એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

માઇક્રોન ટેક્નોલોજીના ભારતીય મૂળના સીઇઓ સંજય મેહરોત્રાએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 4 જુલાઈના રોજ અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમની કંપની ટ્રમ્પ એકાઉન્ટ્સમાં 250 મિલિયન ડોલરનું રોકાણ કરશે. 

ભારતીય મૂળના સીઇઓ સંજય મેહરોત્રાએ ટ્રમ્પ એકાઉન્ટ્સમાં 250 મિલિયન ડોલરનું દાન આપ્યું

વોશિંગ્ટનઃ માઇક્રોન ટેક્નોલોજીના ભારતીય મૂળના સીઇઓ સંજય મેહરોત્રાએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 4 જુલાઈના રોજ અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમની કંપની ટ્રમ્પ એકાઉન્ટ્સમાં 250 મિલિયન ડોલરનું રોકાણ કરશે. કોર્પોરેટ જગત તરફથી આ ફંડમાં આપવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું સિંગલ ડોનેશન છે. પ્રમુખ ટ્રમ્પે માઇક્રોન ટેક્નોલોજીના આ ઐતિહાસિક નિર્ણયને બિરદાવતા જણાવ્યું હતું કે, માઇક્રોન સીધા અમેરિકન શ્રમિકો અને પરિવારોમાં રોકાણ કરી રહી છે.

000000000000000000000000000000000000000

બે ભારતીય-અમેરિકનને એન્જિનિયરિંગનું સર્વોચ્ચ સન્માન

ન્યૂયોર્કઃ બે અગ્રણી ભારતીય-અમેરિકન ટેકનોલોજી લીડર્સની 'એશિયન અમેરિકન એન્જિનિયર ઓફ ધ યર' (AAEOY) એવોર્ડ્સના 2025–2026ના વિજેતાઓ તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે સ્ટેનફોર્ડ ડુઅર સ્કૂલ ઓફ સસ્ટેનેબિલિટીના ડીન અરુણ મજુમદારને 'ડિસ્ટિંગ્વિશ્ડ લીડરશિપ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી એવોર્ડ' એનાયત કરવામાં આવશે. જ્યારે 'ફુજિત્સુ રિસર્ચ ઓફ અમેરિકા'ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઇન્દ્રદીપ ઘોષની 'એક્ઝિક્યુટિવ ઓફ ધ યર એવોર્ડ' માટે પસંદગી કરવામાં આવી છે. અરુણ મજુમદાર સ્ટેનફોર્ડની ડુઅર સ્કૂલ ઓફ સસ્ટેનેબિલિટીના પ્રથમ ડીન છે. આ ઉપરાંત તેઓ જય પ્રીકોર્ટ પ્રોફેસર તરીકે તેમજ મિકેનિકલ એન્જિનિયરિંગ, એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને ફોટોન સાયન્સના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ પ્રીકોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર એનર્જી અને હૂવર ઇન્સ્ટિટ્યૂશનમાં સિનિયર ફેલો પણ છે. ઇન્દ્રદીપ જાન્યુઆરી 2023 થી CEO તરીકે કાર્યરત છે. સનીવેલ, કેલિફોર્નિયા સ્થિત કંપનીની યુએસ રિસર્ચ કામગીરીની દેખરેખ રાખે છે અને ફુજિત્સુની વૈશ્વિક સંશોધન ટીમો સાથે નોર્થ અમેરિકન સંશોધનનું સંકલન કરે છે.

000000000000000000000000000000000000000

અમેરિકન ઇગલે રવિ થાનાવાલાને આગામી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને CFO તરીકે નિયુક્ત કર્યા

ન્યૂયોર્કઃ અમેરિકન ઇગલ આઉટફિટર્સ કંપનીએ ભારતીય મૂળના રવિ થાનાવાલાની આગામી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) તરીકે વરણી કરી છે. આ વરણી આગામી 3 ઓગસ્ટથી અમલી બનશે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે શૉટનસ્ટીને જણાવ્યું હતું કે, અમે એક્ઝિક્યુટિવ ટીમમાં રવિ થાનાવાલાનું સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ. રિટેલ ક્ષેત્રનો તેમનો બહોળો અનુભવ, ગતિશીલ નેતૃત્વ શૈલી અને ગ્રાહકલક્ષી બ્રાન્ડ્સ માટે ઓપરેશનલ શ્રેષ્ઠતા લાવવાનો તેમનો સાબિત થયેલો ટ્રેક રેકોર્ડ આપણને લાંબાગાળાની સફળતા તરફ આગળ વધારશે. રવિ થાનાવાલાએ જણાવ્યું હતું કે તેમનું તાત્કાલિક લક્ષ્ય નેતૃત્વના સરળ પરિવર્તનને સુનિશ્ચિત કરવાનું છે.

000000000000000000000000000000000000000

નોર્થ કેરોલિનામાં 2 વર્ષના માસૂમની હત્યાના પ્રયાસ માટે ભારતીય મૂળના પિતાની ધરપકડ

નોર્થ કેરોલિનાઃ અમેરિકાના નોર્થ કેરોલિનામાં 41 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિ કિરણ નેથા પસુનૂરી પર પોતાના જ 2 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને અત્યંત નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપી સામે ગંભીર શારીરિક ઇજા પહોંચાડવા, અને ઇરાદાપૂર્વક બાળ શોષણના બે ગુના નોંધવામાં આવ્યા છે. બીજી જૂનના રોજ પસુનૂરીએ બાળક પર એટલો ઘાતકી હુમલો કર્યો હતો કે તેના માથાની ખોપરીમાં જીવલેણ ઇજાઓ પહોંચી હતી. બાળકની સ્થિતિ એટલી ગંભીર હતી કે સર્જન્સે ઓપરેશન કરીને તેના માથાની ખોપરીનો એક ભાગ હટાવવો પડ્યો હતો. આ ઉપરાંત, બાળકની કરોડરજ્જુમાં પણ ગંભીર ઇજા થઇ હતી.

000000000000000000000000000000000000000

આયોવામાં સગીરાને સેક્સ માટે નાણાની ઓફર કરનાર નયન પટેલની ધરપકડ

આયોવાઃ સગીરાને શારીરિક સંબંધ માટે નાણાની ઓફર કરવાના આરોપસર આયોવામાં 46 વર્ષના નયન પટેલની ધરપકડ કરાઇ છે. મેરિયન શહેરમાં રહેતો નયન પટેલ દોષી પૂરવાર થશે તો તેને લાંબો સમય જેલમાં રહેવું પડશે. આ કેસમાં અન્ય 14 લોકોની પણ ધરપકડ કરાઇ છે. નયન પટેલને ફેક સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવીને ઝડપી લેવાયો હતો. પોલીસ આ પ્રકારના અંડરકવર ઓપરેશનમાં છોકરીઓના નામે ફેક પ્રોફાઇલ બનાવીને ચેટ કરતી હોય છે.

000000000000000000000000000000000000000

ગોલ્ડ સ્કેમઃ ઓહાયોમાં મનન શાહ અને અંકિત ગુપ્તાની ધરપકડ

વેસ્ટલેકઃ ઓહાયોમાં મહિનાઓથી ચાલી રહેલા એક મોટા ગોલ્ડ સ્કેમનો પર્દાફાશ કરતા પોલીસે મનન શાહ અને અંકિત ગુપ્તાની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં એક 78 વર્ષીય વૃદ્ધા પાસેથી અંદાજિત બે લાખ ડોલરનું સોનુ પડાવવાનો પ્રયાસ કરાયો હતો. મનન શાહ અને અંકિત ગુપ્તા અગાઉ પેન્સિલવેનિયા સ્થિત કુરિયર તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ આ કૌભાંડ અંગે કોઈ પણ જાણકારી હોવાનો ઈનકાર કર્યો છે. તેઓએ દાવો કર્યો છે કે તેમને માત્ર પાર્સલ કલેક્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી અને તેઓ આ છેતરપિંડીથી અજાણ હતા. હાલ પોલીસ આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.

000000000000000000000000000000000000000

જ્યોર્જિયામાં ટ્રકમાંથી સામાન અનલોડ કરતી વખતે સંજય પટેલનું મોત

મેકનઃ અમેરિકાના જ્યોર્જિયાના મેકન સ્થિત રમાડા ઇન હોટેલમાં કામ કરતા ગુજરાતી સંજય પટેલનું અકસ્માતે મોત થયું હતું. સંજય પટેલ હોટેલ ખાતે ટ્રકને અનલોડ કરી રહ્યા હતા ત્યારે તેમના પર ભારે સામાન પડતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, સંજય પટેલ ટ્રકમાં આવેલો સામાન ઉઠાવી રહ્યા હતા ત્યારે તેમના પર લોખંડનો દરવાજો પડતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં લઇ જવાનો પણ સમય મળ્યો નહોતો.

000000000000000000000000000000000000000

ન્યૂજર્સીમાં સસ્તા શાકભાજી ખરીદવા ગુજરાતીઓની પડાપડી

ન્યૂજર્સીઃ અમેરિકાના ન્યૂજર્સી સ્થિત એક ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ખાતે સસ્તું શાકભાજી ખરીદવા ગુજરાતીઓએ રીતસરની પડાપડી કરી મૂકી હતી. સસ્તી ઓફરના કારણે લોકો જાણે એવી રીતે બેગો ભરી રહ્યાં હતાં કે હવે પછી મળવાનું જ નથી. સ્ટોર દ્વારા પરવર અને સરગવાના ભાવમાં મોટા ઘટાડાની જાહેરાત કરાયા બાદ ગુજરાતીઓ ખરીદી કરવા ઉમટી પડ્યાં હતાં.

000000000000000000000000000000000000000

ભારતીય મૂળના ઠગે CIA એજન્ટ હોવાનો ડોળ કરી ઇન્ડોનેશિયા સાથે સંરક્ષણ સોદા કર્યા

જાકાર્તાઃ અમેરિકાની CIAના એજન્ટ હોવાનો દાવો કરનાર એક ભારતીય મૂળના ઉદ્યોગપતિએ ઇન્ડોનેશિયાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો કેળવીને અબજો ડોલરના પ્રાથમિક સંરક્ષણ સોદા કર્યા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ગૌરવ શ્રીવાસ્તવ નામના આ વ્યક્તિએ ઇન્ડોનેશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સંરક્ષણ મંત્રી તરીકે કાર્યરત હતા ત્યારે તેમની સાથે મજબૂત સંબંધો સ્થાપિત કર્યા હતા.  આ પ્રાથમિક કરારોમાં ફાઇટર જેટ, હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને મિલિટરી કમાન્ડ સિસ્ટમ્સ ખરીદવાની યોજનાઓ સામેલ હતી. જોકે, ગૌરવ શ્રીવાસ્તવે પોતાની વેબસાઇટ પર આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને સંપૂર્ણપણે કાલ્પનિક અને પાયાવિહોણા ગણાવ્યા છે.

000000000000000000000000000000000000000

ટોરન્ટોમાં ફોર બ્રધર્સ ગેંગ સાથે સંકળાયેલા વધુ એક ભારતીય કેનેડિયનની ધરપકડ

ટોરન્ટોઃ કેનેડામાં હિંસક પ્રવૃત્તિઓ કરતી ગુનાહિત ગેંગ ફોર બ્રધર્સ સાથે કથિત સંડોવણી બદલ કેનેડિયન પોલીસે વધુ એક ભારતીય મૂળના શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. એડમન્ટન પોલીસ સર્વિસ દ્વારા ગુરુવારે 22 વર્ષીય સફલદીપ સિંહની ધરપકડની જાહેરાત કરવામાં આવી હતી. સફદીપ વિરુદ્ધ હત્યાના કાવતરા અને ખંડણી સંબંધિત મામલાઓમાં વોરંટ જારી કરાયા હતા. સમગ્ર કેનેડામાં ફોર બ્રધર્સ ગેંગ સંગઠિત ગુનાહિત નેટવર્ક છે જે ગ્રેટર ટોરન્ટો એરિયા તેમજ અમેરિકામાં ભારતીય-કેનેડિયન ઉદ્યોગપતિઓ અને સમુદાયના સભ્યોને નિશાન બનાવી ગોળીબાર અને ખંડણીની પ્રવૃત્તિઓ ચલાવે છે.

000000000000000000000000000000000000000

દુબઈ લોટરીમાં બે ભારતીયોનું નસીબ ચમક્યું, પ્રત્યેકને  રૂપિયા 9.5 કરોડની બમ્પર લોટરી

અબુધાબીઃ યુએઈની સૌથી લોકપ્રિય દુબઈ ડ્યુટી ફ્રી મિલેનિયમ મિલિયોનેર લોટરીના ડ્રોમાં કેરળના બે પ્રવાસી ભારતીયો રાતોરાત કરોડપતિ બની ગયા છે. આ ડ્રોમાં બંને નસીબદારોને પ્રત્યેકને 1 મિલિયન યુએસ ડોલર (આશરે  રૂપિયા 9.5 કરોડ) ની માતબર રકમ ઈનામમાં મળી છે. આ વિજેતાઓમાં અબુ ધાબીમાં સ્થાયી થયેલા 48 વર્ષીય એવિએશન ઓપરેટર કબીર પૂવથિંગલ અને શારજાહ એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્રી ઝોનમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા 30 વર્ષીય મોહમ્મદ શિબિલ તૈયીલ સામેલ છે. કબીરે જણાવ્યું હતું કે, આ એક અદ્ભુત અને જીવન બદલી નાખનારો અનુભવ છે. હું દરેકને આમાં નસીબ અજમાવવા માટે પ્રોત્સાહિત કરીશ. કેરળના જ વતની મોહમ્મદ શિબિલ તૈયીલે જણાવ્યું હતું કે, લોટરીએ મારું જીવન બદલી નાખ્યું છે. આ અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ સમાચાર છે.

000000000000000000000000000000000000000

કુવર અમૃતબીર સિંહ ઈન્ડોનેશિયન રોયલ હાઉસ દ્વારા શાહી ખિતાબથી સન્માનિત

જાકાર્તાઃ ભારતના પંજાબના ગુરદાસપુરના ફિટનેસ ઉત્સાહી અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક કુવર અમૃતબીર સિંહને ઇન્ડોનેશિયામાં આયોજિત એક ભવ્ય સમારોહમાં દેશના રાજવી પરિવાર દ્વારા શાહી ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. અમૃતસરની ખાલસા કોલેજના વિદ્યાર્થી અમૃતબીર સિંહ જુલાઈ 2022માં પહેલીવાર વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યા હતા. તેમણે એક મિનિટમાં આંગળીઓના ટેરવા પર સૌથી વધુ ક્લેપ પુશ-અપ્સ કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેઓ યુવા પેઢીમાં નેચરલ ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે.

000000000000000000000000000000000000000

એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.