ભાદરણ કોમ્યુનિટી દ્વારા ધામધૂમથી વાર્ષિક પિકનિક યોજાઈ
કિંગ્સબરી હાઈ સ્કૂલ નજીકના ગ્રાઉન્ડમાં બોલીવૂડ ગીતોના જોરશોરથી આવતાં અવાજો પરથી જ જાણી શકાય કે ભારદણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા ભાદરણ કોમ્યુનિટીની વાર્ષિક પિકનિક 2026 યોજાઈ છે. સૂર્યપ્રકાશ સાથે કિંગ્સબરી પણ મહિલાઓની રંગબેરંગી સાડીઓ અને પુરુષોના કુર્તાઓ તેમજ પરિવારો અને મિત્રો સાથે આનંદ કરી રહેલા યુવાનો અને વૃદ્ધો સાથે જીવંત બનીગયું હતું. ભાદરણ કોમ્યુનિટી માટે વતનથી હજારો માઈલ દૂર પણ વતન હોવાનો માહોલ બની રહ્યો હતો.
લંડનઃ કિંગ્સબરી હાઈ સ્કૂલ નજીકના ગ્રાઉન્ડમાં બોલીવૂડ ગીતોના જોરશોરથી આવતાં અવાજો પરથી જ જાણી શકાય કે ભારદણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા ભાદરણ કોમ્યુનિટીની વાર્ષિક પિકનિક 2026 યોજાઈ છે. સૂર્યપ્રકાશ સાથે કિંગ્સબરી પણ મહિલાઓની રંગબેરંગી સાડીઓ અને પુરુષોના કુર્તાઓ તેમજ પરિવારો અને મિત્રો સાથે આનંદ કરી રહેલા યુવાનો અને વૃદ્ધો સાથે જીવંત બનીગયું હતું. ભાદરણ કોમ્યુનિટી માટે વતનથી હજારો માઈલ દૂર પણ વતન હોવાનો માહોલ બની રહ્યો હતો.
આ વાર્ષિક ઈવેન્ટમાં દાયકાઓથી ગુજરાતના ઐતિહાસિક ભાદરણ ગામમાં મૂળિયાં ધરાવતા પરિવારોના 220 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક રિયુનિયનમાં સંગીત, ડાન્સ, ફંડરેઈઝિંગ અને કોમ્યુનિટીની સિદ્ધિઓને બિરદાવવા સાથે સાંસ્કૃતિક વિરાસતના જતનમાં મદદનો પણ સમાવેશ થયો હતો.ઈન્સ્ટ્રક્ટરના માર્ગદર્શન સાથે મહિલાઓ બોલીવૂડના ક્લાસિક નૃત્યોની રમઝટમાં સામેલ થઈ હતી. જો ડાન્સિંગે અદ્ભૂત માહોલ સર્જ્યો હતો, તો તાજી બનાવેલી પાણીપૂરી આરોગવા માટેની લાઈન ક્યાંથી પાછળ રહી શકે?
1982માં સ્થાપિત ચેરિટી ભારદણ બંધુ સમાજ યુકે (BBS UK)નું સંચાલન સંપૂર્ણપણે વોલન્ટીએર્સના હસ્તક છે. ગત ચાર દાયકાના સમયગાળામાં તેના દ્વારા યુકે અને ભાદરણમાં એજ્યુકેશન, હેલ્થકેર અને કોમ્યુનિટી પ્રોજેક્ટ્સને સપોર્ટ આપવા ઉપરાંત, ડાયસ્પોરાના સભ્યોને તેમના પૂર્વજોના વતન સાથે જોડાયેલા રહેવામાં મદદ કરાય છે. BBS UKના પ્રેસિડેન્ટ બિમલભાઈ પટેલ માટે આ વાર્ષિક મેળાવડો સંસ્થાના આરંભ સમયે હતો તેટલો જ પ્રસ્તુત છે. બિમલભાઈએ કહ્યું હતું કે,‘અમે 30કરતાં વધુ વર્ષથી આ ઈવેન્ટનું આયોજન કરીએ છીએ કારણકે તે આપણી કોમ્યુનિટીને સાથે લાવે છે. લોકો સમગ્ર યુકેમાં ફેલાઈ ગયા છે અને જીવન વ્યસ્ત બની ગયું છે, પરંતુ આ ઈવેન્ટ બધાને ફરી જોડાઈ રહેવાની તક પૂરી પાડે છે. અમે સંગીત, નૃત્ય અને ફૂડ મારફત અમારી સંસ્કૃતિની ઉજવણી કરીએ છીએ તેમજ ચેરિટેબલ ઉદ્દેશોને સહાયરૂપ થવા ભંડોળ પણ એકત્ર કરીએ છીએ.’ તેમણે ઉમેર્યું હતું કે યુવા પેઢીને આ ઈવેન્ટ સાથે વધુ સાંકળવાને પ્રોત્સાહન સંસ્થાની પ્રાથમિકતાઓમાં એક છે.
પોતાની નાની દીકરી સાથે ઉપસ્થિત વોલન્ટીઅર આરતીબહેન પટેલ-ઉજેનીઆ પોતે જ નાની વયનાં હતાં ત્યારથી આ પિકનિકમાં હાજરી આપતાં આવ્યાં છે. તેઓ કહે છે, ‘હું આ કોમ્યુનિટીમાં જ ઉછરી છું અને જેમની સાથે ઉછરી છું તેવા ઘણા લોકો અહીં આવતા હોય છે. દર વર્ષે અમે અહીં જ ફરી મળીએ છીએ. જીવન વ્યસ્ત છે, લોકો દૂર રહેતા જાય છે, પરંતુ આ ઈવેન્ટ હંમેશાં અમારામાંથી ઘણાને સાથે લાવે છે.’ તેમણે કહ્યું હતું કે ચેરિટીની અસર આ વાર્ષિક ઈવેન્ટથી પણ આગળ રહે છે. લોકો હંમેશાં તેમનાથી શક્ય હોય તે ઉદારતાથી આપતાં રહે છે.
હેરોના પૂર્વ મેયર અંજનાબહેન પટેલ દ્વારા કરાયેલા કાર્યોને બિરદાવતું પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું. હેરોના વર્તમાન મેયર કાઉન્સિલર યોગેશભાઈ તેલીએ સામુદાયિક સંબંધો મજબૂત બનાવવા બદલ સંસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કોમ્યુનિટીઓ સંકળાયેલી જ રહેવી જોઈએ. આપણે ઘણી વખત લોકોને તેમના પડોશીઓને જાણવાનું પ્રોત્સાહન આપીએ છીએ, અહીં તમે જે નિહાળો છો તે કાંઈક વિશેષ છે - ઊંડા મૂળ, મજબૂત મિત્રતા અને અને આ મૂલ્યોને ભાવિ યુવા પેઢીઓને પસાર કરવાની સાચી પ્રતિબદ્ધતા સાથેની કોમ્યુનિટી છે.’
દિનેશભાઈ અને કિન્નરીબહેન પટેલ માટે આ ઈવેન્ટ લગભગ ચાર દાયકા સુધી વિસ્તરેલી વાર્ષિક પરંપરા બની ગયો છે. દિનેશભાઈએ હાસ્ય સાથે કહ્યું હતું કે,‘ અમે ખરેખર વેકેશન પર જવાની યોજના ઘડી રહ્યા હતા, પરંતુ આ પિકનિક ગુમાવવા ઈચ્છતા ન હોવાથી તે રદ કર્યું હતું.’ નેવુંના દાયકાથી સક્રિય સભ્ય રહેલા આ દંપતીએ ઈવેન્ટને વિકસતો નિહાળ્યો છે. કિન્નરીબહેને જણાવ્યું હતું કે, ‘અગાઉના દિવસોમાં અમે જાતે જ 500થી વધુ લોકો માટે રસોઈ બનાવતાં હતાં. કામ મુશ્કેલ હતું, પરંતુ મઝા આવતી હતી. આજે ઈવેન્ટનું કેટરર્સ સાથે વધુ પ્રોફેશનલી સંચાલન કરાય છે, પરંતુ હેતુમાં કોઈ બદલાવ આવ્યો નથી.’
લાંબા સમયથી ‘ચરોતરના પેરિસ’ તરીકે ઓળખાતું ભાદરણ તેની શિક્ષણ, નગર આયોજન અને કોમ્યુનિટી સેવાની સમૃદ્ધ પરંપરા સાથેગુજરાતના સૌથી પ્રગતિશીલ ગામોમાં એક છે. આજે ગામમાં મૂળિયાં ધરાવતા હજારો લોકો વિશ્વમાં યુકે, નોર્થ અમેરિકા, ઈસ્ટ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં રહે છે. આપણા પોતાના ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી અને BBS UKના સ્થાપક સભ્ય સી.બી. પટેલ પણ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ મેયરની સાથે મેળાવડાને સંબોધન કરતા પહેલા આયોજકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમય પસાર થવા સાથે સાંજ પડી ત્યારે બાળકોએ રમતોમાં આનંદ મેળવ્યો અને પરિવારોના સભ્યો મહિનાઓથી નહિ મળેલા મિત્રો સાથે સમય પસાર કર્યો હતો. એક તરફ, બોલીવૂડનું મ્યુઝિક હોલને ગજાવી રહ્યું હતું ત્યારે વોલન્ટીઅર્સ દ્વારા સહુને ડોસા અને ઈડલી પીરસવામાં આવ્યાં હતાં. એક વોલન્ટીઅરે જાહેર કર્યું કે,‘ગરબા ન રમાય ત્યાંસુધી ગુજરાતી ઈવેન્ટ કેવી રીતે કહેવાય? આ પછી, ગરબાની રમઝટ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. થોડાં હુંફાળા કલાકોમાં તો એવું લાગ્યું કે લંડનને ભાદરણથી અલગ પાડતા હજારો માઈલનું અંતર ઓગળી જ ગયું છે.
