી તેમાં બ્લેકપુલનો કાર્યક્રમ પણ સામેલ છે. અહીં મને લોર્ડ લેફ્ટનન્ટ મળ્યા હતા અને તેમણે અમારી સંસ્થાની મુલાકાત લેવા અંગે ઇચ્છા વ્યક્ત કરી હતી.
લોર્ડ લેફ્ટનન્ટે રૂબરૂ આવી સંસ્થાનાં કાર્યો જોયાં. તેમની આ મુલાકાત બાદ ઓચિંતો જ ફોન કોલ આવ્યો અને જે-તે તારીખે હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ ચાર્લ્સ સંસ્થાની મુલાકાતે આવવાના હોવાનો સંદેશ આપ્યો. પ્રિન્સ ચાર્લ્સ નિયત તારીખે આવ્યા અને અમારા સેન્ટરનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું. એ સમયે છોટાકાકા પ્રમુખ હતા અને દશરથભાઈ સહિતના લોકો વોલેન્ટિયર હતા, જેમણે સિસ્ટેમેટિકલી તમામ વસ્તુનું એરેન્જમેન્ટ કર્યું હતું.
તમને મિલેનિયમનું કોઈ ફંડ મોટું મળ્યું હતું તે અંગે અમને જણાવો.
દશરથભાઈઃ હા, 1975માં અમે ડેરલિક બિલ્ડિંગ લીધી અને તેને રિનોવેટ કરવામાં આવી, જેને અમે ચલાવતા હતા. જો કે 1995 બાદ ખર્ચ વધતાં રિનોવેટ કરવાનો નિર્ણય લીધો. અમારા નસીબ સારા હતા કે અમે ફિઝિબિલિટી કરાવી, જે બાદ એની અંદર અમે એપ્લિકેશન કરી. એ સમયે મિલેનિયમ યર્સની બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ માટે ગ્રાન્ટ મળતી. બનવાજોગ હતું કે, અમે જ્યારે નવું પહેલું બિલ્ડિંગ લીધું ત્યારે શોર્ટ ફોલ હતો, બીજું બિલ્ડિંગ લીધું અને જ્યારે મિલેનિયમ કમિશનનો પ્રોજેક્ટ લીધો ત્યારે પણ અમારી પાસે 330,000 પાઉન્ડ જ હતા. અમે ચાર મિલિયન પાઉન્ડનો પ્રોજેક્ટ હાથમાં લીધેલો, જેમાં અમને 50 ટકા ગ્રાન્ટ મળેલી, બાકીનું અમે કલેક્શન કરેલું. અમારા આ સમયમાં અમને વધુમાં વધુ મદદ ગુજરાત સમાચારે કરી હતી. સી.બી. પટેલે લંડનવી મોટા બિઝનેસ ટાયકૂન્સ, મોભાદાર અને માલેતુજારો સાથે અમારો સંપર્ક કરાવી અમને એન્કરેજ કર્યા. એમની સાથે સુરેન્દ્રભાઈ પટેલે પણ સારો સહકાર આપ્યો છે.
મોરારિબાપુની કથા દ્વારા અન્ય કયાં ચાર ગામમાં ડંકો વગાડ્યો હતો?
ઇશ્વરભાઈઃ 1986માં મોરારિબાપુની લેક્ચર ટૂર થઈ. આ સમયે સુરેન્દ્રભાઈ પટેલ, નટુભાઈ પટેલ, સી.બી. પટેલ સહિત લંડનના અમારા વડીલો હતા. મોરારિબાપુ લંડન સિવાય ક્યાંય કથા કરવા જતા નહોતા. જો કે આ વડીલોએ બાપુને કન્વીન્સ કર્યા અને અમે નોર્થમાં - પ્રેસ્ટનમાં કથા કરવાનું નક્કી કર્યું. એ સમયે પ્રેસ્ટન નાનું ગામ હતું, છતાં પણ અમે નોર્થની સંસ્થાઓને ભેગી કરી અને સપોર્ટ લીધો અને આખો પ્રોજેક્ટ બનાવ્યો.
આ એ સમય હતો જ્યારે ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હતો. આ સંજોગોમાં પ્રેસ્ટનમાં કથા શરૂ થઈ ત્યારે જ ડિકલેર કરાયું કે, અહીં એકઠા થનારા નાણાંમાંથી ખર્ચ કાઢતાં જે બચશે તે ગુજરાત દુષ્કાળ ફંડ માટે મોકલી આપશું. અને અમે આશરે 1.10 લાખ જેટલી રકમ ભારત મોકલી આપ્યા હતા. આ નાણાંથી ગુજરાતમાં પાણી માટેના વિવિધ પ્રોજેક્ટોમાં વાપરવામાં આવ્યા. અમારી કથા અને અમારા દ્વારા એકઠાં થયેલાં નાણાંથી થયેલી લોકોની મદદનો રિપોર્ટ ગુજરાત સમાચારમાં છાપવામાં આવ્યો હતો. પ્રેસ્ટનના લોકોને પણ સંતોષ થયો હતો કે અમારા દ્વારા આપવામાં આવેલી રકમનું યોગદાન સફળ થયું છે. પ્રેસ્ટનમાં કથા બાદ અમે બોલ્ટનમાં વેદમંદિરના લાભાર્થે, કોવેન્ટ્રીમાં કૃષ્ણમંદિરના લાભાર્થે, ક્રોલીમાં મંદિર નિર્માણ માટે કથા કરી. એટલે અમે બાપુની આઉટ સાઈડ ત્રણ કથામાં છોટાકાકાની આગેવાની હતી અને હું એમની સાથે હતો.
તરલિકાબહેન નવી પેઢી માટે જે વોલેન્ટરિંગ સર્વિસીસ છે, તેમાં કયા- કયા પડકારો આપની સમક્ષ આવે છે?
તરલિકાબહેન: અત્યારના વાલીઓ બાળકોને ગુજરાતી શાળામાં મોકલતાં અચકાય છે. પહેલાં તો 20થી 25 બાળકોના ક્લાસ થતા, અમને જગ્યા પણ ઓછી પડતી હતી. જો કે હાલના વાલીઓ બાળકોને ફૂટબોલ અથવા અન્ય કોઈ ક્લબમાં મોકલશે પણ ગુજરાતીમાં મોકલતા નથી. ગુજરાતી તો વારસામાં મળેલી ભાષા છે એનું જતન કરવું આપણા માટે ખૂબ જ જરૂરી છે.
દશરથભાઈ આ બધું જોઈને આપ શું અનુભવી રહ્યા છો?
દશરથભાઈ: અમારી ગુજરાત હિન્દુ સોસાયટી અન્ય ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ-યુકેની સ્થાપના ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા જ કરવામાં આવી, હિન્દુ કાઉન્સિલ બનાવી, જે બાદ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન (NCGO) બનાવી. નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ – NCHTની સ્થાપના પણ અહીં પ્રેસ્ટનથી કરવામાં આવેલી. ત્યારબાદ હિન્દુ ફોરમ ઓફ બ્રિટનની સ્થાપના થઈ, જેમાં ઈશ્વરભાઈ ટેલર પહેલા પ્રેસિડેન્ટ હતા. એટલે આઉટસાઈડની સંસ્થાઓ પણ અમારી સંસ્થા સાથે સંકળાયેલી રહી. આ તમામનું જોડાણ અને સહકાર હાલમાં અમને ઘણો જ મદદરૂપ થઈ રહ્યો છે.
ઈશ્વરભાઈ આપનું આગામી દસ વર્ષનું સ્વપ્ન શું છે?
ઇશ્વરભાઈઃ ગતવર્ષે અમે 50 વર્ષનો પાટોત્સવ ઊજવ્યો અને સાથેસાથે 25 વર્ષ આ મંદિરનું નવું સેન્ટર ખોલ્યું તેનો. અમે ઘણા ભાગ્યશાળી હતા કે પૂજ્ય ભાઈશ્રીની કથા પ્રેસ્ટનમાં રાખી શક્યા.
અમે ભાઈશ્રીને કહ્યું હતું કે, અમારા મંદિરને પૈસાની જરૂર નથી. તમે અમને પ્રોજેક્ટ બતાવો કે અમે તમને કેવી રીતે સપોર્ટ કરી શકીએ. આ સમયે એમણે કહ્યું કે સાપુતારામાં ગર્લ્સ યૂથ હોસ્ટેલ બની રહી છે તેનો પ્રોજેક્ટ આપણે કરીએ.
પૂજ્ય ભાઈશ્રી તો બે-ત્રણ વખત પ્રેસ્ટન આવી ગયા છે પણ અમારા માટે આ બહુ જ મોટો પ્રોગ્રામ હતો, જેને મોબિલાઈઝ કરવામાં સુરેન્દ્રભાઈ અને સી.બી. અમારા માટે સદાય હાજર જ હતા.
ભાઈશ્રીના આ પ્રોગ્રામમાં અમને ઘણી સફળતા મળી અને એની સાથેસાથે પાટોત્સવ નિમિત્તે અમે પ્રોસેશન પણ રાખ્યું. તો આ પ્રોગ્રામથી અમે ઓવરઓલ 350,000 પાઉન્ડ એકત્ર કર્યા, જે પૈકી 260,000 પાઉન્ડ સાંદીપનિ સાતે સંકળાયેલા અહીંના સાંસ્કૃતિક ફાઉન્ડેશન-યુકેને અર્પણ કરવામાં આવ્યા હતા.
આસિતભાઈ, તમે આ કાર્યક્રમમાં વોલેન્ટિયર્સ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
આસિતભાઈ: હું ભાગ્યશાળી છું કે મને યુકેની આટલી મોટી સંસ્થામાં સેક્રેટરી પદ મળ્યું છે અને અનુભવીમાં દશરથભાઈ નાયી અને ઈશ્વરભાઈ ટેલર અમને ગાઇડ કરે છે. કોવિડ દરમિયાન ઘણી મુસીબત થઈ હતી. 2016 માં હું આ સંસ્થા સાથે સંકળાયો. 10 વર્ષની અંદર ઘણું બધું શીખ્યો. કોવિડમાં પણ ઘણી જ તકલીફ હતી, આ ગાળામાં પણ દશરથભાઈ અને ઈશ્વરભાઈ તરફથી ઘણું સારું ગાઇડન્સ મળ્યું કે, કેવી રીતે આપણે સંસ્થાને રન કરીએ. કથા બાદ આપણે સુવેનિયરનો પ્રોજેક્ટ લીધો હતો. સુવેનિયરમાં ઈશ્વરભાઈએ ઘણી સુંદર રીતે જવાબદારી લીધી અને બધું મટિરિયલ એકઠું કર્યું અને આપણને જણાવ્યું કે આપણે શું શું કરી શકીએ છીએ? કથા દરમિયાન દશરથભાઈ અને ઈશ્વરભાઈના માર્ગદર્શન હેઠળ યંગસ્ટર તરીકે અને એક ફ્યુચરમાં પણ આપણને જે પ્રેરણા મળે એની ખૂબ જ સુંદર ટ્રેનિંગ મળી હતી. વોલન્ટિયર્સ જોડે ઘણી મીટિંગો કરવામાં આવી હતી. પ્રેસ્ટનના વોલન્ટિયર્સે ઘણો જ સમય આપીને ખૂબ સુંદર રીતે કથાનું કાર્ય વિના વિઘ્ને જે પૂરું કર્યું છે એ આભારને પાત્ર છે. તેમાં માર્ગદર્શન હેઠળ દશરથભાઈ અને ઈશ્વરભાઈનો ખૂબ મોટો ફાળો હતો અને વોલન્ટિયર્સનો સપોર્ટ હતો. રોજ અમારે ઓછામાં ઓછા 800થી 1000 માણસની રસોઈ થતી હતી. આ દરમિયાન ઘણા સારા અનુભવો પણ થયા છે. ખાસ તો અમે શીખી શક્યા કે ભવિષ્યમાં જો કોઈ આવા કાર્યક્રમો કરવા પડે તો કેવી રીતે ઓર્ગેનાઇઝ કરી શકીએ.
તરલિકાબહેન બાળકો અને યુવાનોને આપ શું સંદેશ આપવા માગો છો?
તરલિકાબહેનઃ આજનું બાળક આવતીકાલનો નાગરિક છે, એ લોકોએ જ બધું સંભાળવાનું છે. આપણા વડીલોએ આંબો રોપ્યો છે, એ આંબાની કેરી આપણે ખાઈએ છીએ અને આપણે જે રોપીશું તે આપણાં બાળકો ખાશે. એટલે બાળકો જ ભવિષ્ય એમનું સુધારશે ને કરશે, પરંતુ તેમને એન્કરેજ કરવા ખૂબ જરૂરી છે, જેથી એ લોકો ભવિષ્યમાં આવાં કાર્યો કરી શકે.
ભારતીબહેનઃ આપના અનુભવો માત્ર સ્મૃતિઓ નથી રહ્યા, તેઓ આવતી પેઢી માટે પ્રેરણા બની ગયા છે. આપણે સૌ જ્યાં જ્યાં વસીએ ત્યાં ત્યાં આપણી માતૃભાષા, સંસ્કૃતિ અને સેવાભાવની જ્યોત સતત પ્રગટતી રહે એ જ આ કાર્યક્રમનો સંદેશ હતો.
સી.બી. પટેલઃ બ્રિટનનું વૃંદાવન પ્રેસ્ટન મારું ગામ છે. પ્રેસ્ટને ધર્મ અને સમાજની અદભુત સેવા કરી છે. આ શુભકાર્યમાં થોડાં એવાં નામ પણ છે, જેને યાદ કરવાં જ પડે. ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના પાયામાં રામભક્ત, સોમાભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, નામ છોટા અને કામ મોટા એવા મારા છોટાભાઈ, જયસુખભાઈ પટણી, છોટુભાઈ રામજી પટણી, સુરેન્દ્રભાઈ પટેલ, રામબાપા, મનુભાઈ માધવાણી, શારદાબહેન માધવાણી, હાઇ કમિશનર સિંઘવી સાહેબ. આ તમામનો સંસ્થાને ઊભી કરવામાં સિંહફાળો રહ્યો છે. હતા. પ્રેસ્ટનની બહેનોએ પણ બહુ મોટો ફાળો આપ્યો છે, જેમાં ચારુબહેન, ભાનુબહેન, તારાબહેન, ઉર્વશીબહેન જેવી અનેક બહેનો છે. હું ઘણી બધી બહેનોને જાણું છું. આ સિવાય ભૂપેન્દ્રભાઈ કણસાગરા, પૂજ્ય ભાઈશ્રી, રામબાપા, સચ્ચિદાનંદ સ્વામી કોનાં-કોનાં નામ આપવાં?
ડાહ્યાભાઈ પ્રજાપતિ: મને એક વિચાર આવ્યો કે બાળકોને છ અઠવાડિયાંની સ્કૂલની રજા હોય તેમાં જો ત્રણ કે ચાર વીક ગુજરાતી શિક્ષણ આપવાનું પ્રેસ્ટન, લેસ્ટર કે આસપાસનાં ગામો આયોજન કરે તો હું સેવા આપવા તૈયાર છું. મને ગૌરવ થાય છે કે આઇ એમ પાર્ટ ઓફ યોર ટીમ અને તમારા પરિચય વર્તુળમાં છું.
જ્યોત્સનાબહેન: દશરથભાઈ અને ઈશ્વરભાઈ વર્ષોથી સરસ કામ કરે છે, પરંતુ સવાલ તો આપણે આપણા માટે જ કરવાનો છે. સંસ્થા બહુ સારી શૈક્ષણિક ને સામાજિક પ્રવૃત્તિ કરે છે. યૂથને આકર્ષવા માટે વિવિધ પ્રયોગો અજમાવે છે, પરંતુ આપણા ઘરમાં જ બાળકોને દાદા-દાદી સાથે, આપણી સાથે ગુજરાતી બોલતાં કરીએ તો તેઓને સરળતાથી શીખવી શકાય છે. પરિવાર દ્વારા ઘરમાં જ ગુજરાતી બોલાતું થશે તો તેમનામાં નાનપણથી ગુજરાતી ભાષા પ્રત્યેનું ગૌરવ ઊભું થશે.

પ્રેસ્ટનના ગુજરાતી સમાજને સમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.