માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની જીત, 30 વર્ષથી બેઠક અડીખમ

માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ 3 ઓગસ્ટે જાહેર થયું હતું. 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીમાં માત્ર 37.05 ટકા મતદાન નોંધાયા બાદ કુલ 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ હતી. મતગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલે 30,499 મતની લીડ સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને કુલ 24,585 મત મળ્યા હતા. આ જીત સાથે ભાજપે માંજલપુર બેઠક પર પોતાનો દબદબો યથાવત્ રાખ્યો છે.
વડોદરાઃ વડોદરાઃ માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ 3 ઓગસ્ટે જાહેર થયું હતું. 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીમાં માત્ર 37.05 ટકા મતદાન નોંધાયા બાદ કુલ 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ હતી. મતગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલે 30,499 મતની લીડ સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને કુલ 24,585 મત મળ્યા હતા. આ જીત સાથે ભાજપે માંજલપુર બેઠક પર પોતાનો દબદબો યથાવત્ રાખ્યો છે.
મતગણતરી દરમિયાન શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર સતિષ પટેલ સતત આગળ રહ્યા હતા. 14મા રાઉન્ડના અંતે તેમને 40,510 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ભીખા રબારીને 18,001 મત મળ્યા હતા અને ભાજપ 22,509 મતથી આગળ હતો. ત્યારબાદ 17મા રાઉન્ડના અંતે સતિષ પટેલને 49,631 મત મળ્યા હતા, જ્યારે ભીખા રબારીને 21,183 મત મળ્યા હતા. નોટાને તે સમયે 1,998 મત મળ્યા હતા અને ભાજપની લીડ વધીને 27,448 મત થઈ ગઈ હતી. અંતે 19મા રાઉન્ડની ગણતરી પૂર્ણ થતાં ભાજપે 30,499 મતની નિર્ણાયક લીડ સાથે જીત નોંધાવી હતી.
વિજય બાદ ભાજપના ઉમેદવાર સતિષ પટેલે જણાવ્યું હતું કે, ‘માંજલપુરની જનતાએ જે રીતે યોગેશ કાકાને સહકાર આપ્યો હતો, એ જ વિશ્વાસ અને પ્રેમ મને પણ આપ્યો છે. આ જીત લોકોના આશીર્વાદ અને કાર્યકરોની મહેનતનું પરિણામ છે. હું આ જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠા સાથે આગળ વધારીશ.’ બીજી તરફ ભાજપની જીત નિશ્ચિત બનતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહિલા કાર્યકરોએ ગરબા રમીને વિજયની ઉજવણી કરી હતી.
વડોદરા મહાનગરપાલિકાનાં મેયર ગીતાબહેન મકવાણાએ જણાવ્યું હતું કે, માંજલપુર વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. પાર્ટીના કાર્યકરોએ ઘર-ઘર જઈને લોકોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા અને તેમની મહેનતનું પરિણામ આજે મળ્યું છે. પરિણામ બાદ કાર્યકરો વિજય રેલી માટે એકત્ર થયા હતા.
