બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબુ બેલેટ પેપર

રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજના રાજીનામા બાદ ક્લેક્ટન સંસદીય પેટા ચૂંટણી માટે તૈયાર કરાયેલું બેલેટ પેપર બ્રિટિશ ઇતિહાસનું સૌથી લાંબુ બેલેટ પેપર બની રહ્યું છે. આ બેલેટ પેપર 90 સેમી લાંબુ છે.
લંડનઃ રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજના રાજીનામા બાદ ક્લેક્ટન સંસદીય પેટા ચૂંટણી માટે તૈયાર કરાયેલું બેલેટ પેપર બ્રિટિશ ઇતિહાસનું સૌથી લાંબુ બેલેટ પેપર બની રહ્યું છે. આ બેલેટ પેપર 90 સેમી લાંબુ છે. સ્થાનિક કાઉન્સિલના જણાવ્યા અનુસાર સામાન્ય કરતાં આ બેલેટ પેપર ચાર ગણું લાંબુ હોવાથી તેનું પ્રિન્ટિંગ ખર્ચાળ સાબિત થઇ રહ્યું છે.
રિટર્નિંગ ઓફિસર ઇયાન ડેવિડસને જણાવ્યું હતું કે, 13 ઓગસ્ટે યોજાનારા મતદાનમાં બેલેટ પેપરનું કદ મોટું હોવાથી મતદાન મથકો પર બે ટેબલો જોડવા પડશે અને મતોની ગણતરી તથા ચકાસણી પહેલાં તેને અલગ-અલગ બેચમાં વર્ગીકૃત કરવા પડશે.
આ પેટાચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારોનો રેકોર્ડ પણ સર્જાઇ રહ્યો છે. અગાઉ જુલાઇ 2008ની હોલ્ટેમપ્રાઇસ એન્ડ હૌડન પેટાચૂંટણીમાં 26 ઉમેદવારનો રેકોર્ડ હતો. આ પેટાચૂંટણીમાં કુલ 34 ઉમેદવાર મેદાનમાં છે જેમાંથી 20 અપક્ષ ઉમેદવાર છે. ઉલ્લેખનીય બાબત તો એ છે કે લેબર, કન્ઝર્વેટિવ, લિબરલ ડેમોક્રેટ્સ, ગ્રીન પાર્ટી અને રિસ્ટોર બ્રિટન જેવા મુખ્ય રાજકીય પક્ષોએ આ પેટાચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.
